ભયની સૂચિ

દરેક વખત ડરતાં રહેવા કરતાં

તો સારું છે

એક વાર

ડરનું પોતાનું

લિસ્ટ બનાવી લે

જાણી લે

એમના વિશે

અને પછી ડરવું

એક-એકથી

.

ડર આવે સૌથી પહેલાં

એ બારણેથી

જે ખુલ્લું હતું

એ કહેતાં-

અમે તમને ભય-મુક્ત કરીશું

કોને કહીએ એ વખતે

અને હમણાં પણ કોને કહીએ

સૌથી વધારે એમનાથી જ ડરીએ છીએ.

.

ભયભીત કર્યા ગુરુજનોએ

સૌથી વધારે

પિતૃઓએ ભયભીત કર્યા

સ્વામી, પ્રિયજન, સગાસંબંધીઓએ પણ…

.

મિત્રોથી પણ ઊંડે ઊંડે ભયભીત છીએ

કોણ જાણે ક્યરે કોણ ખતમ કરશે

વિશ્વાસોથી

.

બહુ દૂરથી

એક ઈશારામાં

સમગ્ર સૃષ્ટિ નષ્ટ કરવાવાળાથી

ડરેલા છીએ,

અને ડરતાં રહીએ છીએ પળેપળે

એકલા સૂતાં-જાગતાં ભીડમાં

પણ પોતાના પડછાયાથી પણ ડરીએ છીએ

.

ડર બહાર ઘાયલ થવાના

ભીતર પડ્યા પડ્યા મરી જવાના

લૂંટાઈ જવાના, સપનાના, ભયથી

ભર નિદ્રામાં ડરવાના

સ્વપ્નામાં જાતે મરી જવાના ભયથી

.

સહેલું નથી લિસ્ટ બનાવવાનું

ડરનું

ભયભીત કંપિત કરી મૂકે છે

આટલા બધા ભય વિચારીને

અને જાણીને એમનાં કારણો.

.

( અંબિકા દત્ત, અનુ. સુશી દલાલ )

કોને ખબર ?

એક પરપોટો પુન: પાણી થશે, કોને ખબર ?

આપણી પૃથ્વી ય ધૂળ ધાણી થશે, કોને ખબર ?

.

જાત ઓળખતાં જ અણજાણી થશે, કોને ખબર ?

શાહીના સ્પર્શે સહજ શાણી થશે, કોને ખબર ?

.

ઊડતા પંખીની પરછાંઈ જે પકડે જાળમાં

પારધી એ સતનો સહેલાણી થશે, કોને ખબર ?

.

આવી પહોંચી છે કોઈ ગંગા પ્રગટવાની ઘડી

કઈ ક્ષણે કથરોટ આ કાણી થશે, કોને ખબર ?

.

બહુરૂપી છે જિંદગી: ઝીંકાઈને એ ધણ થશે

પીલવાને એ તરત ધાણી થશે, કોને ખબર ?

.

કેટલાં વર્ષે મળ્યો મોકો તો મળીએ એમને

એ બહાને આજ ઉઘરાણી થશે, કોને ખબર ?

.

પાથરી બિસ્તર કબરનો શી રીતે સૂવું,-કહે ?

કે સલાહે, મિત્ર, સૂફિયાણી થશે, કોને ખબર ?

.

અવનવીન અર્થો લઈ સરતો સમય સંસારમાં

તે છતાં આ વિશ્વ જૂનવાણી થશે, કોને ખબર ?

.

સાચવી લો ઓસના ટીપાંનો ઈશ્વર આંખમાં

જો સરી જાશે તો સરવાણી થશે, કોને ખબર ?

.

( હરીશ મીનાશ્રુ )

ચાડિયો

ખેતરમાં

માણસ આકારનો ચાડિયો જ શા માટે

.

કોઈ શિકારી બાજ અથવા

હિંસુ પશુની પ્રતિકૃતિ મૂકી શકાય

.

પણ માણસને ખબર છે કે

આમ કરવાથી પંખીઓ ડરતાં નથી

.

તેઓ બાજની પાંખ નીચે

બિલ્લીના પેટ ઉપર

કે સિંહના મોંની બખોલમાં

માળા બાંધશે

દાણા ખાશે અને ખવરાવશે

.

