બહુ બીક લાગે છે-પરાજિત ડાભી

હવે આ માણસોની વાતની બહુ બીક લાગે છે.
મને મારી જ ખુદની જાતની બહુ બીક લાગે છે.

દિવસનાં સૂર્યનો રંજાડ સહેવાની પડી આદત,
મને ઝળહળ થતી આ રાતની બહુ બીક લાગે છે.

કરે છે કંટકો જે ઘાવ એ તો હોય છે સારા,
મને ફૂલો તણા આઘાતની બહુ બીક લાગે છે.

કરે ઘૃણા જગતનાં લોક તે હોતી નથી ઘાતક,
પરંતુ પ્રેમની સોગાતની બહુ બીક લાગે છે.

કદી દીવાસળીમાંથી જ દાવાનળ બની જાશે,
મને આ શબ્દની તાકાતની બહુ બીક લાગે છે.

( પરાજિત ડાભી )

અને-માધવ રામાનુજ

વરસે અનરાધાર
અને મન કોરું કોરું !
તરસે લથબથ પ્રાણ
અને મન કોરું કોરું !

અંતરમાં એકલતાનું રણ ધોમ ધખે છે ત્યારે,
પગરવને અંકૂરિત કરવા બીજ રોપશો ક્યારે ?
મૃગજળ સમા વિરહના દરિયા
ને સ્મરણોનું ફોરું…
વરસે અનરાધાર
અને મન કોરું કોરું…

અમને અંતરિયાળ મળ્યું એ હતું કયું અજવાળું !
એક જ ઝબકારે અનંતને આરપાર હું ભાળું…
તોય નથી તલભાર પલળતું,
આંસુ ફોરું ફોરું…
વરસે અનરાધાર
અને મન કોરું કોરું !
તરસે લથબથ પ્રાણ
અને મન કોરું કોરું !

( માધવ રામાનુજ )

ફૂલના આંસુ-પન્ના નાયક

ભમરાએ
કદી, કોઈ દિવસ
ફૂલનાં આંસુ લૂછ્યાં હોય એવું
આજ લગી જાણ્યું નથી.
એ તો આવે ને જાય
ગીત એનાં જ ગાય
ને
જતાં જતાં
ડંખ એક મૂકી જાય.
માની લ્યો
કે
ક્યારેક, કદાચ
કોઈ ભમરાએ
ફૂલનાં આંસુ લૂછ્યાં હોય
તો
ભમરાઓની સભા ભરાય
ને
એમાં જાહેર થાય
કે આવું તે થાય ?
ચાલો,
આ ભમરાને
આપણી ન્યાતબહાર મૂકો,
કારણ કે
એણે ગુનો કર્યો છે
ફૂલનાં આંસુ લૂછવાનો…

( પન્ના નાયક )

તેં સાંભળ્યું ?-પરાજિત ડાભી

આપણે ભૂલા પડ્યા એ ખૂબ મોટું રણ હતું – તેં સાંભળ્યું ?
ને ફરી પાછા મળ્યાનું એજ તો કારણ હતું – મેં સાંભળ્યું.

કોઈ લીલા વૃક્ષ ઉપરથી ઉડેલી વાદળી – તેં સાંભળ્યું ?
હા, પલળતું ત્યાં અજાણ્યું એક કોરું જણ હતું – મેં સાંભળ્યું.

ધૂંધળા ચહેરા હંમેશા ફૂટવાથી થરથરે – તેં સાંભળ્યું ?
હા, ખરેખર ભગ્ન તો આ આંખનું દર્પણ હતું – મેં સાંભળ્યું.

આંસુઓને પીળચટ્ટા પ્રાન્તમાં દોરી ગયું- તેં સાંભળ્યું ?
એક શંકાનું પડેલું આંખમાં રજકણ હતું – મેં સાંભળ્યું.

જિંદગી આખી સમયનાં સર્પ ડંખ્યા છે મને – તેં સાંભળ્યું ?
ઝેર પીધું જે સતત એ ઝેરનું મારણ હતું – મેં સાંભળ્યું.

