ચાંદરણા (૮) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ જીવનભર પાળવાનો વહેમ પણ હોય !

 .

પ્રેમનો લય તો અભિસારિકાના પદરવમાં હોય છે !

 .

પોતામાં સંતાયેલો અજાણ્યો પુરુષ ઓચિંતો પ્રગટ થઈ જાય તે પહેલો પ્રેમ !

 .

પ્રેમનો સંકોચ ? ઊઘડેલું ફૂલ ફરી કળી થવાનો નિષ્ફળ પ્રયત્ન કરે તે !

 .

ઝરણું અને પ્રેમ, પોતે જ પોતાનો માર્ગ કરી લે છે.

 .

સામેની આંખો પ્રતિબિમ્બ ઝીલે તો કોઈ અરીસા પાસે જતું નથી.

 .

પ્રેમમાં સાત તાળી પણ સપ્તપદી થઈ જાય છે.

 .

પ્રેમ હિમાલય છે, અને પહાડ સિસોટીનો પડઘો પાડતો નથી.

 .

શુદ્ધ અંતર માટે પારદર્શક આકાશ પણ અસહ્ય બની જાય છે.

 .

પ્રેમમાં મુઠ્ઠી વાળે છે તે આંગળીના ટેરવાનો સ્પર્શ રોમાંચ ગુમાવે છે.

 .

પ્રેમ એ જળમાં વિસ્તરીને પોતે જ મટી જતું વર્તુળ છે.

 .

પ્રેમનું સૌંદર્ય અરીસાના માપનું નથી હોતું !

 .

કાંટા ખેરવી નાખ્યા વિના પ્રેમ ‘કેવડિયો’ થઈ શકે નહીં.

 .

પ્રેમ પોતે જ વાસંતી સૌંદર્ય અને મહેક હોય છે.

 .

પ્રેમ હોય ત્યાંથી જ વિસ્તરે છે, તે આવ-જા કરતો નથી !

 .

પ્રેમ એવો મહેમાન છે, જે ઘરમાલિક થઈ જાય છે !

 .

પ્રેમ હોય છે પ્રાકૃતિક, પણ તેણે સાંસ્કૃતિક થવું પડે.

 .

પાત્રો બદલાય છે ત્યારે પ્રેમ નાટક થઈ જાય છે.

 .

હિંચકો અને પ્રેમ, બે જ દિશામાં આવ-જા કરે છે !

 .

પ્રેમનું સ્મિત બીજરેખા પાસે હોય છે, પૂર્ણચંદ્ર પાસે નહીં !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૭) – રતિલાલ ‘અનિલ’

‘વિરહ’ એ ‘નિકટની દૂરતા’નું નામ છે !

 .

પ્રેમના ઈંડાનું કવચ અંદરની ચાંચથી ભેદાય, ફૂટે !

 .

પ્રેમની પ્રતિક્રિયા પણ પ્રેમ જ હોય છે !

 .

પ્રેમપત્ર પર થયેલી સહી અવાચ્ય હોય તો યે વંચાય છે.

 .

પાણી ઢોળાવે,પ્રેમ સમાન સપાટીએ સરે છે.

 .

પ્રેમનાં તંતુ, વીણાના તંતુ હશે ? એમાંયે સ્પર્શ, ‘ઝંકાર’ બની જાય છે !

 .

પ્રેમ સુ-સંગત હોવાથી ‘અંગત’ હોય છે !

 .

પ્રેમીની ગુડબુકમાં માત્ર એક જ સરનામું હોય છે.

 .

આંસુ : પ્રેમ પણ કોઈવાર લિકવિડ પર ઊતરી જાય છે !

 .

પ્રેમ અને ઝરણું ખૂટ્યા વિના વહ્યા કરે છે.

 .

વિરહમાં જે બાદ થયું હોય તે જ શેષ રહે છે !

 .

વિરહ એ નજીકની દૂરતા અને દૂરતાનું સામિપ્ય હોય છે.

