થાકીને લોથપોથ – ભરત ઠાકોર

થાકીને લોથપોથ થઈને સૂઈ જાઉં ત્યાં ઊઘડે કંઈ અણજાણી બારીઓ

 લીલાંછમ જંગલને… શ્વેત શ્યામ વાદળને… ઝરણાને ફૂલોની ક્યારીઓ

 .

દા’ડાની દોડધામ ફંગોળી

સંધ્યાના પાલવમાં માથું હું ઢાળું

હળવો ફૂલ હળવો ફૂલ હળવો ફૂલ

થઈને હું મારામાં સિંચું અજવાળું

 .

ઈરે અજવાળાની દોરીથી બાંધું હું મખમલિયા સપનાંની ભારીઓ

થાકીને લોથપોથ થઈને સૂઈ જાઉં ત્યાં ઊઘડે કંઈ અણજાણી બારીઓ

 .

સૂરજના ઊગવા કે આથમવા

બન્નેમાં અમને ના ભેદ કંઈ જ લાગે

બન્નેથી આભલાને મળતી રતાશ

અને બન્નેથી ભાવવિશ્વ જાગે…

 .

બન્ને પર ઓળઘોળ થાતા પારેવડાને, ઓળઘોળ થાતા અલગારીઓ

થાકીને લોથપોથ થઈને સૂઈ જાઉં ત્યાં ઊઘડે કંઈ અણજાણી બારીઓ

 .

( ભરત ઠાકોર )

આવતા રે’જો – મધુમતી મહેતા

જરા સરખો સમય કાઢી સવારે આવતા રે’જો,

ભલેને કામ કંઈ ના હો, લટારે આવતા રે’જો.

 .

અમે તો સૂર કે શબ્દો બની પહોંચી શક્યા નહિ પણ,

અમારા મૌનને મળવા મજારે આવતા રે’જો.

 .

અમે ઊભા અહીં બેચાર સમણાં વેચવા માટે,

કરી બહાનું ખરીદીનું બજારે આવતા રે’જો.

 .

ગમે તે વેશમાં પણ ઓળખી લેશું અમે તમને,

છળીને આજ તો સૌને ધરારે આવતા રે’જો.

.

સમેટ્યા આંખમાં તમને કરીને બંધ પાંપણને,

ભલે મોડા તો મોડા તમતમારે આવતા રે’જો.

.

બધી ભીનાશ ખોઈને બની ગ્યાં ઝાંઝવું મ્હેતા,

તો એને તરબતર કરવા વધારે આવતા રે’જો.

 .

( મધુમતી મહેતા )

સમયને સાચવી લેજો – તુરાબ ‘હમદમ’

સમયની છે બલિહારી સમયને સાચવી લેજો

એ હળવો હોય કે ભારી સમયને સાચવી લેજો

 .

ફક્ત બસ ચાલતા રહેવું એ મુદ્રાલેખ છે એનો,

તમે પણ વાત સ્વીકારી સમયને સાચવી લેજો

 .

સમય સાથે તમારે ચાલવું ને દોડવું પડશે

કરીને પૂર્વ તૈયારી સમયને સાચવી લેજો

 .

નહિ પાછો વળે જો એક વખત એ નીકળી જાશે

સમય છે સાવ અલગારી સમયને સાચવી લેજો

.

સમય ક્યારેય કોઈનો નથી થાતો, નહિ થાએ

સમયની છે ગતિ ન્યારી સમયને સાચવી લેજો

 .

સમયને ઓળખી લેતા જો ‘હમદમ’ આવડી જાશે

છે એમાં બસ સમજદારી સમયને સાચવી લેજો

 .

( તુરાબ ‘હમદમ’ )

બુદ્ધના સ્મિત જેવો – સુરેશ દલાલ

બુદ્ધના સ્મિત જેવો ઊગ્યો છે દિવસ.

બારી-બારણાં આપમેળે ખૂલી જાય છે.

સૂર્યનાં અનાક્રમક કિરણો ચૂપચાપ

પ્રવેશે છે શાંત-પ્રશાંત દિવસની અદબ જાળવીને.

 .

બહાર બગીચામાં જોઉં છું તો

મહાવીર, સોક્રેટીસ અને થોરો પણ

મૌન ધારીને બેઠા છે

રાબિયા, લલ્લેશ્વરી અને ગાંધીજી

અને આઇન્સ્ટાઈન એકમેકના એકાન્તની ઇજ્જત કરે છે.

 .

નરસિંહની કરતાલ અને મીરાંનાં ઘૂંઘરું

અરસપરસ સંવાદ કરે છે નીરવ આંખે.

રાતના આગિયાનું તેજ અને પતંગિયાની પાંખ

નરી નમ્રતાથી આપ-લે કરે છે ફૂલની સુગંધની.

