ચકચૂર થઈને – ચંદ્રેશ મકવાણા

ચકચૂર થઈને ચારણામાં ચાળતા રહ્યાં

જનમો જનમનું વેર તમે વાળતા રહ્યાં

 .

દીવો, દીવાસળી, રૂ કે ઘી કૈં જ ક્યાં હતું

હૈયું હતું જે રોજ અમે બાળતા રહ્યાં

 .

રણની તરસ બુઝાવવા રણમાં જ ઘર કરી

વીરડો અમેય રણ વચાળે ગાળતા રહ્યાં

 .

ના તો રડી શકી ના જરા એ હસી શકી

કેવી ક્ષણોને આપણે પંપાળતા રહ્યાં

 .

બાંધીને એ બેઠા છે ક્ષણેક્ષણનાં પોટલા

ને આપણે વરસોનાં વરસ ટાળતા રહ્યાં

 .

આંખોના ઓરડામાં અછતના દીવા ધરી

મનના ખૂણેખૂણાને અજવાળતા રહ્યાં

.

( ચંદ્રેશ મકવાણા )

જળમાં ઝૂરે – સુરેશ દલાલ

જળમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ :

ભર વસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ

અમારી તે એવી તે કઈ ભૂલ :

તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર…

 .

દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે :

નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ?

અમારી તે એવી તે કઈ ભૂલ :

તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર…

 .

વૃંદાવનમાં ઝૂરે વાંસળી; ઝૂરે મીરાંનું મન :

જે મુખડાની માયા લાગી ક્યાં છે એ મોહન ?

અમારી તે એવી તે કઈ ભૂલ :

તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર…

 .

( સુરેશ દલાલ )

તો પણ ઘણું – મહેશ સોલંકી ‘બેનામ’

આપણા હકનું મળે તો પણ ઘણું,

એક બે સપનાં ફળે તો પણ ઘણું.

 .

એ જ આશયથી રહે જલતી શમા,

એક પરવાનો બળે તો પણ ઘણું.

 .

છે નગર બહેરું ને પાછું આંધળું,

સ્પર્શથી જો સાંભળે તો પણ ઘણું.

 .

ભરબપોરે સૂર્ય તો ઊંઘે નહીં,

આ કળિયુગ પીગળે તો પણ ઘણું.

 .

જિંદગી ‘બેનામ’ છે બાજીગરી,

શાનથી પાસાં ઢળે તો પણ ઘણું.

 .

( મહેશ સોલંકી ‘બેનામ’ )

તું એટલે – મહેન્દ્ર ગોહિલ

તું એટલે તો ભર્યું ભાદર્યું ઘર,

ખાલી થયેલું નગર એટલે હું !

 .

મંઝિલ તું ખુદ, શોધ તારી બધાને

રસ્તા વિહોણી સફર એટલે હું.

 .

તું એટલે મારું હોવાપણું, ને –

‘હોવા’નો અંતિમ પ્રહર એટલે હું.

 .

તુજ આંખ મંડાયેલી દૂર ને દૂર,

પાછી ઠેલાતી નજર એટલે હું.

 .

મારા કબૂતર સમા શ્વાસ ઊડ્યા,

હું જાણે મારા વગર એટલે હું.

 .

( મહેન્દ્ર ગોહિલ )

આજે તો – સુરેન ઠાકર ‘મેહુલ’

આજે તો મારા પ્રેમમાં મીઠી સુવાસ છે

લાગે છે તારી હાજરી જૈં આસપાસ છે

 .

પીતો રહ્યો છું આંખનાં હું અશ્રુઓ સતત

એમાં છે એક દર્દ મને એની પ્યાસ છે

 .

દુનિયામાં થોડાં લોક છે જેને પૂનમ મળી

બાકી ઘણાના ભાગ્યમાં કાયમ અમાસ છે

 .

જ્યાંથી સફર કરી’તી શરૂ ત્યાં જ અંત છે

ચાલ્યો છું એક નઝર છતાં ફરતે પ્રવાસ છે

 .

તુજને પ્રિયે કદી નહિ હું ચંદ્ર તો કહું

એની કને તો સૂર્યનો માંગ્યો ઉજાસ છે

 .