 .

પડછાયો માપ્યા કરે છે તે આકારને પામી શકતો નથી.

 .

પ્રેમ એ કરવા જેવું ‘પેન્ડિંગ કામ’ છે !

 .

એક નામ ન હોય તો ભરેલી ડાયરી પણ કોરી લાગે…

 .

પ્રેમ એક રહસ્ય છે તે ન ઉકેલાવાનો મધુર અજંપો પણ છે.

 .

પ્રેમ આંધળો નથી હોતો, બંધ આંખે જોતી દિવ્ય દ્રષ્ટિ હોય છે.

 .

પ્રેમનું શિક્ષણ પ્રતીક્ષાની ધીરજના પાઠથી શરૂ થાય છે.

 .

પ્રતીક્ષા ખાલી બારીને જીવતી ફોટોફ્રેમ બનાવી દે છે.

 .

પ્રેમ એ બંધ કળીમાં ગુપ્ત રહેલી સુવાસ જેવી અંગતતા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૬) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ કહે છે કે અવકાશની ટોચે શિખર હોય છે !

 .

પ્રેમ પ્રેઝન્ટ જ હોય છે, પણ આઈટેમ હોતો નથી.

 .

પ્રેમ એ અનુભૂતિ છે, કોઈ દૈવી અનુષ્ઠાન, ક્રિયાકાંડ નથી.

 .

પોતામાં ન હોવાની સ્થિતિ પ્રેમ માટે અવકાશ રચે છે.

 .

પ્રેમ એક અર્થ છે, તે અર્થ છાયાની શીતળતા પણ છે.

 .

પ્રેમ વમળને પાણી પર રચેલો સાથિયો બનાવી શકે છે.

 .

પ્રેમ અને પ્રકાશને કહેવું પડતું નથી કે અમે શું છીએ.

 .

પ્રેમ એ કોઈ રાગ નહીં, મૂંગો લય હોય છે.

 .

ઔપચારિકતા પ્રેમને પણ કર્મકાંડી બનાવી દે છે.

 .

સોની વીંટી ઘડી રહે ત્યાં સુધી પ્રેમ થોભતો નથી.

 .

પ્રેમ ગોરંભાયેલું આકાશ વરસે એની અધીર પ્રતીક્ષા કરે છે.

 .

પ્રેમ તો સાગરમંથન કર્યા વિના મળી શકે એવું અમૃત હોય છે.

 .

શૂન્યમાં શૂન્ય ઉમેરવાથી તે એકનું બે થતું નથી. સઘન પ્રેમ ઉમેરાતા બેના એક થાય છે !

 .

પ્રેમમાં મૂંગું રહેતું હૃદય ધબકારાની ભાષામાં બોલે છે.

 .

આંખો આવકાર આપતી હોય તો જીભ શું કામ ‘વેલકમ’ બોલે !

 .

વિરહનો પ્રેમપત્ર ‘મેઘદૂત’ના પાનાં વચ્ચે દબાયેલો છે.

 .

‘મેઘદૂત’ નહીં, એનાં પાનાં વચ્ચે છુપાવેલો પ્રેમપત્ર ફરી ફરી વંચાય છે.

 .

પ્રેમના પ્રકાશમાં માત્ર એક જ દિશા દેખાય છે.

 .

પ્રેમ, બેઠો બેઠો ઉછળે છે, ચાલે છે તો દોડે છે !

 .

પ્રેમ, વિસ્તરવા પહેલાં કેટકેટલો સંકોચ અનુભવે છે !

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૫) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ પ્રભાતનું નહીં, મધ્યાહ્નનું ઝાકળ હોય છે.

 .

પ્રેમમાં આકૃતિઓ ઓગળી જઈને અનુભૂતિ બની જાય છે.

 .

પ્રેમ એ ઉંઘમાં નહીં, યૌવનની જાગૃતિમાં આવેલું સ્વપ્ન છે.