 .

રાત્રિના અંધકારના બોધિવૃક્ષ તળે

બુદ્ધના સ્મિત જેવો ઊગ્યો છે દિવસ.

 .

( સુરેશ દલાલ )

શ્વાસ તો – પુષ્પા ભટ્ટ

શ્વાસ તો લેવાય છે,

પણ હવા કણેકણમાં છૂટી પડતી અનુભવાય છે અને સમજાય છે કે,

હવા પરમાણુઓની બનેલી છે.

 .

શ્વાસ તો લેવાય છે,

પણ શતસહસ્ત્ર ઉત્કંપો લહલહાય છે અને સમજાય છે કે,

રોમ શિરીષ ફૂલના રેસાના બનેલા છે.

 .

શ્વાસ તો લેવાય છે,

પણ શ્વાસ સાથે પલકોનું તારામૈત્રક રચાય છે અને સમજાય છે કે

સ્નેહ કૂંણાકૂંણા બિસતંતુઓનો બનેલો છે.

 .

શ્વાસ તો લેવાય છે,

પણ બ્રહ્માના કોટિ કોટિ યુગો ક્ષણાય છે અને સમજાય છે કે,

સમય અમૂર્ત વિભાવનાનો બનેલો છે.

 .

શ્વાસ તો લેવાય છે,

પણ બટકણી પેન્સિલની જેમ દેહ વ્હેરાય છે અને સમજાય છે કે,

‘બોધિ’ પરમ લયનું બનેલું છે.

 .

( પુષ્પા ભટ્ટ )

એક દિવસ – સુરેશ દલાલ

એક દિવસ એવો ઊગશે

કે જ્યારે હું ભૂલી ગયો હોઈશ :

મારું નામ, સરનામું અને

મારાતમારા સૌના

ટેલિફોન નંબર.

 .

એક દિવસ એવો ઊગશે

કે તમારી આંખ સામે

મારો ચ્હેરો તરવરશે

તમારી સ્મૃતિમાં રમતા હશે

મારા અવાજના પડઘાના

પડછાયાઓ.

 .

એક દિવસ એવો ઊગશે

કે જ્યારે હું સવારનું અજવાળું થઈને

તમારા ખંડમાં પ્રવેશીશ

અને સાંજને સમયે

નીકળી જઈશ ચિરપરિચિત હવાની જેમ

તમારી જ બારીએથી

અને ક્યાંક શિખર પર જઈને

ઠરીશ ન ઠરીશ

અને ફરી પાછો ફરીશ

કોઈ સવારે અજવાળું થઈને.

 .

( સુરેશ દલાલ )

ડાયરી – સંજય છેલ

Diary

.

રોજ સાંજ પડે

ડૂમો ચઢે ગળામાં,

ને દિવસ આખો

જેમ તેમ વીતી જાય સઘળામાં…

 .

પોસ્ટર પર નામ શોધતી આંખો, આયનાથી આંખ મેળવતા ડરે છે.

સેન્સ ઓફ હ્યુમરની ગાય ઠેરઠેર ફરે છે, જે મળે તે ચરે છે…

 .

રોજ સાંજ પડે ડૂમો ચઢે ગળામાં,

ને દિવસ આખો જેમતેમ વીતી જાય સઘળામાં…

 .

મરેલા બાળકની લાશ ઊંચકીને કાર પાસે ભીખ માગતી સ્ત્રીને હું શું આપું ?

બેમાંથી કોણ વધુ લાચાર, હું કે એ ? બસ એ જ હું ચૂપચાપ માપું !

 .

આંખોમાં બુઝાયેલી લાચારીમાં લાશ પ્રગટાવવાની ગરમી નથી…

સમયથી વધુ કોઈ જાણતલ કે કોઈ મરમી નથી.

 .

મસાજપાર્લરના ફોન નંબરોમાં છુપાયેલ શૃંગારશતકના અર્થઘટનને સમજવા કોઈ ભર્તૃહરિ ભટકે છે શહેરના શ્વાસની ગલીગલી

જિંદગી, સંતાતા છુપાતા સુપારી કીલરની જેમ હાંફે છે રોજેરોજ ખાલીપીલી.

 .

એરપોર્ટ પર ચમકતી ડ્યૂટી ફ્રી દુકાનોમાં ઘૂસી જઈને

એકઝાટકે સમગ્ર સુખને ઘટાઘટ પી લેવાની હવસ પણ હવે તો થાકી ગઈ છે.

છંદ-લય-અર્થની FIXED DEPOSIT પડીપડી ક્યારનીય પાકી ગઈ છે…

 .

