ટ્વિન્કલ ટ્વિન્કલ – વિપિન પરીખ

નાની સરખી મનીષા ઘરે આવી હતી.

મેં બાળગીતની એક રેકર્ડ મૂકી.

’પાલઘર આવ્યું, નાળિયેર પાણી…’

એની મમ્મી કહે,

’મનીષાને સંગીતનો બહુ શોખ પણ

આ ગુજરાતી શબ્દો એ સમજી નહીં શકે.’

અમે મનીષાને કહે

’બેટા, Uncleને તારી પેલી Poem સંભળાવ તો !

Twinkle Twinkle Little Star…

મનીષા લહેકા સાથે ગાઈ સંભળાવે છે.

મને એક આકાશ દેખાય છે.

મારી ભાષાના શબ્દો એમાં એક ખૂણામાં ઊભા રહે છે – સંકોડાઈને,

નમાયા બાળકને જેમ,

ગંભીર ગુનો કર્યો હોય એમ !

Unwanted !

મારી ભીની આંખોને હસતી કરી

હું વિવેક સાચવી લઉં છું.

કહું છું :

’How wonderful !

કેટલું સરસ ઈંગ્લિશ બોલે છે અને કેટલા સરસ ઉચ્ચાર !

You are such a sweet little girl, Manisha !’

.

(વિપિન પરીખ )

હોય છે – શ્યામલ મુનશી

એટલું ઊંઘી જવાતું હોય છે

કે બધું ભૂલી જવાતું હોય છે.

.

દોર જો લીસ્સી થયેલી હોય તો,

ગાંઠથી ખૂલી જવાતું હોય છે.

.

બાળપણની યાદ આવી જાય ને,

ડાળ  પર ઝૂલી જવાતું હોય છે.

.

ઘાત જળની જેમ ફળતી હોય છે,

આંખમાં ડૂબી જવાતું હોય છે.

.

એક વેળા આઈનામાં જોઈને,

એકદમ તૂટી જવાતું હોય છે.

.

આંખ તો અટક્યા વિના ચાલ્યા કરે,

શ્વાસથી ખૂટી જવાતું હોય છે.

.

( શ્યામલ મુનશી )

હું ધાર્યા કરું – પ્રણવ પંડ્યા

આ વખત તો જીતશું ચોપાટ, હું ધાર્યા કરું,

સોગઠાં ઊંધા પડે ને એમ હું હાર્યા કરું.

.

છે ખબર મારા મહીંથી કંઈ વરસવાનું નથી,

જેઠના વરસાદ શો નાહક હું અંધાર્યા કરું.

.

આ તરફ સઘળા સંબંધો પ્રશ્ન થઈ ઊભા રહે,

આ તરફ હું માત્ર મારું મૌન વિસ્તાર્યા કરું.

.

એક લાવારસ સળગતો પાંસળી પાછળ સતત,

એને તિખારો ગણી હું ક્યાં સુધી ઠાર્યા કરું.

.

એ જ તો છે આપણા ભેળાં થયાંની ફળશ્રુતિ,

હું પછી સૂની ક્ષણો સ્મરણોથી શણગાર્યા કરું.

.

( પ્રણવ પંડ્યા )

ન ક્યાંયનો રાખ્યો – રાજેશ વ્યાસ “મિસ્કીન”

અછડતા એના ઈશારે ન ક્યાંયનો રાખ્યો,

આ ઝાંખીપાંખી સવારે ન ક્યાંયનો રાખ્યો.

.

વધી શકાય ના, આગળ વળાય ના પાછા,

સફરના છેલ્લા ઉતારે ન ક્યાંયનો રાખ્યો.

.

બધું જ પારકું લાગે શું દેહ કે દરિયો ?

મૂકીને એણે કિનારે ન ક્યાંયનો રાખ્યો.

.

નકારતો જ ગયો મ્હારા તપતા સૂરજને,

ગ્રહ-નક્ષત્ર-સિતારે ન ક્યાંયનો રાખ્યો.

.

