તું આંખોમાં આંખ – પન્ના નાયક

.

તું આંખોમાં આંખ પરોવે, દીર્ઘ ચુંબનો કરે, આક્રમણો કરે,

વાઘા ઉતારે, હુંફથી નવડાવે, ત્વચાની રજાઈ ઓઢાડે, હાસ્યના

ફુવારા ઉડાડે, કાલીઘેલી કવિતા સંભળાવે, કાન પાછળ

વાળને ગોઠવવાની રમત રમે, મારા રેશમી દેહને પંપાળે,

સ્તનમાં છુપાઈ જાય, ક્યારેક વિરહના વિચાર ‘ચિંતિત’ થાય,

ક્યારેક મિલનની પ્રસન્નતામાં મુખરિત થાય, ક્યારેક

સહજ સ્મિતથી મારા આંસુ લૂછે, મને મારામાં પ્રેરે,

મારી લાગણીઓને ઉછેરે…  આ બધું મને એટલું ગમે છે

એટલે હવે હું પણ મને ગમવા માંડી છું.

( પન્ના નાયક )

मैं तुम्हें फिर मिलूंगी – अमृता प्रितम

मैं तुम्हें फिर मिलूंगी

मैं तुम्हें फिर मिलूंगी

कहां ? किस तरह ? नहीं जानती

शायद तुम्हारे तख्यिल की चिनगारी बनकर

तुम्हारी कैनवस पर उतरूंगी

या शायद तुम्हारी कैनवस पर

रहस्यमय रेखा बनकर

खामोश तुम्हें देखती रहूंगी

 

या शायद सूरज की किरन बनकर

तुम्हारे रंगो में घुलूंगी

या रंगो की बांहो में बैठकर

तुम्हारी कैनवस को लिपटूंगी

पता नहीं कैसे-कहां ?

पर तुम्हें जरुर मिलूंगी

 .

या शायद एक चश्मा बनी होऊंगी

और जैसे झरनों का पानी उडता है

मैं पानी की बूंदे

तुम्हारे जिस्म पर मलूंगी

और ठंडक-सी बनकर

तुम्हारे सीने के साथ लिपटूंगी…

मैं और कुछ नहीं जानती

पर ईतना जानती हूं

कि वक्त जो भी करेगा

यह जन्म मेरे साथ चलेगा

यह जिस्म जब मिटता है

तब सब-कुछ खत्म हो जाता है

पर चेतना के धागे

कायनाती कणों के होते है

मैं उन कणों को चुनूंगी

धागों को लपेटूंगी

और तुम्हें मैं फिर मिलूंगी…

 .

( अमृता प्रितम )

તારાથી તો – પન્ના નાયક

તારાથી તો છૂટાં પડવું ક્ષણ પણ મને ગમે નહીં,

તારા વિના દિવસ તો ઊગે પણ સાંજ કદીયે શમે નહીં.

 .

આંખની સામે તારો ચહેરો,

થોડો આછો થોડો ઘેરો.

 .

કોઈ અદીઠી ડાળી ઉપર ગીતનાં ખીલ્યાં ફૂલ

તોય મને આ તારા વિના મારું આખું ઝાડ

ગમે છતાંયે ગમે નહીં

  તારાથી તો છૂટાં પડવું ક્ષણ પણ મને ગમે નહીં.

 .

હજી તો હમણાં છૂટાં પડ્યાંને લગની લાગી ક્યારે મળશું ?

કાંઈ કશુંયે બોલ્યા વિના એકમેકમાં ક્યારે ભળશું ?

હૈયામાં ને હોઠ ઉપર આ એક જ તારા નામ વિના

કદીય કોઈનું રમે નહીં,

તારાથી તો છૂટાં પડવું ક્ષણ પણ મને ગમે નહીં.

 .

( પન્ના નાયક )

મુક્તિ – રીના ચિંતન મહેતા

લાવ,

ખભે ઝોળી ભેરવી નીકળી પડું ક્યાંક.

