લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

હું તને પ્રેમ કરું છું

એની માત્ર મને ખબર છે.

પણ તારી કને એકરાર

કઈ રીતે કરવો

એની સૂઝ હજી સુધી

પડતી નથી.

 .

(૨)

રાતના જાગી જાઉં છું ત્યારે

અચાનક ઓશિકાને વળગી

પડું છું.

તું ન હોય તો

શું કરું ?

છે કોઈ જવાબ તારી કને ?

 .

(૩)

ચિતાના લાકડા જેવાં

દરિયાનાં મોજાંઓ :

એના પર કોઈએ

ગોઠવી છે મારી નાવ.

-દરિયો જાણે સ્મશાનભૂમિ.

 .

(૪)

માણસ

સમયને પીંજે છે

ને માણસને પીંજે છે

કાળ.

 .

(૫)

જે વ્યક્તિ

એક વાર આવીને જાય છે

તે પાછી નથી આવતી

અને અગર આવે છે તો

એની એ રહેતી નથી.

 .

(૬)

સપનાં, શબ્દો, પ્રવૃત્તિ, વાસના,

ઈચ્છા, ઝંખના, ઉપાસના, મૌન,

અવકાશ, પગલાઈ, ઓથાર,

પાતળીહવા, નિરાકાર સુગંધ

આ બધાં શબ્દોથી કવિતા થાય,

કે કવિતા જાય ?

 .

(૭)

વાદળોના સરોવરમાં

ચંદ્રની નૌકા

તર્યા કરે…

.

(૮)

હું આંખ મીચું છું

ત્યારે મને

માત્ર તું જ

દેખાય છે.

તું આંખ મીંચે છે

ત્યારે…?!

 .

(૯)

આપણી વચ્ચે

જે અવકાશ

એમાં જ તો આપણો

સહવાસ.

 .

(૧૦)

ચોવીસે કલાક

સાથે ને સાથે રહીએ

તો

વિરહનો આનંદ શું છે

એનાથી

કાયમના વંચિત રહી જઈએ.

 .

( સુરેશ દલાલ )

લઘુકાવ્યો – સુરેશ દલાલ

(૧)

મારી બારીના

આંધળા કાચ પર

રાતે

કોનો પડછાયો

આવ-જા કરે છે ?

.

(૨)

કાગડાને

ભલે મોરના પીંછા પહેરાવો

પણ એ

કેકારવ નહીં કરી શકે.

 .

(૩)

એકલી એકલી

મીણબત્તી બળતી રહી…

અજવાળું પાથર્યાનો

આનંદ લૂંટવાને બદલે

બળતરાની વ્યથા

ઘૂંટતી રહી…

.

(૩)

કોઈ દારૂડિયાએ નશામાં કહેલી

રમૂજ જેવી લાગ્યા કરે છે જિંદગી.

એના મૂળ તો ક્યાંક

કોઈક કરુણ કથા-વ્યથામાં

હોવા જોઈએ…

 .

(૪)

પ્રવાસેથી પાછો ફરેલો હું

એનો એ હોવા છતાં

કૈંક જુદો હોઉં છું.

જળમાં ડૂબકી માર્યા પછી

વિસ્મય ધોવાઈ નથી જતો

પણ કોઈક નવી છાલકનો

ઉઘાડ થાય છે.

 .

(૫)

મારા શબ્દ પરથી

મૌનની ત્વચા

ઉતરડી શકાતી નથી

 .

(૬)

આખી રાત વરસતો

વરસાદ હતો કે

કોઈકનો અશ્રુપાત ?

 .

(૭)

આપણા

જીવનના વનમાં

પશુઓ ત્રાડ પાડે છે

અને

પંખીઓ છૂપ છે.

 .

(૮)

પથ્થરોની વચ્ચે રહીને

રડવાનો

કશો જ અર્થ નથી.