( પરાજિત ડાભી )

અધ્યાહાર-ચિહ્ન-નીતા રામૈયા

એ દુકાનમાંથી બહાર આવી
કારનું બારણું ખોલ્યું
અનાજ અને શાકભાજીના થેલા એણે
પાછલી સીટમાં મૂક્યા
એ સીધી ઘર પહોંચી
ભૂખ્યાં થયેલાં ઘરના લોકોની આગોતરી
ફરિયાદ લઈને
મોઢું વકાસીને ઊભું રહેલું રસોડું
પોતાની ગેરહાજરીમાં
સરકસના ખેલ રમ્યા પછી
ત્રણેય બાળકોના ચહેરા ઉપર કોરાયેલું તોફાન
એકને ભણાવવાનું
બીજાને દાક્તર પાસે લઈ જવાનું
ત્રીજાને રમતું રાખવાનું
બધાં ને મનગમતું ખાણું પીરસવાનું
એણે પેપર ને પેન હાથમાં લીધાં
પેપર ઉપર
શબ્દોનાં ધણ ઊભરાયાં
કોઈ કોઈ શબ્દ પેપર ઉપર ઠરીઠામ થવા મથતો હતો
મોટા ભાગના શબ્દો
પેપરના ભમરાળા કૂવામાં ડૂબી ગયા
થોડાક શબ્દો
અળસિયાંની જેમ સરકવા લાગ્યા પાનાની બહાર
પાનામાં
ખીલાની જેમ જડાઈ ગયા
તે શબ્દો હતા :
સ્ત્રીનું અસ્તિત્વ
હવામાં અધવચે લટકતું
અધ્યાહાર-ચિહ્ન.

( નીતા રામૈયા )

સીધો જવાબ દે-શૈલેશ ટેવાણી

હમણાં અહીં ને આજ હવે સીધો જવાબ દે,
આંસુ હતાં તો કેમ હતાં સીધો જવાબ દે.

ફૂટ્યું નવું પ્રભાત અને કોઈ ક્યાં ગયું ?
પગલાં હતાં તો કોણ ગયું ? સીધો જવાબ દે.

આ તું અને છે તારી અસર કોણ માનશે ?
બીજું કોઈ જો તો છે ક્યાં ? સીધો જવાબ દે.

હરફર હતી જે શ્વાસમહીં આ ક્ષણે નથી,
ખુશ્બૂ સમું એ કોણ ગયું ? સીધો જવાબ દે.

તારી તને ખબર જો નથી તું ય કોણ છે ?
તારું હતું તે કોણ હતું ? સીધો જવાબ દે.

( શૈલેશ ટેવાણી )

કદાચ-સોનલ પરીખ

મોકો ન આપ્યો
મોટાં મોટાં તોફાન ઝીલવાની અનિવાર્યતાએ
નાનાં નાનાં ઈંગિતો સમજાવનો

પસાર થઈ ગયાં
મોટાં મોટાં તોફાનો
પસાર થઈ ગયાં
નાનાં નાનાં ઈંગિતો પણ

જાતને જકડી રાખતી મુઠ્ઠી
થોડી ઢીલી કરી છે
બચેલું સ્વ
આખું છે કે અધૂરું
ભીનું છે કે કોરું
તેની ખબર કે પરવા
રહી નથી

કદાચ
હું કોઈ શક્યતામાં
કેદ થઈ નથી.

( સોનલ પરીખ )

તું માગે મોજું એકાદું-મનોજ્ઞા દેસાઈ

તું માગે મોજું એકાદું ને હું દઈ દઉં દરિયો આખો,
તું પૂછે કે પ્રેમ કેટલો ને હું કહી દઉં દરિયો આખો.

આંસુ ભીનાં, વાદળ ભીનાં, ઝાકળનાં ટીપાંયે ભીનાં,
શીકરની તું વાત કરે ને ત્યાં જ ધરી દઉં દરિયો આખો.

સ્પર્શ સહજ ને તો પણ ભાસે દૂર દૂર તું સામે પારે,
તને પામવા થાતું ક્ષણમાં પાર કરી લઉં દરિયો આખો.

તારા આલિંગન કાજે આ મોજાં જો ધસમસતાં આવે,
ત્યારે થાતું મનમાં ઊંડે હું જ બની જઉં દરિયો આખો.

તારો ચહેરો સૂર્યકિરણમાં શંખછીપમાં ફેનિલ જળમાં,
સહેજ યાદ જો તને કરું ને તોય સ્મરી લઉં દરિયો આખો.

