વોટર પોએમ – મુકેશ જોશી

આ પાણી જેવું પાણી મારા મનની વાત સમજતું

મારા દુ:ખમાં ભાગ પડાવા આંખો થકી વરસતું

 .

મારા ઘરનું સરનામું એ જાતે શોધી લાવે

ભરચોમાસે ઠઠમાઠથી ઘરમાં રહેવા આવે

કદી આંખથી કદી આભથી ભૂસકા મારી હસતું

…આ પાણી જેવું પાણી

 .

તરસ જુદી તો રંગ જુદા ધારણ કરતું એ પબમાં

છાનામાના આશિષ દેવા બેઠું હોય પરબમાં

શંકરની જળધારા બનવા કાયમ હોય તરસતું

…આ પાણી જેવું પાણી

 .

ડોલ ભરીને બેસું ત્યારે મારી સામે જુએ

ભીના સાદે કહેતું : ચલને જઈએ મારા કૂવે

વતનયાદમાં એ પણ મારી જેમ જ રોજ કણસતું

…આ પાણી જેવું પાણી

 .

( મુકેશ જોશી )

…મળે – ખલીલ ધનતેજવી

એક એવો માનવી સધ્ધર મળે,

જેના સરનામે મને ઈશ્વર મળે.

.

વામણા લોકોની વસ્તીમાં મને,

ક્યાંથી મારા માપની ચાદર મળે.

 .

કોઈની સામે ધરું છું હું આયનો,

ને અચાનક સામેથી પથ્થર મળે !

.

ચાલને દીવો હવે સળગાવીએ,

વાયરાને પણ જરા અવસર મળે.

 .

જે નગરમાં એ રહે છે ઠાઠથી,

એ નગરમાં નાનુંસરખું ઘર મળે.

 .

જે સતત અપમાન બીજાનું કરે,

એય ઈચ્છે માન કે આદર મળે !

 .

ચલ ખલીલ આ પગનાં છાલાં ફોડીએ,

શક્ય છે, એમાંથી પણ અત્તર મળે.

 .

( ખલીલ ધનતેજવી )

મટુકી માયાની – મહેશ શાહ

મટુકી માયાની તમે ફોડી, મીરાંબાઈ;

માખણ ખાધું રે કૃષ્ણ નામનું.

 .

સાંજ પડે પોટલી લીધી, મંજીરાં ને

સાંઢણીને એડીએ ઉપાડી,

મૂક્યો મેવાડ એની સાહ્યબીની સાથે

ને છોડ્યા એ લોકને અનાડી;

કામળી તે કૃષ્ણની ઓઢી, મીરાંબાઈ.

.

કાયાની કોટડીમાં પૂર્યો કાનુડો ને

જાગતી બેઠી છે પોતે બારણે,

ચાવીનો ઘા કર્યો છે સતસંગને દરિયે

કે હાથે ન આવે કોઈ કારણે:

તનનો તરાપો દીધો છોડી, મીરાંબાઈ.

 .

( મહેશ શાહ )

વસંતકાવ્ય – માલા કાપડિયા

હે કવિ,

ઉઘાડ તારા હૃદયની બંધ બારીઓ

વિસ્તરવા દે આકાશની અસ્મિતાને

અણુ અણુમાં

પ્રગટવા દે

શત શત સૂર્યફૂલ

પ્રણયના

ગીતને ઝૂમવા દે

તારા હોઠથી લઈને પગની થિરકન સુધી

કે

આજે છે નવો ઉઘાડ

અવકાશમાં

વસંતના આગમનને

વહાવી લઈ જવા દે

સંચિત વેદનાના સૂકા પર્ણો

જો,

આનંદના સહસ્ત્રદલ

તારી પ્રતિક્ષામાં

ગૂંજી રહ્યા છે

શંખનાદ નવા યુગનો !

 .

( માલા કાપડિયા )

કૃષ્ણ મારું સંવેદન – મહેશ શાહ

.

અપૂર્વ ભાવથી સ્મરણ હું કરું, કૃષ્ણ મારું સંવેદન

તમે બનો મુજ મંત્ર, ઊચરું, કૃષ્ણ મારું સંવેદન.

