જીવતરનું ગીત

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

કદીક હોય મઝધારે ઝૂઝવું, કદીક મળી જાય કાંઠો રે.

.

રાત-દિવસની રમણાઓમાં અંધારું, અજવાળું રે

તેજ-તિમિરના તાણાવાણા, વસ્તર વણ્યું રૂપાળું રે.

.

હરિનું દીધેલ હડસેલી તું આમ શીદને નાઠો રે?

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે

.

રાજમારગે ચાલ ભલે પણ ભૂલીશ મા તું કેડી રે

ડગલે પગલે વ્હાલ કરીને લેશે તુજને તેડી રે.

.

શુભ અવસરની જેમ જ લે તું અવસર પોંખી માઠો રે

જીવતર સાંઠો શેરડીનો, વચમાં દુ:ખની ગાંઠો રે.

.

( લાલજી કાનપરિયા )

આ કબૂતરનું શું કરવું ભલા !

આ કબૂતરનું શું કરવું ભલા !

છાતીમાં આવી એક છાના ખૂણામાં એ ગૂપચૂપ ગોઠવે તણખલાં

.

ચોક સમું ભાળે તો પારેવાપણાને ચણમાં વેરાઈ જતાં આવડે

આંસુના વૃક્ષ ઉપર ખાલી માળા જેવા જણમાં વેરાઈ જતાં આવડે

ધીરેધીરે મુંઝારા ચણે જ્યારે આંખ હોય ભીની ને હોવ તમે એકલા

આ કબૂતરનું શું કરવું ભલા !

.

જાણે છે પાછું ન આવવાનો અર્થ, એને પીછાંનું ખરવું સમજાય છે

પોતીકાપણાના જતન થકી સેવેલું ઈંડું ફૂટે તો શું થાય છે

બારી પર સાંજ ઢળ્યે બેસીને ડૂમાના સૂરજ ગણ્યા હશે કેટલા

આ કબૂતરનું શું કરવું ભલા !

.

( સંદીપ ભાટિયા )

અસ્તિત્વ

તમસનો વટ રાજવી છે, સત્વને હું શું કરું?

પદાર્થોના ખડકલામાં તત્વને હું શું કરું?

.

લપેટી અદ્રશ્યદોરીથી, ફેંકી દીધો ઈશ્વરે

ચકરભમ્મર ઉપાધિમાં, સમત્વને હું શું કરું?

.

ચાલાકી-ચોરી-ફરેબી, હોશિયારી જોઈએ

આ થનગનાટે, આદર્શના જડત્વને હું શું કરું?

.

ખાલી હાથે આવી…મુઠ્ઠી ખોલીને જવાનું છે

ચહેરા-પૈસા-ઈચ્છાઓના મમત્વને હું શું કરું?

.

આટલા આતંક, પાગલપન અને ઘોંઘાટમાં

ખસીયાણાને છોભીલા એ, સ્વત્વને હું શું કરું?

.

(જયંત દેસાઈ)

બોલ હા કે ના

શ્વાસે-શ્વાસે એ જ અવઢવ, બોલ હા કે ના

શું પછી આ ભવ કે તે ભવ, બોલ હા કે ના

.

સાબિતી મારા સળગવાની નથી કોઈ

છે ધુમાડો પણ અસંભવ, બોલ હા કે ના

.

સૂર્ય આળોટ્યા કરે મારી પથારીમાં

રોજનો છે આ અનુભવ, બોલ હા કે ના

.

તારા દરિયાઓ એ તારું નામ બોળ્યું છે

મારું આ રણ મારું ગૌરવ, બોલ હા કે ના

.

તારું હોવું કે ન હોવું બેઉ સરખું છે

એ જ માતમ એ જ ઉત્સવ, બોલ હા કે ના

.

( ભાવેશ ભટ્ટ )

ડગમગાવી જાય

એક પળ એવી અકળ ક્યારેક આવી જાય,

જે અચળ શ્રદ્ધાશિખરને ડગમગાવી જાય.

.

કર્મ ને પુરુષાર્થની વાતો નિરર્થક સાવ,

ભાગ્ય જેને સાથ દે છે એ જ ફાવી જાય.

.

જ્યોત ફરતે હાથનાં રાખો રખોપાં તોય,

સહેજ સરખી લહેરખી દીપક બુઝાવી જાય.

.

ક્ષણ જીવી છો ને રહી, પણ શી રીતે સહેવાય,

જિંદગીને જે વ્યથા પળમાં જ તાવી જાય.

.

માનવી કઠપૂતળી ને આ જગત છે મંચ

કોણ નેપથ્યે રહી સૌને નચાવી જાય !

.

ના ફળે જે ઝંખના ‘બેજાન’ સમણામાંય,

બીજ એનું આંખમાં આ કોણ વાવી જાય !

.

( બેજાન બહાદરપુરી )

જરા વાર લાગશે

થાશે તમસ પસાર જરા વાર લાગશે,

સંધ્યા, નિશા, સવાર જરા વાર લાગશે.

.

દિલમાં ધરો યકીન ન માયુસ બનો કદી,

મળશે મદદ અપાર જરા વાર લાગશે.

.

