લંબાવું હાથ – કાજલ ઓઝા વૈદ્ય

લંબાવું  હાથ, તોય અડકી શકાય નહીં,

ભડભડતી આગ – તોય સળગી જવાય નહીં,

તારો ને મારો આ કેવો સંબંધ

જેમાં સામસામે બેસીને સામે જોવાય નહીં ?

 .

આંખોમાં ઊછળતા ખારાં પાણીનો

હવે ખળખળતો – ધસમસતો ધોધ

તારી છાતી પર મારી અટવાતી નજરોમાં

નકરા આધારની શોધ.

 .

અડધી રાતે મારી આંખો ખૂલે

ને, ભૂલે સ્વપ્નાંઓ ઈચ્છાની ભાષા,

ભૂરી, ઉફણતી ને ધગધગતી રાતમાં

તુંય હોય જાગતો, એ આશા !

 .

હોય તું – તોય, તારા હોવાની સાબિતી

માગ્યા કરે મારી જાત.

પડખામાં હોઉં ત્યારે ઊગે છે રાત,

ને તું જાય ત્યારે આથમે પ્રભાત.

 .

સળગતી જાતને, ભડકે બાળીને

મારે કરવું અજવાળું તારા ઓરડે…

સંબંધો બાંધવા કંઈ સહેલા નથી,

વડ વીંટ્યા વીંટાય નહીં દોરડે.

 .

એકાંત મારી આંખમાં, ને ખાલીપો કાંખમાં

તોય તારા હોવાનો ભાસ

પડખામાં તારા – કોઈ નિરાંતે ઊંઘતું

મારી મુઠ્ઠીમાં મારો નિ:શ્વાસ.

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

ચાલ થોડું – નરેશ સોલંકી

ચાલ થોડું હચમચીને વાત નક્કર કર હવે

શબ્દ જળમાં ઓગળીને જાત સદ્ધર કર હવે

 .

ખૂબ અઘરું હોય છે ઘરને સજાવી રાખવું

ભારપૂર્વક આપણા સગપણને અવસર કર હવે

 .

ખાતરીપૂર્વક હસેલું બારસાખે ટાંગવું

આપણું હોવું અડીખમ સહેજ પગભર કર હવે

 .

તું હવા છે રક્તમાં ઘોળાયને મ્હેકી ઉઠે

ટીંચવાને ટૂંપવાની વાત પથ્થર કર હવે.

 .

હાર સાથે જીતની વીંટી મળે છે હાથમાં

તું સમયની બાથ ભીડી એક ટક્કર કર હવે.

 .

( નરેશ સોલંકી )

હજીયે સંભળાય છે – કાજલ ઓઝા વૈદ્ય

મને હજીયે સંભળાય છે

ગરમ ગરમ શ્વાસનું એ લયબદ્ધ સંગીત !

તારા પ્રત્યેક ચૂંબનની સાથે,

મારા હાથમાંથી સરકતી ગયેલી…

રેશમી મુખવટાની લગામો.

 .

તારા દરેક આલિંગન સાથે

મેં મારી જાતને તારી વધુ ને વધુ નજીક,

તદ્દન – નજીક

અનુભવી હતી..

 .

…..ધુમ્મસ બધું જ હટી ગયું હતું !

ને

એ ઝાકળભીની સવારના સૂર્યોદય સમયે

મેં

તારો હાથ મજબૂતીથી પકડીને

ઘસઘસાટ ઊંઘી જવાની ભૂલ કરી

મને લાગ્યું કે તારા વિશાળ બાહુ પર મૂકાયેલું

મારું માથું તદ્દન સલામત છે

કમરામાં પડદા ખેંચીને કરેલા આછા અંધારામાં

મને લાગ્યું કે

તડકો હવે નહીં જ આવે !

 .

પણ..

 .

…સવારે

મને સમજાયું,

કે

એ આખીયે ઘટના

જિદે ચડેલા બાળકને મનાવવા માટેની

‘મેચ્યોર’ અને ‘સાવધ’

રમત માત્ર હતી.

…હતી ને ?!

 .

