આપી શકે તો આપજે – શૈલેષ પંડ્યા “ભીનાશ”

જિંદગીનો હાથ પકડી શ્વાસને આધાર તું આપી શકે તો આપજે.

આપણા સંબંધને વિશ્વાસનો અણસાર તું આપી શકે તો આપજે.

,

બોલવા દે, ડોલવા દે, છોડવા દે, તોડવા દે, જોડવા દે તોય પણ,

દ્રશ્ય ખટકે તો નવું નાટક, નવો શણગાર તું આપી શકે તો આપજે.

.

એક સાથે એક દસ્તાવેજ પણ તૈયાર થઈ ઊભા રહ્યા મારી ઉપર,

વાત આવે ઓરડાની તો જરા સહકાર તું આપી શકે તો આપજે.

.

હાથ પગ જોઈ તરત સમજી ગયું છે બારણું અંદર કઈ રીતે જવું?

લાગણીનું પીંછું ખોસી મોરનો આકાર તું આપી શકે તો આપજે.

.

શું હસ્યા…સાચ્ચું કહો ? શું એ જ કારણ પણ હજી ડોલી રહયં છોને તમે ?

માગવાનું છે છતાં બોલું છું વારંવાર તું આપી શકે તો આપજે.

.

( શૈલેષ પંડ્યા “ભીનાશ”)

ક્યાં સુધી ? – ઘનશ્યામ ઠક્કર

શક્યતાનાં દ્વાર સાંકળ બનીશું ક્યાં સુધી ?

ખુદ દિશાઓને સમેટી વિસ્તારીશું ક્યાં સુધી ?

.

આ હથેળીના અજાણ્યા, અટપટા માર્ગો ઉપર,

ક્યાં જઈ ખોવાઈશું ? કોને મળીશું ? ક્યાં સુધી ?

.

આમ તો મૃગજળ સમું ક્ષિતિજોને મળવા દોડવું;

તોય ઉંબરને અડી પાછા ફરીશું ક્યાં સુધી ?

.

અસ્તિત્વના ચગડોળ પર બે પળ ખુશી તો શક્ય છે,

પણ ધરીની વેદના ભૂલી શકીશું ક્યાં સુધી ?

.

રોજ સૂરજ તો ફસાવે છે કિરણની જાળમાં,

રોજ ઝાકળ થૈ સવારે અવતરીશું ક્યાં સુધી ?

.

જ્યાં પિલાવાનું સતત ઘડિયાળનાં ચક્રો વચે,

’ક્યાં સુધી’નો પ્રશ્ન પણ પૂછ્યા કરીશું ક્યાં સુધી ?

.

( ઘનશ્યામ ઠક્કર )

આપણી વચ્ચે – હિતેન આનંદપરા

આપણી વચ્ચે નિકટતા એમ વીકસતી રહે

જેમ કોઈ વૃક્ષ ઉપર વેલ વિસ્તરતી રહે

.

ગામ ભૂલેલી નદીની જેમ અટવાયા કરું

નામ ભૂલેલી નદીની જેમ તું વહેતી રહે

.

દ્રશ્ય ને અદ્રશ્યનું ભેગા થવું સંભવ બન્યું

હું તને જોતો રહું ને તું મને સ્મરતી રહે

.

સ્પર્શક્ષમ સાંનિધ્ય સાચે બહુ જ દુર્લભ હોય છે

આમ તો બે-ચાર દિવસે તું મને મળતી રહે

.

છે મુબારક સૌને પોતાનું નિરાકારી ગગન

આપણી સામે હંમેશા આપણી ધરતી રહે

.

હોઈએ તખ્તા ઉપર કે હોઈએ નેપથ્યમાં

આપણામાં માણસાઈ સર્વદા શ્વસતી રહે

.

