શમણાને ફૂટી છે પાંખો – હિતેન આનંદપરા

શમણાને ફૂટી છે પાંખો

લઈને નસીબ આજ આવ્યું જીવનમાં અણિયાળી નમણી એ આંખો

.

વર્ષોથી સૂના આ આંગણમાં આજે શૈશવના પગરવ થયા

સંકોરી જાતને બેઠેલાં સ્પંદન અચરજથી ઊભાં થયાં

ઉજ્જડ વેરાન સાવ સુક્કી ક્ષિતિજે

ઘેરો અંધાર થયો ઝાંખો

.

ચહેરા પર વીખરાતી વ્હાલપની ભાષાને શોધવાની બોલવાની કેવી મજા

રેશમિયા ગાલો પર તરવરતી લજ્જાને છેડવાની તેડવાની કેવી મજા

પોતાની જાત કદી ઓર વ્હાલી લાગે

આયનામાં ઝીણવટથી ઝાંકો

.

રોમરોમ ઊગતી સવારોના ક્યારામાં સ્પર્શ એક મનગમતો ફૂટે

કૂંપળની સાથ પ્રેમ એવો વધે કે વૃક્ષોનાં વળગણ પણ ચૂટે

આંખોને સોંસરવી બંધ કરી ચેહેરાને

નાજુક હથેળીથી ઢાંકો

.

( હિતેન આનંદપરા )

કશે ના જવાનું – ઉર્વીશ વસાવડા

કશે ના જવાનું, બધે પહોંચવાનું

કહે જીવ તારું હવે શું થવાનું

.

તસુભર જગા બસ મળે આ શિખર પર

અને આપણે ત્યાં જ ઘર બાંધવાનું

.

તરસ કૈંક જન્મોની ખિસ્સામાં લઈને

મથે શોધવા તું તીરથ ઝાંઝવાનું

.

મળે બેઘડી ના વિસામો નગરમાં

સતત દોડવાનું, સતત હાંફવાનું

.

વખત છે હવે કાળીને નાથવાનો

નથી આપણે જળકમળ છાંડવાનું

.

( ઉર્વીશ વસાવડા )

સુખ એટલે દિલોજાન દોસ્તનો સથવારો – ચાર્લ્સ શુલ્ઝ

સુસુખ .સુખ એટલે મહામહેનતે પગ ઉપર ઊંચા થઈને ડીંગડોંગ ઘંટડી વગાડવાનો આનહદ આનંદ.

બારણુંબારબારણું ખોલતાં જ તમાર પ્રિય પાત્રને સામે ઊભેલ જુઓ એ પણ સુખ.

.

સુખ એટલે દિલોજાન દોસ્તનો સથવારો.

.

એમને વહાલભરી વિદાય પછી હરખની હેડકી આવે એ પણ સુખ.

.

સુખ એટલે કોઈની રોકટોક વિના છૂટથી કૂદાકૂદ કરવાનો પોચાં પોચાં પાનનો ઢગલો.

.

રાતના આછા અજવાળામાં સોનેરી સપનાંની સોડમાં નિરાંતે સૂવાની મજા એ પણ સુખ.

.

સુખ એટલે મોઢામાં પાણી આવે એવા તાજા માખણ ચોપડેલા લહેજતદાર પાઉંના ચોસાલાં.

.

સુખ એટલે રજાના દિવસે ફિલ્મ જોવાના દસ રૂપિયા પોપકોર્ન માટે એક રૂપિયો મલાઈ-કુલ્ફી માટે પાંચની નોટ વાપરવાની છૂટ.

.

જીવન સાગરની રેતીના ઢગલામાંથી હળીમળીને ઘરઘરની રમત રમે એનું નામ સુખ.

.

ભાઈબંધના બૂટામાંથી નાનકડો કાંટો કાઢી આપવાનો સહિયારો આનંદ વિનોદ એ પણ સુખ.

.

પૈંડાવાળી મોજડી પહેરી જીવનવાટે સરરર સરરર લસરવાની મજાનો લહાવો એ છે સુખ.