( કાજલ ઓઝા વૈદ્ય )

કોઈ તારી રાહ જુએ છે – હર્ષદ ચંદારાણા

ખાલી ખાલી પ્લેટફોર્મ નિહાળી, કોઈ તારી રાહ જુએ છે

એ જ બાંકડે બેસી, ના કંટાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

રોજ સવારે ટ્રેન આવે તે પ્હેલાં સ્ટેશન પર પ્હોંચી જઈને

થાંભલીયુંમાં ખુદનું હોવું ઢાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

એક દિશામાં, એક જ સાથે ચાલે પણ ક્યાંયે ના મળતા પાટા

બે પાટા વચ્ચે ચડભડ સંભાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

સાંધાવાળાથી સ્ટેશનમાસ્તર, સૌને પૂછે : ‘ટાઈમમાં છે ને ?’

આ ટ્રેન તને લાવે તો ‘દિવાળી’, કોઈ તારી રાહ જુએ છે

 .

ફૂટે છે ક્યાં કોઈ નવતર પર્ણો ? જૂનાં નિત-નિત ખરતાં જાતાં

પર્ણો પાછળ ખરશે એની ડાળી ? કોઈ તારી રાહ જુએ છે

 .

જોવું ઝાંખું, સાંભળવું આછું, સીધા વાંસાનું થાવું વાંકું

લાઠીની ઠક-ઠકમાં તન ઓગાળી, કોઈ તારી રાહ જુએ છે

 .

( હર્ષદ ચંદારાણા )

…રૂહમાંથી જેમ પ્રગટે રૂ – લલિત ત્રિવેદી

સુનિયે સાહિબ ! સુનિયે હઝરાત ! નાના મોઢે મોટી વાત !

સપને આવ્યાં સરસ્વતીમાત, નાના મોઢે મોટી વાત !

 .

એ જ કરે છે કુમકુમપગલાં એ જ ઓળખે પંખીપગલાં

શું કાગળ શું કલમ દવાત, નાના મોઢે મોટી વાત !

 .

ફૂલો ઊગ્યાં તે ભીનાશ… પંખી ઊડ્યાં તે આકાશ…

ને ઋતુઓ મારાં જઝબાત, નાના મોઢે મોટી વાત !

 .

ભગત ભલી ભાળે છે કળ, જુએ કળી ઝાકળમાં તળ…

હું ક્યાં એવો છું રળિયાત, નાના મોઢે મોટી વાત !

 .

અંદરપૂર્યા ઝંઝાવાત, બા’ર બાંધ્યાં સમદર સાત…

પરપોટાજીની ઓકાત, નાના મોઢે મોટી વાત !

 .

સોળકળાએ ડામરખૂણે ખીલ્યું હોત એકાંત

હું ય રચત, ઋષિઓ ! વેદાંત, નાના મોઢે મોટી વાત !

 .

કરત તને મારી રૂબરૂ… રૂહમાંથી જેમ પ્રગટે રૂ…

એવી ક્યાં મારી વિસાત, નાના મોઢે મોટી વાત !

 .

( લલિત ત્રિવેદી )

‘હોળી’ – સુચિતા કપૂર

તે દિવસથી

ગામે-ગામ,

ચોરાહે-ચોરાહે,

હોળીએ-હોળીએ,

ભટકું છું.

અંધારી રાતનાં પીછોડો ઓઢી

હોળીની રાખેય ફંફોસું છું,

ને શોધું છું,

હોળિકાની ઊડી ગયેલી

વરદાની શાલ

જેથી

નારાયણના નામે, નારાયણના વિશ્વાસે

જીવનની આગમાં કૂદી પડેલાં

નારાયણને પણ ભૂલાઈ ગયેલા,

પ્રહલાદોને

આગની જ્વાળાથી,

આગની જલનથી

રક્ષી શકાય.

 

( સુચિતા કપૂર )

હું જોઉં છું એણે – મધુમતી મહેતા

હું જોઉં છું એણે સગપણ સાંધ્યું ક્યાં છે ?

એ શોધે છે સગપણ અંદર ગાંઠ્યું ક્યાં છે !

 .

ઝરણે જીવ્યા, નદીયે જીવ્યા, જીવ્યા દરિયે

જળમાં જીવ્યા તો યે જળને જાણ્યું ક્યાં છે !

 .

પરકમ્મા પૃથ્વીની કીધી સાત વખત પણ

રૂંવાથી રુદિયાનું અંતર કાપ્યું ક્યાં છે ?

 .

જીવતરને અંતે આવ્યા છો પાછું દેવા

આપ્યું એનું માપ અમે તો રાખ્યું ક્યાં છે ?

 .

હારીને બેસી ગ્યો છેલ્લી પાટલીયે તું

ભાથામાંથી તીર હજી તેં તાણ્યું ક્યાં છે ?

 .