 .

પ્રેમ એવો અદમ્ય ઉમળકો છે કે સાગર સરિતાને મળવા જાય છે !

 .

પ્રેમ એ આકાશના પ્રતિબિંબને આત્મસાત કરવા અરીસો બનતું શાંત સરોવર છે.

 .

વીજળીની ચપળ ગતિ અને પહાડની અચળતાનો સંગમ તે પ્રેમ !

 .

પ્રેમની માટી એક કૂંડામાં મોગરા અને જૂઈને ઉછેરે છે.

 .

પ્રેમપત્ર પાછો ફરે તો યે સરનામું બદલતો નથી.

 .

પ્રેમ એટલે એકોક્તિનું સંવાદ અને સંવાદનું એકોક્તિ થવું.

 .

નજીકના પ્રેમમાં દૂરનું વાત્સલ્ય હોય છે.

 .

પ્રેમ અને પુષ્પ અલંકાર છે, અસ્તિત્વ પણ છે.

 .

પ્રેમ એવી કોયલ છે, જે એક જ માણસ સાંભળે એવું ટહૂકે છે.

 .

પ્રેમ એ અરણ્યનું ઉદ્યાનમાં રૂપાંતર કરવાની જીવનકળા છે.

 .

આંસુ અંગત હોય છે, પ્રેમ તેને સહિયારાં બનાવે છે.

 .

સમય પ્રેમને શાંત કરે છે, ઘરડો કરતો નથી.

 .

સઘન થયે જતો પ્રેમ ઓછાબોલો થતો જાય છે.

 .

પ્રેમનું કોઈ લેખિત કે વાચિક બંધારણ હોતું નથી.

 .

ડિક્ષનરીના શબ્દો પ્રેમમાં નવા નવા અર્થો પામે છે.

 .

પ્રેમ દેવતાઈ હોય તો યે માણસના સ્વરૂપેજ હોય.

 .

પ્રેમ થોભે છે : મૂંઝાય છે : ધરતી સર્જું કે આકાશ ?

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૪) – રતિલાલ ‘અનિલ’

સંબંધોમાં વસતું એકાંત ‘સંસ્કારી’ હોય છે.

 .

સ્મિત કરે છે તેને હાથ લંબાવવાની જરૂર પડતી નથી !

 .

સગપણ હોય એટલે વળગણ તો હોય જ !

 .

પારદર્શક હોય તેને પડછાયો હોતો નથી.

 .

માણસ રોજ રોજ ઊંઘે ત્યારે એકવાર આથમે છે.

 .

એકાંત, એક ચોરાયેલું નામ ઉકેલવા મથ્યા કરે.

 .

ગુસ્સો : મારી બહાર હું !

શરમ : મારી અંદર હું !

 .

અજાણ્યા રહેવા માટે હવે ગુફામાં નહીં, સમાજમાં રહેવું પડે છે !

 .

માણસોને ફૂલ ખરીદવા માટે કોઈના મૃત્યુની રાહ જોવી પડે છે !

 .

છેલ્લાં આંસુ સૌની પાસે અનામત હોય છે.

 .

દરેક આંસુને એક ખાનગી સરનામું હોય છે.

 .

હોઠને એકબીજાનો દ્રઢ સ્પર્શ ગમે તે “મૌન” કહેવાય !

 .

પોતે જીર્ણ કરેલું પોતે જ રફુ કરવું એ જીવન છે.

 .

ગાલ પર પહોંચતા આંસુનું સરનામું બીજું જ હોય છે.

 .

સરનામા વગરની ટપાલ સૌને માટે હોય છે !

 .

જીવવું એટલે જોડામાં કાંકરો રાખીને ચાલવું…

 .

જીવતો માણસ અંધારામાં રહી ગયો એટલે એના મુર્દા પાસે દીવો કર્યો !

 .

વસંતને બારમાસી થવાનું મન થયું ને પ્રેમ થયો !