ભલા ન પૂછ કેમ અવળો દોરવાયો છું ?

વિચાર્યું એ જ વિચારે ન ક્યાંયનો રાખ્યો.

.

ભરી શકું ન એક ડગલું કેવી પરવશતા ?

સતત આ એના સહારે ન ક્યાંયનો રાખ્યો.

.

પછીથી સાવ અંધકારમય જગત લાગ્યું,

ઉછીના કોઈ ઝગારે ન ક્યાંયનો રાખ્યો.

.

હ્રદયના હાલ હ્રદયવાલા સમજશે મિસ્કીન,

મળીને ભૂલી જનારે ન ક્યાંયનો રાખ્યો.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

જે પળે – અવિનાશ પારેખ

જે પળે

સૃષ્ટિ સમષ્ટિનો અંત આવે ત્યારે-

.

અનરાધાર વરસતા અંધારમાં

દસે દિશાઓ એકાકાર થઈને

મારા શ્વાસ સાથે ડૂબી જશે

પરમની શોધમાં ?

.

સૂરજના સામિપ્યથી

પીગળતા પ્રવાહી લાવા

મારી પાસે

સ્મરણોની રાખ પણ નહીં છોડે ?

.

ક્ષણોના પરપોટામાં

સેવાતા સ્વપ્નો

સામટા ફૂટી જશે

કિનારે આવીને ?

.

કે પછી

ઈશ્વરનો છૂટી ગયેલો હાથ

મને ફંગોળશે અનંત અવકાશમાં

અશ્વત્થામાની જેમ

યુગયુગની સફર માટે ?

.

મને આવું જ થયું છે હંમેશા

તારા વિરહની એ પળે

જે પળે…

.

( અવિનાશ પારેખ )

બંધ કર વા’લા – અશરફ ડબાવાલા

હ્રદયમાં પૂરને તું વાળવાનું બંધ કર વા’લા

સમયસર યોગ્ય રીતે વર્તવાનું બંધ કર વા’લા.

.

આ જીવન કંઈ નથી કાલિદમન તું કૃષ્ણ પણ ક્યાં છો ?

વિચારોથી સ્વયંને નાથવાનું બંધ કર વા’લા.

.

રહસ્યો ને વિમાસણની મજા થોડી તો રહેવા દે,

બધા પ્રશ્નોના ઉત્તર શોધવાનું બંધ કર વા’લા.

.

પરિસ્થિતિ, પ્રયાસો ને પરિણામોની ધાંધલમાં,

સફળતાથી વિરલને માપવાનું બંધ કર વા’લા.

.

જગતની વેદના હો કે હો તારી વ્યક્તિગય પીડા,

કવિતાને કશાથી બાંધવાનું બંધ કર વા’લા.

.

( અશરફ ડબાવાલા )

આ તો પ્રેમ છે – લાલજી કાનપરિયા

આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે રે,

કે પછી ખાલી અમથો એક વ્હેમ છે રે ?

.

ચાંદો રૂપાળો, તારા રૂપાળા ને આભલુંય રૂપાળું લાગે

જૂઈના મંડપ નીચે ઊભી રહું તો કોઈ ફૂલોનું વરદાન માગે !

.

ઓચિંતાનું કોઈ આવીને ધીમેથી કાનમાં કહે કે તને કેમ છે રે ?

આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે રે કે પછી ખાલી અમથો એક વ્હેમ છે રે ?

.

વાદળ વરસ્યું તો ભીતરમાં કોણ જાણે લાખ લાખ ઝરણાંઓ ફૂટ્યાં

ઉનાળે ધોમ ધોમ ધીખતા દિવસો સાગમટે જાણે કે ખૂટ્યા !

.

ઈન્દ્રધનુષ તો નભમાં ખીલ્યું ને બધું આંખોમાં રંગીન કેમ છે રે ?

આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે રે કે પછી ખાલી અમથો એક વ્હેમ છે રે ?

.

