મેં જ તો

મેં જ તો વીંધી હતી પાની મોરપિંછધારીની !

ક્યાં કેડો છોડવાના હતા

અધર્મની ગઠરીઓ છોડી બેઠેલ

જગતના આ જથ્થાબંધ વહેવારીઓ !

જનમતાં વેંત રચાવી ભીંત રોકાવી જળ વેગ

કરાવ્યા કારસા કંઈક નંદઘેર દૂધમલ મોંએ !

સકળ જગત જેનું હતું આંગળિયાત

થતો તે મારા મહી દાણનો માગણિયાત !

મુકાવી પુણ્ય સઘળાં અંજલિમાં

કરાવ્યો જીવિત ઉત્તરાપુત્ર આખરમાં !

તો યે દેખાડી એને યાદવાસ્થળી

કરી ઋષિજનની હાંસિ, દઈ હાથતાળી !

છોડત આ જગ શું ક્યારેય તે એને

પાળત ક્યાંથી વચન એ ખુદ દીધું

’જનમવાનું યુગે યુગે !’

એટલે જ તો આજ લગે વીંધ્યા કરું છું હું

કોઈકની પાની ને કોઈકની છાતી !

.

( નિર્ઝરી મહેતા )

બહુ આગળ જવાનું છે-શોભિત દેસાઈ

અજાણ્યાને ગણી ઈશ્વર બહુ આગળ જવાનું છે,

નવા અનુમાન આંખે ભર બહુ આગળ જવાનું છે.

.

નથી મંઝિલ સફરની કોઈ. છે પોતે સફર મંઝિલ,

સતત શરૂઆત પાછી કર બહુ આગળ જવાનું છે.

.

તેં આપી ઊંઘ વર્ષોને કર્યું સાકાર સપનું, પણ-

હવે છોડી દઈ એ ઘર બહુ આગળ જવાનું છે.

.

સડો પેસી જવાનો સહેજ પણ અટકાયું વચ્ચે તો

કિનારાના ફગાવી ડર બહુ આગળ જવાનું છે.

.

શરાફત, ખાનદાની ક્યાં સીમિત છે આ જનમ પૂરતી ?

ઘૂંટી લેજે અઢી અક્ષર બહુ આગળ જવાનું છે.

.

( શોભિત દેસાઈ )

ગઝલ ગુચ્છ-૧૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

ભાંગશે ભવભવની ભાવઠ મોકલું છું,

શબ્દના લે તીર્થ અડસઠ મોકલું છું.

.

કૈંક રાતોએ સિતારાઓ મઢ્યા છે,

એ જ એકલતાનો બાજઠ મોકલું છું.

.

યાદના શ્લોકો ને સ્મરણોની ઋચાઓ,

એ અનાદિ કાળનો મઠ મોકલું છું.

.

પ્રાણને ઈચ્છા કદી ના થાય અમથી,

કોણ પાંચમની કરે છઠ મોકલું છું.

.

ગામ તો “મિસ્કીન” કરીને જાય હિજરત,

જાય ક્યાં કાંઠા સૂકાભઠ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

.

ગઝલ ગુચ્છની “મોકલું છું” રદીફ વાળી ૧૫ ગઝલો આપણે ક્રમશ: માણી. આ ગઝલ ગુચ્છ વિશે રાજેશભાઈ કહે છે છે કે..”આ ગઝલ ગુચ્છની ગઝલો એક સાથે જ આવેલી છે. ૭મી મેની એ રાત હતી જ્યારે પ્રથમ ગઝલ આવી. છેલ્લી ગઝલ લખાઈ ત્યારે મ્હોંસૂઝણું થવા આવ્યું હતું. આ  ગઝલોના કાફિયા ભિન્ન છે. કાફિયાઓથી લઈને સમગ્ર સર્જનપ્રક્રિયા મારે માટે તે રાતે આશ્ચર્યજનક રહી છે. આગ જે લાગી છે ઘટઘટ મોકલું છું. આગ જે લાગી છે નસનસ મોકલું છું. આ બે પંક્તિમાં પુનરુક્તિ દોષ ગણાય. મારી દ્રષ્ટિએ ગમતા દોષ ક્ષમ્ય દોષ છે. આથી રહેવા દીધા છે.”

ગઝલ ગુચ્છ-૧૫ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છેક ક્યાં પહોંચી ગઈ રઢ, મોકલું છું,

ઝળહળે આઠે પ્રહર મઢ મોકલું છું.

.