હો ભાવનો પ્રદેશ પહોંચી જજે તરત,

કર પ્રેમનો પ્રચાર જરા વાર લાગશે.

.

અંધેર તો નથી જ હશે દેર શક્ય છે,

કાને ધરે પુકાર જરા વાર લાગશે.

.

જાશે હટી તમામ પડળ આંખ પર પડ્યાં,

કરજે પછી જુહાર જરા વાર લાગશે.

.

થાશે શરૂ વસંત અને પાનખર જશે,

ને આવશે નિખાર જરા વાર લાગશે.

.

( આબિદ ભટ્ટ )

ધ્યાન હતું

બેઉ દુનિયાનું ત્યાં જ ધ્યાન હતું,

જે તરફ એમનું મકાન હતું.

.

શહેર આખામાં એ જ ચર્ચા છે,

ક્યાં હતું તીર-ક્યાં નિશાન હતું !

.

લોકના માટે સાદું વાક્ય હશે,

મારા માટે તો સંવિધાન હતું..

.

જે કરી જાણે માત્ર છબછબિયાં,

એમના હાથમાં સુકાન હતું.

.

સ્વપ્ન ઈચ્છે છે મોકળાશ અને,

આંખથી નાનું આસમાન હતું.

.

વાણીની શી હતી જરૂર ‘સાહિલ’

મૌન ખુદ બોલતું બયાન હતું.

.

( સાહિલ )

ક્યાં છે ?

ક્યાં છે યારો ? યારો ક્યાં છે ?

ઝળહળતો જનમારો ક્યાં છે ?

.

સાથ છતાં સથવારો ક્યાં છે ?

એકલતાનો આરો ક્યાં છે ?

.

અગમનિગમના કાગળ લાવે,

એ ખાખી હલકારો ક્યાં છે ?

.

પંકોનાં થર પર થર જામ્યા,

મઘમઘતાં મંદારો ક્યાં છે ?

.

અડાબીડ અંધાર-અરણ્યે,

જૂગનુનો ઝબકારો ક્યાં છે ?

.

આકળ-વિકળ આભ પૂછે છે :

એક ખરેલો તારો ક્યાં છે ?

.

પંચભૂતો રઘવાયાં ભટકે,

ચેતનનો ચમકારો ક્યાં છે ?

.

ચહેરા સાથે ચીપક્યાં સજ્જડ

મ્હોરાંનો હરનારો ક્યાં છે ?

.

કુબ્જા જેવા કુબ્જ જીવનને

રાધા શું કરનારો ક્યાં છે ?

.

( જિતેન્દ્ર કા. વ્યાસ )

સીતાનું મૌન-દ્રૌપદીનો ચિત્કાર !

દરેક સમય ખંડમાં જાણે કે સીતા જીવે છે…

અને ઈતિહાસને અવગણીને શ્વાસ લઈ રહી છે દ્રૌપદી પણ…

બરછટ સમય ખોતર્યા કરે છે

ક્ષણોની છીણી વડે અનુભવોને.

સંવેદના મૃત્યુ પામી રહી હોય છે ધબકતી ત્વચાની ભીતર.

ને છતાં અનુભવો પદ્દચિહ્ન છોડી જાય છે પાળિયાની જેમ…

સમયની દીવાલનો ટેકો લઈને ઊભી છે પણે દ્રૌપદી…

સ્નેહ-સમજણ-સુરક્ષા-શાંતિ

અને સ્વમાનભેર કરાયેલો અસ્તિત્વનો સ્વીકાર !

બસ-

ફક્ત પાંચ આંગળીનાં ટેરવામાં ગણી શકો એટલી જ અપેક્ષા…

અને કચકચાવીને મુઠ્ઠીમાં બંધ રહી ગઈ એક વાત…

માટલાનાં ખાલીખમ્મ ગર્ભની શૂન્યતા પડઘાયા કરે છે સનાતનકાળથી…

શાશ્વતી પડઘાતી રહી યુગોથી…

નિવારણ શોધતી રહી હોવાપણાનું…

ગોરંભાતા આભ જેવા ઝળૂંબતા પ્રશ્નો…

કોહવાયા કરે છે કાળનાં ગર્ભમાં સીતાનું મૌન…

અથડાયા કરે છે આકાશી અસીમ શૂન્યતામાં દ્રૌપદીનો ચિત્કાર!!!

કોણ બને મારો અવાજ…!!!

કોણ કએ મારી ઓળખ…!!!

.

( રેખાબા સરવૈયા )

નિયતિ

કદી તો નિરંતર તરસવું પડે છે,

કદી બસ અકારણ વરસવું પડે છે

.

કદી આશરો વન મહીંયે મળે છે,

કદી ઘર મહીં પણ રઝળવું પડે છે.

.

કદી તો મળે છે બધું આપમેળે,

કદી અંશ કાજે તલખવું પડે છે.

.

કદી તો ફળે છે અનાયાસ રસ્તા,

કદી હર કદમ પર ભટકવું પડે છે.

.

કદી હર જગા હોય છે એક આસન,

કદી આસનેથી ઊથલવું પડે છે.

.

( રાકેશ બી. હાંસલિયા )