લાગે – ભગવતીકુમાર શર્મા

માણસની વચ્ચે રહું છું, પણ ભાર-ભાર લાગે,

પ્રત્યેક શ્વાસ લઉં છું તે મૂઢ માર લાગે.

 .

મારું તો આવવાનું નક્કી જ છે, છતાંયે

એવું બને કે તુજને તે ઈન્તજાર લાગે.

 .

કણસી રહ્યા ટકોરા આ મારી આંગળીમાં;

પ્રત્યેક દ્વાર અહીંયા તો બંધ દ્વાર લાગે.

 .

માણસ ને વેદનાનો સંબંધ છે અનાદિ;

ખીલા વિના યે છાતી ઉપર પ્રહાર લાગે.

 .

હાર્યો જુગારી છું હું,  બમણું રમ્યા કરું છું;

શ્વાસોની આવ-જા પણ આજે ઉધાર લાગે.

 .

( ભગવતીકુમાર શર્મા )

રોજ એની – રશીદ મીર

રોજ એની પ્રતિક્ષા કરતા રહો

પ્રેમ છે તો તિતિક્ષા કરતા રહો

 .

ખુદના દ્વારે કદી કરો આહલેક

એમ નિજનીય દીક્ષા કરતા રહો

 .

કેમ બેઠાં છે અડોઅડ આજે

ખાસ એની સમીક્ષા કરતા રહો

.

પામવા એક ભવ પડે ઓછો

આ ગઝલ છે વિવક્ષા કરતા રહો

 .

પારખાં અન્યના બહુ કીધાં

‘મીર’ નિજની પરીક્ષા કરતા રહો

.

( રશીદ મીર )

આવ – રશીદ મીર

સર્વ સંજોગો અનુકૂળ છે, આવ

શ્વેતવસ્ત્રો હવે પટકૂળ છે, આવ

 .

તું ય વિહ્વળ છું મથુરામાં સખે

હું ય ગોકુળ મહીં વ્યાકુળ છે, આવ

 .

મોરપીછું ય પડ્યું છે અબખે

આ ફરતિયાળ રંગ મૂળ છે, આવ

 .

તારે કારણ હતા રસરંગ બધે

સર્વ ઘટનાઓ હવે સ્થૂળ છે, આવ

.

હોવું પ્રત્યક્ષ તારું ઈતિઅલમ

જ્ઞાન ઉદ્ધવનું સર્વ ધૂળ છે, આવ

 .

( રશીદ મીર )

કૂવા સમા સંબંધની – અનિલ ચાવડા

કૂવા સમા સંબંધની એક જ કડી રહી છે

પાણી ગયું સુકાઈ ને બસ ગરગડી રહી છે.

 .

ફેંકાઈને તારાપણાના આ તળાવ બાહર,

મારાપણની માછલીઓ તરફડી રહી છે.

 .

મરવા પડેલી સઘળીયે ઘરડી જિજિવિષાઓ,

ખુદની નહીં તો કોની એ સામું લડી રહી છે ?

.

આંખો ભરીને નૈં પરંતુ મન ભરીને જોઈ,

અમથી જ આંખો તો બધે આંખે ચડી છે.

 .

છે જીવવાની રીત મારી કૈંક એવી જાણે,

લાગે બધાને જિંદગી મને પરવડી રહી છે.

 .

( અનિલ ચાવડા )

ધખધખતું સપનું જોવામાં – અનિલ ચાવડા

ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

 .

પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો,

કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો,

પછી હૃદયમાં કરોળિયાનાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં વાત જવા દે…

 .

રોજ વિચારું ભીતરનો આ જ્વાળામુખી સઘળે સઘળો સાવ ઓલવી નાખું,

પળ બે પળ તો એમ થાય કે આંસુ અંદર ડુબાડીને સૂરજ સુદ્ધાં લાવ ઓલવી નાખું,

કશું થયું નૈં અંદર અંદર એવા લાજ્યા એવા લાજ્યા એવા લાજ્યા વાત જવા દે…

  ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

 .

( અનિલ ચાવડા )

એકલગાનના ઓરડે – કિસન સોસા

મારા એકલગાનના ઓરડે

તમે આવો અતિથિ આનંદના !

 .

આઘે સુધી અહીં વાતું વેરાન,

એમાં એકલો અટૂલો ખડો

આયુના એકડંડિયા મહેલમાં ઝૂરે

મારા એકલગાનનો આ ઓરડો !

પગરવે પગદંડી લયની જગાવતા

રણકાવતા તોરણિયા છંદના

તમે આવો અતિથિ આનંદના !

 .

ટોડલાએ આંસુના દીવા બળે અને,

ઝુમ્મરમાં ટમકે વિષાદ

આશા અનિમેષ ઊભી છે બારસાખ

બારીએ બેઠી છે યાદ !