( હિતેન આનંદપરા )

મારી આંખનું – મનહર જાની

મારી આંખનું પરબીડિયું ઉઘાડી તું જો…

તારે સરનામે લખ્યો કાગળ વાંચી તું જો…

.

મને રાષ્ટ્રધ્વજ જેમ તું ફરકાવ નહીં આમ

હું તો તારો રૂમાલ છું – રૂમાલ;

મને ફાવે તે રીતે તું સંકેલી નાખ-

આંખ લૂછે  લે – ચાલ.

.

તારી આંગળીમાં ગલગોટા વાવી તું જો…

તને પતંગિયું થૈ જતી અટકાવી તું જો…

.

મારી આંખનું પરબિડિયું…

તને હોય કે હું શ્વાસનું મેદાન છું તો ભલે

તું મને સાંજનો તડકો કહી દે;

પાણીમાં તરતી માછલીઓને જોઈ-

તને પૂછી જો તું – તારો દરિયો ક્યાં છે?

.

તારે ટોડલેથી મોરને ઉડાડી તું જો…

તારા જીવનાં દીવાને ફૂંક મારી તું જો…

મારી આંખનું પરબિડિયું…

.

( મનહર જાની )

तब क्या होता – हरिवंशराय बच्चन

मौन रात ईस भांति कि जैसे

कोई गत वीणा पर बजकर

अभी-अभी सोई खोई-सी

सपनों में तारों पर सिर धर.

.

और दिशाओं से प्रतिध्वनियॉ

जाग्रत सुधियों-सी आती हैं,

कान तुम्हारी तान कहीं से यदि सुन पाते, तब क्या होता

मधुर प्रतीक्षा ही जब ईतनी, प्रिय तुम, आते तब क्या होता

.

उत्सुकता की अकुलाहट में

मैंने पलक पॉवडे डाले

अंबर तो मशहूर कि सब दिन

रहता अपना होश सँभाले

.

तारों की महफिल ने अपनी

ऑख बिछा दी किस आशा से

मेरी मौन कुटी को आते तुम दिख जाते, तब क्या होता

मधुर प्रतीक्षा ही जब ईतनी, प्रिय तुम, आते तब क्या होता

.

तुमने कब दी बात रात के

सुने में तुम आनेवाले,

पर एसे ही वक्त प्राण-मन

मेरे हो उठते मतवाले,

.

सॉसे भूल-भूल फिर-फिर से

असमंजस के क्षण गिनती हैं

मिलने की घडियॉ तुम निश्चित कर जाते, तब क्या होता

मधुर प्रतीक्षा ही जब ईतनी, प्रिय तुम, आते तब क्या होता

.

बैठ कल्पना करता हूँ पग-

चाप तुम्हारी मग से आती

रग-रग से चेतनता खुलकर

आँसू के कण-सी झर जाती

.

नमक डली-सा गल अपनापन

सागर में घुल-मिल-सा जाता

अपनी बांहो में भरकर, प्रिय कंठ लगाते, तब क्या होता

मधुर प्रतीक्षा ही जब ईतनी, प्रिय तुम, आते तब क्या होता

.

( हरिवंशराय बच्चन )

શમણાને ફૂટી છે પાંખો – હિતેન આનંદપરા

શમણાને ફૂટી છે પાંખો

લઈને નસીબ આજ આવ્યું જીવનમાં અણિયાળી નમણી એ આંખો

.

વર્ષોથી સૂના આ આંગણમાં આજે શૈશવના પગરવ થયા

સંકોરી જાતને બેઠેલાં સ્પંદન અચરજથી ઊભાં થયાં

ઉજ્જડ વેરાન સાવ સુક્કી ક્ષિતિજે

ઘેરો અંધાર થયો ઝાંખો

.

ચહેરા પર વીખરાતી વ્હાલપની ભાષાને શોધવાની બોલવાની કેવી મજા

રેશમિયા ગાલો પર તરવરતી લજ્જાને છેડવાની તેડવાની કેવી મજા

પોતાની જાત કદી ઓર વ્હાલી લાગે

આયનામાં ઝીણવટથી ઝાંકો

.

