Tag Archives: ગુજરાતી કવિતા

મોસમની વાત-ડો. નીલા જાની

મોસમની વાત મને એટલી ગમે કે,

થાય રોજ રોજ હો નવી મોસમ.

મારે શું ખોટ? તારાં વાત ને વિચાર

મારા હૈયાને મન નવી મોસમ.

વર્ષા, વસંત ને હેમંતબધીયે

તારી નજરૂનાં આછા અણસાર;

તારી બે આંખો તો ચાંદો સૂરજ

એને વશ થઈ ઘૂમે સંસાર.

રોજ મારી આંખોમાં તું નજરૂ પરોવે,

ઊગે હૈયામાં રોજ નવી મોસમ.

બળબળતા વૈશાખે, ભડભડતા તાપમાં

શ્વાસ તારો ચંદન થઈ મહેંકે;

તારો પ્રશ્વાસ હું શ્વાસમાં લઉં ને મારે

રોમ રોમ ચંદન વન મહેંકે.

તારું એકાંત કે તારું મિલન બધું

તારું; મન મારે; નવી મોસમ.

( ડો. નીલા જાની, રાજકોટ )

પત્ર….અત્ર-યજ્ઞેશ દવે

સાંજ પડ્યે

થાક્યો પાક્યો ઘેર આવું છું.

ડેલી ખોલીને જોઉં છું.

આજે તો કોઈનો પત્ર હશે જ

પણ…

લથડતા પગે બારણું ખોલવા જાઉં છું

ત્યાં જ ફળિયામાંના પીપળાનું

એક નકશીદાર પાંદડું ખરીને પડે છે.

સાવ મારા પગની પાસે જ !

 

( યજ્ઞેશ દવે )

તું મૈત્રી છે-સુરેશ દલાલ

તું વ્રુક્ષનો છાંયો છે, નદીનું જળ છે

ઊઘડતા આકાશનો ઉજાસ છે;

તું મૈત્રી છે.

તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે

તું પ્રવાસ છે સહવાસ છે:

તું મૈત્રી છે.

તું એકની એક વાત છે, દિવસને રાત છે

કાયમી સંગાથ છે:

તું મૈત્રી છે.

હું થાકું છું ત્યારે તારી પાસે આવું છું

હું છલકાઉં છું ત્યારે તને ગાઉં છું

હું તને ચાહું છું:

તું મૈત્રી છે.

તું બુધ્ધનું સ્મિત છે, તું મીરાંનું ગીત છે

તું પુરાતન તોયે નૂતન અને નીત છે

તું મૈત્રી છે.

તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે

તું અહીં અને સર્વત્ર છે:

તું મૈત્રી છે.

તું સ્થળમાં છે: પળમાં છે:

તું સકળમાં છે અને તું અકળ છે

તું મૈત્રી છે.

( સુરેશ દલાલ )

Happy  Friendship  Day

દરિયાના પાણીની છાલક – અરૂણ દેશાણી

દરિયાના પાણીની છાલક લાગેને પછી દરિયો ભરાય મારી આંખમાં,

દરિયા જેવો હું પછી દરિયો થઈ જાઉં અને મોજાંઓ ઉછળે છે હાથમાં.

લીલ્લેરાં સપનાંઓ છીપલાં બનીને

મારી આંખોની જાળ મહીં આવે,

ઊછળતાં મોજાંનાં ફીણ મારી કાયાને

હળવેરા હાથે પસવારે,

ભાળે નહીં કોઈ એમ હલ્લેસાં સઘળાંયે ભીડી દઉં છું મારી બાથમાં.

ઘૂઘવતા સાગરના પાણીનો સંગ

અને ઘૂઘવતા સાગરની માયા,

કાંઠાની સોનેરી રેતીનો રંગ

અને સોનેરી રેતીની કાયા,

મારામાં ઊછળતો દરિયો વેરાય પછી ઊંબર-ફળીને આખા ગામમાં.

( અરૂણ દેશાણી )

મારો સમય-હર્ષદ ત્રિવેદી

મારો સમય તમારી પ્રતીક્ષા બની ગયો  

હું તો હજી ઊભો જ છું રસ્તો વહી ગયો 

એથી તો મારા લોહીમાં લીલી વ્યથા વહે 

ગુલમ્હોરને હું આંસુની સાથે જ પી ગયો  

તારા સ્મરણની એક ક્ષણ ટહુકી ઊઠી અને-  

ઘરની સફેદ ભીંત પર થાપો પડી ગયો  

મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ  

એક ખાલી નાવ સોંપીને, પાછો ફરી ગયો  

અગ્નિપરીક્ષામાંથી તો થઈ ગઈ પસાર પણ  

આ મારી લાગણીને ધુમાડો નડી ગયો.

 

( હર્ષદ ત્રિવેદી )

સમુદ્ર-સિતાંશુ યશચંદ્ર

 દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો

તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે

મેં વડવાનલના પ્રકાશમાં પાણી જોયા છે.

આગ અને ભીનાશ છૂટા પાડી ન શકાય.

ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું

ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય

હું મરજીવો નથી

હું કવિ છું

જે છે તે છે કેવળ મારી આંખોમાં.

( સિતાંશુ યશચંદ્ર )

અમે મળીએ-ઉત્પલ ભાયાણી

અમે મળીએ છીએ ત્યારે

માત્ર વરસાદની મોસમ હોય છે

અને અમે મન મૂકીને પલળીએ છીએ

ગ્રહો બહુ જ નબળા થઈ જશે ત્યારે

કે બિલાડી આડી ઊતરશે ત્યારે

કે ડાબી આંખ ફરકશે ત્યારે

વીજળી અમારા પર ત્રાટકશે જ

પણ એથી પલળવાનું થોડું જ ગુમાવાય છે !

( ઉત્પલ ભાયાણી )

 

તરવાના થાકનો-પ્રીતિ સેનગુપ્તા

તરવાના થાકનો

માછલીને

વિચાર જ ક્યાંથી હોય? 

પંખીને તે વળી

ઊડવાનો કંટાળો?

મને તો એ જ ડર છે

કે પૂછ્યા વગર,

વિચાર્યા વગર,

શ્વાસ લેવાનો ભાર લાગતો હશે

એમ માનીને

કોઈ

મને અટકાવી દે તો?

( પ્રીતિ સેનગુપ્તા )

મારી આંખોમાંથી-કપિલા મહેતા

મારી આંખોમાંથી

બહાર ધસી આવતાં આંસુઓ

ત્યાં જ અટકો.

પાછા આંખોની બખોલમાં લપાઈ જાઓ.

તમે ક્યાં અષાઢનાં મેઘબિન્દુ છો?

અહીં કોઈ ચાતક તમને આવકારશે નહીં

તમે ક્યાં સ્વાતિ નક્ષત્રનું જળબિન્દુ છો?

અહીં કોઈ છીપલાં મોતી બનાવશે નહીં

તમે ક્યાં હળધરની આંખનો વિસામો છો?

કોઈ રોપાઓને તમારી જરૂર નથી.

એટલે જ કહું છું:

મારી આંખનાં આંસુઓ

પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.

( કપિલા મહેતા )

લખ મને-દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,

જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મ્સ ફક્ત બધે,

તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,

તારા જ અક્ષરો વડે ઝગડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,

અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,

ક્યાં ક્યાં પડ્યાં છે તારાં એ પગલાંઓ લખ મને !

( દિલીપ પરીખ )