માણસ અને ચાડિયા વચ્ચેનો ભેદ

પંખીઓ પારખી શકતાં નથી

.

માણસ

સાપ જેમ સરકે છે

બિલ્લી જેમ લપાઈને છાપો મારે છે

બાજની જેમ ચીલઝડપ કરે છે

અને ચાડિયા જેમ

સ્થિર થઈ ઊભો રહી જાય છે.

.

( અરવિંદ ભટ્ટ )

વણજારા

ઉતાર પોઠ, સાંઢણી ઝુકાવ, વણજારા !

હવે તો બસ કે આ છેલ્લો પડાવ, વણજારા !

.

કયા પડાવનો પીડે અભાવ, વણજારા !

હજી છે કેટલાં બાકી તળાવ, વણજારા !

.

કયા તે વણજારાને કરવી રાવ, વણજારા !

દીધો તેં વણજારા જેવો જ ઘાવ, વણજારા !

.

ગયાં ક્યાં તાંસળીભર્યા અમલ અને કેસર ?

બન્યો શું અંજળીઓમાં બનાવ, વણજારા ?

.

રહે ન સાંઢણી… ન રાવટી… ન તું કે હું…

દઈ તે આખરી કરપીણ ઘાવ, વણજારા !

.

ન મેંય શંખલાં આ પ્રાણમાં પરોવ્યાં હોત

ન હોત તારીમારી વચ્ચે વાવ, વણજારા !

.

( લલિત ત્રિવેદી )

લાગે છે મને

મારી જ શ્રદ્ધાનો હવે એ જાદુ લાગે છે મને

કે લીમડો કડવો હવે આ સ્વાદુ લાગે છે મને

.

જો ભીતરે ઊતરી જતું ગત જન્મ જેવું આ નગર

કોઈ ગઝલના શેર જેવું દાદુ લાગે છે મને

.

તારાં સ્મરણનાં ડાકુ મનના ડુંગરા ઘમરોળતા-

ને આંસુના અસવાર પ્રસંગો કાદુ લાગે છે મને

.

આ શ્વાસ મારા સ્થળ-સમયની સોગઠાંબાજી જ છે !

અર્થાત મારું જીવવું આ પ્યાદું લાગે છે મને

.

દિવાસળી પેટાવીને બેસી રહો મનવા ! તમે

જીવી જવાનું એ જ સૂત્ર સાદું લાગે છે મને

.

( જયેન્દ્ર શેખડીવાળા )

અજમાવી ગયા

કૈં અજબ તરસીને તરસાવી ગયા,

આપણે ફાવટ વગર ફાવી ગયા.

.

કોણ ભીતર ભાવનું ભૂખ્યું હતું,

જે મળ્યું એ સર્વ અપનાવી ગયા.

.

એક પણ પાનું ન વાંચ્યું કોઈ દી,

ગ્રંથ સઘળા એ જ સમજાવી ગયા.

.

જિંદગીભર સાથ મન ઝંખ્યા કરે,

હાથ છેલ્લે એમ લંબાવી ગયા.

.

સાવ તરસી આંખમાં એનાં સ્મરણ,

આજ પણ છલક્યાં ને છલકાવી ગયા.

.

મ્હેં બચાવ્યા જેને કપરા કાળમાં,

તક મળી ત્યારે એ સપડાવી ગયા.

.

તોડતો પળપળના પથ્થર એકલો,

એ સહજ પાતાળ પ્રગટાવી ગયા.

.

એ બધા તો નીકળ્યા સપના ફક્ત,

ભરબપોરે રણમાં રઝળાવી ગયા.

.

નામ કોનાં કોનાં ગણશું ક્યાં લગી?

સૌ કલા પોતાની અજમાવી ગયા.

.

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

ઝળઝળિયાંએ ઘેરી લીધા

શૂન-ચોકડી રમતાં રમતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

વળ ચઢાવી વાતો કરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

૯-૧૫ની ટ્રેન પકડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

બાજી હારી પાછા ફરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

દર્પણના નગરોમાં ફરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

ખુદની સામે ખુલ્લાં પડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

ભીડ વચાડે રસ્તો કરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

ખોવાયેલો ચહેરો જડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

મહેરામણથી બહાર નીકળતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

સામે પૂરે તરતાં તરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

સપનાંના ઓશીકે સૂતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

બિસ્તર ઉપર પડખાં ઘસતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

ખાલીપાને ભરતાં ભરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

આદિલજીને સ્મરતાં, સ્મરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા

.