 .

પ્રેમ જાદુ નથી, એક જ ફૂલને ગુલદસ્તો બનાવી દેતી કળા છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૩) – રતિલાલ ‘અનિલ’

ધીરજનાં બારણાં રાત્રે પણ ખૂલ્લાં રહે છે.

 .

બીજા વાવટા ફરકાવે એ માટે આપણે કાપડ વણવાનું છે.

 .

આશા કબરની માટીને કહે છે, બહાર સૂર્ય છે.

 .

કબર ખોદનારને પોતાના ભવિષ્યની જાણ હોવી જોઈએ.

 .

પ્રશ્ન એ નથી કે ઈશ્વર આળસુ છે, પ્રશ્ન એ છે કે સેતાન કામ કરે છે.

 .

પરપોટાની વોર્નિંગ છે, સમય છે, મારામાં મોઢું જોઈ લ્યો !

 .

ઊંઘમાં સરવાળો કરનારની પણ બાદબાકી થઈ જાય છે.

 .

પવન ધૂળને વહેણ, વંટોળોયો વમળ બનાવે છે.

 .

ખાલી થયાની અનુભૂતિ ચાના કપને ગરમ રાખે, માણસને નહીં.

 .

ખાનગીમાં પયગમ્બર થશો તો તમને કોઈ શૂળી પર નહીં ચડાવે !

 .

માણસ તો પોતાના વિના પણ ચલાવી લે એવો સગવડિયો છે.

 .

ખોળો પાથરવા પહેલાં લાલ જાજમ પાથરવી પડે છે !

 .

કબર એવું ઢાંકણ છે, જે ઉઘડતું નથી.

 .

માણસ ઉંબરને ઓળંગ્યા વિના પોતાને ઉલ્લંઘી જાય છે.

 .

તમારા અનુસંધાનોને તમે સંબંધો કહો છો !

 .

બારણાં બંધ કરવાથી જગત કંઈ બહાર રહી જતું નથી.

 .

સુખનું પડીકું હોય કે પારસલ – તે ખૂટી જ જાય છે.

 .

છેલ્લી સાન ન આવે એ અવસાન કહેવાય.

 .

દરેક ચાલતો માણસ કશાકમાં રોકાયેલો, અટકેલો હોય છે.

 .

છાપરું તૂટતું નથી, ઉપરવાળા પરનો ભરોસો તૂટે છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૨) – રતિલાલ ‘અનિલ’

મારા કેટલાક અસ્વીકારે મારા હાથ ચોખ્ખા રાખ્યા છે.

 .

હાથમાં બીજાનો હાથ હોય ત્યારે તે પ્રેમી નહીં, તો જોશી હોય.

 .

સ્મૃતિ ભૂતકાળના દોરા પર ભવિષ્યનો પતંગ ચગાવે છે.

 .

સંપ્રદાયોથી ધર્મ થીંગડાવાળા પિતામ્બર જેવો લાગે છે.

 .

માણસ વસ્તુ જેવો હોય તો પછડાય છે, પણ પસ્તાતો નથી !

 .

પોતાની બહાર પોતાને શોધનારને બીજો માણસ જ મળે છે.

 .

વાંચો ત્યારે પોતાને શબ્દોથી નહીં, અર્થથી ભરો !

 .

માણસ હાડપિંજર ન હોય તોયે ‘ખોપરી’ હોઈ શકે છે.

 .

દુનિયા ક્યારેય સારી નહોતી, દરેક વખતે માણસો સારા હતા.

 .

પાણી પડે છે, પછડાય છે અને ઘાયલ થયા વિના ચાલવા માંડે છે.

 .

પાણી બરફ બને તો યે તેને પાણી રહેવું જ ગમે છે.

 .

માણસ ચાલે છે ને કહે છે : માથા પરથી આકાશ જાય છે.

 .