 .

બનો દ્રષ્ટિનો વિષય તમે ને રહો સ્થિર મુજ ખ્યાલે

ભૂલી શકું જે ક્ષણ તમને હું, સદાય મુજને સાલે,

અનુનય ભાવે વિનંતી કરું, કૃષ્ણ મારું સંવેદન.

 .

અધર વાંસળી વહો શ્યામ ને કરો ધામ મુજ શ્રવણે

નજર ખૂલે ત્યાં ઊભા તમે હો લખો એવું પાંપણે

અવિચળ ભાવે વિલોકી રહું, કૃષ્ણ મારું સંવેદન.

 .

મોરપિચ્છ ફરકાવો માથે, વહો પ્રાણ થઈ શ્વાસે

ધરો ચક્ર એક વાર આંખને આંજો પરમ ઉજાસે,

અનુપમ ભાવે નિહાળી રહું, કૃષ્ણ મારું સંવેદન.

 .

( મહેશ શાહ )

કોને હદપાર ? – પન્ના નાયક

ક્યારેક જરૂરી હોય છે

હૃદયને હદપાર કરી

ત્યાં પથ્થર મૂકવાનું

અને પછી

જીવવાનું.

 .

કદાચ

એવું પણ બને

કે કોઈક

આલિંગન ને ચુંબનો વડે

એ પથ્થરને કોરવાનો પ્રયત્ન કરે

અને

ખબર પણ ન પડે એમ

ધકેલી દે એને ખીણમાં

 .

આવું ન બને

એ માટે હું શું કરું ?

પથ્થરને પણ હદપાર કરું ?

 .

( પન્ના નાયક )

…ખુશ્બૂની સોબતમાં (એક હુસ્ને ખયાલ) – લલિત ત્રિવેદી

તમે પણ થૈ જશો, મિત્રો! અમર ખુશ્બૂની સોબતમાં

શરત એક જ કે જીવો ઉમ્રભર ખુશ્બૂની સોબતમાં

 .

શમી ગૈ છે બગીચાની ઉંમર ખુશ્બૂની સોબતમાં

સફળ થૈ ગૈ પવનની પણ સફર ખુશ્બૂની સોબતમાં

.

બને કે કળીઓથી પણ ઝીણી ઝીણી પંક્તિઓ ઊઘડે…

ગઝલ મારી ય ખીલતી હો અગર ખુશ્બૂની સોબતમાં

 .

દિવસ ઉદ્યાનમાં ઊગે ને રાત્રિ માળામાં સૂએ

મળી ગ્યું છે ભલું અમને ય ઘર ખુશ્બૂની સોબતમાં

 .

લુડકતાં જાય છે ચકચૂર એક ફૂલેથી બીજે ફૂલ

અડી ગૈ કોને રિન્દાના લહર ખુશ્બૂની સોબતમાં

 .

કળી શિવલિંગ હો એવી રીતે ઝાકળ કરે અભિષેક…

જડે સાક્ષાત એક કૈલાસ સર ખુશ્બૂની સોબતમાં !

 .

( લલિત ત્રિવેદી )

લઘુકાવ્યો – અબ્દુલ ગફાર કાઝી

(૧)

તડકાના પૂરમાં વગડો

બે કાંઠે છલકાતો જાય છે

ત્યારથી હું જોઉં છું

કેટલી બધી તણાતી જાય છે

કેસુડાની અપેક્ષાઓ…

 .

(૨)

ઘાસના ફળિયામાં

બેસીને

વરસાદી કવિતા

લખી રહ્યો છે

વાદળ નામનો કવિ…

 .

(૩)

કેટલીક

રંગીન માછલીની

વેદના

મેં છાપી છે

દરિયાના કોમ્પ્યુટરમાં…

 .

(૪)

રમઝાન હો કે

દિવાળી

કેટલીક મસ્ત મિજાજી

માછલીઓ ખરીદી-

કરવા નીકળી ગઈ છે

દરિયાની શાનદાર-

બજારમાં…

 .

