બે લઘુકાવ્યો

.

(૧)

પ્રેમનું પિંજરું

 .

હું

એક આશ્ચર્યચકિત

પ્રેમના પીંજરામાં

કેદી.

 .

મારા દરવાજાની પાસે

તું.

જાણે સોનેરી હરીભરી ભૂમિ.

 .

હું પ્રેમના પીંજરામાં

કેદી…

 .

( હીરેન ભટ્ટાચાર્ય, અનુ. સુશી દલાલ )

મૂળ કૃતિ : બંગાળી

.

.

(૨)

જ્યારે હતા ધાન મારા શબ્દો

ત્યારે હું હતો ધરતી;

જ્યારે ક્રોધ હતા મારા શબ્દો

ત્યારે હતો હું આંધી.

જ્યારે કઠોર ખડક જેવા મારા શબ્દો

ત્યારે હું વહેતી નદી.

 .

હવે મારા શબ્દો મધમીઠા

(એથી) હોઠને મારા

વીંટળાઈ વળી મધમાખી

 .

( મહેમૂદ દરવીશ, અનુ. મહેશ દવે )

આઠ લઘુકાવ્યો

.

(૧)

જળપરીની વાર્તાઓ

અટવાઈ ગઈ નદીઓનાં મહાપૂરમાં

એકલવાયું બાળક

ઊભું છે

ઝાડના ઠૂંઠાને વળગીને.

 .

( જયા મહેતા )

.

(૨)

નિંદાથી

જીભ મોચવાઈ જતી હોય

અને કાન કરમાઈ જતા હોય

એવી અવસ્થા

જો ઈશ્વરે કરી હોત

તો જગત વિશેષ

જીવવા લાયક હોત.

 

( સુરેશ દલાલ )

 

(૩)

મારી ટચલી આંગળી

તરણુંય તોળી શકે તેમ નથી

ને આ જિંદગી તો

ગોવર્ધન થઈ બેઠી છે.

 

( વજેસિંહ પારગી )

.

(૪)

હું ગુલાબને સૂર્ય કહું

કે ચંદ્રને કમળ કહું

એથી નામની અદલાબદલીનો

આનંદ મળે છે;

પણ એનાથી કોઈની

પ્રકૃતિ બદલાતી નથી

 .

( સુરેશ દલાલ)

 .

(૫)

એક (યક્ષ) પ્રશ્ન

 .

જે માણસને

ઉઘાડી આંખે

ખિલખિલ હસતા બાળકમાં

પ્રગટેલા ભગવાન

ન દેખાય

તે માણસને

બંધ આંખે

જડ મૂર્તિમાં

પોઢેલા ભગવાન

દેખાય ખરા ? !….

 .

( ચંદ્રેશ શાહ )

.

(૬)

પ્લાસ્ટિકના ફૂલ પર

કાચનું પતંગિયું બેઠું

અને એનો ફોટો

છાપામાં છપાયો

.

( સુરેશ દલાલ )

 .

 

(૭)

પતંગિયું

ઊડે છે ત્યારે

હવા પર

પોતાની સહી નથી કરતું

 .

 

( સુરેશ દલાલ )

 .

 

(૮)

જળના સ્પર્શે

પથ્થરે ચીસ પાડી:

આટલી બધી નજાકત

જીરવાતી નથી

 .

( સુરેશ દલાલ )

સંવાદી ગઝલ – ગણપત પટેલ ‘સૌમ્ય’

.

એમણે પૂછ્યું : ‘થયો શું લાભ મુજ સહવાસથી ?’

મેં કહ્યું : ‘જાણી શકો પ્રસરેલી આ સુવાસથી.’

.

‘રાહ જોશો ક્યાં લગી’ જ્યાં એમણે પૂછ્યું મને

‘જ્યાં લગી ધબકાર ચાલે’ હું વદ્યો વિશ્વાસથી.

 .

એ કહે : સંબંધ છે આ આપણો કેવો ? કહે’

‘આના જેવો’ મેં કહ્યું લઈ ઓસબિંદુ ઘાસથી.

 .

એ પૂછે છે : ‘અંત શું આનો હશે’ તો મેં કહ્યું:

‘આપણેશું જાણીએ ? જગ જાણશે ઈતિહાસથી.’

 .

