લઘુ કાવ્યો – કરસનદાસ લુહાર

(૧)

ને પ્રસુતા વિશ્વ

આખું થરથર્યું,

હાથમાં પિસ્તોલ સાથે

એક બાળક અવતર્યું !

 .

(૨)

બરાબર તરતાં આવડે

પછી જ

માણસને

ડૂબી મરવાના

વિચારો આવે છે

.

(૩)

મને અડધી રાત્રે

તડકાની તરસ લાગે છે,

અને

બપોરે

મારામાં અંધકારની

ભૂખ જગે છે.

શું કરું ?

 .

(૪)

ચાલી જતી અમાસની

ઝળહળતી પીઠ હું જોતો રહ્યો !

 .

(૫)

બૂચનાં ફૂલો

મેં ઉઘડતાં જોયાં છે

કોઈકની બંધ આંખોમાં !

 .

( કરસનદાસ લુહાર )

હું રહું છું – આહમદ મકરાણી

હું રહું છું હરઘડી મહેમાન થૈને,

ને પછી ચાલ્યો જઈશ આસાન થૈને.

 .

જિંદગી જીવી ગયા એ તો ખરું, પણ

કેટલું જીવ્યા ખરા ઈન્સાન થૈને ?

 .

કેટલી છે બેરૂખી આ જિંદગીમાં !

કોઈ તો આવો ગઝલ યા ગાન થૈને.

 .

અવસરો છે એક-બે છુટ્ટી ગઝલ શા,

અવસરો ગ્રંથિત મળે દીવાન થૈને.

 .

ભીની ઝરમર હરક્ષણે ભીંજવી રહે,

મેઘ-વર્ષા થૈ રહે તોફાન થૈને.

 .

( આહમદ મકરાણી )

પથ્થરોની ટેવ છે – આબિદ ભટ્ટ

પથ્થરોની ટેવ છે  વાગ્યા કરે,

મન ઉપર લેવું નહીં ચાલ્યા કરે.

 .

હોય છે પરિવાર મોટો એમનો,

વૃક્ષ જે પણ ચોતરફ ફાલ્યા કરે.

 .

જિંદગી મારી ગણી ખેતર અને,

આ સમય ત્યાં દર્દને વાવ્યા કરે !

 .

ચાંદની જોવાનો મનસૂબો લઈ,

આંધળો સૂરજ સતત જાગ્યા કરે !

 .

ઘર, કબરને વેંતનું છેટું નથી,

તોય માણસ જોજનો ભાગ્યા કરે !

 .

એક દાડો છોડ તુલસીનો કહે,

સાવ સૂનું બા વિના લાગ્યા કરે !

 .

( આબિદ ભટ્ટ )

અટકાવ તું – કુલદીપ કારિયા

અટકાવ તું ભલે ને, તો પણ ધરાર થાશે

આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

 .

અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું

કોઈ કહો, ખરેખર ક્યારે સવાર થાશે ?

 .

સમજવ એમને તું, છેટા રહે નહીંતર

તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

 .

વૃક્ષોની જેમ એજેવન જીવવાનું છે, અડીખમ

વરસાદ, ટાઢ, તડકો સઘળું પસાર થાશે

 .

પંખીની જેમ હું પણ બેસીશ એની માથે

સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે

 .

( કુલદીપ કારિયા )

ખોઈ બેઠા છે – મનસુખ નારિયા

સંબંધોના મુલાયમ શ્વાસને સૌ ખોઈ બેઠા છે,

પરસ્પરમાં હવે વિશ્વાસને સૌ ખોઈ બેઠા છે.

 .

નગરનું પીંજરું ફાવી ગયું છે સર્વ લોકોને-

સ્વયંની આંખથી આકાશને સૌ ખોઈ બેઠા છે.

 .

બધા અંધારનો વિસ્તાર કરવામાં જ મશગૂલ છે,
નગરના ચોકમાં અજવાસને સૌ ખોઈ બેઠા છે.

 .

અહીં ખુદનો જ પડછાયો, નથી હું ઓળખી શકતો-

સમયની ભીડમાં સહવાસને સૌ ખોઈ બેઠા છે.

 .

કહો છો કેમ છો ? ત્યારે મજામાં હોય છે લોકો-

હૃદયથી હર્ષ ને ઉલ્લાસને સૌ ખોઈ બેઠા છે.

 .

અતિશય દુ:ખની ઘટના છતાં આવે નહીં આંસુ

અહીં તો આંખની ભીનાશને સૌ ખોઈ બેઠા છે.

 .

( મનસુખ નારિયા )

મંદી છે – હરદ્વાર ગોસ્વામી

ગણી ગણીને શ્વાસો લેજો, મંદી છે,

સપનાંને સમજાવી દેજો, મંદી છે.

 .

ટોકન સંબંધોનું આપી રાખો પણ,

કદી ન કરજો દસ્તાવેજો, મંદી છે.

 .

મોટર, કૂલર, ફ્લેટ, ફ્રિજ ને મોજમજા,

છાનાંમાનાં બેસી રહેજો, મંદી છે.

 .

દૂર દૂર છે દરિયા ને રણ રસ્તામાં,

પર્વત પર્વતમાં જ વહેજો, મંદી છે.

 .

