પ્રેમ એટલે શું ? – વર્ષા બારોટ

પ્રેમ એટલે શું ?

મને નથી ખબર

પણ હા,

આપણી વચ્ચેનો ‘કેવળ’

વાર્તાલાપ

પ્રેમ હોઈ શકે

અથવા તો

એવું પણ હોઈ શકે કે

પ્રેમ એટલે

હું કોઈ પુષ્પને જોઉં

ને એ જ ક્ષણે

તારો વિચાર ઝબકે

હું ખીલી ઊઠું,

મારું સ્મિત મહેકી ઊઠે,

હું તરબતર થઈ જાઉં

કદાચ ભૂલી જાઉં મને ખુદને જ

ને

પછી, અચાનક જ સભાન બની ઊઠું

પુષ્પની હાજરીનો ખ્યાલ આવતાં

શરમાઉં, સંકોચાઉં

ને

દોડી જાઉં દૂર….

એટલે દૂર…

એટલે દૂર…

કે

આપણી ‘છાની’ વાત

કોઈ પુષ્પ પણ

સાંભળી ન લે…

 .

( વર્ષા બારોટ )

તારે જે કહેવું છે – વર્ષા બારોટ

તારે જે કહેવું છે મને,

એ જ

મારે કહેવું છે તને

અને

મારે જે કહેવું છે એ જ

કદાચ

તારે પણ મને…

પણ

શબ્દ એકેય મળતો નથી

અને

મૌન એવા આપણે

એકબીજાને

બતાવીએ છીએ-

સૂર્ય,

ફૂલો, પતંગિયાંઓ, વૃક્ષો…

વેલી, નદી, તળાવ, ઝરણાંઓ,

ખેતરો, પહાડો, પંખીઓ,

દૂર ક્ષિતિજે

રેલાતા રંગો

અને

હસી પડતા

ચાંદ-તારાઓ…

 .

( વર્ષા બારોટ )

મને રોક મા – મધુમતી મહેતા

મારું કાંડું પકડીને મને રોક મા

મારી પાનીએ બેઠાં પતંગિયાંને ટોક મા

મારું કાંડું પકડીને મને રોક મા

 .

અધખુલ્લી બારીથી જોયાં આકાશ,

અને જોયાં છે પંખીનાં ટોળાં;

હફળક દેતુંને કાંઈક અંદર જાગે,

ને પછી આંખોમાં સપનાંના મેળા;

પગલાંમાં હોંકારા પહેર્યા મેં આજ,

હવે બેસાડી ના દે તું ગોખમાં

મારું કાંડું પકડીને મને રોક મા

 .

હોવું આ આપણું તો ઝાકળની જાત,

નથી પથ્થરમાં કંડાર્યા લેખો;

દરિયાને તળિયેથી ઊગી નીકળીએ,

જરા કાંકરિયું સાદની જો ફેંકો;

સાતે જન્મારાના સગપણને બે પળના

અળગાપણાથી તું જોખ મા.

મારું કાંડું પકડીને મને રોક મા

 .

( મધુમતી મહેતા )

બાળપણમાં – કાજલ ઓઝા વૈદ્ય

બાળપણમાં ભેટ મળેલી

પરીકથાઓની ચોપડી

જીર્ણ-શીર્ણ હાલતમાં-

છતાંયે,

આજે પણ સાચવી રાખી છે – મેં !

 .

એકડદંડિયા મહેલમાં

પુરાયેલી રાજકુમારીને

છોડાવવા આવતો રાજકુમાર

એમાં સફેદ ઘોડા પર સવાર તો થયો છે…

પણ, એનો ચહેરો ફાટી ગયો છે !

 .

વારંવાર વાંચેલી એ વાર્તામાં

શબ્દેશબ્દ મને યાદ રહી ગયો છે

પણ

રાજકુમારનું નામ

કેમેય કર્યું યાદ આવતું નથી

નામ કે ચહેરો…

…મળશે ખરાં ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

એક મુઠ્ઠી છલના – કાજલ ઓઝા વૈદ્ય

એક મુઠ્ઠી છલના લઈને

તૂટ્યાં-ફૂટ્યાં સપનાં લઈને

સંબંધોના સરવૈયામાં શૂન્ય શૂન્યના ઢગલા લઈને….

