સહેલું નથી – મધુમતી મહેતા

.

સૂર્ય લઈ અંધારું કંઈ સંતાડવું સહેલું નથી

સૂર્ય થઈ અંધારું છે એ માનવું સહેલું નથી

 .

મુગ્ધ છું હું વાંસળી પર રૂપ પર કુરબાન છું

તે છતાં તારી નજરમાં આવવું સહેલું નથી

 .

તું ભલેને આપવા તત્પર બનીને ત્યાં ઊભો

હાથ જોડી તારી પાસે માગવું સહેલું નથી

 .

એક સમજણ છે જરૂરી ચાલતા રહેવા વિશે

છાંયડો રસ્તે ન હો તો થોભવું સહેલું નથી

 .

એમને ગમતું વગાડો લોક ભેગા થઈ જશે

જે ગમે અમને સદા સંભળાવવું સહેલું નથી

 .

એક ખુરશી છે જે સન્માનિત કરે સહુને અહીં

ખુદના પડછાયાથી મોટા લાગવું સહેલું નથી

 .

જિંદગીના અંતમાં મહેતાને આવી છે સમજ

કંઈક એવું પણ તૂટે જે સાંધવું સહેલું નથી

 .

( મધુમતી મહેતા )

લઘુકાવ્યો – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

.

૧.

ટોળું

 .

પ્રત્યેક વૃક્ષ

અનાયાસે

સ્થિતપ્રજ્ઞ હોય છે.

તેથી

વૃક્ષોનાં સમૂહને

ટોળું

ન કહી શકાય.

 .

૨.

વિમુખ

 .

સવારે

જેનું મુખ

સૂરજ તરફ નહોતું,

એ સૂરજ્મુખીનું ફૂલ

મારાઘરની

ફૂલદાનીમાં હતું !

 .

૩.

મોહતાજ

 .

રસ્તાની

લાચારી તો જુઓ,

પોતે ક્યાંય

જવા માટે છે, કે

પાછા વળવા માટે ?

એનો આધાર તેણે

પસાર થનાર પર

રાખવો પડે છે !

 .

૪.

સુખ

 .

અજવાળું

ખરીદી શકાતું હોત,

તો ધનવાનો

છેવટે તરસતા હોત

અંધારું ખરીદવા માટે !

 .

( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’)

વાત ન કર ! – પરેશ કળસરિયા

.

હાલક ડોલક પડછાયાની વાત ન કર !

આપણ સૌના ભરમાયાની વાત ન કર !

 .

સાદ કોઈનો સામેથી આવે તો કે’ !

તારા શબ્દો પડઘાયાની વાત ન કર !

 .

કોઈ પરીની પાંખો કાપી નાખીને,

પતંગિયુંના પકડાયાની વાત ન કર !

 .

આંખો મીંચી બેસી રે’વું પાલવશે

પણ દ્રશ્યોથી ગભરાયાની વાત ન કર !

 .

તારું હોવું મિથ્યા લાગે યાર ! તને

કોઈ એટલું ચર્ચાયાની વાત ન કર !

 .

દાદ ભલે દે એની સઘળા શે’રોનેપણ

ગઝલોથી અંજાયાની વાત ન કર !

 .

( પરેશ કળસરિયા )

હરિ, સ્વયમ કાં દૂર ? – નીતિન વિ. મહેતા

.

હરિ શબદ છે હોઠવગો,

પણ હરિ, સ્વયમ કાં દૂર ?

હરિ નિકટ આવી બોલે

જીવ, સાંભળવા આતુર

હરિ, સ્વયમ કાં દૂર ?

 .

એના પુનિત પગલે પગલે

પંથ, પરિમલ પામે,

ઝંખે મન દર્શન એ દૈવી,

અખંડ રૂપ, અવિરામે.

હરિ થાય જો, આંખવગા

તો ઝળહળ ઝળહળ નૂર

પણ હરિ, સ્વયમ કાં દૂર ?

 .