TVના REALITY SHOW જેવી ભ્રામક લાગતી…

બદલાતી ઘટાટોપ ઘનઘોર ઘટનાઓમાંથી હેબતાઈને

અચાનક ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’-

વાળી અનુભૂતિમાં પણ હવે નવાઈ કે ડર કે રોમાંચ કે વિરક્તિ ય હવે થતી નથી

મારા શબ્દોની લાશ પર રડનારી હવે કોઈ અહીં સતી નથી…

 .

અડાબીડ આવારા શહેરના અવાવરુ રોડ પર

ATM મશીનમાંથી ફટાક દઈને નીકળે છે :

જીજીવિષાના ઈન્સ્ટોલમેન્ટ જેવી કોરીકટાક કરન્સી NOTE…

સત્ય કેવું છે સચોટ !

અખબારની કરુણકથામાંય હવે તો મને દેખાય છે માત્ર COMMERCIAL THOUGHT !

 .

VODKA BACARDIના બે PEGમાં કે

સેક્સી છોકરીના લાંબા LEGમાં

જાન લેવા જીવતર, ફૂટબૉલ બનાવે છે મારી બાકી બચેલી મુગ્ધતા ને…

અહીંથી ત્યાં… અહીંથી ત્યાં… અહીંથી ત્યાં…

 .

ને પછી અચાનક મારું જીવતર, દાંત કચકચાવીને

હચમચાવીને એક લાત મારીને કહે છે :

‘જા… સાલ્લા જિંદગીને કૈદ કરવા નીકળ્યો’તો

યેન કેન પ્રકારેણ, PEN CAN પ્રકારેણ ?

NOW I WILL DO… WHAT I CAN…

ચલ સાંભળ… આ દિવસ તો ગયો સઘળામાં… સાંજે ડૂમો થયો ગળામાં…

અને હવે ફરીથી રાત ઊતરશે આંગણામાં…

ને ફરી બારીમાં ચમકશે…. છલકશે કૈંક ચાંદરણામાં

ને ફરી તું ભૂલો પડીશ તારા શાપિત શમણાંમાં.

ને ફરી તું ભૂલો પડીશ તારા શાપિત શમણાંમાં.

 .

( સંજય છેલ )

શું કરશો ? – પ્રીતમ લખલાણી

બંધ બારી બારણા ઉઘાડી શું કરશો ?

ઘર વિનાની દીવાલ દેખાડી શું કરશો ?

 .

પંખી પાંખો સંકેલી માળે પાછાં ફર્યા !

ઢળતી સાંજે પતંગ ઉડાડી શું કરશો ?

.

ઇંટ ચૂનો ને પથ્થરનું છે દોસ્ત આ નગર

લાગણીના લીલા છોડ ઉગાડી શું કરશો ?

 .

બસ રમવા કૂદવાની છે ઉંમર બાળકની,

એને હથેળીમાં ચાંદ બતાડી શું કરશો ?

 .

સ્વપ્ન સૂતા છે પરોઢે રજાઈ ઓઢીને

‘પ્રીતમ’ ઝાકળભીનો સૂર્ય જગાડી શું કરશો ?

 .

( પ્રીતમ લખલાણી )

તારા હાથની – નલિની બ્રહ્મભટ્ટ

તારા હાથની ઉષ્મા સૂર્યપ્રકાશમાં છે-

હું સૂર્યપ્રકાશમાં નહાઉ છું

 .

તારી રોમાવલીનો કંપ ઘાસમાં છે-

હું ઘાસમાં આળોટું છું

 .

તારા સ્મિતનું માર્દવ પારિજાતમાં-

હું પારિજાતને ચૂસું છું

 .

તારા શ્વાસની હળવાશ પવનમાં છે-

હું પવનમાં ફરફરું છું

 .

પશ્ચિમનો સૂર્ય ઊગાડે છે સ્મૃતિ

હું સૂર્યને કીકીમાં સમાવી લઉં છું.

 .

( નલિની બ્રહ્મભટ્ટ )

શીખ, હૃદય – સોનલ પરીખ

રાતની છાતી પર

ઊગ્યાં છે

સ્વપ્નોનાં કાળાં ગુલાબ

 .

પવનમાં તેની સુગંધની

મીઠી ઘૂઘરી વાગે છે

 .

આકાશમાં

તારાઓની આંખ

ટમટમતું સૂએ છે, જાગે છે

 .

પાંખડીઓ જેવી વાદળીઓ

હલમલે છે આછું

અંધકારના સમુદ્ર પર

 .

આ બધાને

કોઈ સ્મૃતિ કે

સ્વપ્ન સાથે

સાંકળવાની જરૂર નથી.

એ પોતાનામાં પરિપૂર્ણ છે

 .

હે હૃદય,

આ શીખ – ને

ઊઘડી જા

રાતની છાતી પર

કાળા ગુલાબની સુગંધ થઈ.

 .

( સોનલ પરીખ )