

સહુ ભાષા અને સાહિત્યપ્રેમીઓને મારાં સાદર પ્રણામ. શક્ય છે કે આજે જન્માષ્ટમી નિમિત્તે મારી પાસેથી હંમેશની જેમ કોઈ માહિતીસભર લેખ અપેક્ષિત હશે. જો કે સાચું કહું તો કદાચ મેં અત્યાર સુધી ઘણા બધા વાર, તહેવાર, ઉત્સવ, પર્વ કે ઘણી બધી મહાન હસ્તીઓ પર લેખ લખ્યાં હશે પણ મને લાગે છે હું હજી એટલી સમર્થ નથી કે ન તો કદાચ ક્યારેય થઈશ કે કૃષ્ણને કાગળ પર ઉતારી શકું કે એને મારાં શબ્દોની માયાજાળમાં બાંધી શકું.
શક્ય છે મારી આ રચના કદાચ સાહિત્યનાં કોઈ પણ પ્રકારમાં બંધ બેસતી ન હોય પણ મારી અંગત અનુભૂતિ આપ સહુ સમક્ષ આજે વહેતી મુકું છું. આજે જન્માષ્ટમી પર એક અલગ સંવાદ મારાં અંતરમન સાથેનો…!!
.
બોલ તને કોને મળાવું..???
——————————————
મારાં અંતરમનમાં એના કેટકેટલાં રૂપ હું નિહાળું.
મન કહે, બોલ તને કાના, કૃષ્ણ કે દ્વારકાધીશ ને મળાવું.
મેં કહ્યું, કાનો કૃષ્ણ કે દ્વારકાધીશ બધુંય એકનું એક!
મન કહે, કાયા ભલે એક પણ એની માયાનાં રૂપ અનેક.
મેં કહ્યું, નામમાં વળી અંતર કેવું? શાને આ ભેદ છાનો?
મન કહે, જેણે ચીર પૂર્યા એ કૃષ્ણ ને વસ્ત્રો ચોર્યા એ કાનો.
મન કહે, બોલ તને કાના ને મળાવું?
મેં કહ્યું, કાનો એટલે રાસલીલા ગોપીઓની,
વૃંદાવનમાં વગોવાતી એ માખણચોરીની,
ને સાનભાન ભુલેલી એ કાનાઘેલી રાધાની,
મને ન ગોઠી વાત વાંસળીનાં સુર રેલાવતા કાનાની..!!
મન કહે, બોલ તને કૃષ્ણને મળાવું?
મેં કહ્યું, કૃષ્ણ તો ભરથાર રુક્મણિનો,
એની આઠ-આઠ પટરાણીઓનો,
ને વધુમાં સોળહજાર એકસો રાણીઓનો.
તારણહાર બધાયનો પણ મને ન ગોઠે સંગાથ કૃષ્ણનો..!!
મન કહે, બોલ તને દ્વારકાધીશને મળાવું?
મેં કહ્યું, દ્વારકાધીશ તો જગતનો નાથ,
શોભાવે રથયાત્રા બની જગન્નાથ,
એની પ્રજા પર એનાં ચાર-ચાર હાથ
મને ન ગોઠે એ મુકુટધારી દ્વારકાધીશનો સાથ..!!
મનડું પૂછે, કાનો કૃષ્ણ કે દ્વારકાધીશ, તારે કરવી કોની હારે પ્રીત?
મેં કહ્યું, રાધા, રુક્મણિ કે મીરાં, હતી ક્યાં કોઈનીય હાર કે જીત!
જેણે એને જે રૂપે ચાહ્યો, એણે એને એ જ સ્વરૂપે પામ્યો.
રાધાનો કાન, રુક્મણિનો નાથ ને મીરાનો મોહન ઓળખાયો.
મારું મન તો સદાય ઝંખે છે એનો સાથ માત્ર એક જ રૂપે,
હું માત્ર એની સખી ને પામ્યો મેં એને મારા સખા સ્વરૂપે.
ઓ રે મનડાં ! ‘ઝીલ’ ને ક્યાંથી ગોઠે તારો કાનો, કૃષ્ણ કે દ્વારકાધીશ;
હું તો મોરપીંછ સમાન, વાંસળીનાં સુરમાં ક્યાંક એમ જ વહી જઈશ..!!
શ્રી કૃષ્ણને દેવ કહેવા, જગતનાં પાલનહાર કહેવા, પથદર્શક કહેવા, જગતગુરુ કહેવા, સખા કહેવા કે પછી કદાચ કૃષ્ણ માટે વપરાતાં તમામ વિશેષણો અતિક્રમી જવાય ને છતાંય કૃષ્ણ એટલે શું એ કહી ન શકાય.
.
કૃષ્ણ એટલે જેને પ્રેમ કરી શકાય, એનો મોહ હોય, એનું આકર્ષણ હોય, એની તરફ વગર કોઈ કારણે તમે ખેંચાઈ જાઓ એવું વશીકરણ હોય, એના પર આંધળો વિશ્વાસ નહિ પણ સંપૂર્ણ શ્રદ્ધા મૂકી શકાય, એની સામે રડી શકાય, એની સાથે ઝગડી શકાય, એના પર હક કરી શકાય, એના જેટલું અંગત કોઈ જ નહિ, એની સામે હળવા થઈ શકાય, એની આગળ સંપૂર્ણ સમપર્ણ કરી શકાય, એની સામે શરણાગતિ સ્વીકારી શકાય કે પછી કૃષ્ણ એટલે જેમાં એકાકાર થઈ શકાય.