લાગણીને લીલેરું લૂંબઝૂંબ લહેરવું ને

રોમ રોમ અભરખા સ્પંદના !

તમે આવો અતિથિ આનંદના !

 .

( કિસન સોસા )

જિંદગી છે – હેમેન શાહ

જિંદગી છે અનેક કટકામાં,

મોત આખું મળ્યું છે લટકામાં!

.

જો સમજ ના પડે, કદી ન પડે,

પણ પડે ત્યારે એક ઝટકામાં.

 .

જે મળી જાય એની ક્યાં છે ખુશી ?

જીવીએ ‘જે નથી’ના ખટકામાં.

.

તીરછી આ નજર, અને સ્મિત પણ,

ભલભલા આવી જાય છટકામાં.

.

આપી ભાષા મને બટકબોલી,

કાવ્ય દીધું ઉપરથી ચટકામાં.

 .

કોણ પૂછે અહીં કલાકારી ?

સૌ પરોવાયા લટકા-મટકામાં!

 .

( હેમેન શાહ )

તું જો છે તો – હનીફ સાહિલ

તું જો છે તો ખાસ છે દિવસ

કેફ, મસ્તી, વિલાસ છે દિવસ.

 .

મારી આંખોમાં ઉઘડતાં પુષ્પો

મારા સ્વાસો સુવાસ છે દિવસ.

.

વેલ જાણે ચડે દીવાલો પર

આ પ્રસરતો ઉજાસ છે દિવસ

 .

તારા ચહેરાથી ચાંદની વરસે

કેશ કાળા અમાસ છે દિવસ

 .

તું જો છે તો આ રંગરાસ બધે

તું ન હો તો ઉદાસ છે દિવસ

.

હોઠ પર તારા સ્પર્શની લિજ્જત

તોય અણબૂઝ આ પ્યાસ છે દિવસ

. .

એક તારાથી આ ગઝલ છે હનીફ

તું જો છે તો આ પ્રાસ છે દિવસ.

 .

( હનીફ સાહિલ )

તકલીફ છે સાલી – ભરત ભટ્ટ ‘પવન’

કશી આકૃતિ પકડાતી નથી, તકલીફ છે સાલી;

છબી એકે ય દોરાતી નથી, તકલીફ છે સાલી.

.

શિવાલયમાં ય જઈ આવ્યો, સુરાલયમાં જઈ આવ્યો,

છતાં પણ પ્યાસ બુઝતી નથી, તકલીફ છે સાલી.

 .

પડે છે પ્રાર્થના ઓછી કે ઈશ્વરની કૃપા ઓછી ?

હવે ધારી અસર થાતી નથી, તકલીફ છે સાલી.

 .

સલામત પીંજરું પણ છે; મજાનો હિંચકો પણ છે,

પરંતુ પાંખ ફેલાતી નથી, તકલીફ છે સાલી.

 .

મળે દરગાહ પર ક્યારેક, તો ક્યારેક મંદિરમાં,

‘પવન’ની જાત પરખાતી નથી, તકલીફ છે સાલી.

 .

( ભરત ભટ્ટ ‘પવન’ )

ભેંસ – સૌમ્ય જોશી

બંધાયેલી ડોકેય આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે.

ભેંસ પાડી શકે છે રાત.

પૂંછડીની પીંછીથી લસરકા મારીને એ સાંજને રંગે છે પોતાના રંગમાં.

ને કાળી કરે છે ઈંટાળી ગમાણ.

કાળૉ કરે છે રાખોડી ખીલો.

સાંકળ પરનો છીંકણી કાટ પણ કાળો કરી દે છે.

બધું કાળું કરીને એમાં કાળું કાળું ઊભી રહે છે ભેંસ.

બંધાયેલી ડોકેય આઝાદ રહેવાનો હુન્નર છે એની પાસે.

 

*  *

ભેંસ સ્થિતપ્રજ્ઞ.

મોઢા પર માખ બેસે તો બેસવાય દે.

આ જોને,

એના આંચળની દોલતથી ગેમરિયો માલદાર થઈ ગ્યો,

પ્રવીણભાઈનું કોલેસ્ટેરોલ વધી ગ્યું,

કાનુડાએ મટકી ફોડી,

રમાકાકી મેળવણ માંગવા આયાં,

ગોમટેશ્વર નાહ્યાં,

કુરિયન કિંગ થઈ ગ્યા ચરોતરના,

અશ્વત્થામાએ હઠ પકડી,

પણ ભેંસ સ્થિતપ્રજ્ઞ.

આટલું થ્યું

તોય મોઢા પરની માખ ના ઊડી.

 .

( સૌમ્ય જોશી )