બે ઘડી નવરાશ – પરાજિત ડાભી

.

આમ જુઓ તો નગર આ ભીડનો સૈલાબ છે.

બેઘડી નવરાશ જાણે એક સુંદર ખ્વાબ છે.

 .

 માણસો પણ હાથમાં ઘોંઘાટનાં પથ્થર લઈ,

મૌનનાં આ શીશમહેલો ફોડવા બેતાબ છે.

 .

કાફલાને ગુમ કરી ખુદ મંઝિલે પહોંચી ગયા,

નાખુદા થઈને ફરે છે એમને આદાબ છે.

 .

 ફૂલ કાગળનાં અને ખુશ્બૂ બધી અત્તર તણી,

આમ જુઓ તો ભરેલી, આમ ખાલી છાબ છે.

 .

 શ્વાસ છૂટે એ પછી માણસ નહીં, મડદું રહે,

જિંદગીનાં દબદબા પર મૌતનો રુઆબ છે.

.

( પરાજિત ડાભી )

મારા ઘરની બારી બહાર – પન્ના નાયક

.

મારા ઘરની બારી બહારનું વૃક્ષ

હવે

પાનખરનાં એંધાણ આપે છે.

એ વૃક્ષનાં

અડધાં લીલાં, અડધાં પીળાં

ને

વધુ તો રતુંબડાં પાંદડાં

તડકામાં લહેરાય છે.

પવન આવે ત્યારે

રતુંબડાં પાંદડાં

ચોક્કસ સમયે જ

ખરખર ખરે છે.

વૃક્ષ પરથી ખરવાના સમયની

એમને કેવી રીતે ખબર પડતી હશે ?

વૃક્ષથી અળગા થવું એટલે શું ?-

એની એમને ખબર હશે?

ભર ઉનાળાની જાહોજલાલી માણીને

અળગા થતી વખતે

પાંદડાંને અને વૃક્ષને શું થતું હશે ?

 .

મારા શરીર પરનાં પાન પણ

હવે

લીલામાંથી થોડાં પીળાં, થોડાં રતુંબડાં થવા માંડ્યાં છે.

એ ખરેખર ખરે

એ પહેલાં

મનમાં ઢબુરી રાખેલી

કેટલીય વાત

મારે મારા સ્વજનને કહેવી છે.

ક્ષુલ્લક વસ્તુઓથી ભરેલો ભંડાર ખાલી કરવો છે.

આ સંઘરો શેને માટે ? કોને માટે ?

અને

વસાવેલાં પુસ્તકોના લેખકોના ડહાપણમાંથી

મોડે મોડે વાંચી લેવી છે

એમણે આપેલી

અંતની શરૂઆતની સમજ.

દરમિયાન,

ચૂકી નથી જવી

આ ખુશનુમા સવારે

બારી બહારની

બદલાતા રંગોની છટા.

 .

( પન્ના નાયક )

રિક્તતા – હનિફ સાહિલ

.

રિક્તતા સાંજ ને સહરની છે

યાદ વેરાન સૂના ઘરની છે

 .

ઢળતા પડછાયા સારા લાગે છે

ને ઋતુ ગમતી પાનખરની છે

 .

ઝીણી ઝરમરા સી યાદ વરસે છે

લાગણી લીલી આ પ્રહરની છે

 .

કૈફ આ જામની સૂરાનો નથી

મેં જે પીધી છે એ અધરની છે

 .

કોઈ ઘરથી કશું મળે ન મળે

આ ફકીરી તો દરબદરની છે

 .

શૈર કહેવાય તો આંખો મીંચુ

એ જ ઈચ્છા આ સુખનવરની છે

 .

રાત પણ થઈ જશે પસાર હનીફ

રાતનું શું ? એ રાતભરની છે

 .

( હનિફ સાહિલ )

તમે કહો તો રાધાજી – અવિનાશ પારેખ

.

પરવાળા શી પાનીને હું પાંપણથી પસવારું જી,

આંખમાં અજવાળાં આંજી હું ઝાંખપને સંવારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

બંસીમાં તો છેદ સાત ને સાવ ખાલી ખાલી જી,

કરે શ્વાસને કેદ પલકમાં તોય વા’લી વા’લી જી,

ખાલીપામાં સૂર સજી હું વાલપને અવતારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

આવનજાવન શ્વાસ તણા શણગારે કોનાં શમણાં જી,

ઉત્તરદક્ષિણ કોણ સમજાવે એ તો એની ભ્રમણા જી,

બંસી સાથે સાનમાં સમજી લેજો તમે પરબારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

કુંજનવનમાં રચું તમારી સંગે નિતનિત લીલા જી,

હૃદય ભવનમાં વસી રહ્યાં છો સદા તમે ગમતીલાં જી,

વાદવિવાદની વાત મૂકો ને છોડો મારુંતારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

( અવિનાશ પારેખ )

નદી દોડતી રહી – પરાજિત ડાભી

.

રણની જ આસપાસ નદી દોડતી રહી

છોડી બધી ભીનાશ નદી દોડતી રહી.

 .

એની તરસનું માપ કદી નીકળે નહીં;

લઈ કાળઝાળ પ્યાસ નદી દોડતી રહી.

 .

પાલવને ઝાલવાનાં પ્રયત્નો ફળ્યા નહીં,

કાંઠા થયા ઉદાસ નદી દોડતી રહી.

 .