.
આ ગીત બહુ પ્રચલિત છે ‘ગોરી રાધાને કાળો કાન….’ મને હંમેશા એવું લાગ્યું છે કે કૃષ્ણ સાથે કાળો રંગ કદાચ એટલા માટે જોડાયેલો છે કેમ કે કાળો રંગ બધા પર ચડે પણ કાળા રંગ ઉપર બીજો કોઈ રંગ ચડતો નથી. એવી જ રીતે જેનાં પર કૃષ્ણનો રંગ ચડ્યો હોય પછી એના પર બીજા કોઈનો રંગ ચડે ખરાં ??
.
કૃષ્ણ એટલે મનુષ્ય તરીકે આદર્શ જીવન જીવીને બતાવનાર, જન્મતાની સાથે જ દરેકેદરેક પ્રતિકૂળતાઓનો સામનો કરી બતાવનાર, સામાન્ય મનુષ્યની જેમ પ્રેમ કરી શકનાર અને વિરહની વેદના પણ ભોગવી જાણનાર, માતાપિતાથી છુટા પડ્યાનું દુઃખ હોય કે એના પ્રિય એવા ગોકુળવાસીઓ, મથુરા, એની રાસલીલા, બાળપણનાં મિત્રો, રાધા, ગોપીઓ સર્વેને છોડી જવાનું દુઃખ હોય. આ બધામાંથી પસાર થઈ કુરુક્ષેત્ર સુધી પહોંચવાની યાત્રા સરળ તો નહિ જ હોય ને !
.
આપણે બધા આજ સુધી કૃષ્ણને મોટા ભાગે બાળ સ્વરૂપે યાદ કરતા આવ્યા છીએ કે એની રાસલીલાઓ યાદ કરતા આવ્યા છીએ. જોકે અંગત રીતે મને એ કૃષ્ણ ગમે છે જેણે ધર્મની રક્ષા માટે શસ્ત્રો ઉગામવા કહ્યું, ‘પાર્થ ને કહો ચડાવે બાણ…’ અધર્મ સામે એમની ભાષામાં વાત કરી, એમનાં કપટ અને કૂટનીતિનાં ઉત્તર સામે મુત્સદ્દીગીરી વાપરી.
ખાસ તો ભીષ્મની પ્રતિજ્ઞા જે યથાવત રાખવાનાં કારણે આ મહાભારતનું મહાભીષણ યુદ્ધ રચાયું એની સામે કુરુક્ષેત્રની મધ્યમાં બધા વચ્ચે પોતાની જ લીધેલી પ્રતિજ્ઞા તોડી શસ્ત્રો ઉગામ્યાં અને આખાય જગતને એક મહત્વનો સંદેશ આપ્યો કે પ્રતિજ્ઞા એ ધર્મ અને માનવકલ્યાણ કરતાં મોટી તો ન જ હોઈ શકે.
.
ચંદ્રવંશીઓને પોતે લીધેલી પ્રતિજ્ઞાઓનું બહુ અભિમાન પછી એ મહામહિમ ભીષ્મ હોય કે જેનાં સારથી સ્વંય કૃષ્ણ પોતે છે એવો અર્જુન પણ એ પ્રતિજ્ઞાઓનાં મૂલ્યો એમની પ્રજાએ ભોગવ્યા ત્યારે પોતે સ્વયં નારાયણ હોવા છતાં ધર્મ અને માનવકલ્યાણ માટે જે પોતાની જ લીધેલી પ્રતિજ્ઞા તોડી શકે એ મારે મન કૃષ્ણ !
.
કૃષ્ણ એટલે માતા ગાંધારીનાં શ્રાપને પણ આશીર્વાદ સમજી પ્રેમથી ગ્રહણ કરનાર. કૃષ્ણ એટલે પરિશ્રમનો મહિમા સમજાવવા ખાંડવવનને ઇન્દ્રપ્રસ્થમાં ફેરવનાર. કૃષ્ણ એટલે સમય વર્તીને રણને છોડનાર. કૃષ્ણ એટલે કહેવાતા સભ્ય સમાજે ત્યજેલી સોળહજાર એકસો પૂજનીય નારીઓનો તારણહાર.
.
કૃષ્ણ એટલે કહેવાતા ક્ષત્રિયોથી ખીચોખીચ ભરેલી સભામાં દ્રૌપદીનાં ચીર પૂરનાર સ્ત્રી સન્માનનો રક્ષક. કૃષ્ણ એટલે ક્ષમ્ય ભૂલો માટે ક્ષમા કરનાર પણ એક હદ વટાવ્યા પછી અક્ષમ્ય અપરાધ માટે સુદર્શન છોડનાર. કૃષ્ણ એટલે કળયુગમાં જીવન કેવી રીતે જીવવું એનું આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડનાર.
.
ટૂંકમાં કહું તો કૃષ્ણ એટલે વાસ્તવિકતાનો સંપૂર્ણ સ્વીકાર, નિરાકાર તોય જેનામાં એકાકાર થઈ ભળી જવાય એ મારે મન કૃષ્ણ..!! એક કૃષ્ણપ્રેમી કહો કે કૃષ્ણઘેલી કહો એનાં તરફથી સહુને જન્માષ્ટમીની કૃષ્ણમય શુભેચ્છાઓ..!!
.