લાગતું છો સાવ અનપઢ મોકલું છું,

મન અજબ મેરુ સમું દ્રઢ મોકલું છું.

.

જ્યાં અટકશે ત્યાં જ તું ને એ જ કાંઠો,

વ્હાણને છુટ્ટાં મૂકી શઢ મોકલું છું.

.

કાળથી પર ને હજુ અકબંધ છે જે,

એ જ મિસ્કીનપુરનો ગઢ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧૪ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

વાંચજે રેખા ઉકેલી મોકલું છું,

પત્રના બદલે હથેળી મોકલું છું.

.

સાંજ એ સૌને મઢેલી મોકલું છું,

લે ! ગઝલ તાજી લખેલી મોકલું છું.

.

ચોતરફ દોડે છે ઘેલી મોકલું છું,

તોરણો બાંધેલ ડેલી મોકલું છું.

.

બોલવા દેતી નહોતી જે જરાયે,

સાવ મૂંગી છે ચમેલી મોકલું છું.

.

જ્યાં વસું છું હું કોઈ દરવાન પેઠે,

લાગણીની એ હવેલી મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧૩ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

તું જ પકડી પાડજે નસ, મોકલું છું,

ઉડવા માંડ્યા છે રસકસ મોકલું છું.

.

આગ જે લાગી છે નસનસ મોકલું છું,

છે અટૂલું સાવ સારસ મોકલું છું.

.

પીગળે તો આંખ કૈં જોતાંય શીખે,

લક્ષ ચોરાસીનું ધુમ્મસ મોકલું છું.

.

બારણાં-બારી કઈ બાજુ મુકાવું?

અટપટી દીશા દસે-દસ મોકલું છું.

.

રાત આ ટુંકી ને આવે યાદ ઝાઝું,

આખરી શ્વાસોનું વર્ચસ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧૨ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે ગજબની ધૂન બેરખ મોકલું છું,

અલ્પ છે એનેય મબલખ મોકલું છું.

.

ઝળહળે આઠે પ્રહર ચખ મોકલું છું,

સોનવરણી એક પાલખ મોકલું છું.

.

કાલ સુધી આંખનું પાણી હતું એ,

આજ થઈ ચાલ્યું છે અબરખ મોકલું છું.

.

રણ મહીં એણે જ નંદનવન રચ્યાતા,

તું વગર સૂની છે ધખધખ મોકલું છું  .

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧૧ – રાજેશ વ્યાસ “મિસ્કીન “

દોડતી રગ રગ ખુશાલી મોકલું છું,

છે અનોખી રંગ પ્યાલી મોકલું છું.

.

લાગશે સૌથી નિરાલી મોકલું છું,

બારમાસી એક ડાળી મોકલું છું.

.

શું તને ગમશે નથી નક્કી થવું કંઈ,

ચીજ જે દેખાય વ્હાલી મોકલું છું.

.

ના કશી તારે જરૂર તો પણ સ્વીકારે

આ બધું અમથું જ ખાલી મોકલું છું.

.

આંખના ખૂણે ઉભી છે વાટ જોતી,

સાંજની “મિસ્કીન” લાલી મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન “)

ગઝલ ગુચ્છ-૧૦ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

જન્મજન્માંતરની અવઢવ મોકલું છું,

એ જ છે મારો પરાભવ મોકલું છું.

.

છે અહર્નિશ એક ઉત્સવ મોકલું છું,

લે, અઢી અક્ષરનો વૈભવ મોકલું છું.

.

એક ટીપું થઈ અને જાશે સમાઈ,

ઊછળ્યો ભીતર જે અર્ણવ મોકલું છું.

.

…ને, જમીનનો ટુકડો થઈ જાય આંગણ,

એ જ હા હા એ જ પગરવ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૯ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

જેટલું જે કાંઈ અણકથ મોકલું છું;

પહોંચતો મારા લગી પથ મોકલું છું.

.

શું વળી ઈતિ અને અથ, મોકલું છું

મૂળિયા સોતા મનોરથ મોકલું છું.

.

ઓળખાતાં કૈં જ ઓળખવું રહે ના,

પામવા જેવો પદારથ મોકલું છું.

.

એક પળનું પણ હવે છેટું ખપે ના,

મંત્ર ફૂંક્યા અશ્વનો રથ મોકલું છું.

.

કોણ જાણે શુંય ખેડાઈ ગયું છે,

ખેપ છે ખૂશ્બુથી લથબથ મોકલું છું.

.

એક એવી ધૂન છે “મિસ્કીન” મનને,

બસ, બધું લગે જથારથ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )