સાયબાએ – મુકેશ જોષી

સાયબાએ લઈ આપી ગુલ્લાબી સાડી,

પ્હેરી તો કહે છે કે આખા મલકમાં

જોઈ નથી આવી ગુલાબની મેં વાડી.

સાયબાએ…

 ,

માખણની કાયા પર શોભે છે સાડી

કે શોભે છે કોઈના અભરખા,

સાયબાનો પોતીકો રેશમી મિજાજ

અને સાડીનું પોત બેય સરખાં

સપનાના ક્યારામાં જિંદગી ઊગાડી

સાયબાએ…

 .

અંગો પર વહાલપનું વાવેતર કરવાનાં

સપનાંઓ જોવા હું જાગું,

સાડીને વીંટું તો ઓચિંતું થાય જાણે

સાયબાને વીંટળાતી લાગું

પાંખો પણ આપીને બાથમાં ઉડાડી

સાયબાએ…

.

( મુકેશ જોષી )

અફસોસ છે – સુરેન્દ્ર કડિયા

એમના ઉંબર સુધી જઈને નથી ફાવી શક્યા, અફસોસ છે

આંખ કે આંસુનું સરનામું નથી માગી શક્યા, અફસોસ છે

 .

એકસો ને આઠ મણકા આયખામાં ગોઠવી દીધા પછી

એક પગલું એક પગલામાં નથી માંડી શક્યા, અફસોસ છે

.

આભ, રેતી, મેઘ, ધરતી, કૈંક રૂપે લોક સરખાવ્યા કરે

પણ હતા એવા જરીયે પણ નથી લાગી શક્યા, અફસોસ છે

 .

મેં સિતારા ખેરવેલા જેટલા, બસ એટલા ઝાકળ થયા

પણ ફૂલોની સ્નિગ્ધ સુગંધો નથી દાગી શક્યા, અફસોસ છે

 .

રોજ મારા આંગણે એ સૂર્યને રમતો મૂકે તોયે

એક લાંબી ઊંઘ વચ્ચેથી નથી જાગી શક્યા, અફસોસ છે.

 .

( સુરેન્દ્ર કડિયા )

તને કોઈ નહિ કહે – સુરેન્દ્ર કડિયા

કહેતો રહીશ હુંજ, તને કોઈ નહિ કહે

તારો વિષાદ તુંજ, તને કોઈ નહિ કહે

 .

શણગારવા હો શ્વાસ, હવે રાહ શું જુએ !

બાકી રહ્યા છે જૂજ, તને કોઈ નહિ કહે

 .

છોડી દે સારવાર, છોડ માવજત બધી

આવી ગઈ છે રૂઝ, તને કોઈ નહિ કહે

 .

ભીતરનો શંખનાદ લઈ જશે વધુ ભીતર

દેરું અપૂજ પૂજ, તને કોઈ નહિ કહે

 .

ગમતી બધીયે વાત સવિસ્તર કહી જશે

આઘેથી કોઈ ગૂંજ, તને કોઈ નહિ કહે

 .

( સુરેન્દ્ર કડિયા )

જિંદગી જીવી ગયો – કિરીટ ગોસ્વામી

એક બસ, તારા વિચારે, જિંદગી જીવી ગયો,

એટલે લાગ્યું-વધારે, જિંદગી જીવી ગયો.

 .

સ્હેજ તારી લાગણીમાં ડૂબકી માર્યા પછી,

સાવ કો’ નોખા કિનારે, જિંદગી જીવી ગયો.

 .

ભીતરે તો ફક્ત તારા એકની સંગત હતી;

ભીડમાં સૌ સાથ બ્હારે, જિંદગી જીવી ગયો.

 .

પાસ તારી આવવાનો એ જ તો રસ્તો હતો :

મોજથી દુનિયાના દ્વારે, જિંદગી જીવી ગયો.

 .

મનમાં, તારા પ્રેમની મસ્તી હતી તેથી જ તો –

પળ ધરા, બે-પળ સિતારે, જિંદગી જીવી ગયો.

