લઘુકાવ્યો – અબ્દુલ ગફાર કાઝી

(૧)

વર્ષોથી ખોવાઈ ગયેલી

રાત્રિને શોધવા

નિષ્ફળ નીવડેલ છે

સૂરજનું પોલીસ તંત્ર

 .

(૨)

બરફ જેવી કૃષ્ણ નગરીમાં

હવે મારે

ક્યાંથી શોધવો

સૂરજ જેવો સુદામો

 .

(૩)

મેડકના પ્રેમપત્રો

મેં સાચવી રાખ્યા છે

વરસાદના પટારે….

 .

(૪)

સમય, સોઈ દોરથી

સીવી રહ્યો છે મને-

ને

મારી જિન્દગીના

ફાટી ગયેલાં વસ્ત્રને

 .

(૫)

દર્દની ભાષા ઉકેલવા માટે

મારે પહેરવા પડે છે

આંસુના ચશ્માં

 .

(૬)

સ્મિતના દ્વારે

ધીમે ધીમે

પડે છે

આંસુના ટકોરા

 .

( અબ્દુલ ગફાર કાઝી )

જિંદગી ક્યાં જિવાય – સિકંદર મુલતાની

જિંદગી ક્યાં જિવાય ચાહ મુજબ ?

કે જવાનું વહ્યે…પ્રવાહ મુજબ !

 .

પુણ્ય મુજબ ન હો જીવન, કિન્તુ-

મોત તો હોય છે ગુનાહ મુજબ !

 .

સ્વપ્ન મારું પડે ન કાં સાચું ?

જોઉં છું ખ્વાબ હું નિગાહ મુજબ !

 .

તો અનોખું જ કંઈ મળે, મિત્રો !

કાશ… રખડાય ગુમરાહ મુજબ !

 .

હર દિશામાં ઊભી હશે મંઝિલ,

ચાલ… ચાલી બતાવ રાહ મુજબ !

 .

સૌ ‘સિકંદર’ મને કહે, તેથી-

હું ય વર્તું છું બાદશાહ મુજબ !

 .

( સિકંદર મુલતાની )

જીવવાનાં આગવા – સાહિલ

જીવવાનાં આગવા નિયમ સુધી ગયા છીએ

સત્ય જેવાં શાશ્વતી ભરમ સુધી ગયા છીએ.

 .

શબ્દને ઘસી ઘસીને સાવ લીસ્સાલચ કર્યા

ક્યાં છતાંય શબ્દનાં મરમ સુધી ગયા છીએ.

 .

મ્હેક મ્હેક થઈ જવાનું મનને મન થયું ફરી,

એટલે રૂઝાયેલાં જખમ સુધી ગયા છીએ.

 .

જ્યાં ઝૂરાપા ટોડલે જ ઝૂરવાનું હોય છે,

હર જનમમાં એ જ તો હરખ સુધી ગયા છીએ.

 .

શક્યતા નથી અમારો રંગ આ ફીટે હવે

સ્યાહીમાં ડૂબી જઈ કલમ સુધી ગયા છીએ.

 .

ખુદની જાતથી છીએ અજાણ-ના અજાણ પણ,

મન મનાવતાં રહ્યાં-ઇલમ સુધી ગયા છીએ.

 .

ના અગમ સુધી ગયાં-ના ગયા નિગમ સુધી

જો ગયા તો બસ અમે સનમ સુધી ગયા છીએ.

 .

( સાહિલ )

કુંડાળામાં આવો ! – ‘વિવશ’ પરમાર

આથમતા સૂરજના અજવાળામાં આવો,

વૃક્ષ કહે છે પંખીને, માળામાં આવો.

 .

પાંગરવા દો આજ વસંતોને મારામાં,

તમને ગમતી મૌસમના ગાળામાં આવો !

 .

મારા તો વૈશાખ અને ચૈતર સોનેરી,

ભરબપ્પોરે પીળા ગરમાળામાં આવો.

 .

કટકે કટકે ક્યાં લગ કરવી કથા આપણી ?

ઘટના થઈને સાજણ સરવાળામાં આવો.

 .

ઇન્દ્રધનુષી રંગો પથરાશે દરિયામાં,

શ્વેત સ્વપ્ન સંગાથે પરવાળામાં આવો.

 .

જનમ-મરણના ફેરાઓથી કંટાળ્યો છું;

મુક્તિ દેવા મારા કુંડાળામાં આવો !

 .

( ‘વિવશ’ પરમાર )

કંઈ અનુભવ – હેમેન શાહ

કંઈ અનુભવ આ સફરના થઈ ગયા,

જ્યાં પહોંચ્યા એ નગરના થઈ ગયા.

 .

હું કશે પણ હક નહીં માગી શક્યો,

સૌ કહે છે આપ ઘરના થઈ ગયા.

 .

એકલા હો ત્યારે વૃક્ષો પૂછશે,

કેટલા દિન પાનખરના થઈ ગયા ?

 .

લોહીનું ટીપુંય જે પાડે નહીં,

એ કહે ટુકડા જિગરના થઈ ગયા.

.

