એકલગાનના ઓરડે – કિસન સોસા

મારા એકલગાનના ઓરડે

તમે આવો અતિથિ આનંદના !

 .

આઘે સુધી અહીં વાતું વેરાન,

એમાં એકલો અટૂલો ખડો

આયુના એકડંડિયા મહેલમાં ઝૂરે

મારા એકલગાનનો આ ઓરડો !

પગરવે પગદંડી લયની જગાવતા

રણકાવતા તોરણિયા છંદના

તમે આવો અતિથિ આનંદના !

 .

ટોડલાએ આંસુના દીવા બળે અને,

ઝુમ્મરમાં ટમકે વિષાદ

આશા અનિમેષ ઊભી છે બારસાખ

બારીએ બેઠી છે યાદ !

લાગણીને લીલેરું લૂંબઝૂંબ લહેરવું ને

રોમ રોમ અભરખા સ્પંદના !

તમે આવો અતિથિ આનંદના !

 .

( કિસન સોસા )

જિંદગી છે – હેમેન શાહ

જિંદગી છે અનેક કટકામાં,

મોત આખું મળ્યું છે લટકામાં!

.

જો સમજ ના પડે, કદી ન પડે,

પણ પડે ત્યારે એક ઝટકામાં.

 .

જે મળી જાય એની ક્યાં છે ખુશી ?

જીવીએ ‘જે નથી’ના ખટકામાં.

.

તીરછી આ નજર, અને સ્મિત પણ,

ભલભલા આવી જાય છટકામાં.

.

આપી ભાષા મને બટકબોલી,

કાવ્ય દીધું ઉપરથી ચટકામાં.

 .

કોણ પૂછે અહીં કલાકારી ?

સૌ પરોવાયા લટકા-મટકામાં!

 .

( હેમેન શાહ )

તું જો છે તો – હનીફ સાહિલ

તું જો છે તો ખાસ છે દિવસ

કેફ, મસ્તી, વિલાસ છે દિવસ.

 .

મારી આંખોમાં ઉઘડતાં પુષ્પો

મારા સ્વાસો સુવાસ છે દિવસ.

.

વેલ જાણે ચડે દીવાલો પર

આ પ્રસરતો ઉજાસ છે દિવસ

 .

તારા ચહેરાથી ચાંદની વરસે

કેશ કાળા અમાસ છે દિવસ

 .

તું જો છે તો આ રંગરાસ બધે

તું ન હો તો ઉદાસ છે દિવસ

.

હોઠ પર તારા સ્પર્શની લિજ્જત

તોય અણબૂઝ આ પ્યાસ છે દિવસ

. .

એક તારાથી આ ગઝલ છે હનીફ

તું જો છે તો આ પ્રાસ છે દિવસ.

 .

( હનીફ સાહિલ )

તકલીફ છે સાલી – ભરત ભટ્ટ ‘પવન’

કશી આકૃતિ પકડાતી નથી, તકલીફ છે સાલી;

છબી એકે ય દોરાતી નથી, તકલીફ છે સાલી.

.

શિવાલયમાં ય જઈ આવ્યો, સુરાલયમાં જઈ આવ્યો,

છતાં પણ પ્યાસ બુઝતી નથી, તકલીફ છે સાલી.

 .

પડે છે પ્રાર્થના ઓછી કે ઈશ્વરની કૃપા ઓછી ?

હવે ધારી અસર થાતી નથી, તકલીફ છે સાલી.

 .

સલામત પીંજરું પણ છે; મજાનો હિંચકો પણ છે,

પરંતુ પાંખ ફેલાતી નથી, તકલીફ છે સાલી.

 .

મળે દરગાહ પર ક્યારેક, તો ક્યારેક મંદિરમાં,

‘પવન’ની જાત પરખાતી નથી, તકલીફ છે સાલી.

 .

( ભરત ભટ્ટ ‘પવન’ )

ભેંસ – સૌમ્ય જોશી

બંધાયેલી ડોકેય આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે.

ભેંસ પાડી શકે છે રાત.

પૂંછડીની પીંછીથી લસરકા મારીને એ સાંજને રંગે છે પોતાના રંગમાં.

ને કાળી કરે છે ઈંટાળી ગમાણ.

કાળૉ કરે છે રાખોડી ખીલો.

સાંકળ પરનો છીંકણી કાટ પણ કાળો કરી દે છે.

બધું કાળું કરીને એમાં કાળું કાળું ઊભી રહે છે ભેંસ.

બંધાયેલી ડોકેય આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે.

 

*  *

ભેંસ સ્થિતપ્રજ્ઞ.

મોઢા પર માખ બેસે તો બેસવાય દે.

