બૂમ પાડો ! – દિનેશ કાનાણી

આ તરફ ને એ તરફ બસ બૂમ પાડો

આવશે પાછી પરત બસ બૂમ પાડો.

 .

સાથ ને સંગાથ ગમતા હો ભલે પણ

વાત ખૂટે કે તરત બસ બૂમ પાડો.

 .

આમ તો ટહુકા જ ગમતા હોય સૌને

પણ પહેલી છે શરત બસ બૂમ પાડો.

 .

અર્થ એના ક્યાં કરે છે કોઈ સાચા

છોડી શબ્દોની મમત બસ બૂમ પાડો.

 .

ફાવશું કે ડૂબશું કે કોણ જાણે

ભાગ્યની છે આ રમત બસ બૂમ પાડો.

 .

( દિનેશ કાનાણી )

છ રચના – લાભશંકર ઠાકર

(૧)

માણસ માણસને શોધે છે, માણસમાં

ક્યારનો ?

છે ત્યારનો.

 .

(૨)

અર્થની દીવાલો અભેદ્ય છે ?

હુ નોઝ ?

ભાવાત્મક પ્રજ્ઞા.

તે ક્યાં છે ?

ધારણામાં.

ધારણા ક્યાં છે ?

સોનાના પારણામાં-

ઘસઘસાટ ઊંઘતી.

તું ક્યાં છે ?

પારણાના પડછાયામાં

જાગતો.

 .

(૩)

ભવિષ્યનાં

અવિરત બગાસાં

વર્તમાનને સંભળાય છે.

ક્યાં ?

પગથિયાં વગરના દાદરને

ચઢતાં પહેલાં.

 .

(૪)

એકલો જાને રે

એવું કોણ કહે છે ?

મારો પડછાયો.

 .

(૫)

ખીલા ઠોકાય છે હથોડા વગર ?

હા.

ક્યાં ?

હોવાના આભાસની આરપાર.

 .

(૬)

તારી ઉત્કટ પ્રતીક્ષા શેની છે ?

અવાજને સળગીને

ખાખ થતો જોવાની-સૂંઘવાની.

ક્યાં ?

છે અને નથીમાં.

 .

( લાભશંકર ઠાકર )

શબ્દપ્રસાદી – પ્રફુલ્લા વોરા

અમે તો આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે,

કદી ગાજે, કદી વરસે, અમે અંજળ ઉછેર્યાં છે.

 .

સુંવાળા માર્ગમાં તોતિંગ ઊભા પહાડની ભીતર,

ઊછળતાં-કૂદતાં ઝરણાં તણાં ખળખળ ઉછેર્યાં છે.

 .

ભરી હો ચાંચમાં અટકળ અને પરબીડિયું ખાલી,

છતાં એ દોસ્ત ! રણમાં વીરડાં શા જળ ઉછેર્યાં છે.

 .

ફક્ત એકાદ ખોબો પામવા શી યાચના કરવી ?

તરો-તાજી તરસને રાખવા મૃગજળને ઉછેર્યાં છે.

 .

ભલે આયુષ્ય ટૂંકું પણ સિંહાસન શહેનશાહી ને-

ભર્યા દરબાર જેવા શોભતાં ઝાકળ ઉછેર્યાં છે.

 .

પ્રભુ મસ્તક નમાવું છું, પ્રસાદી શબ્દની આપી,

હૃદયનાં કોડિયે સંતોષનાં ઝળહળ ઉછેર્યાં છે.

 .

( પ્રફુલ્લા વોરા )

કઈ રીતે કરું – ખલીલ ધનતેજવી

એને આવડતું નથી કે દાદ કઈ રીતે કરું,

તો પછી શબ્દોને હું બરબાદ કઈ રીતે કરું !

 .

દિલ હંમેશાથી મગજ સાથે મગજમારી કરે;

બંને ખુદ મારાં  છે હું ફરિયાદ કઈ રીતે કરું !

 .

એનું કહેવું છે કે એને હું યાદ હું કરતો નથી,

પણ કદી ભૂલ્યો નથી તો યાદ કઈ રીતે કરું !

.

શત્રુઓ સામેય મારું મૌન મેં તોડ્યું નથી,

મિત્ર વાંકો થાય તો સંવાદ કઈ રીતે કરું !

 .

આપમેળે ધખધખે છે મારા ઘરનાં થાંભલા,

પણ હવે દીકરાને હું પ્રહલાદ કઈ રીતે કરું !

 .

રૂબરૂ આવે તો તડ ને ફડ કહી નાખું બધું,

પણ હવે સ્વપ્નામાં તો વિખવાદ કઈ રીતે કરું !

 .

તેં મને તો હસતાંરમતાં મનમાંથી કાઢી મૂક્યો,

હું તને મારામાંથી આઝાદ કઈ રીતે કરું !

 .

જો ‘ખલીલ’ એકેય ચ્હેરા પર નજર ઠરતી નથી,

આ ઉદાસ આંખોને હું આબાદ કઈ રીતે કરું ?

 .

( ખલીલ ધનતેજવી )

મીણબત્તી હોય તો – દીપક ત્રિવેદી

મીણબત્તી હોય તો સળગાવીએ;

આ ક્ષણોને કેમ કરતા બાળીએ ?

 .

લો અમારી  આંખ તો મીંચાઈ ગઈ–

પણ બધા સપનાઓને ક્યાં ઢાળીએ?

 .

તું પ્રગટતો હોય તો આ છાતીએ

છુંદણાઓનું નગર ત્રોફાવીએ !!

.