‘હું મળું ના તો કરું શું ?’ એમની ધમકી હતી

‘ખ્વાબને ટાળી શકો ના’ મેં કહ્યું હળવાશથી.

 .

‘કંટકોથીછે સભર આ પંથ, પાછો વળ’ કહે,

મેં કહ્યું : ‘તો ફૂલડાં વેરીશ હું આકાશથી’.

 .

‘દૂર ચાલી જઈશ’ નો ઉત્તર હતો મુજ એટલો;

‘હો ગમે ત્યાં તોય સૂંઘી લઈશ મારા શ્વાસથી.’

.

એ કહે : ‘આ ચાંદ સુણે છે, જરા શરમાવ રે’

મેં કહ્યું : એ રાહ ચીંધે છે સ્વયં અજવાસથી’.

 .

ભોંય ખોતરતાં કહ્યું કે : ‘શું ચહે છે તું અરે ?’

મેં કહ્યું : ‘તું જે ચહે છે શ્વાસથી-ઉચ્છવાસથી’.

 .

( ગણપત પટેલ ‘સૌમ્ય’ )

જોગણ બની બની જાવું રે… – પંખીબાઈ

.

ગુરુ ગોવિંદ ગુણ ગાવું રે,

મારે જોગણ બની બની જાવું રે

મારે સામે કિનારે જાવું, મારે જોગણ બની બની જાવું રે.

…મારે

 .

નાભિ-કમળથી ચક્કર જાવું બ્રહ્મમેં ધૂન મચાવું;

બંકનાળ ત્રવેણી તરી જાવું, સુક્ષમણામાં સેજ બિછાવું

…મારે

 .

સૂન શિખરમેં સુરતા સાધુ, અલખ પુરુષ જગાવું;

ઓહંગ સોહંમ શ્વાસા ત્યાગી શૂન્યમાં તે સમાવું.

…મારે

 .

અલોપ રૂપથી રૂપ ન્યારું, રૂપમેં જ્યોત જગાવું;

જ્યોતિ પ્રકાશે હીરા વીણી, જુગ જુગ અમર થાવું.

…મારે

 .

આકાર નિરાકારી વાસા ત્યાગી, અનામી બની જાવું;

ભાવદાસ દાસી સતી પંખી ગાવે, અલોપ પુરુષમાં જાવું

…મારે

 .

( પંખીબાઈ )

સખીરી – ઈસુભાઈ ગઢવી

.

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

હળવું-મળવું, બળવું-ઝળવું, છૂટા-પડવું,

ને હારજીતના કૂંડાળામાં,

રમત રમ્યાની સંતાકૂકડી.

કે બીજું કાંઈ…!

 .

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

લીલીસૂકી લાગણીયું ને પાર વગરની

પીડાઓ ને,

સાચા ખોટા સંબંધોની

અમથી અમથી ધમાચકડી.

કે બીજું કાંઈ…!

 .

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

તારી મારી આંગળિયુમાં દશ-દશ હારે

શમણાના આંકડિયા ભીડી,

ફરવી કાયમ ફેર ફુદરડી.

કે બીજું કાંઈ…!

 .

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

દરિયા જેવા આયખામાં ડૂબતાં ડૂબતાં

તરવા માટે,

બરફ પાટ કે તણખલાની,

અરથ વગરની પકડાપકડી.

કે બીજું કાંઈ…!

 .

લ્યે,

બોલ્ય સખીરી…

જીવતર એટલે…?

શ્વાસ શ્વાસનો સરવાળો ને,

ગરજપણાનો ગુણાકાર ને,

મારાં તારાં ગાણાંઓની,

કાયમ રમવી અંતકડી,

કે બીજું કાંઈ…!

 .

( ઈસુભાઈ ગઢવી )

મારે કશું કહેવું નથી – તુરાબ હમદમ

.

રોજની અફવા વિશે મારે કશું કહેવું નથી,

કોઈ પણ ઘટના વિશે મારે કશું કહેવું નથી.

 .

હોય જો દ્રષ્ટિ રજે રજમાં ખુદા દેખાય છે,

નામ સરનામા વિશે મારે કશું કહેવું નથી.

 .

કોણ જાણે ક્યાં પૂરો થાતો હશે કોને ખબર,

કોઈ પણ રસ્તા વિશે મારે કશું કહેવું નથી.