એનું સ્મરણ કરો નહિ એમાં છે વેદના

‘મેહુલ’ બધાની જેમ અધુરો જ શ્વાસ છે

 .

( સુરેન ઠાકર ‘મેહુલ’ )

નારી ચેતના વિશે – મધુમતી મહેતા

એક યુગ ઢંઢોળવામાં લાગશે

પણ પછી એ રુદ્ર થઈ હંફાવશે

 .

કાલ માગી’તી ધરા પાસે જગા

આજની સીતા જવાબો માગશે

 .

પાર કરશે લક્ષ્મણી રેખા અને

એ જ રાવણને પછી સંહારશે

 .

ચીર પૂરવા પ્રાર્થના કરશે નહીં

એ દુ:શાસનના જ હાથો વાઢશે

 .

ધૂળથી મસ્તક ઊંચકશે ગર્વથી

ખોખલી મરજાદ સર્વે ત્યાગશે

.

પલ્લવિત કરશે નવું જીવન અને

એક નવયુગમાં સમયને સ્થાપશે

 .

( મધુમતી મહેતા )

અગોચર દિશાથી – દત્તાત્રય ભટ્ટ

અગોચર દિશાથી સતત સાદ આવે,

એ નકશેકદમ, ઝળહળાં યાદ આવે.

 .

અહીં મૌન રણકે, સૂણે કોણ જાણે !

દશેયે દિશાથી છતાં દાદ આવે.

 .

ન આંખો, ન શબ્દો, કશું કંઈ ન બોલે,

ન હો કોઈ બીજું ને સંવાદ આવે !

.

અમારી જ રીતે અમે ચાલવાના,

ભલેને કબીરા શા અપવાદ આવે.

 .

અહીં શાંત કોલાહલોના સમંદર,

ઘૂઘવતા રહે ને ગહન નાદ આવે.

 .

( દત્તાત્રય ભટ્ટ )

મોરપીંછનાં શુકન – રમેશ પારેખ

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 .

આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી

કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ?

પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 .

મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !

કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર

મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

 .

( રમેશ પારેખ ‌)

આભ સુધી પ્હોંચવા – છાયા ત્રિવેદી

આભ સુધી પ્હોંચવા માટે અગાશીને સમજ

સાગરો ખેડાય નહીં અમથા, ખલાસીને સમજ

 .

એ પછી સમજી શકાશે લાગણી ને માગણી

સૌપ્રથમ તો એક પથ્થરને તરાશીને સમજ

 .

પાંદડાં પણ ગાઈ ઊઠે કોઈ પંખી જેવું જો-

દોસ્ત પ્હેલાં ઝાડમાં વ્યાપ્ત ઉદાસીને સમજ

 .

પામવો સ્હેલો નથી અંધારને બસ એકલો

આગિયા માફક જરા તું પણ પ્રકાશીને સમજ

 .

એકદમ અટકી જશે ખોટી ધમાલો આ બધી

મન પલાંઠી વાળ, ભીતરના નિવાસીને સમજ

 .

( છાયા ત્રિવેદી )

હું અનોખો માનવી – જયંત સચદે ‘કસુંબી’

હું અનોખો માનવી છું મોતથી ડરતો નથી

જુલ્મ લાખો ભલે ને વરસે, જુલ્મથી ડરતો નથી

 .

મુસીબતોની મઝા અનોખી માનવી જીવન મહીં

હર મુસીબતોને વધાવું પાછો ફરતો નથી

 .

કંટકોથી દિલ્લગી છે, સંકટોનો સાથ છે

ગુલઝારની રંગીન ગલીઓમાં હું વિહરતો નથી

 .

આરઝુ છે લાખ દિલમાં તોય રાખું સ્વસ્થતા

કલ્પનાઓના તરંગે, હું કદી તરતો નથી

 .

વાસ્તવિકતાના ખડકથી ટક્કરો લઉં છું પણ

કાળ કેરી કયામતોથી હું કદી મરતો નથી

 .

છું ‘કસુંબી’ મસ્ત માનવ, વેરું માનવતા સુવાસ

પાપ યા તો પુણ્ય કેરા હિસાબ હું કરતો નથી

 .

( જયંત સચદે ‘કસુંબી’ )