અંતહીન મેદાનોની મોકળાશ

આંખોમાં આંજી દઉં.

ગીચ જંગલોની ભૂલભુલામણીમાં

હરણના બચ્ચાની જેમ અટવાયા કરું.

નદીના ખળખળ પ્રવાહમાં

વહ્યા કરું માછલીના ચટાપટાળા રંગ પહેરી.

સૂર્યનાં કિરણ પીઠ પર બાંધી

છમછમ નાચું.

પક્ષી બની પહાડો પર ઊડતાં-ઊડતાં

આકાશને જરા અડીને

કલબલી ઊઠું.

વાદળોની આરપાર ઊતરીને

ભરી દઉં છાતીમાં તાજી હવા.

ખિસકોલી થઈ વૃક્ષો પર કર્યા કરું ચઢ-ઊતર…

પણ,

અહીં તો મકાનો

ને બારણાંઓ

ને સાંકળો

ને તાળાં.

બારીઓ તો ખરી

પણ પાછા સળિયા ને કાચ !

સામસામી દીવાલો પર પડછાયા ભીંસાય.

ઉપર ઝળૂંબતી છત-

માણસ ઊડે તો ક્યાં ?

ભોંય પર જડ્યા રે પથ્થર !

મૂળ ક્યાં પ્રસારે ?

બંધ બારીમાંથી મગતરું પણ જઈ ન શકે બહાર

શરીર બંધ

ને મન પણ બંધ.

બારીના કાચની ફાટમાંથી

ઝીણી-અમથી લહેરખી

કરે છે ટક ટક

ટકોરા…

લાવ,

ખભા પરની ઝોળીયે ફગાવીને

નાભિમાંથી છૂટતા શ્વાસની જેમ

નીકળી પડું ક્યાંક.

 .

( રીના ચિંતન મહેતા )

ના હાર જો કે જીત જો – મુકેશ જોષી

તું ફક્ત ના હાર જો કે જીત જો

યુદ્ધ કરવાનીયે એની રીત જો

 .

દુશ્મનો હથિયાર હેઠાં ફેંકશે

મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો

 .

હું ગઝલના ગામમાં રહેવા ગયો

યાદ આવ્યું તોય પાછું ગીત જો

 .

ભાગ અંદર આ પ્રસિદ્ધિની ક્ષણે

કોક બાંધે છે અહમની ભીંત જો

 .

કામ સહુ પૂરાં કરીને નીકળ્યા

યાદ આવ્યું રહી ગઈ લ્યાપ્રીત જો

 .

( મુકેશ જોષી )

શૈય્યા હો ભીષ્મસાત – સુરેન્દ્ર કડિયા

શૈય્યા હો ભીષ્મસાત, ખીચોખીચ બાણ હો

ઢળતી હવાનો ઢાળ સહજ, સપ્રમાણ હો

 .

ડૂબે નજર તો કહ્હેક ડૂબે તળ-અતળ સુધી

કૂવાના સ્થિર જળમાં ખતરનાક તાણ હો

 .

કંડારું લાજવાબ ગઝલ-શેર મોજથી

વિચાર હો તો ખુદ-બ-ખુદ આરસપહાણ હો

 .

સામે મળેલ લહેરખીનું નામ-ઠામ શું ?

જાણું કશું ન હુંય ને એ પણ અજાણ હો

 .

કરવી પછી શું કામ ક્ષિતિજોની ખેવના !

આગળ જરી અનંતથી મારી પિછાણ હો

 .

( સુરેન્દ્ર કડિયા )

તરસ્યો થા – રૂમી

(૧)

તરસ્યો થા, મારા જીવ સદાય માટે

અને સહેજ પણ જંપ વિના

તલાશ્યા કર.

આ નીરવ ઝુરાપો

તારા હૃદયનેતળિયે

ભલે લપાઈ રહે.

તું તારા ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દનું

બીજ થઈ જા.

.

(૨)

તારા ચહેરા પરનું સ્મિત

દ્રશ્ય માટે પૂરતું છે.