 .

પોત મારું ક્યાં સુધી પ્રગટી શકે તેની ફીકર,

કોઈ બીજાના વિશે મારે કશું કહેવું નથી.

 .

દ્વાર ખુલ્લાં જો તમે રાખી શકો તો ઠીક છે,

બંધ દરવાજા વિશે મારે કશું કહેવું નથી.

 .

આપને જો ઠીક લાગે તો જ દેજો દાદ પણ,

આ કવિતા વિશે મારે કશું કહેવું નથી.

.

આપણે ‘હમદમ’ હવે વિશ્વાસ કોનો રાખવો,

મારા પડછાયા વિશે મારે કશું કહેવું નથી.

 .

( તુરાબ હમદમ )

એક આંખમાં – સુલતાન લોખંડવાલા

.

એક આંખમાં આવ્યું સપનું એક આંખમાં આંસુ,

કયું બારણું ખોલું હું તો કયું બારણું વાસું.

 .

લમણે હાથ ધરીને બેઠાં નદીયું, નાળાં, ઝરણાં,

ક્યારે એની ઊરે ઊભરે ભાવભીનું ચોમાસું ?

 .

નથી માગતો સૂરજ પૂરો માગું એક જ દીવો,

મારા મનના અંધારાનું બદલું થોડું પાસું.

 .

આંગળીઓને લાગ્યો કેવો ‘સમય જતા’નો લકવો,

નામ તમારું લખતાં લખતાં લખાઈ જાતું ત્રાંસુ,

 .

હાથ ધોઈને મારી પાછળ બિંબ પડ્યું છે મારું,

દર્પણની પછવાડે ઊભો તોય મને હું ભાસું.

 .

નદી નહિ તો વીરડો થઈને આવ અમારે દ્વારે,

નજર બની છે તારા માટે પિપાસુ પિપાસુ.

 .

( સુલતાન લોખંડવાલા )

નથી તો નથી – એસ. એસ. રાહી

.

નથી ક્યાંય ઝરમર નથી તો નથી

મને એ મયસ્સર નથી તો નથી

 .

ફક્ત કાંકરાની પ્રવર્તે છે આણ

   ભરેલું સરોવર નથી તો નથી

 .

હવે તીર-તલવાર હેઠા મૂકો

અહીં ઘાટ ખૈબર નથી તો નથી

 .

ખબર છે કે મ્હેકે છે તું માત્ર તું

બગીચામાં અત્તર નથી તો નથી

.

બધો પ્રેમ-ધિક્કાર આપ્યો તને

કશું મારી ભીતર નથી તો નથી

 .

અળસિયાની માફક જીવું છું હજી

સ્થિતિ એથી બદતર નથી તો નથી

.

અમસ્તું  જ માથું કપાવ્યું છે મેં

શહીદી બરાબર નથી તો નથી

                                           .

( એસ. એસ. રાહી )

 

રામ રસાયન – નીતિન વડગામા

.

રામ રસાયન સાચું,

અવર બધુંયે ઓસડ અમને સાવ લાગતું કાચું.

.

હાડ અને હૈયાની સાચી એ જ નાડી પારખતા,

નિદાનરૂપે જીવતરની પાટીમાં કશુંક લખતા,

 .

એ અક્ષરને અવાવરુ આંખોથી હું તો વાંચુ !

રામ રસાયન સાચું.

 .

થીજી ગયેલું લોહી આખરે એમ જ વહેતું થાતું,

મુરઝાયેલા મનનું પંખી જીવતું થઈ હરખાતું.

 .

જંગલને શું કરવું, હું તો એક ઝાડને યાચું,

રામ રસાયન સાચું.

 .

( નીતિન વડગામા )

.

એવું બને ? – પન્ના નાયક

.

પર્સમાંથી

ચાવી કાઢી

બારણું અનલોક કરી

ઘરમાં પ્રવેશવાની

સહજ પ્રક્રિયા…

કદાચ

એક દિવસ

ભરઉજાસમાંય

એવું બને

કે

એ જ ચાવી હોય
એ જ તાળું હોય

એ જ બારણું હોય

તોય

નકુચામાં ચાવી ન ફરે

ને

બારણું ન ખૂલે…?

 .

( પન્ના નાયક )