હેત વહે ખળખળ ઝરણે,

ને, આતમખૂણે ઓચ્છવ,

ભીતર લગે ભર્યું ભર્યું

અનુરાગ મળે, ભવેભવ,

હરિ થાય જો, હાથવગા

તો, છલકે હૈયે અપાર પૂર

પણ હરિ, સ્વયમ કાં દૂર ?

 .

( નીતિન વિ. મહેતા )

…છોડો મમત – જિતેન્દ્ર પ્રજાપતિ

.

ઝાડ પરથી પાનનું ખરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત;

હું પણાનું આખરે ઠરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

શું મળ્યું છે ખાલી ઘર ફંફોસતા ? ભીંતે મઢેલો ખાલીપો કે એ જ પાછી શૂન્યતા ?

 સાંપડેલું એક બસ ડરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

.

આમ જુઓ તો હયાતી આખરે એક શ્વાસનો ફુગ્ગો જ છે, એથી વધારે કૈં નથી;

જ્યાં જુઓ ત્યાં શ્વાસનું ભરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

છો રહી કૈં આજ તારી બોલબાલા ચોતરફ, એ આજ નહિ તો કાલ ઓછી થૈ જશે;

કાળના કો’ ચક્રનું ફરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

ઝાંઝવાનું જળ થયે વર્ષો થયા, બદલો અમારી હસ્તરેખાના વળાંકો આજ કૈં;

ક્યારનું એ જળતણું તરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

પ્રેમની બાબતમાં – સુરેશ દલાલ

.

પ્રેમની બાબતમાં કોઈને સલાહ આપશો નહીં

લોહી જ્યારે લયબદ્ધ નર્તન કરતું હોય અને

ક્યારેક પ્રલયની જેમ ધસમસતું હોય ત્યારે

તમારી વાણી સાંભળવા કોઈ તૈયાર નહીં થાય.

 .

પ્રત્યેક ઝંખે છે પ્રેમનો અનુભવ. ભલે પછી એમાં

વફાઈ—બેવફાઈ, વહેમ, શંકા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા

હોય કે ન હોય; પણ દરેકને પોતાના હાથમાં

ધખધખતો, સળગતો અંગારો મૂકવાની હોંશ હોય છે.

 .

વિધાતાએ બધી યોજના ઘડી કાઢી છે.

રડવા માટે આંખ અને ખૂબ લાંબી રાત આપી છે.

મળવા માટેના બગીચાઓ કઈ ઘડીએ રણ થઈ જશે

એની કોઈ કરતાં કોઈને ક્યારેય ખબર પડી નથી.

 .

અને આ બધું છતાં માણસે પ્રેમ ન કરવો

એવું તો વિચારાય જ નહીં. ઝંખના અને ઝુરાપો

મરણ લગી જીવવા માટે પૂરતાં છે.

 .

( સુરેશ દલાલ )

રંગ રાખ્યો છે – ‘રાજ’ લખતરવી

.

ઉમેરી રક્ત મહેંદીમાં વધારે રંગ રાખ્યો છે,

અનોખા પ્રેમીએ નોખા પ્રકારે રંગ રાખ્યો છે.

 .

જગતભરના બધા રસ્તા ઉતારા, મંઝિલો છોડી,

ગલીમાં આપની આવી જનારે રંગ રાખ્યો છે.

 .

થવા દીધો ન અળગો રંગથી, બેરંગ મોસમમાં,

 સતત આવીને ફૂલોના વિચારે રંગ રાખ્યો છે.

 .

નથી રાખ્યો દવાએ, ના દુઆ રાખી શકી એવો,

મુલાયમ સ્પર્શની આ સારવારે રંગ રાખ્યો છે.

 .

નહીંતર ‘રાજ’ મારું થાત શું ? મારો ખુદા જાણે,

અણીના તાકડે એના સહારે રંગ રાખ્યો છે.

 .

( ‘રાજ’ લખતરવી )

રમકડું બની ગયેલા – સ્નેહી પરમાર

.