.

મોઢામાં હાથના અંગૂઠાનું અમી અને બીજા હાથમાં શાલની હૂંફ એ પણ સુખ.

.

હવે હું મૂંગો નથી પણ સરસ બોલી શકું છું એની ખાતરી રૂપે થાય ગાલમાં ગલગલિયાં એ છે સુખ.

.

મોઢામાંની કાલીઘેલી ભાષાનો નીકળતો પહેલો અક્ષર મા એ પણ સુખ.

.

સુખની પસંદગી એક બાળક રંગબેરંગી સુગંધી ફૂલોમાં દુનિયા નીરખે તો બીજું ઠંડા આઈસ્કીમના સ્વાદમાં દુનિયા ચગળે.

.

જીવનસાગરમાં સહેલ કરતી હોડીના છૂટા પડેલા ટુકડાને બંધબેસતાં ગોઠવતાં મહામહેનતે જડેલો પાસો બંધબેસતો કરવાની કરામત એ પણ સુખ.

.

સુખ એટલે જીવનની ચિત્રપોથીમાં સોળે કળાના રૂપાળા રંગો પૂરવાનું પેંસિલનું પેકેટ.

.

પરીકથાની કપોલકલ્પિત વાર્તાને પણ પહેલે જ ધડાકે સાચી માની લે તેવું નિર્દોષ જીવન એ પણ સુખ.

.

સુખ એટલે જિંદગીના વિશાળ વડલા ઉપર ચડીને મોકળાશથી છાનીછપની વાતો કરવાની મજા.

.

સુખ એટલે જિંદગીના તડકા-છાંયડામાં સંતાકૂકડીની અનેક જન્મારાની લેણદેણની રસભરી રમત.

.

સુખ એટલે જીવનની પરીક્ષાના સવાલોના એકીક જવાબ શોધી કાઢવાની ભારે ખુમારી ને ખુશાલી.

.

પોતાના બૂટની સુંવાળી વાઘરી જાતે બાંધવાની કળા આપમેળે શીખી લેવાનો સંતોષ એ સુખ.

.

સુખ એટલે જીવનની હરિયાળી ગોંદરીમાં કોમળ સુંવાળા ઉઘાડા પગે લટકમટક ચાલવાની મીઠી મજા.

.

સુખ એટલે દુખના વરસાદમંય સમજણ ને સમતાની છત્રી અને આકાશી રંગના ઓવરકોટનું હૈયાઢાંકણ.

.

ગુલાબી ઠંડીમાં ઉષ્માસભર ઊનનું નકશીદાર મનપસંદ ગંજીફરાક એ પણ સુખ.

.

તમારી મનપસંદ પોચી પથારીમાં ઘસઘસાટ ઊંઘ એ પણ સુખ.

.

સુખ એટલે પરસ્પરની ગેરસમજનો અનંત આનંદ માણવાની શક્તિ.

.

જન્મદિવસે મીણબત્તીની રોશનીમાં નસીબના પાસા નીરખવા એ પણ સુખ.

.

સુખ એટલે વિશ્વમૈત્રી, ભેદભાવ વિના અરસપરસના સ્નેહમિલનની ઊજળી તક.

.

( ચાર્લ્સ શુલ્ઝ )


પ્રેમ એટલે સહજીવન યાત્રા

પ્રેમ એટલે સહિયારી સફર.

.

છૂટા પડતી વેળાએ ‘આવજે !’ કહેવાનું ગમે નહીં એ છે પ્રેમ.

.

પ્રિય પાત્રની વાટ જોઈ તેને બારણેથી પસાર થતા જોવું એ છે પ્રેમ.

.

ગાલે હાથ ટેકવીને કલ્પનાની પાંખે વિચારે છે કે અત્યારે મારો દોસ્ત શું કરતો હશે ? આ પણ છે પ્રેમ.

.

ફોનની ઘંટડી વાગે… ને હડી કાઢીને ફોન પર વાત કરવી એનું નામ પ્રેમ.

.

