
Monthly Archives: May 2012
છે લાગણીની વાત – ભગવતીકુમાર શર્મા

.
છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,
હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.
.
શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.
.
મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.
.
છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ
મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.
.
દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ;
અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.
.
ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.
.
એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.
.
( ભગવતીકુમાર શર્મા )
કશું નથી – ભરત ભટ્ટ ‘પવન’

.
બારી કે બારણાંઓ ત્યાં હાજર કશું નથી,
બે-ચાર છબીઓ છોડીને અંદર કશું નથી.
.
કોણે લખ્યું છે વાક્ય અદાલતની ભીંત પર ?
કે ‘ત્રાજવું નથી તો બરાબર કશું નથી’.
.
છે રામ ન રહીમ – જગતમાં વિકલ્પ છે,
પણ પ્રેમથી વિશેષ ખરેખર કશું નથી.
.
એવી સભામાં શક્ય છે સૌને જવું પડે,
જ્યાં માનપાન, સ્થાન કે આદર કશું નથી.
.
ઊંડાણના વિષયમાં સ્પર્ધા જો થાય તો,
આંખોની સામે સાત સમંદર કશું નથી.
.
‘શરમાળછે સ્વભાવે’ – બધાનો વહેમ છે,
બાકી ‘પવન’ને કાનો કે માતર કશું નથી.
.
( ભરત ભટ્ટ ‘પવન’ )
લઘુકાવ્યો, હાઈકુ, તાન્કા, મુક્તક…

.
(૧)
પંખી
.
મેં
એક દિવસ
એક પંખીને પૂછ્યું:
‘તને માણસ થવું ગમે ?’
તો પંખી કાંઈ ન બોલ્યું
ને ઊડી ગયું આકાશમાં !
.
( મધુકાન્ત જોષી )
.
(૨)
.
અછત અને પ્રાપ્તિ
.
પહેલાં હતું કે શું ખાવું ?
આજે થતું કે ખાવું શું !
.
( જગન્નાથ રાજગુરુ )
.
(૩)
.
મા
એક અક્ષરનો
મહાનિબંધ
.
( જગન્નાથ રાજગુરુ )
.
(૪)
હીંચકો
.
અહીં
આ જગ્યાએ
પહેલાં હીંચકા હતા.
હવે છે:
માત્ર હીબકાં !
.
( મધુકાન્ત જોષી )
(૫)
.
હમદર્દ
.
તમે ઈચ્છો તે દર્દીને રક્તદાન
કદાચ ન પણ કરી શકો;
કેમ્કે દરેકનું એક
ચોક્કસ બ્લડગ્રુપ હોય છે.
પણ તમે કોઈ પણ વ્યક્તિના
દુ:ખના ભાગીદાર
જરૂર બની શકો છો…
કેમકે આંસુને
ગ્રુપ જેવું કશું હોતું નથી.
( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’)
.
(૬)
.
આંસુ : આંખોએ
ગોળાકાર ચિતરેલી
ચીસ ગળાની
( ‘પ્રભુ’ પહાડપુરી )
.
(૭)
વૃક્ષોતિ
.
કોઈ પણ ભેદભાવ વગર
સૌને મારી છાયામાં
બેસવા દઉં છું…
એ આશાએ કે
આમાંથી કોઈ તપસ્વી જેવો
પથિક આવી બેસે
અને મને
છાંયડો મળી જાય !
.
( મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’ )
.
(૮)
.
વ્યથાઓ ફરી બારમાસી બને છે !
ફરી શૂન્યતાઓ સુવાસી બને છે !
તરે છે ફરી શક્યતાના તરાપા,
ફરી ઝંખનાઓ ખલાસી બને છે !
.
( નિર્મિશ ઠાકર )
.
(૯)
.
ત્યારે અને અત્યારે
પેલી જૂના ઘરમાં
કશું નહોતું
આપણે હતાં.
આ નવા ફ્લેટમાં
બધું છે
આપણે નથી !
.
( દેવરાજ ચૌહાણ )
.
(૧૦)
.
રામના પુસ્તકમાંથી
મને મળ્યું
શબરીના બોરનું
એક પાનું…
.
( અબ્દુલ ગફાર કાઝી )
.
(૧૧)
તાન્કા
.
રંગ ફુવારો
ઊડ્યો, આભ રચાયું
મેઘધનુષ
ભૂલકાંની આંખમાં
વિસ્મયનો દરિયો
.
( ધનસુખલાલ પારેખ )
(૧૨)
.
ખરેલા ફૂલો
વીણે – આંગણા મહીં
એકલો વૃદ્ધ
.
( મુસ્તાક એમ. શેખ )
મારે તો જોઈએ – ચંદ્રકાંત શેઠ

.
મારે નથી જોઈતું સ્વર્ગ
નથી જોઈતું મુક્તિફળ;
મારે તો જોઈએ કેવળ પાણી,
મારા તરસ્યા ગામની પરબ ચાલતી રહે માટે.
.
મારે નથી જોઈતા નવનિધિ;
મારે નથી જોઈતાં અષ્ટસિદ્ધિફળ;
મારે તો જોઈએ કેવળ ધાન,
મારા ભૂખ્યા ગામની ઘંટી ચાલતી રહે માટે.
.
મારે નથી જોઈતી ગાડી,
ને નથી જોઈતી લાડી;
મારે તો જોઈએ બસ માડી.
મારા થાકેલા ગામને ખોળે લઈ સુવાડવા માટે.
.
( ચંદ્રકાંત શેઠ )
હશે ખરો કોઈ – લાભશંકર ઠાકર