કહે, હવે ક્યાં જાવું….?

 .

વાતોના કોરા વરસાદે નથી હવે ભીંજાવું

મારે આંસુમાં નથી નહાવું…..

 .

તારી મારી હથેળીમાં લખી હતી જે ખાલી વાતો….

ભૂત – ભૂતાવળ થઈને પજવે

હવે બધી એ ઠાલી વાતો-

આસપાસ વીંટળાતી સાપણ થઈને બધી મારી રાતો-

રાતોના એ ડંખને જાણે કદી નથી રૂઝાવું….

હું કોને ઘાવ બતાવું

મારે આંસુમાં નથી નહાવું……

 .

હશે, હવે એ સપનાં તૂટ્યાં

સબંધોના આયખાં ખૂટ્યાં

ગુંગળાયેલા ડૂસ્કાં છૂટ્યાં

બાંધી રાખ્યાં વરસો સુધી

એકપળમાં તીર વછૂટ્યાં

ઘટનાઓના સંદર્ભોથી ક્યાં લગી વીંધાવું

મારે નથી હવે બંધાવું….

વાતોના કોરા વરસાદે નથી હવે ભીંજાવું !

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

મારી અંદર – કાજલ ઓઝા વૈદ્ય

મારી અંદર ક્યાંક – કોઈક ખૂણે

આજે પણ એક ભીની રાત જીવે છે.

એકાંતમાં – લપાઈ – છુપાઈને

એની સુંવાળપને અડકું,

ત્યારે

સાપની ચામડીને અડક્યા જેવો

ભયનો ધ્રાસકો પડે છે.

 .

એની તેજાબી ભીનાશની છાલક

મારી આંખમાં ન ઊડે,

એનો ડર

મને સતત સતાવે છે…

 .

રેતીના નગરમાં

વગર સિંચ્યે

સંવેદનાઓની વેલ વધતી જ જાય છે

પણ હવે, જડમૂળથી ઉખાડીને ફેંકી દેવી

છે,

એ રાતને….

 .

મૃગજળના કુંજાને

હું – તમે કે બીજું કોઈ પણ,

ક્યાં લગી સાચવે ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

આપો તો આપો રે – મધુમતી મહેતા

આપો તો આપો રે અમને નાવડી,

આપો આપો દરિયાલાલ

ડૂબ્યાં તો મઝધારે તળિયાં તાગશું.,

તર્યા તો ઊતરશું ભવપાર.

આપો તો આપો રે અમને નાવડી…

 .

આપો તો આપો રે એક સાંઢણી,

આપો માથે માઝમરાત;

ઝાંખે રે અજવાળે જાશું પાંસરા,

જાવું એને રે દરબાર.

આપો તો આપો રે એક સાંઢણી…

 .

આપો તો આપો રે લેખણ લાકડી,

માથે સરસતીના હાથ;

લોહીને ટશિયે રે લખવાં નોતરાં,

ઈને દેશું હાથોહાથ.

આપો તો આપો રે લેખણ લાકડી…

 .

આપો તો આપો તે કેડી સાંકડી,

આપો ડુંગરાની ધાર;

પીગળતે પંડ્યે રે પગલાં માંડશું,

ના ક્યાંય પહોંચ્યાની દરકાર.

આપો તો આપો રે કેડી સાંકડી…

 .

( મધુમતી મહેતા )

સંબંધોની વારતા ! – કાજલ ઓઝા વૈદ્ય

મરતા – જીવતા

ઊઠતા – પડતા

દરેક હથોડા પાસે જાણે

બચવા માટે કરગરતા…

સંબંધોની વારતા !

 .

વારતા રે વારતા

ભાભા ઢોર ચારતા

એક હતો છોકરો

ન જાણે કોઈ એનું નામ

ન ગામ કોઈ,

ન ઠામ…

 .

દૂરદૂરથી આવતો-

એક ગુલાબનું ફૂલ આપી

છોકરીને સમજાવતો !

ને,

છોકરી કાયમ સમજી જ જતી,

કે

સમજવાનો પ્રયત્ન તો કરતી, કમસે કમ !

 .

એક દિવસ રિસાણી,

સમજણના બોજે ભીંસાણે….

શ્વાસે શ્વાસે બોજ લઈને,

દોષનો ટોપલો રોજ લઈને,

દોડી આગળ….