આ જોને,

એના આંચળની દોલતથી ગેમરિયો માલદાર થઈ ગ્યો,

પ્રવીણભાઈનું કોલેસ્ટેરોલ વધી ગ્યું,

કાનુડાએ મટકી ફોડી,

રમાકાકી મેળવણ માંગવા આયાં,

ગોમટેશ્વર નાહ્યાં,

કુરિયન કિંગ થઈ ગ્યા ચરોતરના,

અશ્વત્થામાએ હઠ પકડી,

પણ ભેંસ સ્થિતપ્રજ્ઞ.

આટલું થ્યું

તોય મોઢા પરની માખ ના ઊડી.

 .

( સૌમ્ય જોશી )

સમંદર – સૌમ્ય જોશી

તારે કાંઠે કિલ્લા સર્જે એક મજાનું બાળ સમંદર

અરજ આટલી માન બને તો આગળ વધવું ટાળ સમંદર

 .

એક માછલી તરતાં બચતાં છેવટ સમજી મર્મ કથાનો

માછીમારથી શું ડરવાનું સૌથી મોટી જાળ સમંદર

 .

હું કોશિશનું તરણું પકડી કાંઠાઓની આશમાં તડપું

ક્યાં છોડે છે આ કચ્ચીને વળગેલો પ્રેમાળ સમંદર

 .

હું ઊંડા બેચાર શ્વાસ લઈ તળિયાઓની શોધમાં નીકળું

નફ્ફટ થઈ ને ઊંડે ઊંડે ચણતો જાતો માળ સમંદર

.

થાક્યા પગના વલોપાતને સ્પર્શી પાછો કેમ પડે છે

માનવમહેરામણ છે મંથન રોજિંદી ઘટમાળ સમંદર

.

( સૌમ્ય જોશી )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હે નાથ,

  .

રામનામની પ્રાર્થનામાં  સમેટાયેલ અને સમાયેલ સમગ્ર જીવનના આંગણે અમે લાભ-શુભના કંકુ ચોખાના સાથિયા થઈ રહીએ એવું સૌભાગ્ય અમને આપો.

.

આદિ, અંતે અને મધ્યે રામ-હી-રામની અનાહત સ્પંદના અમારો વિરામ હો, હે દેવ !

 .

પ્રસાદ

સ્વરથી ઈશ્વર ભણી એમ નહીં પણ સ્વર જ સ્વયમ ઈશ્વર એવો પ્રગટ પ્રકાશ એ જ ‘રામેશ્વરમ’, નાદબ્રહ્મનો સૂરમય ઉજાસ.

 .

(૨)

હે નાથ,

 .

અત્યંત પ્રકાશમય માયાના અડાબીડ અંધારેથી અમને અમારી ઓળખ સુધી દોરી જાઓ. અંજાઈને આંધળાભીંત થયેલ અમને આંગળી પકડીને ઉગારો, હે દેવ !

 .

પ્રસાદ

પ્રકાશને પામવા માટે પ્રગટી જવું પડે એવી દર્શન દિવ્યતાનું નામ તિરૂપતિ. અંદરના અજવાળે ઓળખાતી અને ઉજવાતી આનંદજ્યોત એ જ બાલાજી.

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

પ્રાર્થના – સુરેશ દલાલ

શહેરથી દૂર દૂર પહાડની ટોચ પર એક નાની અમથી બંગલી છે. એ બંગલીમાં એક નાનકડો ખંડ છે. ઝરૂખામાં જરાક બહાર નજર પડે છે તો વનશ્રીની નરી આભા અને શોભા છે. એક ઝરણું જાણે કે અનાદિ કાળથી વહેતું હોય એમ સતત વહ્યા કરે છે. ઘડીકમાં ચિક્કાર વરસાદ વરસી જાય છે. થોડીક ક્ષણોમાં થંભી જાય છે. ઘડીકમાં ધુમ્મસ , ઘડીકમાં તડકો. તને શોધવાની જરૂર જ ક્યાં છે ? તું તો અહીં હાજરાહજૂર છે તારી પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપે. વિભૂતિ-દર્શન-યોગ માત્ર તારી ગીતામાં જ નથી. પ્રત્યેક પળે તારી પ્રકૃતિનો સાક્ષાત્કાર એ જ તારું વિભૂતિ-દર્શન.

 .

મને ઘણી વાર થાય છે કે તેં આ સૃષ્ટિ રચી શા માટે ? જો આ સૃષ્ટિ રચી તો તેં મનુષ્યને શું કામ રચ્યો ? એક બાજુ પશુ ને બીજી બાજુ તારા દેવદૂત-આ બન્નેની વચ્ચે એના ભાગે અને એના ભાગ્યે તો ભીંસાવાનું જ રહ્યું. મનુષ્ય સર્જ્યો અને યાતના આપી. મને બતાવ કે તારા જગતમાં નિતા6ત સુખી કોણ છે ? તો શું દુ:ખ શું છે એનો પરિચય કરાવવા જ તેં મનુષ્યનું સર્જન કર્યું ? સુખ તો માણસે પોતે શોધી લેવાનું અને દુ:ખ તો પૂર્વજન્મનાં કર્મનું પરિણામ છે-આ બધી વાતો સુફિયાણી લાગે છે. તું જો માનવનો પિતા, માતા, બંધુ કે સખા હોય-તો મનુષ્યના દુ:ખની જવાબદારી તારે લેવી જોઈએ અને તારે જ એનું નિરાકરણ કરવું જોઈએ.

 .

( સુરેશ દલાલ )

આમ રહેવાનું ! – પ્રફુલ્લ પંડ્યા

ક્યાં જવાનું ને શું કરવાનું હવે ?

ક્યાંય જઈ ના શકાય : શું ત્યાં જવાનું ?

એટલે કે

શું બેસી રહેવાનું અહીં ને અહીં ?

કહો હવે શું કરવાનું ?

આમ કરવાનું ને તેમ કરવાનું !

એટલે કે બધું બંધ કરી દેવાનું ?

તો પછી – શું કરવાનું ?

 .

તરવાનું કે ડૂબવાનું ?

તરી શકાય તો તરવાનુ; નહીં તો પછી;

ડૂબી જવાનું ?

ડૂબવાનું પોતાના જ ગાઢ-પ્રગાઢ અંધકારમાં ?

અને હા; તરતાં તરતાં પહોંચાય કિનારે;

તો સમજો; મળી ગઈ દુનિયા !

ડૂબો તો સમજો;

કાશ ! છુટ્ટી ગઈ દુનિયા !

 .

ઊડી શકાય તો ઊડવાનું;

પણ તે તો બંધ થઈ ગયું છે વર્ષોના વર્ષોથી !

તો ?

જોઈ રહેવાનું !

બસ ચૂપચાપ જોઈ રહેવાનું !

બીજાં પંખીઓ ઉડતાં હોય તેને;

જોઈને ઊડવાનું !

વધુમાં શું કરવાનું ?

 .

થોડાંક થાકી ગયેલાં પંખીઓને સ્મિત આપવાનું

કેટલીક રડતી આંખોમાં આંખ ભોંકીને; પ્રેમ આપવાનો !

-પરાજિત સ્ત્રીઓને આંખ મિચકારીને;

પુનર્વિજયનું સ્વપ્ન આપવાનું !

-ઇજાગ્રસ્ત મિત્રોની પાટાપીંડી કરવાની;

અને ?

યુદ્ધમાં ફરી ફરીને ઊભા રહેવાનું;

લડવાનું

ફરી ફરીને લડવાનું અને પછીથી

હારી જવાનું !

હારીને જીતી જવાનું ?

 .

લગભગ એટલે લગભગ :

કૈંક આવું બધું કરતા રહેવાનું;

ને કરતા પણ રહેવાનું !

ન કરતા પણ રહેવાનું !

કોઈ ન રાખતું હોય તો કેમ રહેવાનું ?

આમ કરતાં જવાનું ને રહેવાનું !

 .

( પ્રફુલ્લ પંડ્યા )

ગૂંજે છે યાદ – પરાજિત ડાભી

અડધી તે ઈચ્છાનું આખું આકાશ હવે રોજ રોજ આંખોમાં ખોળશું,

ફૂલોની જેમ હવે મઘમઘતી ફોરમમાં હૈયાને હાથ જેમ બોળશું.

 .

ઊડીને આવેલા ભમરાની જેમ હજુ ગુંજે છે યાદ આસપાસમાં,

આથમતી રાતનાં અંધારા ઓઢીને આગિયાઓ ઝબકે અજવાસમાં,

વગડાની વનરાજી વહેલી સવારે હજુ દોડે છે ઝાકળિયા ઘાસમાં,

હરણાંની જેમ ઘણું દોડ્યો છે વાયરો નદીઓની સંગે પ્રવાસમાં.

 .

વૃક્ષોની ડાળેથી ખરતાં આ પાન જોઈ લીલીછમ્મ ક્યારીમાં કોળશું,

ફૂલોની જેમ હવે મઘમઘતી ફોરમમાં હૈયાને હાથ જેમ બોળશું.

 .

આવેલાં સપનાંનાં રંગભર્યા આભલાને સૂરજની સામે દઉં મૂકી,

ઝબકારા મારેને આંખો અંજાય તો નીંદરનું ગળપણ દઉં થૂંકી,

ટેરવાને ફૂટ્યા જો લાલ ટશિયા તો પાંપણ આ લજવાતી ઝૂકી,

અધખૂલ્લા હોઠ ઘણું મૂગા રહ્યાને તોય કહેવાનું આંખો ના ચૂકી.

 .

ઉજવાતા અવસરની પાવન આ ઘડીઓને ફેરફેર ત્રાજવેથી તોળશું,

ફૂલોની જેમ હવે મઘમઘતી ફોરમમાં હૈયાને હાથ જેમ બોળશું.

.

( પરાજિત ડાભી )