હું તને પ્રેમ કરું છું – મારીશીકો

.

હું મારા ટેબલ પાસે બેસું છું.

હું તને લખું પણ શું ?

પ્રેમથી ઘવાયેલ હું

ઝંખુ છું તને સદેહે જોવા

માત્ર આટલું જ લખી શકું :

“હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું”.

પ્રેમ મારા હૃદયને આરપાર વીંધે છે

અને મારા દૈવતને છિન્નભિન્ન કરે છે

ઝુરાપાનો ઝાટકો મને ગૂંગળાવે છે

અને તે ક્યારેય અટકશે નહીં.

 .

( મારીશીકો, અનુ. કલ્લોલિની હઝરત )

 .

[મૂળ રચના . જાપાનીઝ ]

કવિ છું – પ્રફુલ્લ પંડ્યા

.

હું એક એવા દેશનો કવિ છું

જેની પાસે ગાવા માટે

પોતાના દેશની એકતાનું કોઈ ગીત નથી

હું એક એવો સંગીતકાર છું

જેનો સ્વરબંદિશોમાં દેશની સરહદોની અખંડિતતા

સાચવતો કોઈ જ સૂર નથી

હું મારી આસપાસના વાદ્યોમાં ત્રાસવાદને થડકતો જોઉં છું

અને દેશપ્રેમના એકતારાનો તાર તૂટી ગયો છે,

ભયંકર ચીચિયારીઓના અવાજથી,

અવાજ દેવતા છે એમ હું માનું છું

પણ કેટલાક ધર્મો એમ માનતા નથી

હું નાનકડો ચિત્રકાર નથી અન્યથા મારી પીંછીએ

એકાદ ચિત્રમાં દેશની દીવાલોમાં એકતા ચીતરી બતાવી હોત

ગાંધીજીનું ચિત્ર કરી શક્યો હોત કે કેમ

તે નક્કી નથી પરંતુ મારા ચિત્રોમાં

ગાંધીજી અને દેશની એકતા ક્યાંક ક્યાંક જરૂરથી ઉપસી આવત

ખરેખર તો અત્યારે

ચિત્રકાર નહિ પણ સૈનિક તરીકે ગોઠવાવું જોઈએ

જ્યારે કવિ સૈનિક બનશે ત્યારે જ

દેશની એકતા, એકતા બનશે

કવિએ લીલી વરદી પહેરવાની જરૂર નથી.

કવિએ તો લીલાં બલિદાનોને ગાવાનાં છે

કવિએ તો પોતાનું ગીત શોધવાનું છે અને ખરેખર તો તેણે

ગીતમાં પોતાના દેશને ગોતવાનો છે.

 .

( પ્રફુલ્લ પંડ્યા )

પથ્થર ઠંડોગાર છે – ફુયુહિકા કિટાગાવા

.

પથ્થર ઠંડોગાર છે,

એ ખરબચડો,

ખૂણાળો અને કઠોર.

પણ નદીના વ્હેણમાં

એણે ગોળ થયે જ છૂટકો,

વહી જાતાં વર્ષોમાં

બીજાઓ સાથે અથડાતાં-કૂટતાં.

એવું નથી કે પથ્થર

ઉષ્માળો ન જ હોય

તમે જો એને

હૃદયને ગજવે-છાતી સરસો

રાખો તો

તે હૂંફાળો થશે જ થશે.

માત્ર એટલું જ કે,

એની ટાઢીબોળ જડતાને

ખંખેરવા મથતાં તમારે

ધરપત રાખવી પડે…

 .

( ફુયુહિકા કિટાગાવા )

અલખ તણે અણસારે – સંદિપ ભાટિયા

.

અલખ તણે અણસારે

મેં નાવ મૂકી મઝધારે

 .

હવે પવનનો સાથ મેં છોડ્યો સઢને સલામ કીધા

સૌના પાલનહારાને મેં હાથ હલેસાં દીધાં

 .

સૂર મળ્યો સૂનકારે

અલખ તણે અણસારે

 .

કોણ ખોબલે રેત ભરે જો હીરામોતી મળતાં

હાથ જોડતાં મળે મંજિલો પ્હાડ બધા ઓગળતા

 .

જ્યોત જલી અંધારે

અલખ તણે અણસારે

 .

( સંદિપ ભાટિયા )

થોડાંક વર્ષ – પ્રફુલ્લ પંડ્યા

.

થોડાંક વર્ષ ગુમાવ્યાં

“મિત્ર”નો અર્થ શોધવામાં

અને પાછળથી થોડાંક વર્ષ ગુમાવ્યાં

કવિતાને શોધવામાં

કોહવાઈ ગયેલાં સપનાંઓથી

થોડાંક વર્ષ ચલાવ્યાં કલમ નામની

પવિત્રીએ

સવા વહેંત ઊંચા આદર્શો

અને

દોઢ વહેંત ઊંડા મિત્રો વચ્ચે

બંધાતા, તૂટતા અને ફરી બંધાતા

સંબંધોનું પડીકું વાળવામાં મશગૂલ હાથ

કવિતા લખવાનું ચૂકી ગયા

-અને એક વિસ્ફોટ સર્જાયો

લોહીથી કાગળ વચ્ચે

ઊડીને ઉંધું વળી ગયું બધું જ

ઊંધા વળી ગયા વર્ષો

ઊંધા વળી ગયા અર્થ

ઊંધા વળી ગયા સ્વપ્નો

સંબંધો તોય ટટ્ટાર ન રહ્યા !