છેક અંદર છે બધાયે  ઉત્તરો–

ખુદને તો શું કહો સમજાવીએ ?

 .

વીજળી જેવું ચમકશે આભમાં –

દીપ સાથે કાંય પણ અથડાવીએ !!

 .

( દીપક ત્રિવેદી )

ફંટાતા રસ્તાઓ – દિલીપ જોશી

તમે તમારા રસ્તે વાલમ અમે અમારા રસ્તે જઈશું

ક્યાંક અગર જો થાશું ભેળા બે’ક સ્મરણની વાત કહીશું.

 .

ફંટાતા રસ્તાઓ જેવી શ્વાસોમાં સચવાઈ ક્ષણો !

નેહ નીતરતી ઘટનાઓમાં આથમતો અણસાર ઘણો !

ઓસ વીંધતા અજવાળાની જેમ નજર ભીંજવતા રહીશું…

 .

બે પગલાં સાથે ચાલ્યા ત્યાં ઊંડી ઊંડી ખાઈ મળી !

કેવાં કેવાં સ્વપ્ન મઢેલી અણધારેલી રાત ઢળી !

છુટ્ટા પડવાનો વૈભવ લઈ આંખોમાં અજવાસ કરીશું…

.

એક ઘડી પણ ઉત્સવ જેવી જાણે વ્હેતી કોઈ નદી !

મુગ્ધ પળોના પલકારામાં રણઝણતી રેલાય સદી !

હસ્તરેખના મૂંઝારામાં દોષ હવે કોને રે દઈશું ?

 .

( દિલીપ જોશી )

એમ કાંઈ – પરાજિત ડાભી

એમ કાંઈ જીવવાનું હોય ?

કેમ છો ? એવું યે પૂછે ન કોઈ

એમ કાંઈ જીવવાનું હોય ?

 .

આઘેરો ઊભો છે બાવળની કાંટ્યમાં

ચપ્પ્લ વિનાનો જીવ મારો

તરણાંનો ભાર પણ લાગે છે આકરો

માથે લીધો છે તોય ભારો.

 .

ગોતે છે અજવાળે, જાત જે અંધારે ખોઈ

એમ કાંઈ જીવવાનું હોય ?

 .

કુમળા આ હાથોમાં ફરફોલા પાડે છે

ઝાડવાનેકાપતી કુહાડી.

રણ જેવી ધગધગતી થઈ ગઈ છે શ્વાસોની

લીલી કુંજાર હતી વાડી.

 .

તૂટ્યો છે ભીતરનો બંધ, હવે કરવું શું

પાંપણને લોઈ.

એમ કાંઈ જીવવાનું હોય ?

 .

( પરાજિત ડાભી )

ઈચ્છા મુજબ – પીયૂષ પરમાર

ઈચ્છા મુજબ કશું ય કાં થાતું નથી ?

મારા સુધી હજુય પહોંચાતું નથી !

 .

રોકી નહીં શકું, ઉથાપી નહીં શકું,

આવી ક્ષણે કરું શું ? સમજાતું નથી.

 .

દાવા કરે છે પ્રેમના મારા વિશે,

કે મૌન મારું જેને પરખાતું નથી !

 .

…બટકી ગયેલ ડાળને જોયા પછી,

પંખી એ સ્વપ્નમાં ય ડોકાતું નથી.

 .

એના વિશે જ ચાલતી ચર્ચા અહીં,

નામો નિશાન જેનું દેખાતું નથી.

 .

( પીયૂષ પરમાર )

લઘુકાવ્યો – અબ્દુલ ગફાર કાઝી

(૧)

વર્ષોથી ખોવાઈ ગયેલી

રાત્રિને શોધવા

નિષ્ફળ નીવડેલ છે

સૂરજનું પોલીસ તંત્ર

 .

(૨)

બરફ જેવી કૃષ્ણ નગરીમાં

હવે મારે

ક્યાંથી શોધવો

સૂરજ જેવો સુદામો

 .

(૩)

મેડકના પ્રેમપત્રો

મેં સાચવી રાખ્યા છે

વરસાદના પટારે….

 .

(૪)

સમય, સોઈ દોરથી

સીવી રહ્યો છે મને-

ને

મારી જિન્દગીના

ફાટી ગયેલાં વસ્ત્રને

 .

(૫)

દર્દની ભાષા ઉકેલવા માટે

મારે પહેરવા પડે છે

આંસુના ચશ્માં

 .

(૬)

સ્મિતના દ્વારે

ધીમે ધીમે

પડે છે

આંસુના ટકોરા

 .

( અબ્દુલ ગફાર કાઝી )

જિંદગી ક્યાં જિવાય – સિકંદર મુલતાની

જિંદગી ક્યાં જિવાય ચાહ મુજબ ?

કે જવાનું વહ્યે…પ્રવાહ મુજબ !

 .

પુણ્ય મુજબ ન હો જીવન, કિન્તુ-

મોત તો હોય છે ગુનાહ મુજબ !

 .

સ્વપ્ન મારું પડે ન કાં સાચું ?

જોઉં છું ખ્વાબ હું નિગાહ મુજબ !

 .

તો અનોખું જ કંઈ મળે, મિત્રો !

કાશ… રખડાય ગુમરાહ મુજબ !

 .

હર દિશામાં ઊભી હશે મંઝિલ,

ચાલ… ચાલી બતાવ રાહ મુજબ !

 .

સૌ ‘સિકંદર’ મને કહે, તેથી-

હું ય વર્તું છું બાદશાહ મુજબ !

 .

( સિકંદર મુલતાની )