 .

( કિરીટ ગોસ્વામી )

જોયું નથી જાતું – નાઝિર દેખૈયા

નજર સામે તમન્નાનું પતન જોયું નથી જાતું

ખીલ્યાં પહેલાં જ એ ખરતું સુમન જોયું નથી જાતું

 .

બુઝાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો

પતંગાથી શમા કેરું જલન જોયું નથી જાતું

 .

જરા જોયું જો તેજસ્વી, તુરત એ છેનવી લે છે

ગગનવાળાથી ધરતીનું રતન જોયું નથી જાતું

 .

તમારી લાગણીને હું ભલા ! કઈ રીતની સમજું ?

ખુશી જોઈ નથી જાતી, રુદન જોયું નથી જાતું !

 .

ગ્રહણ આ ચંદ્ર ફરતું ક્યાં સુધી રે’શે ભલા ‘નાઝિર’

હવે મુજથી વદન પરનું ગવન જોયું નથી જાતું

 .

( નાઝિર દેખૈયા )

તારા ગણવાથી – રમેશ પારેખ

તારા ગણવાથી રાત પૂરી ન થાય

હવે તારા ગણવાથી વાત પૂરી ન થાય

એકલવાયા રે સખી, ઘરના રહેવાસ એમાં આવા ને આવા ઉજાગરા

ફાગણના દિવસોમાં ફળિયે તો ઠીક, મારાં લોચનમાં મ્હોર્યાઁ છે ખાખરા

 .

લંબાતી ઝંખનાને છેડો નહીં ક્યાંય

હું તો પગલે પગલે રે સાવ તૂટું

કાંકરીઓ વાગવાથી ફૂટતી’તી હેલ્ય

હવે એવા દિવસો કે હું જ ફૂટું

આથમણી મેર ડૂબે સૂરજ છતાં ય મારે રોમ રોમ તડકાઓ આકરા

 .

કોડ ને કમાડ કદી ઘૂંટેલા લાભશુભ

રાતું ચટ્ટાક હજી જાગે

ઓસરીમાં આભલાનું તોરણ

તે કોઈ એક આવે તો કેટલાય લાગે

ભણકારો સ્હેજસાજ વાગ્યાથી લોહીઝાણ થઈ જાતા જોયાના કાંગરા

 .

( રમેશ પારેખ )

बात किस से करे – ‘सागर’ बुरहानपुरी

बात किस से करे के मन भी नहीं

हमजबाँ कोई हमरुखन भी नहीं

 .

न तो कमरा है और न तनहाई

पहले जैसी वो अंजुमन भी नहीं

 .

अजनबी लोग अजनबी चहेरे

हम वतन में है बेवतन भी नहीं

 .

कितनी लाशों को दफन करना है

घर में दो गज कफन भी नहीं

 .

ले के जाउं कहां उन्हें ‘सागर’

अब तो अकबर के नौ रतन भी नहीं

 .

 ( ‘सागर’ बुरहानपुरी )

આપણે બધાં જ – કાજલ ઓઝા વૈદ્ય

આપણે બધાં જ બળ્યા કરીએ છીએ…

ઝીણું ઝીણું

અગરબત્તી જેવું નહીં

સિગરેટ જેવું – લીલાં લાકડાંની ચિતા જેવું,

આપણા ધુમાડા

કોઈએ ‘એક્સેલ’કરેલા –

પણ નુકશાન બીજાને કરે એવા !

‘પેસિવ સ્મોકિંગ’ કરાવતા, સતત.

 .

પેટ્રોલમાં કેરોસીન મેળવીને ચલાવાતી

રિક્ષામાંથી નીકળતા ‘સ્મોક’ જેવા.

બધા મળીને ‘ઓક્યા’ કરીએ છીએ

કાર્બન ડાયોક્સાઈડ, સતત !

 .