આગળ… આગળ ને આગળ.

 .

છોકરી ગુલાબનું શોધે ફૂલ !

સપનાંઓના ડબ્બા ગુલ !

હાથ જોડી,

ઘૂંટણ તાણી માગ્યા કરે એ રહેમ…રહેમ…

પાછળ બધું હેમખેમ

જેમ હતું એમનું એમ

તૂટી પડ્યો સઘળો વહેમ.

 .

પણ, છોકરો જેનું નામ-

અજબ એનું કામ,

ન ઠામ કોઈ, ન ગામ…

વાપરી જાણે બધાં પ્યાદાં

દંડ-ભેદ, સામ ને દામ.

 .

ઊઠે હથોડા – પડે હથોડા

વાગે ચાબૂક ઊછળે ઘોડા

હાથી- ઊંટ – દિવાન ને રાજા….

જીતતા ને હારતા,

અંદરોઅંદર મારતા.

 .

જાતે બિછાવેલી બાજી-

જાત સામે હારતા.

એક બીજાની સામે લડતી

સોગઠીઓ ને વારતા-

વારતા રે વારતા.

 .

જીવતા – મરતા

મરતા – જીવતા

ઊઠતા- પડતા

દરેક હથોડા સાથે

જાણે બચવા માટે કરગરતા…

સંબંધોની વારતા !

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

ઔદાર્ય,

ઉદારતા એ તો ઊંડાણે,

વધુ ઊંડાણે અડીંગો

જમાવી દેવાનો ઓચ્છવ !

પ્રશંસા અને પ્રચારની

કુંપળ ન ફૂટે એવા સાવ

પ્રછન્ન રહી હૃદયે કોળતા

અને વધતા વડલાનું

નામ ઉદારતા.

કર્તાભાવનું સાક્ષીભાવે

અવતરણ એજ ઔદાર્ય !

 

તું અક્ષયપાત્ર, ભિક્ષાપાત્ર અમે !

 

(૨)

સ્વ-ઓળખ,

નિજધામને ઓરડે,

આનંદ સમૃદ્ધિની

પૂજા એ જ સ્વ ઓળખ,

આળસ વગર વહેતા વહેતા

થતા વિસ્તારનું નામ

સ્વ-ઓળખ.

પ્રયત્નપૂર્વક પામવાનું નહીં,

પણ જે પડેલું છે તેને પામીને

પરમને ચરણે ધરી દેવાની

પ્રસાદ પૂજાનું નામ

સ્વ-ઓળખ !

 

તું શ્રેષ્ઠ, શૂન્ય અમે !

 

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

મને સપનું આવ્યું – સુરેશ દલાલ

મને સપનું આવ્યું

કે હું જંગલમાં રઝળપાટ કરું છું.

સમયની પારના કોઈક સમયમાં હું ફરી રહ્યો છું:

અડીખમ વૃક્ષ :

લીલાંછમ પાંદડાં, સોનેરી ફૂલ.

આંખને પાગલ કરીને ઘાયલ કરી મૂકે એવું

કોઈ શાશ્વત સૌંદર્ય.

કોઈક પશુ મારી નિકટ આવે છે :

હું ભયથી થથરું છું;

એ મને નિર્ભય થઈ જવાની વાત કરે છે.

હું ભયને છુપાવીને

નિર્ભય થયો હોઉં એવો દેખાવ કરું છું.

 .

વિકરાળ પશુ અત્યંત નજાકતથી

મારી આંખ સામે જુએ છે.

હું એની આંખમાં આંખ પરોવું છું

અને મને પ્રતીતિ થાય છે

કે મરણથી છૂટવાનો કોઈ આરો નથી.

 .

હું થઈ જાઉં છું બટકણું વૃક્ષ :

પાંદડાં અને ફૂલો ખરી પડ્યાં છે

મારા સ્વપ્નની જેમ.

જાગીને જોઉં છું તો

મારી પથારીમાં જીવન કણસે છે

અને સૌંદર્ય આક્રંદે છે.

હું પડખું ફરીને

ફરી પાછો સૂઈ જવાનો પ્રયત્ન કરું છું:

કાનમાં આવેલાં આંસુને પાંપણથી લૂછી નાખું છું.

 .

( સુરેશ દલાલ )