જંપીને એક પળમાં નથી બેસતી કદી,

જળમાં કરી પ્રવાસ નદી દોડતી રહી.

 .

તળિયાનો સળવળાટ બની પૂર ત્રાટકે,

વેરી ઘણો વિનાશ નદી દોડતી રહી.

 .

( પરાજિત ડાભી )

આવડે છે – દિનેશ કાનાણી

.

બેઉ હાથે દાન કરતા આવડે છે

ને વ્યથાઓ મ્યાન કરતા આવડે છે

 .

સાંજ પડતા ઘર તરફ પાછો વળું છું

એટલી ઉડાન કરતા આવડે છે

 .

હું નદીની જેમ વ્હેતો રાત-દિવસ

એ જ રીતે ધ્યાન કરતા આવડે છે

 .

એટલે તો પાંદડા ગણતો નથી હું

વૃક્ષનું સન્માન કરતા આવડે છે

 .

એટલો તો મનમાં છે વૈભવ મળ્યો કે

જીવ જાજરમાન કરતા આવડે છે

 .

( દિનેશ કાનાણી )

વૃક્ષ શી લીલાશ જ્યારે…- જિતેન્દ્ર પ્રજાપતિ

.

વૃક્ષ શી લીલાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે;

પાન શી નરમાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

બે ઘડી વાતો કરી છૂટા પડ્યાની વાત વીતે આજે કૈં વર્ષો થયા હોવા છતાંયે ક્યાંક; એ

વાતની ભીનાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

જિંદગીમાં આમ તો કૈં કેટલા ચહેરા વિશેની જાણકારી આપણે રાખી હશે કૈં તે છતાં,

એ બધાનો ભાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

લાગણી નતમસ્તકે દરવાજે ઊભી હો અને મન સાવ… અદકું થૈ કરે જ્યાં આંખ આડા કાન કૈં;

ને પછી કંકાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

આખરી મુકામ પર કેવળ અને કેવળ હશે સારપ બધી સંગાથમાં કૈં એમ વિચારો અને;

બે ઘડી નવરાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

હે માધવ – અવિનાશ પારેખ

.

મારા માથેથી ન ખેસવો આકાશ પરબારા હે માધવ

ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.

 .

નજરુંને સીમાડે ત્રોફેલી યમુના ભીંજવે લહેરાતો પાલવ,

ગોધુલિ પાર ઊડે ઓધાજીનો રથ બાલાપણાનો લઈ વૈભવ,

ફરકંતી આંખ કરે દૂરના પ્રવાસ વરતારા હે માધવ,

  ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.

 .

બંસીના સૂર સાવ સૂનમૂન ને મોરલાના ટહુકા અરવ,

રોમરોમે ભણકારા ગુંજે કે ખાલીપાના થાક હવે ભવોભવ,

જીવનની ફૂંક સમા સોગંદ મને ઉદાસ કરનારા હે માધવ,

ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.

 .

રાસની રમઝટમાં એવા ચકરાવે ચડે પ્રીતમના પગરવ,

કુંજગલીમાં અંધારે ભૂલા પડે કેવા ગીતોના કલરવ,

અમાસ જેવા ગ્રહણમાં રાધાને ઉજાસ ધરનારા હે માધવ,

ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.

 .

( અવિનાશ પારેખ )

હવે બધુંયે વ્યર્થ છે – લાલજી કાનપરિયા

.

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે

કદાચ તું બોલાવે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

જળમાં મારો ડૂબકી ને જગત થૈ જાય ગુમ

કોણ પછી સાંભળશે પાડો તળિયે જઈને બૂમ ?

 .

મનને શીદ ભરમાવે ? હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

અમે મૂરખ કે ફૂલને બદલે સુગંધ ચૂંટવા બેઠાં

રામ નહીં આરોગે હવે શબરીનાં બોર એઠાં !

 .

નાહક ફૂલ બિછાવે, હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

તું ઊભી છે તારે ખેતર, હુંય મારે ખેત

ધરતી પર વરસાવે ગગન લીલું હેત !

 .

તું રૂમાલ છો ફરકાવે, હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

( લાલજી કાનપરિયા )

ખાલીખમ – ગૌરવ વટાવવાળા

.

શ્વાસ ને ઉચ્છવાસની વચ્ચેનો ગાળો ખાલીખમ,

આવ-જા કરતો હવાનો એક થેલો ખાલીખમ.

 .

ને વ્યથાઓ પ્યાસની હું શું જણાવું આપને?

હાથમાં આવ્યો હતો એકાદ પ્યાલો ખાલીખમ.

 .

થાય છે આભાસ ત્યાં કોઈ ચહેરાનો હજી,

જો ઉં છું હું જ્યારે જ્યારે એ ઝરૂખો ખાલીખમ.

 .

સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું,

કોઈ પણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ.

 .

ડર છે કે મારી તરસ છીપાવતા છીપાવતા

ક્યાંક થઈ ના જાય આખે આખો દરિયો ખાલીખમ.

 .

કોઈની તસવીર હોવી જોઈતી’તી ભીતરે,

નાખે છે ઊંડા નિસાસા દિલની ભીંતો ખાલીખમ.

 .

જળને મુઠ્ઠીમાં પકડવા હાથ મેં બોળ્યો પ્રથમ,

ને પછી આ હાથ જળની બહાર આવ્યો ખાલીખમ.

 .

( ગૌરવ વટાવવાળા )