દિલોજાન દોસ્તને ગુલાબી કાગળમાં લખાતી કાલીઘેલી વાતોમાં છતો થાય એ પ્રેમ.

.

પ્રેમ એટલે ગુલાબી મીઠી મજાક. એ દ્વારા કરીએ બીજાને ખુશખુશાલ.

.

મળેલો ભાગ અરસપરસ વહેંચીને ખાવો એનું નામ દિલની દિલાવરી.

.

સોનેરી વાળવાળી ગમતી નાનકડી છોકરી સાથે વાતો કરવાની અને હરવા-ફરવાની છૂટ બીજાને આપવાની શુભેચ્છા પાઠવવામાં છુપાયો છે પ્રેમ.

.

બીજાનું સુખ જોઈ રાજી થઈ જિગરમાંય જીરવવું, આ છે પ્રેમ.

.

પ્રેમ એટલે માંદા મિત્રની મુલાકાત વેળાએ તાજગી અને ખુશબૂભરી હાજરી.

.

ભરત ભરેલો રેશમી કિનારવાળો ટચુકડો રૂમાલ હોય તોય તેમાં પ્રેમના ટેભા ભરાય.

.

પ્રેમ એટલે સહકારની ભાવના. લાવ, તારી પેન્સિલને સરસ મજાની અણી કાઢી દઉં?

.

સોગઠાબાજી જીતી જવાની પળે પણ સામાને જીતવાની તક આપવામાં છે મૈત્રી.

.

પ્રેમની ઝંડી ચાહે તેવી લાલ કેમ ન હોય, તેમાં જુદાઈની ભાવના નથી.

.

ભાઈબંધના આળા હૈયાને હૂંફ ન અપાયા બદલ અફસોસ થવો એ પણ પ્રેમ.

.

છાનું વહાલ કરીને દોસ્તનું દિલ ખોલવા બે અક્ષરના પત્રમાં જે જાદુ લખેલ તે પ્રેમ.

.

શાળા-જીવનમાં છૂપી ચબરખીઓની આપ-લે એ છે : નિર્દોષ પ્રેમ.

.

પ્રેમ એટલે કાલાંઘેલાં અડપલાં : ક્યારેક વાળ વીંખીને, તો ક્યારેક ચૂંટી ખણીને.

.

પ્રેમ એટલે હળવી ધીંગામસ્તી, બાલમસ્તીનાં અડપલાં, કિલકિલાટ હાસ્ય.

.

રસોડામાં બેસીને નવીન વાનગી બનાવવાની મજા એ પ્રેમ.

.

એકાએક દુ:ખરૂપી વરસાદ વરસે ત્યારે સાથે રહી જેની ઓથે સહન કરે એ પ્રેમની છત્રી.

.

આપકમાઈમાંથી ખરીદીને અપાયેલી ભેટમાં છુપાયો છે પ્રેમ.

.

રમતના મેદાન પર પાર વિનાનાં લોક વચ્ચે મીટ મંડાઈ છે જિગરજાન દોસ્ત પર. આ પણ છે પ્રેમ.

.

ઘર પરિવાર સાથે જમતી વખતે કિલકિલાટ ને કાલીઘેલી વાતોની મિજલસ એ પ્રેમ.

.

પ્રેમ એટલે પોતાના મનપસંદ ગીતની લ્હાણી.

.

અનોખી મસ્તી ભરી છે માનવી અને પ્રાણીની મૈત્રીમાં પણ.

.

ઊંઘમાંથી ઊઠીને અડધી રાત્રે કોઈને પાણીનો પ્યાલો ધરવો એ પણ પ્રેમ.

.

પ્રેમ એટલે વિશ્વબંધુત્વની હાકલ.

.