એક ખજાનો ભર્યો-ભાદર્યો ભીતરમાં,

કોઈને ના, કદી જ કહેજો, મંદી છે.

 .

( હરદ્વાર ગોસ્વામી )

હે જી એમ કરી બોલિયાં – હરીશ મીનાશ્રુ

હે જી એમ કરી બોલિયાં રે ગંગા સતી

પળનાં પરમાણ તારી પરછાંઈ, પાનબાઈ, તું ન કશું કરતી કે કારવતી

 .

ઓરતાને ઓગાળી નાખ, તારી ભાષામાં

મતલબ એનો જ પછી આરતી

વાણી તો વસ્તર છે, – એને વિદાર

થશે આપોઆપ ઝળહળતી જાત છતી

 .

હરિને તે દેશ સદા ફરફરવું : ક્યાંય નથી વાયરા ને ફોરમની ફારગતી

હે જી એમ કરી બોલિયાં રે ગંગા સતી

 .

મૂળે તો માણસની જાત નરી ભરમાળી,

જોગી ભોગી કે પછી હોય જતિ

મરવાની જુગતિ જો આવડી જશે તો

તારે અંગ અંગ ઊગશે અમરાવતી

 .

છેવટે તો હોવાનો અર્થ એ જ નીકળશે : હુંયે ન’તી બાઈ, તુંય ન’તી

હે જી એમ કરી બોલિયાં રે ગંગા સતી

 .

( હરીશ મીનાશ્રુ )

અલખ છે અગોચર – સુધીર પટેલ

અલખ છે અગોચર, તો આ હાજરી કોની છે ?

નથી કૈં, કશું ના, સભા તો ભરી કોની છે ?

 .

પદારથ સકલ એનામાં સ્થિર છે તો પછી,

બજે વાંસળી ત્યાં નજર બહાવરી કોની છે ?

 .

નથી દ્વૈત કોઈ, ન જુદાપણું તો પછી,

વિરહ કોનો છે ? આંખ પણ ઝરમરી કોની છે ?

 .

સમયની બધી ગત-વિગત હાથમાં છે છતાં,

ઢળી સાંજ ત્યાં વાત બે સાંભરી કોની  છે ?

 .

સ્વયમ નાદ થૈ વ્યાપ્ત છે ચૌદ ભુવન ‘સુધીર’,

હરે ચૈન એનુંય એ ઝાંઝરી કોઈ છે ?

 .

( સુધીર પટેલ )

ખૂણા – આકાશ નાયક

આજે ખૂણા યાદ આવ્યા,

કેસરી, લીલાં, ભૂરાં કિરણો વચ્ચે રચાતા

દેખા, અણદેખા કરી આગળ વધતા,

સ્મૃતિપટ પર વિહરતા

કાળમીંઢ પથ્થર જેવા

 .

એ તરફ પહોંચી જોઉં તો-

ખૂણા મૃગજળ થયા

દ્રષ્ટિ એની લગોલગ છતાં દૂર

 .

આજે તો આંખથી જ સ્પર્શ કરું-

ભય હંમેશાં રોકે

ખબર નહીં ખૂણા શું દેખાડે ?

સ્મૃતિ વીખરાઈ જશે તો ?

વીણવામાં જીવન વીતી જશે તો ?

 .

વધુ પાસે પહોંચી જોયું-

એક નથી

આવા અગણિત ચારે તરફ દટાઈને પડ્યા છે ખૂણા :

આ ખૂણા મારા ?

ક્યારે ભેગા કર્યા ?

એકેનો ભાર કેમ ના લાગ્યો ?

 .

આજે ખૂણા ખોલવા છે

હાથ લંબાવું તો ખૂલે

શક્ય છે એમાં વિવિધ રંગી આકાશી તેજ હશે

પતંગિયાં ને મધુરસ હશે

ઈચ્છાઓનાં મૂળ હશે

 .

આટલો અમથો ખૂણો ને આટલું મોટું વિશ્વ ?

નિરાકાર ?

એમાંનો કયો તારશે ?

શક્તિનો સંચાર કરશે ?

વિસ્તારશે ?

 .

( આકાશ નાયક )

આગમન – છાયા ત્રિવેદી

તું આવે છે

હવાની લ્હેરખી બનીને

જાણે

સ્થગિત થયેલાને ગતિ આપવા

 .

દરવાજો આપોઆપ ખૂલીને તને આવકારે છે

ખુરશીના બેય હાથા, તને આલિંગવા લંબાય છે !

 .

ટેબલ તેના પાયા પર

ઊંચું થઈ તને ચૂમવા આવે છે !

તેના પર ઢગલો થયેલા કાગળ

ઊડાઊડ કરવા માંડે છે, તને મળવા

 .

જમીન પર પડેલી

તારાં પગલાંની છાપ સાચવવા મથતી ધૂળ હોય

કે પછી

તારું પ્રતિબિંબ ઝીલી રાખવા ઈચ્છતો આયનો હોય

 .

દરેકને

.

જીવંત કરતું તારું આગમન

સમયના પ્રવાહને અટકાવી,

સ્થિર કરી દેવું છે

 .

તું આવે છે તો હવાની લ્હેરખી બનીને

અને

 .

શ્વાસ બનીને રહી જાય છે

મારી અંદર

 .

( છાયા ત્રિવેદી )