વેશ ભલેને આજે પહેર્યો રાજા જેવો

માગણ જેવું મનમાંથી તેં કાઢ્યું ક્યાં છે ?

 .

શ્રુતિ ને સૂરની વાતું તું આજ ભૂલી જા

તારું જંતર જો, ઈ લયમાં આવ્યું ક્યાં છે ?

 .

રૂના ખેતર વચ્ચે ઊભો ચાડી ખાતો

ધાગા જેવું કાંઈ કદી તેં કાંત્યું ક્યાં છે ?

 .

હૂંડી લઈને ગામે ગામે ફરતો રહ્યો હશે

કામ કદી શામળશા સાથે પાડ્યું ક્યાં છે ?

 .

જીવનભર મ્હેતા તો રહ્યાં એવાં ને એવાં

છુટ્ટું, કૈં ના મેલ્યું ને હૌં બાંધ્યું ક્યાં છે ?

 .

( મધુમતી મહેતા )

પાંચ તડકો લઘુકાવ્યો – પ્રીતમ લખલાણી

(૧)

પીલુડીના ઝુંડમાં

પતંગિયાંની પાંખ તળે

નિરાંત પાથરીને

બેસેલો તડકો

કેવો હરખાતો હોય છે

ધોરિયે વહેતા જળમાં થનગનતા

આભને જોઈને !

 .

(૨)

પવન સંગે

ડોલતા મકાઈના ડૂંડે

કાન માંડીને બેઠો હોય છે

વહેલી સવારનો તડકો

રણકતા શેઢાના

માધુર્યને માણવા.

 .

(૩)

રોઢે

ખેતર ભાત દઈને

ગામ પાછી ફરેલ મીઠ્ઠીની

ચૂંદડીનો છેડો જાલીને

અરે ! ક્યારે આવી ચઢ્યો

મારા ખોરડા લગી

લીલી બાજરીનો

મહેક ભીનો તડકો !

 .

(૪)

જેઠ મહિનાના ખરે બપોરે

સુકાયેલ તળાવના બાવળ તળે

બેસેલ ભેંશની પીઠે ચઢી

સાદ પાડે તડકો,

‘આવ રે વરસાદ ઘેબરિયો પરસાદ…’

 .

(૫)

ઢળતી સાંજથી

ઠાકોરજીને ભેટવા

ઝાલર રણકવાની રાહ જોતો

ચોરાની ઓસરીમાં

ઊભો હોય છે તડકો…

 .

( પ્રીતમ લખલાણી )

દર્દ સીનામાં ભરી – અબ્બાસ રૂપાવાલા ‘રફિક’

દર્દ સીનામાં ભરી જીવી ગયો,

શ્વાસ તરછોડી, ફરી જીવી ગયો.

 .

આયનાને પૂછમાં ચ્હેરા વિશે,

બિમ્બને મનમાં ભરી જીવી ગયો.

 .

મેઘલી કાળી મજાની રાતમાં,

પ્રેમ-કિસ્સાઓ સ્મરી જીવી ગયો.

 .

જિંદગી કડવી હતી તો શું થયું,

હું કઝાને કરગરી જીવી ગયો.

 .

હું ‘રફીક’ છું, હું કદી ડરતો નથી,

મોતને પણ બથ ભરી જીવી ગયો.

.

( અબ્બાસ રૂપાવાલા ‘રફિક’ )

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

કર્યો શ્યામને પ્રેમ; કર્યો કોણે આ અંબર તળે ?

પથ્થરને જો કર્યો હોત, આવ્યે ભૂકંપના ચળે !

દૈવજ્ઞો છો માને, એને સતત ભ્રમણના યોગો;

ગ્રહો-બ્રહો તો ઠીક, એ હાથે કરી રચે સંજોગો !

 .

કલહ, કપટ ને યુદ્ધપ્રિય માધવ જો જો પસ્તાશે !

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

 .

ઉદ્ધવજી ! એક તૃણ ખેંચો તો સાથે આવે માટી;

ઈશ્વર જાણે કઈ ધાતુથી ઘડી કૃષ્ણની ઘાટી !

રહી શકે એ નિર્મમ, ઉદ્ધવ ! જલમાં અંબુજ પેઠે;

નથી સાંભળ્યું કોઈ કને કે કૃષ્ણ યાતના વેઠે !

.

પણ અંતે, માધવને મન ગોકુળ આખ્ખું વમળાશે !

 .

એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે !

કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે !

 .

( વીરુ પુરોહિત )