.
અંદરનું
અંદર આવેલું, અંદરની બાજુનું
મારું આંતરિક કદાચ
પગથિયાં વગરનું છે.
કદી હું એમાં જઈ શક્યો નથી.
કોઈ સદી એવી નથી કે
મેં
ટકોરા ન માર્યા હોય.
મને લાગે છે કે અંદર કોઈ હોય
તો
તે
સાંભળતો નથી.
એને હાથ હશે ? પગ હશે ?
એને નહિ થતું હોય મન બહાર આવીને
મને મળવાનું.
હશે ખરો કોઈ અંદર ?
.
( લાભશંકર ઠાકર )
ક્ષીણ ભલે હોય – અન્ના આખ્માતોવા

.
ક્ષીણ ભલે હોય મારો સ્વર
પણ
નિર્બળ નથી મારો નિર્ધાર
.
મારા માટે હોય એ
સ્નેહ વગર વધુ સરળ
.
અલૌકિક છે આકાશ
વહે છે પર્વતીય પવન
અને
મારા વિચારો છે પવિત્ર
.
મારી રાત્રીની રખેવાળ
અનિદ્રા
વિહરે અન્યત્ર
હું ન સેવું બુઝાયેલા તાપણાં સામે
અને
ટાવરની ઘડિયાળનો અણિયાણો કાંટો
જણાતો નથી મૃત્યુના તીર સમો
.
અતીત કેવો શક્તિહીન થાય હૃદય પાસે !
.
મુક્તિ છે હાથવેંતમાં
હું માફ કરું છું બધું જ
.
લહેરાતા સૂર્યકિરણ પર મારું ધ્યાન
ભીની આ પ્રથમવેલી વસંતની
.
( અન્ના આખ્માતોવા, અનુ. અવિનાશપારેખ )
.
મૂળ રચના : રશિયન
પહોંચ્યા ન ફરિશ્તાઓ – ભગવતીકુમાર શર્મા

.
પહોંચ્યા ન ફરિશ્તાઓ, પયમ્બર નહીં પહોંચે,
માણસની આ ઔલાદને ઈશ્વર નહીં પહોંચે !
.
તારા સુધી કાગળ અને પત્તર નહીં પહોંચે,
આંગળીઓ બરફ થૈ ગઈ, અક્ષર નહીં પહોંચે.
.
બપ્પોર ઢળી સાંજ, કવેળાનું અંધારું;
ભૂલું પડ્યું બાળક તે ફરી ઘર નહીં પહોંચે.
.
બસ, આટલો ઈન્સાફ હું માગું છું જગતમાં:
નિર્દોષના માથા સુધી પથ્થર નહીં પહોંચે.
.
મારી આ વ્યથાને તો હું ચૂપચાપ સહી લઈશ,
તારા સુધી મારું કોઈ કળતર નહીં પહોંચે.
.
આ કેવી સપાટીની અનુભૂતિ મળી છે !
છે બહાર બધી ભીડ તે ભીતર નહીં પહોંચે.
.
ઝળહળ છે મહેફિલ, છતાં ખૂણામાં છે ઝાંખપ,
લાગે છે ત્યાં લગ કોઈ ઝુમ્મર નહીં પહોંચે.
.
તેં સ્વપ્ન તો ભવભવનાં બનાવ્યાં છે પરંતુ
એ ક્ષણ સુધી આ શ્વાસની હરફર નહીં પહોંચે.
.
( ભગવતીકુમાર શર્મા )
ભળવું હતું – માધવ રામાનુજ

.
શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું
એક તમારા ધબકારને મળવું હતું…
.
મૂંગી મૂંગી કેટલી રાતો
પાંપણમાં ટમટમતી રહી,
આંખથી ઓલ્યા ભવની ઓળખ
ટીપે ટીપે ઝમતી રહી;
આજની એક જ પળનું જીવન રળવું હતું !
શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું…
.
રણની તરસ ક્ષણમાં ભળી
ઝાંઝવા જેવું વીંધતે રહી,
એક બે ટૂંકી યાદની ટેકણલાકડી કેડી ચીંધતી રહી:
વાટ અમારી અટકે ત્યાંથી વળવું હતું!
એક તમારા ધબકારને મળવું હતું !
.
શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું !
એક તમારા ધબકારને મળવું હતું…
.
( માધવ રામાનુજ )
પક્ષી ઉદાસ છે – જગતાર જીત

.
પક્ષી ઉદાસ છે
એની નાની
એને કહ્યા કરતી હતી,
“અહીંથી એક છલાંગ દૂર
વૃક્ષ છે
ડાળીઓથી જોડાયેલી ડાળીઓ છે
આપણે પેઢીઓથી
અહીંની જમીનને હાથના પંજાથી ઉથલાવી-પુથલાવીને
શોધતાં રહ્યાં અન્ન
વૃક્ષ પણ આપતાં રહ્યાં
છાંયો, અન્ન અને આશરો
આપણે મળીને ખૂબ તોફાન મસ્તી કરતાં
ગીત ગાતાં
જ્યાં જગા મળે ત્યાં બેસી જતાં
એ જ જગાને પોતાની બનાવી લેતા”
.
પક્ષી ઉદાસ છે
.
વીજળીના તાર પર બેઠેલું
નાનીની વાતો
એના માથામાં
ફિરકીની જેમ ઘૂમે છે
એની આંખ સામે
લોખંડ-ઈંટોના જંગલ નીચે
દબાઈ ગયેલા ધરતીના કણ
પક્ષી પોતાનાં બચ્ચાંને પોતાની સાથે
ખોવાયેલી ધરતીનું
ગીત ગાવાનું કહે છે
બચ્ચાં ચૂપ છે
પક્ષી ઉદાસ છે.
.
( જગતાર જીત, અનુ. સુશી દલાલ )
.
મૂળ રચના : પંજાબી