હું નક્કી કરું છું કે તને પહાડ જેટલો ભાર આપીશ,
પણ જ્યારે તું સામે આવે છે
ત્યારે તને ફૂલ દેવાનું જ મન થાય છે.
હું નક્કી કરું છું કે તારી પાસે હું ખૂબ ખૂબ વ્હાલ માગીશ,
પણ જ્યારે તું મળે છે
ત્યારે તને ખૂબ ખૂબ વ્હાલ દેવાનું મન થાય છે
હું નક્કી કરું છું કે તારી સામે ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડીશ,
પછી તારી છાતીની ઓથે તો હસી પડાય છે
હું જ્યારે તારી સાથે હોઉં છું,
ત્યારે મેં નક્કી કરેલું હું ભૂલી જાઉં છું
અથવા એવું કરવાનું મને સારું લાગતું નથી….
મારાં નક્કી કરેલાં સમીકરણો મારે છોડવાં પડે છે
અથવા મારાથી છૂટી જાય છે.
આ તો લાગણી જેવું, ધોળાં-ધોળાં સુગંધી ફૂલ જેવું જ
કંઈક થયું, કેમ ?
મારી આ વાત તને કરવી છે.
પણ હું જ્યારે તને આ વાત કહેવાનું મનોમન નક્કી કરું છું,
અને આપણે મળીએ છીએ
ત્યારે તો આ વાતને બદલે
આકાશ, વાદળાં, ચંદ્ર-સૂરજ કે વૃક્ષ-તારાની વાતો જ શરૂ થઈ જાય છે,
વસંત કે વરસાદ
અથવા ગુલમ્હોર કે ગરમાળો –
આવી વાતોની વેલ વધતી હોય છે –
મારે જેવું થાય છે, તેવું તને તો નથી થતું ને ?
હું એવું માની લઉં કે મારી નક્કી કરેલી વાતો
તેં નક્કી કરેલી વાતોને ગુપચુપ મળતી હશે ?!!!!……
અને
એટલે હું નક્કી કરું છું પણ…..
.
( કવિતા ચોકસી )