મારે,

રમકડું બની ગયેલા સમંદરમાં,

ફરી ઘૂઘવાટની ચાવી ભરવી છે

અને

કાંઠે પડેલી જાળને,

માછલી સાથે પ્રેમ થઈ જાય ત્યાં સુધી

એક પગે ઊભા રહેવું છે

મારે,

ધમણમાં ટીપાતાં કુહાડના શિશુ સાથે

દાણાના ગર્ભમાં ઊછરતા છોડનું સગપણ કરાવવું છે.

મારે,

તલવારો મ્યાન નથી કરવી,

પરંતુ

એ ખુલ્લી તલવાર પર,

બાળક એકડો ઘૂંટે, તે જોવું છે,

અને

સામેની ઝૂંપડીમાં પાથર્યા વિના સૂતેલા સમયની

પીઠ પર

છપાઈ ગયેલી કાંકરાની લિપિ ઉકેલીને

એક

કાવ્ય લખી કાઢવું છે.

 .

( સ્નેહી પરમાર )

બે ઘડી નવરાશ – પરાજિત ડાભી

.

આમ જુઓ તો નગર આ ભીડનો સૈલાબ છે.

બેઘડી નવરાશ જાણે એક સુંદર ખ્વાબ છે.

 .

 માણસો પણ હાથમાં ઘોંઘાટનાં પથ્થર લઈ,

મૌનનાં આ શીશમહેલો ફોડવા બેતાબ છે.

 .

કાફલાને ગુમ કરી ખુદ મંઝિલે પહોંચી ગયા,

નાખુદા થઈને ફરે છે એમને આદાબ છે.

 .

 ફૂલ કાગળનાં અને ખુશ્બૂ બધી અત્તર તણી,

આમ જુઓ તો ભરેલી, આમ ખાલી છાબ છે.

 .

 શ્વાસ છૂટે એ પછી માણસ નહીં, મડદું રહે,

જિંદગીનાં દબદબા પર મૌતનો રુઆબ છે.

.

( પરાજિત ડાભી )

મારા ઘરની બારી બહાર – પન્ના નાયક

.

મારા ઘરની બારી બહારનું વૃક્ષ

હવે

પાનખરનાં એંધાણ આપે છે.

એ વૃક્ષનાં

અડધાં લીલાં, અડધાં પીળાં

ને

વધુ તો રતુંબડાં પાંદડાં

તડકામાં લહેરાય છે.

પવન આવે ત્યારે

રતુંબડાં પાંદડાં

ચોક્કસ સમયે જ

ખરખર ખરે છે.

વૃક્ષ પરથી ખરવાના સમયની

એમને કેવી રીતે ખબર પડતી હશે ?

વૃક્ષથી અળગા થવું એટલે શું ?-

એની એમને ખબર હશે?

ભર ઉનાળાની જાહોજલાલી માણીને

અળગા થતી વખતે

પાંદડાંને અને વૃક્ષને શું થતું હશે ?

 .

મારા શરીર પરનાં પાન પણ

હવે

લીલામાંથી થોડાં પીળાં, થોડાં રતુંબડાં થવા માંડ્યાં છે.

એ ખરેખર ખરે

એ પહેલાં

મનમાં ઢબુરી રાખેલી

કેટલીય વાત

મારે મારા સ્વજનને કહેવી છે.

ક્ષુલ્લક વસ્તુઓથી ભરેલો ભંડાર ખાલી કરવો છે.

આ સંઘરો શેને માટે ? કોને માટે ?

અને

વસાવેલાં પુસ્તકોના લેખકોના ડહાપણમાંથી

મોડે મોડે વાંચી લેવી છે

એમણે આપેલી

અંતની શરૂઆતની સમજ.

દરમિયાન,

ચૂકી નથી જવી

આ ખુશનુમા સવારે

બારી બહારની

બદલાતા રંગોની છટા.

 .

( પન્ના નાયક )