झरोखे में बैठा उदास कबूतर – मुनि रुपचन्द्र

.

झरोखे में बैठा उदास कबूतर

भीगी पलकों से

कभी बाहर झाँकता है, कभी भीतर झाँकता है.

 .

वह देख रहा है

कि भीतर की दुनिया उजाड दी गयी है

अब यह महल खण्डहर है, सुनसान है

और बाहर की दुनिया बस-बस कर भी उजड रही है

क्योंकि नींव खोखली है और आदमी बेजान है

पुराना मकान ढह रहा है, नया बन नहीं रहा है

ईस लिए ईन दो खम्भों के बीच

लटकते हुए तारों पर ही अपनी जिन्दगी बिताने को

वह कभी ईधर झाँकता है, कभी उधर झाँकता है.

 .

वह सोच रहा है

कि आदमियत वह चीज है

जो उजडे हुए को बसाना जानती है

और जो रास्ता भूलकर भटक गये हैं

उन्हें सीधी-सी पगडण्डी बताना अपना फर्ज मानती है

लेकिन आज जो आदमी है

वह आदमियत नहीं चाहता

खुद तो उजडा हुआ है ही

औरों को बसता हुआ भी देखना नहीं चाहता.

धरती खिसकती जा रही है, आकाश भागा जा रहा है,

वह बेचारा सहारे की टोह में

कभी नीचे झाँकता है, कभी उपर झाँकता है.

 .

शायद वह अपने नभलोक को छोड कर

आज मन ही मन पछता रहा है

और ईस आदम की डरावनी शक्लें देख कर

अपना घायल शरीर ढीला किये सुस्ता रहा है

पर वह उड नहीं सकता; क्योंकि यह मनुष्य-लोक है

यहाँ वे पाँखे तोड दी जाती है

जो उडने की कोशिश किया करती हैं

और वें आँखें फोड दी जाती हैं

जो ईस घरौंदे की सीमा को लाँघ कर

बढने की कोशिश किया करती हैं

ईस लिए वह लाचार

कभी आँखें मूंद कर झाँकता है, कभी खोल कर झाँकता है.

 .

( मुनि रुपचन्द्र )

તેલ જુઓ, તેલની ધાર જુઓ – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

.

તેલ જુઓ, તેલની ધાર જુઓ…

શું કહ્યું ?

ઘરમાં તેલનો છાંટો ય નથી ?!

નેવર માઈન્ડ !

પાણી જુઓ, પાણીની ધાર જુઓ…

વળી, શું થયું ?

પાણીની ય અછત ?

ઓ. કે. ઘરમાં છરી તો હશે જ !

છરી જુઓ, છરીની ધાર જુઓ….

જો છરી બુઠ્ઠી થઈ ગઈ હોય

તો-

છરીની ધાર સજાવો

અને

કવિતાના નામે

ધડ-માથા વગરનું લખનારાને

પછી

પતાવો !

જો જો,

શરૂઆત મારાથી ન કરતા;

આમાં તો કોઈ

મોટું માથું જ શોભે !

તો જ કદાચ,

આવી વણથંભી પ્રવૃત્તિ થોભે !!

 .

( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

ભાતીગળ ઓરતાનું લીલુંછમ્મ ગીત – લાલજી કાનપરિયા

.

ખેતરને નીંદવા કેમ કરી જાઉં ? મને પજવે છે લીલ્લોછમ્મ મોલ

શેઢાના ઘાસ પર પગલાં માંડું તો મને સંભળાતા વ્હાલમના બોલ !

 .

ઓણસાલ મેંદીના બદલે રંગાવી મેં તો પાનીને લીલુડા રંગથી

ઝાકળની જેમ મારા સપનાં ઊડે ના એવી માનતઓ માની ઉમંગથી.

 .

આભ થકી વરસતા ટહુકે ટહુકે હું તો ભીંજાતી કાંઈ માથાબોળ !

ખેતરને નીંદવા કેમ કરી જાઉં ? મને પજવે છે લીલ્લોછમ્મ મોલ.

 .

બધાંયે કામ પછી પડતાં મૂકીને કાંઈ પતંગિયાની પાછળ હું દોડતી

પતંગિયાંની પાંખ જેવાં ભાતીગળ ઓરતાઓ લોહીની વચાળે હું ચોડતી !

 .

પંખીના ટહુકામાં સાંભળું શરણાઈ અને વાદળના ગર્જનમાં ઢોલ !

ખેતરને નીંદવા કેમ કરી જાઉં ? મને પજવે છે લીલ્લોછમ્મ મોલ

 .

