શરણાગતિ – રવીન્દ્રનાથ ટાગોર

.

આજ લગી મેં તો

એનો ચહેરો ન જોયો, મહોરો ન જોયો

સાંભળી કેવળ વાંસળી

મન આપી બેઠી

પ્રાણ આપી બેઠી

સ્વીકારી લીધી મધથી મીઠી

શરણાગતિની સાંકળી.

સાંભળ્યું છે કે એ કાજળકાળો

જોવા જેવો નથી ચહેરો રૂપાળો

સખી જમુનાને જળ

ભરવા પાણી જઉં કે નહીં

એ વિચારે મનમાં ને મનમાં

હું તો થાઉં છું અરે બેબાકળી.

આંખને ખૂણે હસતો હસતો

સમણામાં એ આવ્યો હતો

એ દિવસથી પોપચાં મારાં

ખોલતી નથી ભયના માર્યા

લજ્જાં મને કરતી રહી

ચારે બાજુથી હાંફળીફાંફળી.

 .

વનને મારગ જેમને જવું હોય તે ભલે જાય

ખુશીથી

કદંબ તળે ઊભા રહી પડછાયાને ચહાય ખુશીથી

સખી ! તું જ મને કહે

આંખ ઉઘાડીને

એને મારે જોવો કે નહીં

મન મારું

ઘડીમાં ફૂલ, ઘડીમાં કળી.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )

રામ એમાં શું કરે ? – લાલજી કાનપરિયા

.

શબરી એનાં ચાખી બોર

નાહક મચાવે અમથો શોર, રામ એમાં શું કરે ?

 .

કોઈ બિછાવી ફળિયે ફૂલ

કરે આમ સુગંધી ભૂલ, રામ એમાં શું કરે ?

 .

ઈચ્છાઓને તેડી કાંખે

સતત ખુદને ફરતી રાખે, રામ એમાં શું કરે ?

 .

મંદિર મંદિર પ્રગટ્યા હરિ

પથ્થરમાં જઈ શ્રદ્ધા ઠરી, રામ એમાં શું કરે ?

 .

ઉછેરીને શમણાં આંખે

નાહક જાળ પાણીમાં નાખે, રામ એમાં શું કરે ?

 .

અમથી અમથી વાટ નિહારે

આખે આખી જાત પિગાળે, રામ એમાં શું કરે ?

 .

( લાલજી કાનપરિયા )

એ જ ચોમાસું – સંદીપ ભાટીયા

દોસ્ત, સાથે ભીંજાયા એ જ ચોમાસું

બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ

 .

નોખીનોખી છત્રી એ છત્રી શું, ન્હાવું શું નોખાંનોખાં નેવાં તળે નહાવું

જુદાંજુદાં ગીતોથી તો ડૂમો ભલો રે ભાઈ, જુદા જુદા સૂરમાં શું ગાવું

 .

ગીત સાથે ગાયાં એ જ ચોમાસું

બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ

 .

ભીની સાંજે શોધું હું બેંકની રસીદ, તને જડે જૂના બનારસી શેલાં

ભર અષાઢે ઘર આપણાં બે કોરાંકટ, વચ્ચે રસ્તાઓ ભીંજાયેલા

 .

દોસ્ત, સાથે ખોવાય એ જ ચોમાસું

બાકી જે વરસે એ શ્રાવણની બપ્પોરે રણની આંખોથી ઝર્યા આંસુ

 .

( સંદીપ ભાટીયા )

દીવો હોલવ ! – કરસનદાસ લુહાર

 અજવાળું બહુ ડંખે છે, લે દીવો હોલવ !

આંખ તમરાને ઝંખે છે, લે દીવો હોલવ !

 .

ટેરવડાં શૃંગાર સજે, લે દીવો હોલવ !

સ્પર્શોની શરણાઈ બઝે, લે દીવો હોલવ !

 .

કાળી ઈચ્છા મરકે છે, લે દીવો હોલવ !

લોહીમાં કંઈ ફરકે છે, લે દીવો હોલવ !

 .

પછી આપણે ઝળહળશું, લે દીવો હોલવ !

એક-બીજામાં ખળભળશું, લે દીવો હોલવ !

 .

હશે ધવલતમ અંધારું, લે દીવો હોલવ !

તારું-મારું સહિયારું, લે દીવો હોલવ !

 ,

( કરસનદાસ લુહાર )

પ્રાર્થના…!! – એષા દાદાવાળા વ્યાસ

એ દિવસે

તું આવજે…

અને ખભે હાથ મૂકીને ખાલી એટલું જ કહેજે

કે ચિંતા નહીં કરીશ, હું બેઠો છું…

અચાનક ક્યાંકથી ઊગી નીકળેલી

ગાંઠને ઉકેલવામાં તારી મદદની આમા તો કોઈ જરૂર નથી

તો પણ,

તું આવજે ખરો

અને દસ બાય દસનાં એરકંડિશનિંગ હાઈજીન

ઓરડામાં ચાલતું બધું જ જોયે રાખજે ચૂપચાપ

પીન ડ્રોપ સાઈલન્સ વચ્ચે ચાલતાં કાર્ડિયોમીટરનો

બીપ બીપ અવાજ કંટ્રોલ બહાર જતો રહે તો

ચિંતા ના કરીશ

હાથમાંથી સરી જતી પલ્સ ફરી પાછી

કાબૂમાં ના આવે તો પણ કશું કરતો નહિ

શ્વાસ ખૂટી પણ જાય તો એને ભરતો નહિ

એ લોકો મેનેજ કરી લેશે એ બધું

પણ

મારાં હાથમાંથી છટકી જતી

જીવન પ્રત્યેની શ્રદ્ધાને

તારાં હાથમાં ઝાલી રાખજે

અને વિશ્વાસનો શ્વાસ ફૂંકી આપજે આંખોમાં…

જેથી

હે ઈશ્વર,

આવતી કાલે હું બચી પણ જાઉં તો

મજબૂત જિજિવિષાના જોરે ટકી શકું…!!!