મ્હેક બનવાનું બહુ ભારે પડ્યું,

આપ સરનામા વગરના થઈ ગયા.

 .

( હેમેન શાહ )

હરિને આંગણ – જગદીશ ઉપાધ્યાય

મેં ધાર્યું એવું નો’તું હરિવરને ત્યાં કાંઈ

ઘર, આંગણ ને ગાય હતાં; ગઈ એમાં વાત સમાઈ.

 .

નો’તી દેવસભા કે નો’તા દેવપરીનાં નર્તન,

ઝાડ પરે પારેવાં ઘૂ… ઘૂ… કરતાં’તાં બે કીર્તન,

હરજી દોડી ભેડ્યાં; રોમે ખીલી ગઈ વનરાઈ.

 .

મોર ટહુક્યા ભીંતે ભાંગી સરગાપરની ભ્રમણા,

લખમીજીએ હરખાતાં ઓસરીએ લીધા દ:ખણા,

ખેમ કુશળ જગનાં પૂછ્યાં કંઈ પાથરતાં ચટાઈ.

 .

( જગદીશ ઉપાધ્યાય )

 

કંપે છે – મનીષ પરમાર

તણખલું તોડું, લીલોછમ અકાળ વિસ્તાર કંપે છે,

હવા જેવી હવા પણ મોસમોની પાર કંપે છે.

 .

ગગનમાંથી ખર્યો છે તારલો ઝબકાર કંપે છે,

સમયની દોસ્ત મુઠ્ઠીમાં હજી અંધાર કંપે છે.

 .

નથી એકેય માળામાં ટહુકો પીંછું કે પગરવ,

સમીયે સાંજ વેળા પંખીનો ચિત્કાર કંપે છે.

 .

નદીના સ્થિર જળમાં કાંકરી નાખી તરંગાયો-

હજીયે ફીણ-પરપોટા ઉપર આકાર કંપે છે.

 .

હવે તો કંપનોની ભીંસમાં આવી ગયો હુંયે-

ગઝલ છેડી તમે જ્યારે હૃદયના તાર કંપે છે.

.

( મનીષ પરમાર )

હું ખુશ છું – મુસ્તફા અરબાબ

હું રહેતો હતો

તારી આંખોમાં

એક અશ્રુની જેમ વહી ગયો

એક નિર્બળ ક્ષણે

કે વહેવું જ તો

અશ્રુનું ભાગ્ય છે

તો પણ

હું ખુશ છું

મને સમાઈ જવા માટે

તારું ઓશિકું મળ્યું

તું દરરોજ

મારા પર માથું ટેકવી

સ્વપ્નાં જુએ છે.

 .

( મુસ્તફા અરબાબ, અનુ. હનીફ સાહિલ )

બળે છે ક્યારનું – એસ. એસ. રાહી

બળે છે ક્યારનું ઝાકળ ! ઊલટતપાસ કરો

અગનને કેમ વળી કળ ! ઊલટતપાસ કરો

 .

હજુયે એ જ વિમાસણ છે બન્ને આંખોમાં

હજુ કાં શ્વેત છે કાજળ ! ઊલટતપાસ કરો

 .

ઘણું લખાય છે કિન્તુ કશું જ ના ઉકલે

લખે છે કોણ એ કાગળ ! ઊલટતપાસ કરો

 .

સુખી થશો તો સૂકાઈ જશે બધાં આંસુ

કરે છે કોણ આ અટકળ ! ઊલટતપાસ કરો

 .

હવે તો એવા ખયાલોથી મન અવાચક છે

કશું છે સ્વર્ગથી આગળ ! ઊલટતપાસ કરો

 .

પવન તો ઉંબરે જડબેસલાક ઊંઘે છે

ખખડતી હોય કાં સાંકળ ! ઊલટતપાસ કરો

 .

શું કોઈ ‘રાહી’ની માફક પડ્યું હશે ભૂલું !

અટૂલું કેમ છે વાદળ ! ઊલટતપાસ કરો

.

( એસ. એસ. રાહી )

જીવવા જેવું લાગે છે કંઈ – તુરાબ ‘હમદમ’

જીવની સાથે જીવ મળે તો જીવવા જેવું લાગે છે કંઈ

સ્વપ્ન અચાનક કોઈ ફળે તો જીવવા જેવું લાગે છે કંઈ

 .

કંઈક રૂપેરી સમણાંઓ આળસ મરડીને ઊભા છે

હાથમાં એનો હાથ મળે તો જીવવા જેવું લાગે છે કંઈ

 .

આ તમસને સાવ ઉલેચી નાખવાનું તો કામ છે અઘરું

ઝાંખું ઝાંખુય ઝળહળે તો જીવવા જેવું લાગે છે કંઈ

 .

હૈયામાં જો હામ ન હો તો જીવવાનો પણ અર્થ નથી કંઈ

ઈચ્છાઓ કોઈ સળવળે તો જીવવા જેવું લાગે છે કંઈ

 .

એક દિવસ તો મરવાનું છે હમદમ એમાં ફેર નથી કંઈ

મનગમતું જો મોત મળે તો જીવવા જેવું લાગે છે કંઈ

 .

( તુરાબ ‘હમદમ’ )