લઘુકાવ્ય – પરાજિત/તમન્ના

(૧)

નખ

 .

મને આ ઉઝરડાઓએ

શીખવી દીધું છે કે

કોઈને મળો ત્યારે તેના હાથ

તમારા હૃદય સુધી ન પહોંચે

તેની તકેદારી રાખીને મળવું

કોને ખબર –

કોનાં નખ ઝેરી હોય..!!

 .

(૨)

મળવું

 .

તું આવતી નથી

તોય કહું કે – આવજે

તું કશું જ લઈને ગઈ નથી

તોય કહું કે – સાચવજે.

બાકી કશું જ નથી બચ્યું

સ્મૃતિનાં આ ખાલી

ખખડતા ખડિયામાં

તો કેમ કહું કે-

મળીએ…..!!

 .

( પરાજિત/તમન્ના )

એ પછી હું છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન

બધા જ રસ્તા પૂરા થાય એ પછી હું છું,

કશું જ ક્યાંય ના દેખાય એ પછી હું છું.

.

બધા જ ગ્રંથ અને સમજણો અધૂરા છે,

જરાક આટલું સમજાય એ પછી હું છું.

 .

બધા જ અક્ષરો… ઉચ્ચાર – અર્થમાં સરખા,

બધું જ મૌનમાં બોલાય એ પછી હું છું.

 .

નજરમાં જાય સમેટાઈ બધું ઈચ્છા થઈ,

નજરમાં કૈં જ ના સમાય એ પછી હું છું.

 .

બધી જ સીમા બધા અંત તો ઈશારા છે,

લખાણ બ્હારનું વંચાય એ પછી હું છું.

 .

બધું જ જોઈ શકે તું થતું અહીં મિસ્કીન,

અને અજાણ્યો બની જાય એ પછી હું છું.

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન )

કૈંક જાણે કે – રાકેશ હાંસલિયા

કૈંક જાણે કે થવામાં છે,

આજ મૂંઝારો હવામાં છે.

 .

કેમ લંબાશે મદદ માટે ?

હાથ પંડિતોના પૂજામાં છે !

 .

સાંભળે છે વાત બસ દિલની,

કોઈના ક્યાં એ કહ્યામાં છે !

 .

ઊંચકાવે તું જ ગોવર્ધન,

જોર ક્યાં મારી ભુજામાં છે !

 .

શૂન્યથી મનને ભરી દેતું,

કૈંક એવું આ જગામાં છે !

 .

મૌન બેઠાં છે બધાં શાથી ?

ખોફ કોનો આ સભામાં છે ?

.

પ્રાર્થના ? ‘રાજેશ’ના હોઠે !

આજ નક્કી એ નશામાં છે !

 .

( રાકેશ હાંસલિયા )

બારી – હર્ષ બ્રહ્મભટ્ટ

બારી ખોલી

સસલાની જેમ તરત

અંદર આવ્યો તડકો;

પછી

સન્નાટો લઈને આવી બપોર;

પછી આવી સૂમસામ સાંજ;

પછી હળવેકથી પ્રવેશી

ઉદાસ રાત,

પણ-

વરસાદની વાંછટ જેવો એ

સમય

રહી ગયો

બારી બ્હાર.

 .

( હર્ષ બ્રહ્મભટ્ટ )

ચકચૂર થઈ શકે – કરસનદાસ લુહાર

પીધા વિનાય પણ જે ચકચૂર થઈ શકે છે;

ખાલી થઈને પણ એ ભરપૂર થઈ શકે છે !

 .

પૂરેપૂરું પોતાનું નૈકટ્ય એ જ પામે;

ઈચ્છે તો જાતથી પણ જે દૂર થઈ શકે છે !

 .

ઘેઘૂર છાંય વાળી એ વૃક્ષતાને વરશે;

જે લાગણીનાં લીલાં અંકૂર થઈ શકે છે !

 .

હોઈ શકે ખરેખર સાચા તવંગરો એ;

દારિદ્રયના જે દેશે મશહૂર થઈ શકે છે !

 .

( કરસનદાસ લુહાર )

હું શું કરું ? – પ્રીતમ લખલાણી

ઝરમર ઝરમર

વરસતા આભને જોઈને

અમસ્તા જ

બારી ખોલું છું

અને પછી ઘડીક માટે

વિચારોના વંટોળે ચઢી જાઉં છું…

શું કરું ?