( લાલજી કાનપરિયા )

…સાચવજે સમો, વા’લા ! – લલિત ત્રિવેદી

.

નદીયું થાય જો રઘવાઈ, સાચવજે સમો, વા’લા !

ખમી ખાવાને દેજે લાઈ, સાચવજે સમો, વા’લા !

.

દીધી છે રત તો સત દેજે, ને ગત દીધી તો મત દેજે

અને દેજે ઝીણી જિવાઈ, સાચવજે સમો, વા’લા !

 .

વિતાવું છું જો દાણો રાઈ તો માગે છે ઈ વનરાઈ

બહુ પહરી છે કહ્યાબાઈ, સાચવજે સમો, વા’લા !

 .

સખીના ચહેરાની લટ છે, સમું ઘૂંટાઈ તો રટ છે

ઝૂરણ દેજે ને દેજે ઝાંઈ, સાચવજે સમો, વા’લા !

 .

છે એક બાજુ શરીરાઈ… બીજી બાજુ છે પરછાંઈ

ને વચમાં વસમી છે અધૂરાઈ, સાચવજે સમો, વા’લા !

 .

( લલિત ત્રિવેદી )

સ્મિત કાળું કે ધોળું ન હોય – અલ્પેશ ‘પાગલ’

 

..

….

સ્મિત કાળું કે ધોળું ન હોય…

સ્મિત રંગીન હોય, મેઘ-ધનુષી હોય, સ્વપ્ન રંગે રંગેલું જ હોય,

સ્મિત સાવ અમસ્તું ન હોય…

સ્મિત ધારદાર હોય, સ્મિત આરપાર હોય, સ્મિત દાતરડાં જેવું જ હોય,

સ્મિત કાળું કે ધોળું ન હોય…

 .

સ્મિત આંખોમાં છે, સ્મિત છાતીમાં છે, લટ વિખેરાય છે એ’ય સ્મિત છે,

તું મલકે ને લીલેરો કોલ ધબકે, સખી, હોવાપણાંની એ જીત છે,

સ્મિત સાચું કે ખોટું ન હોય…

સ્મિત સંગીન હોય, સ્મિતમાં’ય દિલ હોય, સ્મિત સાવ સાચું સોનું જ હોય,

સ્મિત કાળું કે ધોળું ન હોય…

 .

ઉઘડતી કળીઓને જરા પૂછી જુઓ કે તારી પાંદડીઓ હસતી’તી કેમ ?

સૂરજની સાક્ષીએ જાળવ્યો છે કેમ તે ઝાકળ અડી ગ્યાંનો વ્હેમ ?

સ્મિત અરધું કે અઘરું ન હોય…

જેને સમજે બધાય એવી બોલી છે એ, સ્મિત સહજ ન સ્હેલું જ હોય,

સ્મિત કાળું કે ધોળું ન હોય…

 .

સ્મિત એવી જણસ તો નથી કે એ આવીને હોઠોમાં સચવાઈ જાય,

કોઈ ગાલ પર સ્મિતનો ટશિયો ફૂટે ને ત્યારે ‘ખમ્મા’ જ બોલાઈ જાય,

સ્મિત ખાટું કે મોળું ન હોય…

સ્મિત સ્વાદિષ્ટ હોય, સ્મિતમાં ઈશ હોય, સ્મિત મધથી’ય મીઠું જ હોય.

સ્મિત કાળું કે ધોળું ન હોય…

 .

( અલ્પેશ ‘પાગલ’)

એકાંત – દત્તા કલસગીકર

.

એકાંતમાં આપણે ખરાં હોઈએ છીએ

આપણી કુરુપતા-સુરુપતા સહિત.

એકાંતમાં આપણે જોઈએ છીએ ખુદ તરફ

અને સમજીએ છીએ,

કેટલું ખરુંખોટું જીવીએ છીએ આ જગમાં.

મનસોક્ત રડીએ છીએ એકાંતમાં

ત્યારે એકાંત પીઠ પરથી હાથ ફેરવે છે.

એકાંત કહે છે જીવવાનો અર્થ અથવા અનર્થ.

એકાંતમાં આપણો સંવાદ આપણી સાથે.

ખરું તો આપણે એકલાં જ

આ નાના મોટાં પ્રવાસમાં;

એ એકાંતમાં સમજાય.

એકાંત કેટલાં સમજદાર બનાવે છે આપણને !

ચોખ્ખું પાણી પીવા માટે નદીના ઉદ્દગમસ્થાને જવું

એવું આ એકાંત !

 .

( દત્તા કલસગીકર )

મને ગમે છે – દિલીપ જોશી

.