તારા નામનો ધ્વનિ

ગીત માટે પૂરતો છે.

તારી ચાબૂકનો પડછાયો

જ્યાં પૂરતો હોય

ત્યાં શા માટે

તારાં જીવલેણ તીરોથી

મારા કટકેકટકા કરે છે ?

.

(૩)

તારા પ્રકાશમાં

હું શીખું છું પ્રેમની રીત.

તારા સૌન્દર્યમાં શીખું છું

કાવ્ય અને સંગીત.

મારા હૃદયમાં થતા તારા નર્તનને

કોઈ જોઈ ન શકે

પણ ક્યારેક હું જોઉં છું

અને દ્રષ્ટિ થઈ જાય છે

કલામય.

.

(૪) .

તારે માટેનો પ્રેમ મને પગલાઈ તરફ લઈ ગયો

મારા જીવનના ખંડેરમાં કારણ વિના હું તડપું છું,

મારો પોતાનો ભૂતકાળ મને અપરિચિત લાગે છે.

તારા પ્રેમને કારણે મેં ભૂતકાળ સાથે નાતો તોડી નાખ્યો છે.

તારા માટેનો ઝુરાપો મને આ ક્ષણમાં ધારણ કરે છે.

મારી કામનાઓ મને હિંમત આપે છે.

હું તને જોઉં છું મારા ભીતરની ભીતરના અસ્તિત્વમાં.

.

( રૂમી, અનુવાદ : સુરેશ દલાલ )

ઈશ્વરની હથેળી જેવા – સુરેશ દલાલ

ઈશ્વરની હથેળી જેવા

પાંદડા ઉપર

હવા કોનું નામ લખે છે

એ જાણવાનો વિસ્મય

હજી હું જાળવી શક્યો છું

એના આનંદથી

હું રોજ નવાનકોર ઊગતા સૂર્યનું

પૂર્ણ ઉમળકાથી સ્વાગત કરું છું.

 .

હવે મને

વીતી ગયેલી રાત

પરાઈ લાગે છે

અને દિવસ મને મારો લાગે છે.

 .

કોઈક આપણું હોય

અને આપણે પણ કોઈકના હોઈએ

પછી એને પ્રેમ કહેવાય કે નહીં

એની પળોજણમાં પડ્યા વિના

હું મારી રીતે

મારું જીવન આમ ને આમ

ઊજવતો જાઉં છું

-અને આપણું ગીત

તરોતાજા લયમાં ગાઉં છું.

 .

( સુરેશ દલાલ )

બસ એ જ સંબંધો સાચા – મુકેશ જોષી

 

બસ એ જ સંબંધો સાચા,
જેની પાસે સ્વયમ ખુલતી હોય હૃદયની વાચા.
.
લાલચોળ તડકાઓ જયારે જમાનો હાથ ઉગામે,
એવે ટાણે છત્રી લઈને મળી જાય છે સામે.
સાચવવાની લ્હાય નહીં ને છતાં રહે નાં કાચા.
.
સમજણનું આકાશ હોય ને હોય સ્મરણની સીડી,
બંને પાસે સાકાર તો બંને જાને કીડી.
ગમે તા થી સ્પર્શો, નાં હો ક્યાય અહમના ખાંચા.
.
( મુકેશ જોષી )

મને તારી પાસે – મુકેશ જોષી

મને તારી પાસે સતત રાખજે,
તું કાંટો બને તો મને વાગજે.
.
હજી તો હું રૂ છું દીવો થઇ જઈશ,
પછી તારી ફૂંક ફૂંકે ચાખજે.
.
યુગોથી ઉઘાડો જનમ લઇ ફરું,
મને તારી પાંપણ વડે ઢાંક્જે.
.
ભલે તાવ રૂપે તું આવે મને,
પ્રથમ ટાઢ વાઈ ખબર આપજે.
.
મંદિરથી ઘર મારું પાસે પડે,
તું થાકે તો સીધો ઘરે આવજે.
.
(  મુકેશ જોષી )