( લાલજી કાનપરિયા )

અર્થની તલાશમાં – રઈશ મનીઆર

રઝળવું પડશે ગામગામ અર્થની તલાશમાં

મળે ન કાયમી મુકામ અર્થની તલાશમાં

.

કોઈ કરે છે રામરામ અર્થની તલાશમાં

કોઈ ઢળી પડે ધડામ અર્થની તલાશમાં

.

ઝૂકું કદી ન સાવ આમ અર્થની તલાશમાં

શબદને મેં કરી સલામ અર્થની તલાશમાં

.

ગુલાબમાં પલાશમાં વિરાગમાં વિલાસમાં

હું સહેજ તેમ, સહેજ આમ અર્થની તલાશમાં

.

કશેક સ્પર્શ એ મળે જ્યાં જીભ થાય જીવતી

અધર અડાડું જામ જામ અર્થની તલાશમાં

.

ધજા ધજા છે લિપ્ત લિપ્ત મુજ ચરણની ધૂળથી

વટાવ્યાં વેગે સઘળાં ધામ અર્થની તલાશમાં

.

છે હાલમાં તો પ્રાપ્તિ એ જ, સાંપડ્યાં જે માર્ગમાં

વિસામા, છાંયડા, વિરામ અર્થની તલાશમાં

.

હા, અર્થની તલાશમાં અર્થ તો મળ્યો જ નહીં

મળ્યું મજાનું એક કામ અર્થની તલાશમાં

.

સમુદ્ર આખે આખો ક્યારે ઓળખાતો છે ‘રઈશ’

લહર લહરનાં પાડ્યાં નામ અર્થની તલાશમાં

.

( રઈશ મનીઆર )

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ – અનિલ ચાવડા

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ

ઠૂંઠવતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડો ચાદર કે વ્હાલ ?

.

ક્યારની કરું છું હું એવી રે અટકળ કે

મ્હેંક્યા છે પુષ્પો કે શ્વાસ ?

સહેજ કરી આંખો જ્યાં બંધ અમે ત્યાં તો

સાવ નાનકડું લાગ્યું આકાશ

ગાલ ઉપર ફરતું’તું પીંછું કે પીંછા પર ફરતા’તા ગાલ ?

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ

.

ક્યારે આવીને તમે પ્રગટાવી દીધો રે

છાતીના કોડોયામાં દીવો,

શરબતની જેમ મારા હોઠ લગી આવીને

હળવેથી બોલ્યા કે ‘પીઓ !’

શરમે રતુંબડા છે ગાલ થયા મારા કે ઊડ્યો છે સઘળે ગુલાલ ?

મને સહેજે રહ્યો જ નહીં ખ્યાલ

.

( અનિલ ચાવડા )

મને આજે ઊઠવાનું મન નથી થતું – નટવર ગાંધી

મને આજે ઊઠવાનું મન નથી થતું

ધારો કે આજે હું ન ઊઠ્યો તો ?

.

પહેલું એ કે બ્રેકફાસ્ટની મિટિંગ નક્કી કરેલ તે કે ન્સલ થશે.

જેની સાથે મિટિંગ નક્કી કરી છે એ “કાંઈક થયું હશે”

એમ માનીને પાછા જશે.

ભલે.

.

ઓફિસમાં સેક્રેટરી પણ “કાંઈક થયું હશે” એમ માનીને

મારી બધી એપોઈન્ટમેન્ટસ કેન્સલ કરશે.

.

ઘરે પણ “તમારી તબિયત બરાબર નથી ? એસ્પિરિન આપું ? ચા બનાવી આપું ?”

એમ પૂછીને

”આ માણસ આજે ઘરે પડ્યો છે તેનું શું કરવું ?”

તેવો વિચાર કરતી એ પણ પોતાને કામે લાગશે.

ભલે.

.

અને હું પણ “મૂકોને, કાલે કરશું” એમ કહીને

પડખું ફરી પાછો સૂઈ જઈશ.

ભલે.

.

પણ ધારો કે હું સાવ જ ન ઊઠ્યો તો ?

.

( નટવર ગાંધી )