વહેતાં ઝરણાંને માટે

આંસુ સારશું

તો એનું કલનાદમાં

રૂપાંતર થઈ જશે.

 .

(૯)

એક વાર

પાનખરની સાવ સુક્કી

ડાળીને મેં ચૂમી

અને એના પર ફૂલ પ્રકટ્યું

ત્યારે મને પોતાને થયું

કે મારામાં પણ એક

વસંત લપાઈ છે.

 .

(૧૦)

તારે કંઠથી

મારું નામ સરે છે

ત્યારે જેટલું મધુર લાગે છે

એટલું ક્યારેય લાગતું નથી.

 .

( સુરેશ દલાલ )

આથમતી સંસ્કૃતિનો છેલ્લો જ્યોતિ – નાનાભાઈ ભટ્ટ

‘મહાભારત’નાં મૂળમાં શાંતનુની કામવાસના પડેલી જોઈએ છીએ. એટલે જ એના વંશજોનો, કૌરવો-પાંડવોનો નાશા થયો. જ્યારે જ્યારે મોટાં મોટાં સામ્રાજ્યો પડ્યાં છે ત્યારે ત્યાંના લોકો વિષયવાસનામાં, ઉચ્છૃંખલતામાં અને મોજશોખમાં પડી ગયા હોય છે.

 .

પાંડવોના બાર વરસના વનવાસ દરમ્યાન દુર્યોધનના રાજવહીવટમાં લોકો પાંડવોને પણ ભૂલી ગયા હતા. પણ કૌરવોને રાજનીતિમાં એક વસ્તુની ખામી હતી અને તે સ્ત્રીજાતિ પ્રત્યેનો અનાદર. નારી પ્રત્યેના તુચ્છ ભાવમાં જ કૌરવોનો નાશ હતો.

 .

આપણા દેશમાં સાધુપુરુષો તો ઘણા થઈ ગયા છે, પણ અનાચાર થતો જોઈ અંતર વલોવાઈ જાય ને પોકારી ઊઠે કે, ‘આ નહીં જ થઈ શકે’ એવા થોડા હોય છે.

 .

ખરે વખતે જે અંતરથી હિંમતથી માણસે બહાર આવવું જોઈએ, તે ન આવી શકે તેને નવા યુગમાં સ્થાન નથી.

 .

ભીષ્મના પાત્રસર્જન દ્વારા મહાભારતકાર એક એ સત્ય પણ કહે છે કે જૂની સંસ્કૃતિ વિદાય લેતી હોય છે, નવી સંસ્કૃતિ ઊભી થતી હોય ત્યારે તેને થોડો વખત કાંટાની પથારીમાં સૂવું પડે છે. આપણે અત્યારે પણ કંઈક આવી જ દશા ભોગવી રહ્યા છીએ. અત્યારે આપણે આવા ફેરફારમાં થોડી વ્યથા અનુભવી રહ્યા છીએ. પણ એ ફેરફાર આવી જ રહ્યો છે, એમ સમજીને જે એને ઝીલશે તે જ ટકી શકશે, બીજા નહીં.

 .

( નાનાભાઈ ભટ્ટ )

…પ્રવેશું છું ગઝલમાં – લલિત ત્રિવેદી

કવિમિત્રો ! દુઆ કરજો… હુનર લૈને પ્રવેશું છું ગઝલમાં

હું રણઝણતી કલમનો સ્વર મુખર લૈને પ્રવેશું છું ગઝલમાં

.

ઇનાયત હો… કે ખુશનુમા પ્રહર લૈને પ્રવેશું છું ગઝલમાં

હું ઝાકળમય બગીચાની લહર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

નજર કરજો કે રજ સરખી બહર લૈને પ્રવેશું છું ગઝલમાં

કિરણના તંતુ ભીતર રહગુજર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

કવિ કહે છે – ગુપત ! તારી ખબર લૈને પ્રવેશું છું ગઝલમાં

સમય કહે છે – સબદ ! તારી ઉંમર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

ન કેવળ હોમઊંચો નાભિસ્વર લૈને પ્રવેશું છું ગઝલમાં

ઋષિમુનિઓ ! હું ઘર સરખું શિખર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

ઝીણા ઝીણા રદીફોકાફિયા …એથીય મિસરા કૂણેરા

ટગરની પાંખડી ભીતર બસર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

રખે માનોકે કાગળમાં છું નમણી એક મરજાદ પંડિત !