( મનોજ્ઞા દેસાઈ )

ઘર-મુકેશ જોશી

(૧)
પાડોશીએ નવું ઘર લીધું
મોટું
અમારાથી દૂર…
પોશ એરિયામાં
એકવાર અમસ્તા નીકળવાનું થયું.
મને બારણામાં ઊભેલો જોઈને
સોફા, ખુરશી, ટિપોય…નાચી ઊઠ્યા
સહુ બોલ્યા, આવો આવો…
પડોશી બારણાં વચ્ચે જ ઊભા રહીને બોલ્યા:
બહુ ઉતાવળમાં લાગો છો…પછી ક્યારેક જરૂર
આવજો
પગથિયાં ઉતરતાં મને સંભળાયું
કદાચ એક પાયો ખુરશીનો તૂટી ગયો…

(૨)
બહુ વરસો પછી પડોશીના નવા ઘરે ગયો
આખો ત્રીજો માળ ને બસ બે જ કુટુંબ
કાકા અને કાકી સોફાને બદલે દીવાલ પરના ફોટામાં
ઘર પણ એકલું ને
ઘરમાં ટીકુ એકલો.
મેં પૂછ્યું અરે…આ તો સળંગ ૬ રૂમનું ઘર હતું.
આ દીવાલ ?
ટીકુ બોલ્યો : પહેલાં હું ને મારી બહેન સાથે રડતાં
હવે દીવાલની પેલી બાજુ એ
અને આ બાજુ હું
દીવાલ બન્ને બાજુથી ભીની કરીએ છીએ.
કહે છે કે બહુ ભેજ આવે તો દીવાલ પડી જાય…

(૩)
અચ્છા ?
નવું ઘર લીધું ?
કેટલામાં પડ્યું ?
નાનો ભાઈ ગામ ભેગો થઈ ગયો
નારાજ થઈ
કાકા વૃદ્ધાશ્રમમાં દાખલ થઈ ગયા
લાચાર થઈ
મિત્રોએ ઉછીના દીધા
ઈર્ષાને સંતાડી
સસરાએ દેવું વહોર્યું
મજબૂર થઈ

નવું ઘર…
એની સસ્તી જીદ સામે
ધાર્યા કરતા ઘણું મોઘું પડ્યું.

(૪)
સરનામા બદલી બદલીને
થાકીને
મેં રેશન કાર્ડને કહ્યું
બસ હવે ઘર નથી બદલવું
આ છેલ્લું
ને ત્યાં ફોન આવ્યો
લકી ડ્રોમાં તમને સાવ સસ્તામાં
નવું નક્કોર ઘર લાગ્યું છે
ને છેલ્લા શ્વાસે મેં
નવા ઘરની તક ઝડપી લીધી.

(૫)
એના ઘરની અદલોઅદલ મેં નકલ કરી
જોકે એના કરતાં ચડિયાતા સોફા
મોટું ટીવી લીધું
ઝગમગતા ઝુમ્મર અને ઘણું બધું…
અમે ખુશ હતા કે અમે ચડિયાતી કોપી કરી
પણ ઘરના ઉદ્દઘાટનમાં જ
કોઈએ પૂછ્યું
ખાનદાનીની નકલ કરવાનું ભૂલી ગયા કે શું ?

( મુકેશ જોશી )

તોયે આપણે કેમ ?-પન્ના નાયક

ખોવાઈ ગયેલા સુખના પડઘાઓ
એકઠા કરવાથી
સુખ નથી મળતું.

ખરી ગયેલી પાંદડીઓને
એક પછી એક
પાછી ગોઠવવાથી
ફૂલ ક્યાં ફરી સર્જી શકાય છે ?

ઉછળતા એક મોજાને નજરમાં પરોવીએ
પણ એમાં દરિયો તો ઘુઘવતો નથી.

સુખ તો ડૂબી ગયું છે
ક્યાંક તળિયે
તૂટી ગયેલી કોઈક નૌકાની જેમ !
તોયે
આપણે કેમ ?
ખરી ગયેલી પાંદડીઓને ગોઠવી ફૂલ સર્જવામાં
અને
એક મોજામાં સમુદ્રને સમાવવાના પ્રયત્નમાં
રત રહેતાં હોઈશું ?

( પન્ના નાયક )