કોરા આંસુ લૂછવા માટે માણસ જ રૂમાલ થઈ શકે.

 .

સંપ્રદાયની તિરાડ કહે છે કે હું ઈશ્વરનું પ્રવેશદ્વાર છું.

 .

યમરાજા, માણસનું સરનામું બદલવા માટે જ અઅવે છે.

 .

આંગળા, આંગળા સાથે જ રમે ત્યાં સુધી સારું હોય છે.

 .

થાંભલાનું પહેલું કામ પોતાનો ભાર ઊંચકવાનું હોય છે.

 .

ઈશ્વરના હાથમાં ઘૂઘરો આપવો હોય તો એમને કાનુડો બનાવવા પડે.

 .

મોંઘા ધૂઘરામાં કાંકરા સસ્તા જ હોય છે.

 .

દિવાળી દૂર હોય તો પણ દીવો દૂર ન હોવો જોઈએ.

 .

( રતિલાલ ‘અનિલ’ )

ચાંદરણા (૧) – રતિલાલ ‘અનિલ’

ratilal_anil_2

.

બહારના અંધકાર માટે બારીની તિરાડ પ્રવેશદ્વાર બનતી નથી.

 .

સ્વપ્ન એ અંધકારના અરીસામાં પડતું પ્રતિબિંબ છે.

 .

કેટલાક પોતે થાકે છે, કેટલાકનું મૃત્યુ થાકે છે.

 .

કોરી સ્લેટને હથેળી પણ કહી શકાય.

 .

કોઈવાર બેડી જ બે હાથને નજીક લાવે છે.

 .

દીવાના પૂમડા અને અત્તરના પૂમડા વચ્ચે પસંદગી કરવાની છે.

 .

મૃત્યુની દિશા બદલાય, પણ મસાણની દિશા ન બદલાય.

 .

પોતીકી ફૂંક ન હોય તો વાંસળી વાગતી નથી.

 .

માણસે પહેલા ભિક્ષાપાત્ર ઘડ્યું પછી પ્રાર્થના રચી !

 .

કેટલી બધી માંદગીના વિસામે થાક ઉતાર્યા પછી મૃત્યુ આવે છે.

 .

મારા બધા હસ્તાક્ષરો ચેકબુકની બહાર છે.

 .

છેલ્લી સફર એટલે પોતાના જ બારણેથી પોતે પાછા ફરવું.

 .

ચિત્તમાં સમગ્ર વિશ્વ હોય તો કોઈપણ માણસ ટાપુની નાળિયેરી નથી.

 .

જ્ઞાનની જેમ અજ્ઞાન પણ કોઈ ખીંટી પર ટીંગાયેલું હોય છે.

 .

પોતાની આંખે પોતાને જોવામાં અરીસો મદદ કરતો નથી.

 .

મારાં આંસુમાં દરિયો નથી, મારું લૂણ છે.

 .

જીવનમાં નથી એટલાં માનાર્થે બહુવચન ભાષામાં છે !

 .

હિમાલય ગંગામાં સ્નાન કરવા પડે તો ગંગા જ ન રહે.

 .

અવાચ્યને વાંચવા માટે માણસને અંતરની આંખ મળી છે.

 .

હવે દરેક લસરકો એક ઉઝરડો બની જાય છે.

 .

( રતિલાલ ‘અનિલ’ )

અલવિદા રતિલાલ ‘અનિલ’…

Anil

.

Ratilala Mulchand Roopawala 'Anil' 23/02/1919 - 29/08/2013

Ratilala Mulchand Roopawala ‘Anil’
23/02/1919 – 29/08/2013

.

વિખૂટા પડેલા બધા શે’ર મારા,

હવે શેષ હું માત્ર મક્તો રહું છું.

*

કેવી અજબ સુવાસ છે, તારા ગયા પછી,

જાણે તું આસપાસ છે, તારા ગયા પછી;

સૂરજ તપે છે તે છતાં, જાણે વસંત છે,

તારી હવામાં શ્વાસ છે, તારા ગયા પછી.

