ઊંઘવું કે જાગવું નિર્ણય નથી થાતો હજી,
ક્યાં અને ક્યારે જવું નિર્ણય નથી થાતો હજી.
.
એમ તો તરત જ ‘તથાસ્તુ’ કહેવા એ તૈયાર છે,
આપણે શું માગવું નિર્ણય નથી થાતો હજી.
.
બોદું – બસૂરું સાવ આ સગપણનું ઘૂંઘરું,
છોડવું કે બાંધવું નિર્ણય નથી થાતો હજી.
.
સ્વપ્નની સાથે જ સુરમો ને સુરંગો છે અહીં,
આંખમાં શું આંજવું નિર્ણય નથી થાતો હજી.
.
અંત દેખાતો નથી ને કૈં પમાતું પણ નથી,
કેટલું તળ તાગવું નિર્ણય નથી થાતો હજી.
.
( નીતિન વડગામા )