કિલ્લોલ થઈ ગયેલો અવસર મને ગમે છે;

જ્યાં બાળકો રમે છે એ ઘર મને ગમે છે.

 .

એને મળ્યો નથી પણ ભવભવથી ઓળખું છું,

રુદિયે સમાઈ જાતા એ સ્વર મને ગમે છે.

 .

સાથે તું હોય ત્યારે સઘળું મને ગમે છે,

ધરતી મને ગમે છે અંબર મને ગમે છે.

 .

દર્શનની પ્યાસ જેમાં શું થાક લાગે એમાં,

તારી ગલી સુધીના ચક્કર મને ગમે છે.

 .

વાદળ નથી છતાંયે કૈં  ગાજવીજ કરતી,

નજરોથી એ નજરની ટક્કર મને ગમે છે.

 .

જેનાથી હું ઘડાયો, ને નામ પણ કમાયો,

આ જિંદગીના રસ્તે ઠોકર મને ગમે છે.

 .

સંજોગ આજ એના છે સુંદરી થવાના

શિલ્પીનેહાથ આવ્યો પથ્થર મને ગમે છે.

.

( દિલીપ જોશી )

…મળતો નથી ક્યાંયે – લલિત ત્રિવેદી

 નથી એવું કે જે ખોવાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

જે તારી શોધમાં ગુમ થાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

 .

ઘડામાં ઝીણું ઝીણું વ્હાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

પીવો જો હોય તો પિવાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

 .

એ સાચું છે કે સંતાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

ભલે અંદર છે એવું થાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

 .

ભગતને એક દિ’ પૂછ્યું અમે – ભગવાનજી ક્યાં ક્યાં મળે અમને

તો એણે કીધું કે જિવાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

 .

ઝીણી એક કાંકરી મારામાં છે, એક કાંકરી તારામાં છે, પ્રિયજન !

સતત ખૂંચે છે તે સમજાય છે, એનો પતો મળતો નથી ક્યાંયે

 .

એ નટખટ છોકરી મીઠું હસી મારી બધી કોડી બથાવી ગઈ

કયા દરિયામાં એ દો’વાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

 .

ટપાલીએ… સમીસાંજે… મૂકી થેલો… કીધું તે સાંભળો, ભક્તો !

જનમમાંથી જે નીકળી જાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

 .

( લલિત ત્રિવેદી )

એની તને કૈં જાણ છે ? – આહમદ મકરાણી

ક્યાં ક્યાં ગયો ? ક્યાં ક્યાં ફર્યો ? એની તને કૈં જાણ છે ?

ક્યાંક્યાં જીવ્યો ? ક્યાં ક્યાં મર્યો ? એની તને કૈં જાણ છે ?

 .

સાગર સમયનો હરપળે વહેતો રહે બેહદ બની;

પળપળ ડૂબ્યો, પળપળ તર્યો એની તને કૈં જાણ છે ?

 .

ચોપાટ એણે તો બિછાવી કેટલાયે રંગની !

પાસો બની ક્યાં ક્યાં પડ્યો ? એની તને કૈં જાણ છે ?

 .

આકાશમાં કૈં ભાગ્યના તારા હજીયે ટમટમે;

તારો બની ક્યાં ક્યાં ખર્યો ? એની તને કૈં જાણ છે ?

 .

સૌને ખબર છે મોત સૌને આવશે નક્કી અહીં;

કેવી રીતે ક્યાં ક્યાં ડર્યો ? એની તને કૈં જાણ છે ?

 .

( આહમદ મકરાણી )

અનુભૂતિ – જયશ્રી મહેતા

વાંસળીની આંગળી પકડીને એક દિ’

ગઈ’તી હું જમુનાને તીર

જમુનાના નીરમાં ડૂબકી મારીને

મને પરશી ગઈ તેજની લકીર….

 .

મોરપિચ્છ વાયરામાં હળું હળું ફરકે

ને કાંઠે કદમ્બનાં ઝાડ

આકાશે વાદળાં એવાં ઝળુંબ્યાં

જાણે ઊંચક્યો મેં ગોવર્ધન પહાડ

આંગળીની ટિશિયુંને ફૂટી કો ચેતના

જે થઈ ગઈ’તી ક્યારની બધિર….

 .

આંખો મીંચું તો માંહ્ય ઝળહળતી જ્યોત

અને કહાનાની આરતીનાં ગાન

મધુવનની ધૂળમાં કેવી રંગાઈ હું તો

કણ કણમાં કહાનાનું ધ્યાન

આખુંય આયખું એવું જાગ્યું કે

જાગી રોમ રોમ રટણા અધીર….

.

( જયશ્રી મહેતા )