રોમરોમ ઊગતી સવારોના ક્યારામાં સ્પર્શ એક મનગમતો ફૂટે

કૂંપળની સાથ પ્રેમ એવો વધે કે વૃક્ષોનાં વળગણ પણ ચૂટે

આંખોને સોંસરવી બંધ કરી ચેહેરાને

નાજુક હથેળીથી ઢાંકો

.

( હિતેન આનંદપરા )

કશે ના જવાનું – ઉર્વીશ વસાવડા

કશે ના જવાનું, બધે પહોંચવાનું

કહે જીવ તારું હવે શું થવાનું

.

તસુભર જગા બસ મળે આ શિખર પર

અને આપણે ત્યાં જ ઘર બાંધવાનું

.

તરસ કૈંક જન્મોની ખિસ્સામાં લઈને

મથે શોધવા તું તીરથ ઝાંઝવાનું

.

મળે બેઘડી ના વિસામો નગરમાં

સતત દોડવાનું, સતત હાંફવાનું

.

વખત છે હવે કાળીને નાથવાનો

નથી આપણે જળકમળ છાંડવાનું

.

( ઉર્વીશ વસાવડા )

હું સ્વપ્ન વ્હેચું છું – ઉર્વીશ વસાવડા

સૂતું છે ગામ સન્નાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

પુરાણા સ્વપ્નને સાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

ન આવે સહેજ અંદેશો કે છે જૂની જણસ આ તો

સજાવીને ફરી હાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

ખબર છે ખેલ ખતરાથી ભરેલો છે અને તો પણ

લઈ પાસાઓ ચોપાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

કશું બાકી નથી બીજું કે હું વેચી શકું જેને

કદાચિત એટલા માટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

સમયના કાફલા કરતા રહે છે આવ-જા જ્યાંથી

ઊભીને રોજ એ વાટે, હવે હું સ્વપ્ન વ્હેચું છું

.

( ઉર્વીશ વસાવડા )

કરે એમ – અરવિંદ ભટ્ટ

આ જીવ જીવવાની ઈચ્છાઓ કરે એમ

જાણે કે એક કીડી પાણીમાં તરે એમ.

.

એવું શું છે શબદમાં કે હું ફરી ગયો છું

મૃત્યુ પછીથી બીજો અવતાર ફરે એમ.

.

હું વૃક્ષ થઈ ઊભો છું પર્વતના ઢાળ ઉપર

સુક્કાં બધાંય પર્ણૉ ઝરણામાં ખરે એમ.

.

કાગળ કલમ દવાત અને એકલાપણું

તું ગોખલાના દીવે દરબાર ભરે એમ.

.

( અરવિંદ ભટ્ટ )

યાદના અંજળ – મીરા આસીફ

તું મને કાગળ લખે તો, રોજ હું સજદા કરું !

યાદના  અંજળ લખે, તો રોજ હું સજદા કરું !

.

કોઈ મારા હાથમાં તડકો લખે વૈશાખનો,

તું કદી ઝાકળ લખે, તો રોજ હું સજદા કરું !

.

શું તરન્નુમ થઈ વહે છે શ્વાસની રફતારમાં ?

તું મને અટકળ લખે, તો રોજ હું સજદા કરું !

.

સાવ કોરા સ્પર્શનું આકાશ આપું છું તને,

મેઘલાં, વાદળ લખે, તો રોજ હું સજદા કરું !

.

શું થયું રણમાં રઝળતી એ અજાણી લાશનું ?

તું કથા આગળ લખે, તો રોજ હું સજદા કરું !

.

હું તને દરિયો લખીને રણ લખું આસીફને,

તું કદી મૃગજળ લખે, તો રોજ હું સજદા કરું !

.

( મીરા આસીફ )