એકબીજાને તાકીને ‘એક્સલ’કરીએ છીએ,

અને

ઘર – ગલી – ગામ – શહેરમાં

કાળા- ધોળા – કાબરચીતરા…

ધૂમ –ધૂમ ધુમાડાનાં વાદળો,

પાછાં વાતો ‘સન-સેટ’ની કરીએ છીએ !

મરીન ડ્રાઈવ પર બેસીને

આપણે સૌ

‘ક્લિન અને ગ્રીન’ના પાટિયા નીચે… બરાબર !

 .

ચણા ‘ચોર’ ગરમનાં ખાલી પડીકાં, સિગરેટનાં ઠૂંઠાં,

ચોકલેટના રેપર અને કોલાકોલાનાં ટીન.

“જરા આઉટિંગ – સાંજનું… બીજું શું ?”

 .

વળી પાછા

કારના ધુમાડા…

“અમે શું કરીએ ?…

પેટ્રોલ જ ખરાબ આવે છે !”

 .

રાત્રે ‘જસ્ટ ડેસર્ટ’

કે

‘શામિયાના’માં

કોફીના ટેબલ પર

સુડો વાતો સાથે

પોલિટિક્સ, ફિલ્મ અને

બ્રાન્ડ ઈક્વિટીની ચર્ચાઓ સાથે,

ફરી – ધુમાડા…

 .

‘નાઈટ ઈઝ સ્ટીલ યંગ’ના

ચવાઈ ગયેલા ચ્યુઈંગમ જેવા

ચીકણા શબ્દો સાથે

વળી એકબીજા સામે ‘એક્સલ’

 .

કોઈની બૈરીની – કોઈના ધણી સામે

ગૂંચવાતી નજરના ગોટેગોટા

બિઝનેસની વાતો સાથે –

બાટલીમાં ગૂંગળાતા ધુમાડા

ને ઉપરથી બૂચ !

 .

આમ ક્યાં સુધી

ગોટામાં જીવવું છે આપણે ?

આપણી અંદર ગોટમોટ થઈને…

..સામાને ગૂંગળાવીને ?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

આપી શકે – ભરત ભટ્ટ “તરલ”

તું મને આપી શકે તો બેખુદી આપી શકે,

ને જવાનીના શુકરથી મયકશી આપી શકે !

 .

પ્યારની સાથે અહીંયા જિંદગી સંગીન છે;

તું મને તારા સ્મરણની બંદગી આપી શકે !

 .

ગાઢ આ સંબંધ છે ને ગાઢ આ એકાંત છે,

કૈંક ઈચ્છા હોય તો બસ તાજગી આપી શકે.

 .

આ વ્યથા બુઝાવવા આંસુ અને તડપન સહિત;

હું હજુયે માંગુ છું કૈં સાહ્યબી આપી શકે ?

 .

એટલો સંતોષ છે કે આ ગઝલ દીવો બની;

તું કદી તારી નજરની રોશની આપી શકે.

 .

કાળ-સાગરને કિનારે એકલો હું હોઉં તો;

તું મરણ આવે પછીની જિંદગી આપી શકે ?

 .

( ભરત ભટ્ટ “તરલ” )

બસ એક વાર – વર્ષા બારોટ

તમારી પાસે મારી કોઈ જ

માંગ નથી.

બસ,

મારે તમને એટલું જ કહેવું છે

કે

જ્યારે તમે હિંસા તરફ વળો

એ પહેલા

બસ એક વાર

ફૂલોના ચહેરા જોજો

કોઈ પંખીનું ગીત સાંભળજો

રમતાં બાળકોમાં થોડું રમી લેજો

વૃક્ષોને વ્હાલ કરજો

મજૂરી કરતા ગરીબ લોકોની વચ્ચે જઈને

છુટ્ટા હાથે થોડાંક ચુંબન વેરજો

આકાશને બાથમાં લેજો

ખેડૂતોના હાથ-પગમાં ચોંટેલી માટીમાં

આખા વિશ્વને જોજો

ને છેલ્લે

આ ધરતીને સલામી ભરજો

બસ એક વાર

હિંસા તરફ વળો એ પહેલાં…

 .

( વર્ષા બારોટ )