બસ ફક્ત અહીંથી ઊભીને

પેલા મન મૂકીને વરસતા

આભને નિરખ્યા કરું કે પછી

હડી કાઢતો બહાર દોડી જાઉં…

પણ મને દ્વિધામાં જોઈને

મારા વિચારો પર

ખડખડાટ હસતું

કંઈ પણ વિચાર કર્યા વગર

બસ બારીને ઉઘાડી જોઈ

ગઈકાલ સાંજથી

ટૂંટિયું વળીને પડેલું ઘર

દોડી ગયું

હરખ ઘેલા

આભ સંગે

છબછબિયા કરવા !

 .

( પ્રીતમ લખલાણી )

મૃત્યુ – અનિલ ચાવડા

(૧)

મૃત્યુ

આપણને દરરોજ

તમાકુની જેમ

ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે

એક દિવસ

એ આપણો

સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.

 .

(૨)

એક દિવસ

મૃત્યુ નામે એક અદ્રશ્ય પંખી આવશે

આપણને એની તીક્ષ્ણ

અને ધારદાર ચાંચ વડે

ખોતરી કાઢશે

સમયના શરીરમાંથી

મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ !

 .

(૩)

એનાં લગ્ન થયા હશે ?

કોની સાથે ?

કોઈ બાળક હશે ખરું ?

કે પછી નિસંતાન ?

જો નિસંતાન હોય તો

એને વાંઝિયાપણાનો અફસોસ થતો હશે ?

કોઈ ડોક્ટરની સલાહ કે ટ્રીટમેન્ટ તો લેતું હશે ને ?

પણ મૃત્યુ બાપડું ‘કેવું’…

નપુંસક !

મૃત્યુ નામની એક નપુંસક ચીજ

એક દિવસ બધાને સંભોગી લેશે…

 .

( અનિલ ચાવડા )

વધઘટ કરો – આહમદ મકરાણી

દીપના ઉજાસમાં થોડીઘણી વધઘટ કરો

જાતના સહવાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

પૂમડાં માફક સહજ આકાશમાં ઊડી જઈશ;

ફૂંકથી વાતાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

થૈ જશે મદહોશ, પાગલ આ ભ્રમર પણ-

ફૂલની સુવાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

જિંદગીનું એક નાટક તો સતત ભજવાય છે

પાત્રની ગુંજાશમાં થોડીઘણી વધઘટ કરો

 .

માન મારું તો વધે છે યા ઘટે છે-જોઈએ,

રોજના લિબાસમાં થોડીઘણી વધઘટ કરો

 .

( આહમદ મકરાણી )

એ તરફ – શૈલેશ ટેવાણી

જવું જ હોય તો જરા ચાલો ને એ તરફ,

અહીં છે ઘર અજાણ તો ચાલો ને એ તરફ.

 .

દિશા બતાવી થાય છે દરવેશ પણ અલોપ,

બચી છે જરી હામ તો ચાલો ને એ તરફ.

 .

અજવાળું પણ નથી અને અંધાર પણ નથી,

રસ્તો નથી અજાણ તો ચાલો ને એ તરફ.

 .

માટીની મહેક છે અને એકાદ ગ્હેક  પણ,
ટોળું છુટી ગયું છે તો ચાલો ને એ તરફ.

 .

સરનામું આમ પણ હવે ઝાંખું થતું રહ્યું,

છૂટી ગયું છે ગામ તો ચાલો ને એ તરફ.

 .

( શૈલેશ ટેવાણી )

ચાલ આપણે – દુર્ગેશ ઉપાધ્યાય

ચાલ આપણે એકબીજાને કાગળ લખીએ,

ભીતરના ગમને આંખોમાં સાજળ લખીએ.

 .

ભાગ્યતણી રેખા બધી અટવાઈ ગઈ છે,

લાવ, હથેળી તારી રે, કો’ વાદળ લખીએ.

 .

દૂર દૂર છો રહ્યાં આપણે પ્રેમ સંબંધે,

પતંગિયાંની પાંખો પર કો’ વાવડ લખીએ.

 .

નજર મળ્યાની વાત આમ શું વિસરી જાઓ,

આજ ઘેરાતી આંખોમાં કો’ કાજળ લખીએ.

 .

રાત-દિવસ છે સથવારો જો વિરહનો તો,

પાંપણના ઓવારે હવે કો’ ઝાકળ લખીએ.

 .

( દુર્ગેશ ઉપાધ્યાય )