સબર એક શબ્દ માટે ઉમ્રભર લૈને પ્રવેશું છું ગઝલમાં

 .

( લલિત ત્રિવેદી )

કવિ – અજય સરવૈયા

(૧)

કવિ જેવો હોય છે તેવો દેખાતો નથી,

જેવો દેખાય છે તેવો હોતો નથી,

વળી જેવો દેખાવાનો પ્રયત્ન કરે છે

તેવો તો બિલકુલ હોતો નથી.

હોવા અને દેખાવા વચ્ચે ઘણો ભેદ છે

એવું કેટલાક માને છે.

હોવું અને દેખાવું અભિન્ન છે

કેટલાક એવું પણ માને છે.

કવિએ કેવા દેખાવું જોઈએ ?

કવિએ કેવા હોવું જોઈએ ?

કોઈ નથી જાણતું.

 .

(૨)

કવિ શું જુએ છે ? શું દેખાડે છે ?

વસ્તુઓ ને એમના સંબંધો

વ્યક્તિઓ ને એમના સંબંધો

વસ્તુઓ ને વ્યક્તિના સંબંધો

આપણે જે રીતે જોવા ટેવાયેલા છીએ

ને જે રીતે જોવા ટેવાયેલા નથી

કવિ એ જુએ છે

એ દેખાડે છે

જે છે એના જે નથી સાથેના સંબંધો

જે નથી એના જે નથી સાથેના સંબંધો

 .

( અજય સરવૈયા )

ત્યાં જવું છે – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાહ મારી હું જ જ્યાં જોતો નિરંતર ત્યાં જવું છે,

હું અને કુદરત અને જ્યાં માત્ર ઈશ્વર ત્યાં જવું છે.

 .

ને શિખર, કેડી મહેકતાં જંગલો-ઝરણાં ઊછળતાં,

ના તસુભરનુંય લાગે કોઈ અંતર ત્યાં જવું છે.

 .

મૌન કેવળ મૌન ધબકારા હૃદયના સંભળાતા,

ને સ્વયમ હોવા પણું થઈ જાય અવસર ત્યાં જવું છે.

 .

લાગણીનું, ભાવનું, સ્પંદનનું ચલણી માત્ર નાણું,

કામ ના આવે કશી સમજના કે અક્ષર ત્યાં જવું છે.

 .

કોઈને ના કોઈની સ્હેજે પડી સૌ મસ્ત ખુદમાં,

એકસરખા હોઈએ જ્યાં બ્હાર-અંદર ત્યાં જવું છે.

 .

ને ઘણીયે વાર ઘર છોડી અને જાવા ચહું ત્યાં,

રોકતાં ને પૂછતાં આ દ્વાર-ઊંબર, ક્યાં જવું છે ?

 .

( રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ )

મળ્યા’તા – હર્ષ બ્રહ્મભટ્ટ

કૈંકને મૂર્તિમહીં પથ્થર મળ્યા’તા,

કૈંકને રસ્તે જતાં ઈશ્વર મળ્યા’તા.

 .

ને પછી અંતર રહ્યાં જન્મોજનમનાં,

જેમની સાથે અહીં અંતર મળ્યા’તા.

 .

સાવ સાચા લાગતા માણસ કનેથી,

સાવ ખોટા ઉમ્રભર ઉત્તર મળ્યા’તા.

 .

રોજ ઝગડી છેવટે છૂટા પડ્યા જે,

બેઉ જણના ખૂબ જન્માક્ષર મળ્યા’તા.

