…નીકળ્યું છે-સાહિલ

સમયનું અજબ આચરણ નીકળ્યું છે

સ્મરણનાં તળેથી સ્મરણ નીકળ્યું છે

 .

ગમે ત્યારે ઘર મૃગજળોનું જો ખોલ્યું

સદા હાંફ્યા કરતું હરણ નીકળ્યું છે

 .

સૂરજ નામે એ ઓળખાયું જગતમાં

તમસ ચીરીને જે કિરણ નીકળ્યું છે

 .

બપોરી સફરમાં તમારી કૃપાથી

મને આંબવાને ઝરણ નીકળ્યું છે

 .

અચંબો થયો અંગજડતી લઈને

સમંદરના તળિયેથી રણ નીકળ્યું છે

.

જીવ્યા સામસામે છતાંયે મિલનમાં

કોઈ ને કોઈ આવરણ નીકળ્યું છે

 .

અમસ્તો નવાઈ નથી પામ્યો ‘સાહિલ’

જીવન જો નીચોવ્યું-મરણ નીકળ્યું છે

.

( સાહિલ )

કતારમાં – સાહિલ

તમે બે ઘડી જ રહી જુઓ કદી ચાહનાની કતારમાં

પછી આપોઆપ તમે હશો નરી વેદનાની કતારમાં

 .

નથી ખુદની પણ પડી કોઈને-પછી વાત અન્યની શું કરું

જો મળી તો મા-ની જાત બસ મળી ખેવનાની કતારમાં

 .

જો કરે તો કેમ કરે કહો એ વિવેચના કોઈ બિંબની

મળ્યા જોવા અંધજનો બધે મને આયનાની કતારમાં

 .

અમે પણ જરૂર જશું કદી-દસ બાય દસના મહેલમાં

જીવ્યાં ફૂટપાથની ધૂળમાં એ જ કલ્પનાની કતારમાં

 .

બહુ ઊંચા આસને બેસવાથી ફરક ગજામાં પડે નહીં

ઘણા મોટા માણસો જોયા છે મેં ટૂંકા પનાની કતારમાં

 .

કદી સુખની સેજે યા રંગમોલે સગડ મળે નહીં એમના

સ્વની જાણવાની જીદે ચડેલા મળી ફનાની કતારમાં

 .

જશે સર્વ એષણા અવગતે એ વિષે રુંવેરુંવુ જાણતું

છતાં સહુને સાહિલ જોઉં છું અહીં કામનાની કતારમાં

 .

( સાહિલ )

લઘુકાવ્યો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

(૧)

વજન

 .

એક કોરા કાગળનું

વજન કર્યું…

પછી એ કાગળ પર

કવિતા લખી…

પછી ફરી તેનું વજન કર્યું…

પણ વજનમાં

કોઈ ફેર ન પડ્યો !

-સમજાયું કે

કવિતા વજન માટે નહીં,

સ્વજન માટે લખાય છે.

 .

(૨)

ભ્રમ

 .

મારી સહાયતા વગર

સીધી લીટી

દોરી શકાતી નથી.

-એવા ભ્રમમાં રાચતી

ઓ ફૂટપટ્ટી !

તારી મદદ

ન લેવાની શરતે જ

વર્તુળ દોરી શકાય છે.

 .

(૩)

એમ માનવામાં લાભ છે

કંઈ ખોટ નથી,

કે સાંજ એ કંઈ

દિન-દરિયાની ઓટ નથી.

 .

(૪)

હવાનાં સાવ પારદર્શક

વસ્ત્રો પહેરે છે,

છતાં સાંજ

મર્યાદાવાન

સન્નારી જેવી લાગે છે !

 .

(૫)

કમભાગ્ય તો

સૂર્યોદયને પણ નડે છે !

-એના નસીબમાં

સાંજ નથી હોતી.

 .

(૬)

અસ્તાચળના ઓશિકે

સૂરજને ઊંઘી જવાનો

ઢોંગ કરતો જોઈને

ક્ષિતિજ હસી પડે !-

-તે સાંજ !

 .

(૭)

બધું સમજ્યાની ભ્રમણમાં અકળ સાંજે,

ચલિત થઈ નીકળ્યા ફરવા અચળ સાંજે !

ફુવારા વચ્ચે પણ પહેરી જ રાખ્યાં છે,

હતાં ઘડિયાળ વોટરપ્રૂફ સજળ સાંજે !

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )

જાનાં – હનીફ સાહિલ

આશિકીનો કમાલ છે જાનાં

માત્ર તારો ખયાલ છે જાનાં

 .

ફૂલ ખુશ્બૂ કે ચાંદ તારા હો

તું ફક્ત બેમિસાલ છે જાનાં

 .

આઈનો પણ તડાક દઈ તૂટે

એવો તારો જમાલ છે જાનાં

 .

હું તો ખુશહાલ છું જુદાઈમાં

તું કહે કેવા હાલ છે જાનાં

 .

આપવું હોય જો તો આપી દે

દિલના ક્યાં ભાવતાલ છે જાનાં

 .

એક તારા થકી હતી આબાદ

જિંદગી પાયમાલ છે જાનાં

 .

શોકગ્રસ્ત એકલો હનીફ નથી

ચાંદ પણ પુરમલાલ છે જાનાં

 .

( હનીફ સાહિલ )

આપણને – પરાજિત ડાભી

ભીંત ફાડીને ઉગેલા પીપળાની જેમ,

આપણને જીવવાનું ફાવે છે એમ.

 .

એંધાણી આપતા પગલાંઓ ભૂંસીને

નવલા હું પગલાં કંડારુ.