 .

( પ્રફુલ્લ પંડ્યા )

હાથમાં – આદિલ મન્સૂરી

.

હોય શું બીજું તો ખાલી હાથમાં

ખાલીપો ખખડે સવાલી હાથમાં

 .

હોઠ પર ઘૂઘવતો દરિયો પ્યાસનો

કાચની એક ખાલી પ્યાલી હાથમાં

 .

ભાગ્યરેખા હાથથી સરકી ગઈ

રહી ગઈ બસ પાયમાલી હાથમાં

 .

હાથમાં ફીકાશ વધતી જાય છે

ક્યાંથી આવે પાછી લાલી હાથમાં.

 .

હાથ એનો હાથતાલી દૈ ગયો

ને હવે પડઘાય તાલી હાથમાં

 .

એક છાયા રાતભર ઘૂમે અહીં

ચાંદનીનો હાથ ઝાલી હાથમાં

.

(આદિલ મન્સૂરી )

બારીઓ ઊઘડી – નયન હ. દેસાઈ

.

બારીઓ ઊઘડી ફટોફટ ને ઝરૂખા ઝળહળ્યા

આપણે આવ્યા વિજેતા થઈ તો રસ્તા ઝળહળ્યા

 .

શબ્દનાં કૈં દ્વાર ભિડાયા પછી એવું બન્યું

બે નજર ભેગી મળી : નવખંડ દીવા ઝળહળ્યા

 .

દોસ્ત ! ભ્રમણાએ હકીકતને નિભાવી એ રીતે

સાચવેલા સૂર્ય બુઝાયા તો શમણાં ઝળહળ્યા

 .

નાવ તો નાવ જ રહી એનું રૂપાંતર ના થયું

આપ બેઠા તે પછી બન્ને કિનારા ઝળહળ્યા

 .

દિલ શમાદાની હતું જેમાં સ્મરણ બળતાં રહ્યાં

આપણે એકાંતની મહેફિલમાં ક્યાં ક્યાં ઝળહળ્યા

 .

( નયન હ. દેસાઈ )

લેડી વિથ અ ડોટ – પન્ના નાયક

[ પન્ના નાયકનું નામ આવે એટલે અછાંદાસ કાવ્યો યાદ આવે. જો કે તેમણે કાવ્યના અન્ય પ્રકારો ગીતો, હાઈકુ, છંદોબદ્ધ કાવ્યો વગેરે પર પણ હાથ અજમાવ્યો છે. પણ સૌથી વધુ સર્જન તો અછાંદાસ કાવ્યોનું જ કર્યું છે. રજનીભાઈએ એમની એક પોસ્ટ અંગે વાત કરતાં મને પૂછ્યું હતું કે સુન્દરમે નવલિકાઓ પણ લખી છે એ તમને ખબર છે ? ત્યારે જાણીને મને થોડું આશ્ચર્ય થયું હતું. કારણ કે સુન્દરમનો વધુ પરિચય આપણને કવિ તરીકેનો જ છે. આવું જ આશ્ચર્ય મને પન્ના નાયકે નવલિકાઓ પણ લખી છે એ જાણીને થયું. હજુ મેં એમની એક જ નવલિકા વાંચી છે. પણ વાંચીને ગમી તો વાચકો સાથે વહેંચવાનું મને મન થયું. એમાં પન્નાબહેને મારી સાઈટ પર મૂકવાની સંમતિ આપી તો સોનામાં સુગંધ ભળવા જેવું થયું. આશા રાખું છું કે વાચકોને ગમશે.]

.

.

.

.

.

.

આટલામાં – રાજેશ વ્યાસ

.

પ્રથમ જ્યાં મળ્યાં એજ સ્થળ આટલામાં,

હિમાલય સમી એક પળ આટલામાં.

 .

ભલે રેત લાગે મૂકો સાચવી પગ,

અચાનક ઊઠે છે વમળ આટલામાં.

 .

અને એ પછી તો હજુ આજ સુધી,

સમયની એ છટકેલ કળ આટલામાં.

 .

હજુ કોઈ રાતે જતો સૂર્ય ઊગી,

અને થઈ જતો એ કમળ આટલામાં.

 .

જુઈ, પારિજાતક, ઘટાદાર પીપળ,

ઊગી ગઈ છે એકેક પળ આટલામાં.

 .

( રાજેશ વ્યાસ )

કોણ માનશે ? – મહેન્દ્ર ગોહિલ

.

બાજી બધીય જીતની છે હાથમાં છતાં,

મારો નથી ગણાતો વિજય, કોણ માનશે ?

 .

ધમની અને શિરાઓ બધી રિક્ત થઈ ગઈ,

ધડક્યા કરે છે તોય હૃદય, કોણ માનશે ?

 .

આજે ભલે ને ખાલી ચડી ગઈ છે હાથમાં,

મુઠ્ઠી મહીં રહ્યો’તો સમય, કોણ માનશે ?

 .

મારી ગલી મહીં ન મને કોઈ ઓળખે,

તારી ગલીમાં મારો વિષય, કોણ માનશે ?

 .

( મહેન્દ્ર ગોહિલ )