[ આદિલ સાહેબની સ્મૃતિને અર્પણ ଓ]

.

( હરિહર જોશી )

સ્કેચ

મળી…

ફ્રોકમાં.

ખુશ થઈ.

રિબિન બંધાવી-

લખોટી ટીંચી-

દોડ્યાં, ગબડ્યાં-

આળોટ્યાં રેતીમાં…

પાંચીકા ઉછાળ્યા..

ધબ્બાં, ચૂંટીઓ…

ને કીટ્ટા !!

પછી થોડાં ગંભીર-

પ્લાઝામાં-

બ્લેક કોફી ને ફ્રેંચ ટોસ્ટ,

નક્કી કર્યું

પપ્પાને મળી લેવાનું

ડેઈટનું,

હનીનું !!!

ચિમ્પુ-મીનીનું… !..!!…

બેતાળાંની ફ્રેઈમનું-

પછી બોખાં થવાનું-

નદીના કિનારેની બેંચનું-

ચૂંચી આંખે

હાથમાં હાથનું

ને ગળચટ્ટી

મિઠાઈવાળા શ્રાદ્ધનું-

બસ, ને

છૂટાં પડ્યા

.

(જયંત દેસાઈ)

યમુનાના તીરે, છલકાતાં નીરે

યમુનાના તીરે, છલકાતાં નીરે;

ભીના સમીરે ક્યાંક વાગે,

મોરલીના વેણ ક્યાંક વાગે;

મારાં સૂતાં સંભારણાં જાગે,

યમુનાને તીરે ક્યાંક વાગે

મોરલીના વેણ ક્યાંક વાગે.

.

ઊભા છે ઘાટ શ્યામ સૂરની સમાધિમાં

નીર શ્યામ નયણે નિહાળી,

યમુનાનાં વ્હેણ સંગ તાલ રે મોલાવી

ડોલે ડોલે કદમ્બની ડાળી;

મઘમઘતા સૂર મહીં મ્હેકે કસ્તૂરી મન

મૃગલો વૃંદાવનમાં ભાગે….

.

નયણામાં શ્યામ, મારા સમણામાં શ્યામ

મારી ભ્રમણામાં શ્યામ રૂપ જાગે,

બહાવરી બનીને દોડું વૃંદાવન વાટ પાય

મટકીની ઠીકરીયું વાગે;

વ્રજવનિતા વાટ મળી પૂછે થઈ બહાવરી

કે આવ્યો કહાનો શું દાન માગે?…

.

( મહેશ સોલંકી ‘બેનામ’ )

વ્હાલું તુજને કોણ

હું અળખી, પણ વ્હાલું તુજને

કોણ – કહે તો જાણું !

કદંબ વ્હાલું ? યમુના વ્હાલી –

કે વ્હાલું ગોકુળનું વ્હાણું ?

મથુરાની મ્હોલાતો વ્હાલી ?

કે વ્હાલું વંશીનું ગાણું ?

વ્હાલી વનરા, ધેનુ વ્હાલી;

વ્હાલું કાં તો રણનું ટાણું !

પટરાણીનાં ઓઝલ-ભોજન,

વળી સુદામાનું તરભાણું !

સુવર્ણનગરી અતિશે વ્હાલી:

રાજ-રખાપત હું શું જાણું ?

જાણું મેઘલ રાત્રે મીઠું

દરદ દીધું જે છાનું !

કાચી કુમળી છાતી ભીતર

રે કોનું આ નામ લખાણું !

હુંય ભૂલી હઈ હોત તને,

(પણ) હાય ! દૂઝે આ હૈયું કાણું !

સૂધબૂધ વીસરી ભટકું વગડે

હર કંકરમાં કરસન માણું.

હું અળખી છો, પડખે તારી

કોણ – કહે તો જાણું !

હું અળખી તો વ્હાલું તુજને

કોણ – કહે તો જાણું…

.

( કેશુભાઈ દેસાઈ )