જાણીતા મારગને ચાતરીને ચાલુ જ્યાં

દિવસે પણ ભેટે અંધારુ.

વગડાની ધૂળ મને ચૂમે ને પૂછે-મને ભૂલે છે કેમ ?

આપણને જીવવાનું ફાવે છે એમ.

 .

ફાડીને આભ ભલે વરસે વરસાદ

મને ધરતી ભીંજાય તો જ ગમશે.

પાણી તો પથ્થરનાં ફોડી પાતાળને

ઝરણું થઈ આસપાસ રમશે.

 .

હું તો મારામાં, નવ્વો નક્કોર હેમખેમ,

આપણને જીવવાનું ફાવે છે એમ.

 .

( પરાજિત ડાભી )

આંખોમાં હજી – મનીષ પરમાર

રાતનો ઉજાગરો લાલાશ આંખોમાં હજી,

છે ગઝલના શે’રનો અજવાસ આંખોમાં હજી.

.

રોજ બંધાતો-સુકાતો ભેજ તારા નામનો,

આંસુઓની શોધ તો ભીનાશ આંખોમાં હજી.

 .

થાપ આપી વન ગયું વેરાનમાં ચાલી હવે-

પાંદડાંની કંપતી લીલાશ આંખોમાં હજી.

.

જોઈ લીધી છે ધરાઈને તને, તરસ્યો થયો,

ક્યાં બુઝાતી હોય તારી પ્યાસ આંખોમાં હજી.

 .

આ નજરની ગૂઢ ભાષાને સમજવાની મનીષ,

મેળવું છું કાફિયાને પ્રાસ આંખોમાં હજી.

 .

 ( મનીષ પરમાર )

વજન છે – મનીષ પરમાર

આજ મારા શ્વાસમાં થોડું વજન છે,

આમ ભીના ઘાસમાં થોડું વજન છે.

 .

એટલે વરસો પછી ભેગો થયો છું,

એમના વિશ્વાસમાં થોડું વજન છે.

.

રાખમાંથી તેજ પ્રગટાવ્યું તમો એ,

એટલે અજવાસમાં થોડું વજન છે.

 .

કેટલું દોડ્યો નદીની શોધમાં હું,

જળ મળ્યું ના પ્યાસમાં થોડું વજન છે.

 .

ઊંચકી થાક્યા ખભા મારા તમારા,

પથ્થરો શી લાશમાં થોડું વજન છે.

.

( મનીષ પરમાર)

તારા ઘર સુધી – મનીષ પરમાર

અહીંથી છેક મન લંબાય તારા ઘર સુધી,

સમય જેવો સમય હંફાય તારા ઘર સુધી.

 .

ખબર નહોતી ફૂલો રોકી રહેશે બાગમાં,

કદાચ એથી પવન ક્યાં જાય તારા ઘર સુધી ?

.

અમે વરસાદનું એકાદ છીએ ઝાપટું-

બને એવુ નહીં વરસાય તારા ઘર સુધી.

 .

હુંયે છોલાઈ આંધી સૂસાવટાથી ઘણું-

સૂકી એવી હવા ફુંકાય તારા ઘર સુધી.

 .

મહોબતના પુરાવા માર્ગ આખર આપશે,

ફરી પગલું મનીષ ફંટાય તારા ઘર સુધી.

 .

( મનીષ પરમાર )

તોય શું ? – બેન્યાઝ ધ્રોલવી

દર્દ આવે, દર્દ જાવે તોય શું ?

આંસુનો દરિયો વહાવે તોય શું ?

 .

એક પાનું જિંદગીનું ફાડતા,

સો વરસ અમથા વિતાવે તોય શું ?

 .

વ્યોમ ખેતરમાં ઉગાડી સૂર્યને,

છાયડાના રોપ વાવે તોય શું ?

 .

રાખ ચરખી ચાંદનીની હાથમાં,

ચંદ્રનો પતંગ ચગાવે તોય શું ?

 .

કોમ્પ્યુટરમાં જ નાખી ઊંઘને,

પ્રત ખ્વાબોની છપાવે તોય શું ?

 .

મેઘલી રાતે ગઝલ લખવી હતી,

શેર તારકના લખાવે તોય શું ?

 .

શ્વાસ ઘરના બંધ દ્વારે આવે યમ

મૃત્યુ સાંકળ ખટખટાવે તોય શું ?

 .

માંગતો ‘બેન્યાઝ’ સાઈલ ધર ગલી,

હમ્દ શેરીમાં સુણાવે તોય શું ?

 .

( બેન્યાઝ ધ્રોલવી )

પછી – બેન્યાઝ ધ્રોલવી

ચંદ્ર ખીલશે મસ્ત આકાશે પછી,

ગીત પૂનમ રાતના ગાશે પછી.

 .

ડૂબતો સૂરજ કલમના પૂરમાં,

ને બરફનો પત્ર ભીંજાશે પછી.

 .

તું ભલે રાખે રદીફી દુશ્મની,

કાફિયાનો દોસ્ત સમજાશે પછી.

 .

નાવ ડૂબી ખારવાની આંખમાં,

ત્યારથી દરિયો વંચાશે પછી.

 .

જે લકીરો ભાગ્યની ગૂંચે પડી,

ક્યાંથી હાથે ભાગ્ય દેખાશે પછી.

 .

હાથથી સરકી ગયો છે જે સમય,

કોઈ દી ક્યારેય પકડાશે પછી ?

 .

શબ્દના ‘બેન્યાઝ’ને ફાકાકશી,

ટંક બપોરે શું ગઝલ ખાશે પછી ?

 .

( બેન્યાઝ ધ્રોલવી )