(૫)

રાત્રિ ટ્રેનમાં વગર ટિકિટે

મુસાફરી કરી રહેલા ઘુવડને

સવારે તો ઝડપી લીધો

ટિકિટ ચેકર સૂરજએ…

 .

(૬)

સ્મિતનું ઘર ભલેને

દૂર લાગે

હું ચાલીને પહોંચી જઈશ

આંસુના ટેકે ટેકે…

 .

(૭)

પ્રીત હો કે

મૂંગું ગીત હો

પણ

હું નીકળી ગયો છું

એકાન્તપ્રિય

સંગીતની શોધમાં…

 .

(૮)

પ્રેમ ક્યારેય

છુપાતો નથી

એકાન્તપ્રિય આંખોમાં…

 .

(૯)

ચંદ્રના ખભા પર બેસીને

જાય છે ઝાકળ

ફૂલોના ઘેર…

 .

(૧૦)

મારા આંસુનો દરિયો

છલકાતો ગયો ને-

ત્યારથી બનતી ગઈ

તારા રૂમાલની હોડી…

 .

( અબ્દુલ ગફાર કાઝી )

નીકળી જવું છે બ્હાર મારે – જિતેન્દ્ર પ્રજાપતિ

નવું બીજું કશું કરવું નથી, ક્ષણનું બટન થઈને સમયના ગાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે,

ઘણાય યુગથી ચાલી રહ્યા ઘડિયાળના આ એકચક્રી રાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

 .

મળે ઘટના અગર વહેવા તણી તો દોસ્ત મારે ખૂબ વહેવું છે, નીકળવું છે નયનના બારણેથી આરપારે,

અમે આંસુ છીએ, બસ એટલે થીજી જવાના ખોખલા રિવાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

 .

અમારા તખ્તની નિશાનીને કો’ આમ હડસેલે અને કો’ તેમ હડસેલે, નથી સહેવી ઉપેક્ષાને હવેથી,

અમારા ઘર સમીપે ઊભો એક બાવળ કહે છે કે :’કાંટાળા તાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે’.

.

હશે બે-ચાર ત્યાં સુક્કા અને બે-ચાર ત્યાં લીલા, બધા બળશે ? નહીં જીવિત રહે મારા થકી ત્યાં કોઈ પણ જીવ ??

‘હવે હું ઈંધણું જાહેરમાં કહું છું, સતત સળગાવનારી દાઝમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે’.

 .

અમારી એક પણ ઇચ્છા અગર જો મૃત થાશે તો અમે પણ તુર્ત મૃત્યુ પામવાના આખરે મનમાં ને મનમાં-

     અને તેથી, ઉપેક્ષા પામતાં પહેલાં બધાય દર્દના રિયાઝમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

લઘુકાવ્યો – રમેશ ત્રિવેદી

(૧)

ફૂલનું

ખિલવું… ખરવું

વચ્ચે મહેકે

મહેક

જીવનની

 .

(૨)

અવની કે આકાશ

ક્યાંય ન દીઠું

એકે ફૂલ

તોય

મન મહેકે-ગહેકે

સુવાસથી

તરબતર !!

 .

(૩)

રાતે ટમકતા તારા

સવારે ક્યાં જતા હશે !?

દાદા ?

દાદા ઉવાચ :

શિશુને મળવા

ફૂલ બનીને !

 .

(૪)

રોજેરોજ

આથમતો

રવિ

તારક લિપિમાં

SMS-મોકલતો હશે

પ્રિય રાત્રિને ?

 .

(૫)

આષાઢી મેઘ સંગે

ઊ-ડ-તી જતી

બગલીઓએ

લખેલી

કાવ્યપંક્તિને

કોણ વાંચશે ?

શીતળ સમીર ?

કે પછી

આભે ચમકતી

વીજ !?

 .

(૬)

એકબીજાથી

લાખો-લાખો

યોજન દૂ…ર

છતાં

કેટકેટલા

પાસપાસે લાગતા

તારકો !

ને

ટોળાની ભીંસમાં

ભીસાતા-કચડાતા

છતાંય

એકબીજાથી

કેટલા દૂર… દૂ…ર

માણસો !!

 .

( રમેશ ત્રિવેદી )