 .

( એષા દાદાવાળા વ્યાસ )

નહીં જવા હું દઉં – ત્રિલોચન જેસલપરા

ઠીક છે, જવું હોય તો જાઓ

પણ તમને નહીં જવા હું દઉં.

ફરી ફરીને, રહી રહીને એક વાત હું કહું :

-કે તમને નહીં જવા હું દઉં.

 .

મારો વિરાટ લોભ-

એને કોઈ કશો નહીં થોભ

અમને ક્યાં છે કોઈ સંકોચ ?

અમને નથી કશો કોઈ છોછ.

વેલ વૃક્ષને વળગે એમ જ તમને વળગી રહું

-કે તમને નહીં જવા હું દઉં.

 .

આવ્યા છો તો રહેવાનું છે

મારે કંઈ કેટલું કહેવાનું છે

ગીત તારું સાંભળવાનું છે

હું તો તારા પૂરમાં જોને પાગલ થઈને વહું

-કે તમને નહીં જવા હું દઉં.

 .

( ત્રિલોચન જેસલપરા )

મારી જિંદગી – કિરીટ ગોસ્વામી

મારી જિંદગી-

રસ્તે રઝળતા

નક્કામાં કાગળિયાં જેવી…

ક્યારેક,

કોઈ નાનકડાં બાળકના હાથમાં

આવી જાઉં

તો

બહુ બહુ તો

રોકેટ બનીને હવામાં જરાવાર ઊડું !

ને

કાં તો હોડકું બનીને તરું

પાણીના નાનકડા પ્રવાહમાં થોડીવાર !

પણ

તેથી શું ?!

આકાશમાં ઊડીને

કે પાણીમાં તરીનેય

મારી ચાહ ક્યાં પૂરી થવાની ?

રખેને

હું, તારા હાથમાં આવી શકું

ને

મારા પર અક્ષરો પાડે પ્રેમનાં…

પણ

રસ્તે રઝળતાં કાગળિયાં પર

પ્રેમનાં અક્ષરો ક્યાંથી પડે ?!

મારી જિંદગી-

સાવ કોરા કાગળ જેવી !

 

( કિરીટ ગોસ્વામી )

સ્વામી વિવેકાનંદ અને ધર્મ

પ્રથમ મુલાકાતમાં સ્વામી વિવેકાનંદને એક અમેરિકને પૂછ્યું અમારા ઈશુ કહે છે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો તમે બીજો ગાલ સામો ધરો તો તમારો ધર્મ શું કહે છે ?

 .

ત્યારે સ્વામી વિવેકાનંદે બે વિકલ્પો બતાવ્યા.

 .

૧. અમે ધર્મ સમજીને વર્તન જ એવું કરીએ કે તમાચો ખાવાનો વખત ન આવે.

 .

૨. અમે પહેલો તમાચો પડે જ નહીં તે માટે સશક્ત બનીએ. અખાડામાં જઈ સામનો કરતાં શીખીએ તેનો હાથ જ પકડી લઈએ.

લાગી શરત – મુકેશ જોષી

ભલભલા લોકો હૃદયનું ચેન હારી જાય છે લાગી શરત

એમની ઝુલ્ફો ઉપર તો તુંય વારી જાય છે લાગી શરત

 .

સૂર તારો કંઠ તારો લોક તારા તે છતાંયે એ સભામાં

એ, ગુલાબી સ્મિતથી મેદાન મારી જાય છે લાગી શરત

 .

એ પૂજારી છે બહુ સોહામણો ને એટલે શ્રદ્ધા લઈ

છોકરી દરરોજ મંદિર એકધારી જાય છે લાગી શરત

 .

આજ જંગલમાં નર્યો ફફડાટ છે ને પંખીઓ રોયા કરે

રૂપ માણસનું ધરીને એ શિકારી જાય છે લાગી શરત

 .

લાજ જાશે તો એ શાયરની નહીં, મારી જ જાશે એટલે

જો, ખુદા મારી ગઝલ આખી મઠારી જાય છે લાગી શરત

.

( મુકેશ જોષી )

મળવાનું નામ હવે મૃગજળ – વિશનજી નાગડા

મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી

સાંભળ્યું છે કહાન તમે રાજા થયા છો ને રાજાને સોળસો રાણી

 .

બહાવરી આ આંખોને સમજાવી થાકી

પણ થાય છે જરીય ક્યાં બંધ ?

આંખો તો આંખો પણ કાનને હજીય કેમ

પજવે છે પગરવની ગંધ ?!

 .

પરવશતા પ્રેમમાં આટલી હશે એ કેમ લીધું નહીં જાણી ?

મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી

 .

ઊંબરિયે ઊભી ઊભી વાટ જોઉં કેટલી

ને કિયાં લગી સાચવું હું યાદને

રોજરોજ વધતા આ ઘેરા ઘોંઘાટમાં

જાળવું હું કેમ વેણુનાદને ?

 .

આછેરા આછેરા ઘેરાતા તેજમાં આંખોને કેટલી મેં તાણી

મળવાનું નામ હવે મૃગજળ રાખો ને નહિ મળવાનું નામ હવે પાણી

 .

( વિશનજી નાગડા )