( ચાર્લ્સ શુલ્ઝ )

હું સ્વપ્ન વ્હેચું છું – ઉર્વીશ વસાવડા

સૂતું છે ગામ સન્નાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

પુરાણા સ્વપ્નને સાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

ન આવે સહેજ અંદેશો કે છે જૂની જણસ આ તો

સજાવીને ફરી હાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

ખબર છે ખેલ ખતરાથી ભરેલો છે અને તો પણ

લઈ પાસાઓ ચોપાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

કશું બાકી નથી બીજું કે હું વેચી શકું જેને

કદાચિત એટલા માટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

સમયના કાફલા કરતા રહે છે આવ-જા જ્યાંથી

ઊભીને રોજ એ વાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

( ઉર્વીશ વસાવડા )

કરે એમ – અરવિંદ ભટ્ટ

આ જીવ જીવવાની ઈચ્છાઓ કરે એમ

જાણે કે એક કીડી પાણીમાં તરે એમ.

.

એવું શું છે શબદમાં કે હું ફરી ગયો છું

મૃત્યુ પછીથી બીજો અવતાર ફરે એમ.

.

હું વૃક્ષ થઈ ઊભો છું પર્વતના ઢાળ ઉપર

સુક્કાં બધાંય પર્ણૉ ઝરણામાં ખરે એમ.

.

કાગળ કલમ દવાત અને એકલાપણું

તું ગોખલાના દીવે દરબાર ભરે એમ.

.

( અરવિંદ ભટ્ટ )

યાદના અંજળ – મીરા આસીફ

તું મને કાગળ લખે તો, રોજ હું સજદા કરું !

યાદના  અંજળ લખે, તો રોજ હું સજદા કરું !

.

કોઈ મારા હાથમાં તડકો લખે વૈશાખનો,

તું કદી ઝાકળ લખે, તો રોજ હું સજદા કરું !

.

શું તરન્નુમ થઈ વહે છે શ્વાસની રફતારમાં ?

તું મને અટકળ લખે, તો રોજ હું સજદા કરું !

.

સાવ કોરા સ્પર્શનું આકાશ આપું છું તને,

મેઘલાં, વાદળ લખે, તો રોજ હું સજદા કરું !

.

શું થયું રણમાં રઝળતી એ અજાણી લાશનું ?

તું કથા આગળ લખે, તો રોજ હું સજદા કરું !

.

હું તને દરિયો લખીને રણ લખું આસીફને,

તું કદી મૃગજળ લખે, તો રોજ હું સજદા કરું !

.

( મીરા આસીફ )

ખાતરી કરાવ – નટુભાઈ પંડ્યા

ચાલે છે શ્વાસોચ્છવાસ એની ખાતરી કરાવ !

તું છે હ્રદયની પાસ, એની ખાતરી કરાવ !

.

આ તો ઘુવડની જાત, નયન ખોલશે નહીં,

સૂરજ તણો પ્રકાશ, એની ખાતરી કરાવ !

.

તાકી ઉપર ન ચાલશે ચાતક હવે અહીં

લાગી છે ખરી પ્યાસ, એની ખાતરી કરાવ !

.

સામે ઊભો છું એટલું પર્યાપ્ત ત્યાં નથી

આવ્યો કરી પ્રવાસ, એની ખાતરી કરાવ !

.

સાથે મળીને લે ભલે આનંદ સિદ્ધિનો,

તારોય છે પ્રયાસ, એની ખાતરી કરાવ !

.

ગઈ રાત ને પ્રભાત થયું –  જૂની વાત છે

પ્રગટ્યો ખરો ઉજાસ, એની ખાતરી કરાવ !

.

માણસ છું એમ બોલવાથી ચાલશે નહીં,

જે લક્ષણો છે ખાસ, એની ખાતરી કરાવ !

.

( નટુભાઈ પંડ્યા )

આપો રજા – જગદીશ વરૂ

ખ્વાબમાં આવી શકું ? આપો રજા

લાગણી વાવી શકું ? આપો રજા

.

બોલવાની ના ભલે પાડો તમે

મૌન બિછાવી શકું ? આપો રજા

.

જામના બે ઘૂંટ જો આપો તમે

પ્યાસ બુજાવી શકું ? આપો રજા

.

જિંદગી શું ચીજ છે આ પ્યારમાં

મોત બોલાવી શકું ? આપો રજા

.

( જગદીશ વરૂ )