 .

ઊજવ્યા સૌએ ભરીને રંગ મનના,

એકસરખા સર્વને અવસર મળ્યા’તા.

 .

( હર્ષ બ્રહ્મભટ્ટ )

ડાળ મારી – ખલીલ ધનતેજવી

ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,

ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.

 .

કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,

જે દશા તારી થઈ  છે એ દશા મારી નથી.

 .

જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,

એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.

 .

મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,

આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.

 .

પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,

જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.

 .

તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,

દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.

 .

દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,

ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.

 .

( ખલીલ ધનતેજવી )

માણસની વસ્તી – અશરફ ડબાવાલા

માણસની વસ્તી જોને મને છોડતી નથી,

મારીયે હસ્તી જોને મને છોડતી નથી.

 .

હું બંદગી કરું તો કરું કેમ કોઈની ?

આ લયપરસ્તી જોને મને છોડતી નથી.

 .

ઊડવાથી પર થવાનાં છે કારણ અનેક પણ,

પાંખો અમસ્તી જોને મને છોડતી નથી.

 .

નહિતર તો માહિતીના શિખર પર બિરાજું છું,

જૂની આ પસ્તી જોને મને છોડતી નથી.

 .

અશરફ ! હું કેમ પહોંચું ચરણની સીમા સુધી ?

પગલાંની મસ્તી જોને મને છોડતી નથી.

 .

( અશરફ ડબાવાલા )

પ્રાર્થના – સુરેશ દલાલ

અમે તારી પાસે માગીમાગીને માગીએ છીએ શું ? અમે અશક્તિમાન છીએ અને તું શક્તિમાન. એથી તો તું ભગવાન. અમારી નિર્બળતાને અમે બરાબર જાણીએ છીએ. હે પ્રભ ! તું અમને મન-વચન-કર્મની એકતા આપ. અમારામાં અસંખ્ય વિરોધો અને વિરોધાભાસો છે. અમને સંવાદિતા આપ-પછી પવિત્ર શાંતિ અને શાંત પવિત્રતા આપોઆપ પ્રકટશે. અમારો ચહેરો સોનાનો હોય અને પગ માટીના હોય એ અમારાથી સહેવાતું નથી. તું અમને માટીપગા ન બનાવ. તારે રસ્તે ચાલીએ એવું અમારા ચરણમાં બળ આપ-અને તારે રસ્તે યાત્રા કરતાં કરતાં ચહેરો સુવર્ણનો થતો જાય અને અમે જ અમારા આકાશમાં તારો સૂર્ય થઈને પ્રકટી શકીએ એવી શક્તિ-ભક્તિ આપ.

 .

તારા વિના હરું છું, ફરું છું, હળું છું, ભળું છું, આ સંસારમાં મોકળે મને મહાલું છું, લાખ લોકના ટોળામાં ટોળાઉં છું, ખુશીનાં ગીતો ગાઉં છું-પણ કોણ જાણે કેમ એ ઉપરછલ્લું લાગે છે. મને પણ ખબર ન પડે એમ તું ક્યાંક ભીતર પ્રવેશી ચૂક્યો છે. એકાદ ક્ષણ તારી ઝાંખી થઈ છે. એકાદ ક્ષણ તારી ઝલક જોઈ છે. પછી મારી આંખ તને બધે જ શોધ્યા કરે છે. મારી આ શોધ ચાલ્યા જ કરે છે. મને લાગે છે કે તારી આ તલાશ એ કદાચ મારી પ્રાર્થનાનું સ્વરૂપ જ હોય. હું મને પૂછ્યા કરું છું કે આ બધું છે શું ? તું મને મળશે ક્યારે ? પ્રશ્ન થઈને આવતી મારી પ્રાર્થના તારા મહેલના સુવર્ણ દરવાજાને પણ પહોંચે છે ખરી ?

( સુરેશ દલાલ )