લાવારસ – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

.

જુઓ, ભાઈ !

સાવ એવું નથી કે

આપણને મહાન બનવાનું ન ગમે;

આપણને ય ગમે !

પણ-

આપણી ઝંખનાઓને

લિમિટમાં રાખવી સારી !

ધારો કે

બોર્ડની પરીક્ષાનો પહેલો જ દિવસ હોય

અને-

પિતાના આકસ્મિક મૃત્યુના ખબર આવે….

માથે આભ તૂટી પડ્યું હોય…

ને પગતળેથી ધરતી સરકી ગઈ હોય…

જીવનની અસલ પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો હોય..

ત્યારે આખું વરસ બગડવાની બીકે

ભારે હૈયે, ધ્રુજતા હાથે, અસંતુલિત મન સાથે

પરીક્ષા આપતા રહેવાનું

આપણું તો ગજું નહીં ભાઈ !

 .

માની લો કે

કોર્ટમાં જબરદસ્ત મુકદ્દમો ચાલતો હોય,

ધારદાર દલીલો ચાલતી હોય,

હાર-જીતમાં મન અટવાયેલું હોય

અને-

માતાની અંતિમ વિદાયનો તાર હાથમાં આવે

તો તે તાર વાંચીને કશું જ બન્યું ન હોય તેમ

ઠંડા કલેજે તારને ખિસ્સામાં સરકાવીને

કેસ લડવાનું ચાલું રાખવાનું,

દલીલો પર દલીલો વરસાવીને અસીલને જીતાડવાનું

આપણું તો ગજું નહીં, ભાઈ !

કદાચ-

આવી આવી વ્યવહારુ તાકાત દેખાડીને

મહાન બનાતું ય હશે;

કો’કને પ્રેરણા ય મળતી હશે…

પણ-

આપણી ભીતર ધરબી દીધેલા

લાગણીના લાવારસનું શું ? !

એટલે જ કહું છું, મારા ભાઈ !

આપણી ઝંખનાઓને

લિમિટમાં રાખવી સારી !!

 .

( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

ભમરાઓએ – સુરેશ દલાલ

.

ભમરાઓએ ફૂલો પાસે જવાનું

માંડી વાળ્યું છે.

રેશમી ડંખ એમના ગુંજારવને

ઘેરી વળે છે.

રૂંધાઈ જાય છે એમનો કંઠ

ફૂલોની પાંખડીઓ એમની એમ રહે છે

અને ભમરાઓ પળવારમાં ખરી પડે છે.

પ્રેમનો જો આવો જ નતીજો હોય

તો ફૂલને બદલે

કાંટાથી વીંધાઈ મરવું વધારે સારું.

ફૂલો પાસે જતી વખતે અપેક્ષા હોય છે,

કાંટાઓ કોઈ અપેક્ષા

ઊભી કરતા નથી.

કાંટાઓ વધારે ખાનદાન છે.

ફૂલો તો એમની

બેવફાઈ માટે જાણીતાં.

 .

( સુરેશ દલાલ )

કોઈ કોઈવાર – લાલજી કાનપરિયા

.

કોઈ કોઈવાર, હજી કોઈ કોઈ વાર

મારાં સ્મરણોમાં આવી તું પજવે ધરાર !

 .

સરનામું તારું ખોવાઈ ગયું તો કેમ કરી લખવો કાગળ !

સંદેશોય મોકલું કોની સંગાથ ? મારા આભલામાં એક્કે ના વાદળ !

 .

કોઈ કોઈવાર હજી કોઈ કોઈવાર

મારી આંખોથી વરસે છે આંસુની ધાર !

.

કોણ જાણે ક્યાં આથમી ગયા મારા ઝગમગતા સોનેરી દિવસ ?

રુદિયાની દાબડીમાં સાચવીને મૂકેલી લૂંટાઈ ગૈ કીમતી જણસ !

 .

કોઈ કોઈવાર, હજી કોઈ કોઈવાર

મારા શમણાંમાં આવી તું મારે લટાર !

 .

( લાલજી કાનપરિયા )

કહાન હવે – વિનોદ ગાંધી

.

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે

ગોકુળમાં કોઈ નથી ગોપી ને ગાય હવે ગોકુળમાં એકલી ચરે છે !

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે !

 .

ગોકુળ છોડીને કહાન નીકળી તો ‘ગ્યા’તા

કે આવીશ હું એકવાર પાછો

વિરહિણી ગોપીઓ, તો વૈકુંઠ વહી ગઈ

હવે ગોકુળથી કાંઈ નથી નાતો,

ગોકુળમાં નંદજીનું સૂનું છે ઘર અને એકલું કદંબ થથરે છે,

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે !

 .

સાચાજૂઠનું એવું પારખું થયું કે હવે

વાંસળીથી નીકળે ના સૂર,

આજે તો અણજાણ્યા કહાનજીને જોઈને

ભાગે છે ગાય ઘણી દૂર,

હુંફાળું દૂધ અને ટાઢુંટમ દહીં હવે કાનજીની જીભે ચચરે છે !

 .

કહાન હવે ગોકુળમાં એકલા ફરે છે

ગોકુળમાં કોઈ નથી ગોપી ને ગાય હવે ગોકુળમાં એકલી ચરે છે !

 .

( વિનોદ ગાંધી )

તલસાટ – પરાજિત ડાભી

 

.

લાગણીઓ માટે તરફડતા એક તરસ્યા માણસનો તલસાટ મેં જોયો.

એણે મને કહ્યું કે એણે આંસુના એક જ ટીપાંમાં આખ્ખો દરિયો ખોયો.

 .

એને પરવાળો પણ પથ્થર લાગ્યો.

તો પથ્થર આખો ઈશ્વર લાગ્યો.

એણે એવું રેતીનું રણ પીધું કે,

પછી જળ પીવાનો ડર લાગ્યો.

 .

એનો વાંક માત્ર એટલો કે ફૂલોને છોડી કાંટા પાછળ મોહ્યો.

 એણે મને કહ્યું કે એણે આંસુના એક જ ટીપાંમાં આખ્ખો દરિયો ખોયો.

 .

એને ભૂલોનો એહસાસ નથી પણ,

એનાં ઘરમાં હવે અજવાસ નથી પણ,

એનાં પગ છે ખુલ્લા, બળતા રણની રેતી ઉપર,

એની સામે લીલું લીલું ઘાસ નથી પણ.

 .

એણે ઝાંઝવાનાં જળથી એનો આખ્ખો જન્મારો છે ધોયો.

 એણે મને કહ્યું કે એણે આંસુના એક જ ટીપાંમાં આખ્ખો દરિયો ખોયો.

 .

( પરાજિત ડાભી )

મને પણ ખબર નથી – સુરેશ દલાલ

.

મને પણ ખબર નથી

અને અહીંથી ગયો તો પણ

આ બધાંની વચ્ચે

વળી પાછો

ક્યાંક તો હું ઊભો હોઈશ

ક્યાંક તો હું બેઠો હોઈશ

ક્યાંક તો હું સૂતો હોઈશ

પણ આ બધામાં

હું હું જ હોઈશ ?

મને કંઈ ખબર નથી !

અહીંથી હું જઈશ

ઈશ્વર પાસે.

એ કદાચ મને ન પણ ઓળખે.

કોઈ awkward પ્રશ્ન પણ પૂછે.

મેં આપેલા હાથનું તેં શું કર્યું ?

જુઠ્ઠાં પડી ગયેલાં આંગળાંઓ પ્રશ્નથી

ખરી તો નહીં પડે ને ?

મેં આપેલી વાણીનું તેં શું કર્યું ?

વાચાળતાના ખાલી કૂવામાં

બાઝેલી લીલ પરથી હું લપસી તો નહીં પડું ને ?

મારો હાથ હું એમને આપી નહીં શકું

અને મારો પગ હું સંભાળી નહીં શકું.

પણ હું

પ્રભુ કને જઈશ ખરો ?

બધો આધાર

હવે તો એમની ઉદારતા પર છે

પણ ઈશ્વર

માણસ જેવો હોય તો ?

તો પછી

અમે પણ એકમેકને છેતરશું અને તરશું અને છેતરશું.

માણસને છેતરવાનો કસબ અમને કોઠે પડી ગયો છે.

 .

અમે કસબીઓ છીએ.

અમે હોઠ ખોલીએ છીએ અને હૃદય બંધ રાખીએ છીએ.

અમે આંખ ખોલીએ છીએ અને દ્રષ્ટિ અંધ રાખીએ છીએ.

અમે મૈત્રીને ખલાસ કરીને મિત્રો ખરીદીએ છીએ.

અમે આર્ટગૅલેરીમાં જઈએ છીએ અને ચિત્રો ખરીદીએ છીએ.

અમે ચિત્રવંશી છીએ

અમે વિચિત્રવંશી છીએ.

 .

અમે આનંદને ઓઢી શકીએ છીએ

અને શોકને પહેરી શકીએ છીએ.

અમે લગ્નમાંથી ઉઠમણામાં

અને ઉઠમણાંમાંથી લગ્નમાં

એક ખંડમાંથી

બીજા ખંડમાં જતા હોઈએ

એવી આસાનીથી જઈ શકીએ છીએ.

 .

( સુરેશ દલાલ )

આછેરો અજવાસ – હરીશ પંડ્યા

.

કાળી રાતે આછેરો અજવાસ કરે એ કોણ હશે,

પડછાયો થૈ કાયમ જે સહવાસ કરે એ કોણ હશે.

 .

સૂનાં ઘરમાં એકલતા બેફામ ચટકતી ઉરને જો,

છાનામાના આવી ખૂણે વાસ કરે એ કોણ હશે.

.

ભરચક નગરે અણગમતાં દ્રશ્યો ખૂંચે જો આંખોમાં,

અમરત જળથી ભીના ઉરની ચાસ કરે એ કોણ હશે.

 .

અંગે અંગે ઘાવ કળે આ વાત હવે કોને બોલું,

હળવે હાથે પીડ મટાડી હાસ કરે એ કોણ હશે.

.

વૃક્ષો, સાગર, વાદળ, પંખી, ઝરણાં, પ્હાડ જોઉં છતાં,

કાયમ વસતાં ભીતર એવો ભાસ કરે એ કોણ હશે.

.

( હરીશ પંડ્યા )

તને હું કેમ સમજાવું ? – સુરેન ઠાકર ‘મેહુલ’

.

હૃદયની તૂટતી સરગમ તને હું કેમ સમજાવું ?

મુઠીમાં સાચવી મોઘમ તને હું કેમ સમજાવું ?

.

અમારા જીવને તો જિંદગીના દ્વાર ખુલ્લાં છે,

નહિ સમજી શકે હમદમ તને હું કેમ સમજાવું ?

 .

અમારે તો સદાનું એક હસવું થઈ પડ્યું જીવન,

સહીને પ્રાણનાં જોખમ તને હું કેમ સમજાવું ?

 .

સિતારા રોજ આકાશે ઉગે છે એમને પૂછજે,

અમારી જિંદગીના ગમ તને હું કેમ સમજાવું ?

 .

બહારો હોય કે પતઝર અમારે તો વિરાની છે,

કદી બદલે નહિ મોસમ તને હું કેમ સમજાવું ?

 .

અમારે તો ખુશીની કલ્પના સુદ્ધાં ન કરવાની,

સદાનાં છે અહીં માતમ તને હું કેમ સમજાવું ?

 .

છતાં તારું જીવન મારા જીવનથી દૂર ના ‘મેહુલ’,

ખુશીથી આવ મારા સમ તને હું કેમ સમજાવું ?

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )

હરિ, તમે – ભગવતીકુમાર શર્મા

.

હરિ, તમે કપાળ પરનું ચંદન,

હરિ, અમે આંખોમાંનું પાણી.

હરિ, તમે સુગંધનું નંદનવન,

હરિ, અમે ઝાકળની સરવાણી…

 .

હરિ, અમે કાળોભમ્મર પથરો,

હરિ, તમે ઝળહળ શાલિગ્રામ.

હરિ, અમે કૂવે પડેલો ચાંદો,

હરિ, તમે અનહદ અક્ષરધામ.

 .

હરિ, તમે વહાલનું પરબીડિયું:

હરિ, અમે ચિઠ્ઠી સાવ અજાણી…

 .

હરિ, તમે વાંસલડી ઘેઘૂર
હરિ, અમે પડ્યા પવનનો ડૂમો.

હરિ, તમે અમીભર્યું આકાશ;

હરિ, અમે આંસુનો તરજૂમો.

 .

હરિ, તમે હાજર અને હજૂર,

હરિ, અમે વણલખી રામકહાણી…

 .

( ભગવતીકુમાર શર્મા )