*

તપીને તાપમાં હું ઘેર આવ્યો તો વળી શાંતિ,

હતું વ્યાકૂળ તો યે શાંત મન મારું થયું કેવું !

મહક પામી નીરવતાની હૃદય ઘેલું પૂછી બેઠું :

‘ઘડી પ્હેલાં સૂના ઘરમાં તમે આવી ગયાં’તાં શું ?’

*

વાદળને પેલે પાર કંઈ ઝાંખો ઉજાસ છે,

સૂરજના માત્ર ભાસથી શ્રાવણ ઉદાસ છે;

ભીના વસનનો આભમાં પરદો કરી દીધો,

શ્રાવણ નથી, આ સૂર્યનો એકાંતવાસ છે !

*

હૃદયના હોય છે સંબંધ તે નશ્વર નથી હોતાં,

મળ્યાં કેડે જુદાં થઈ જાય તે અંતર નથી હોતાં;

પ્રણય તો જિંદગી છે ને વળી તે પણ સનાતન છે,

પ્રણયની ક્ષણ નથી હોતી, તે સંવત્સર નથી હોતા !

*

આમ તો સૂરતનો કહેવાતો રહીશ,

કોઈ પૂછે તો વળી ‘સૂરતી’ કહીશ !

મારે તો ચાલ્યા જવું છે હે ગઝલ !

તું કહેશે તો વળી થોભી જઈશ.

*

પ્રવાસે તો મળ્યાં’તાં કૈંક ફૂલો,

નથી એવું, ચમન ચૂકી ગયો છું;

અનુભવ યાદ કંઈ એવા રહ્યા છે :

ફૂલોનાં નામ હું ભૂલી ગયો છું !

*

ઈશ્વર કને ય જાઉં પણ માણસ મટું નહીં,

ઓળંગી જાઉં હું મને તો પણ રહું છું પાળ,

એ પણ મને મળે છતાં ઈશ્વર મટે નહીં,

ઊતરે છે ખીણમાં છતાં શિખરે રહે છે ઢાળ.

*

મને કેફ આ જિંદગીનો કહે છે :

હું દીઠા પછી યે રહસ્યો રહું છું !

અને આ જુઓ ખેલદિલીયે મારી,

હું પીધા પછી યે તરસ્યો રહું છું !

.

( રતિલાલ ‘અનિલ’ )

પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હે નાથ,

અમારી અપૂર્ણતા સાથે અમને સ્વીકારો, તારી અખંડતાના ઓજસ આંખે આંજીને અમારી નગણ્યતાને અમે ઓળખી શકીએ એવી નમ્રતામાં અમને જગાડો અને જીવાડો.

તારા અમીવર્ષણમાં અમે આનંદે છલોછલ થઈએ એવી વિશાળતાનું અમને વરદાન હો, હે દેવ !

પ્રસાદ

નિરાકાર એ નિત્ય, નૂતન, અખંડ નર્તનની દિવ્ય આનંદ અનુભૂતિ, સીમામાં બાંધી ન શકાય તેવી સંપૂર્ણ હૃદયસ્પંદના.

(૨)

હે નાથ,

તું સર્વત્ર, તારાથી બધું જ સભર એવી શરણાગતિ સાથે સર્વને હૃદયમાં સમાવી શકીએ અને સંતોષમાં સજાવી શકીએ એવા આચરણમાં અમને દોરી જાઓ. તારું જ તને અર્પણ કરીએ છીએ એવી આનસક્તિમાં અમે આનંદીએ એવા ઉજાસમાં અમને સ્થિર કરી દો, હે દેવ !

પ્રસાદ

જડેલું જીવે એ જીવ, જડેલું જ્યાં જાહેર થાય એ જગત અને આ બન્નેને જે જીરવે, જાળવે અને જીવાડે એ જગદીશ.

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )