લઈને ઊભો છું – ‘પ્રણય’ જામનગરી

 કેટલાં કામ લઈને ઊભો છું

હાથ સૂમસામ લઈને ઊભો છું.

 .

રાત વીતે પછી વિચારીશું

ધૂંધળી શામ લઈને ઊભો છું.

 .

ખાલીપો જે મહીં ભરેલો છે

હું એવો જામ લઈને ઊભો છું.

.

આ હકીકત મને ડરાવે છે

સ્વપ્નનું ગામ લઈને ઊભો છું.

 .

કોણ સમજી શકે ખુલાસાને !

તે છતાં હામ લઈને ઊભો છું.

 .

કામ કોઈ નથી દેતું એમ જ

એટલે દામ લઈને ઊભો છું.

.

એમ આઘો નહીં હઠી જાઉં

એમનું નામ લઈને ઊભો છું.

 .

ચાલ, ચિંતા બધી મૂકી દીધી

ક્યાં, કોઈ કામ લઈને ઊભો છું !

 .

‘પ્રણય’ કોઈ નથી ગતિ જાણે !

પૂર્ણવિરામ લઈને ઊભો છું.

 .

( ‘પ્રણય’  જામનગરી )

વ્હેલી સવારે – મિતુલ મહેતા

વ્હેલી સવારે સાદ સાંભળું

પછી જ આંખ આ ખૂલે

મારું મન હવામાં ઝૂલે

 .

ગઈ રાતનાં સપનાંઓ તો

એક પલકમાં ભૂલે !

મારું મન ઝલકમાં ઝૂલે

 ,

હૃદય એક નાની અમથી છાબ

એમાં સુગંધઝૂર્યાં ફૂલ

તારા બાગનાં વૃક્ષો :

એમાં મન મારું મશગૂલ

તારો એક અણસાર :

ને મારું મન તો બધું કબૂલે

 ,

પૂર્વજનમની કઈ લીલા છે ?

કાયા-માયાના કયા કબીલા ?

પતંગિયાને ચૂંથવાના

કોઈ નહીં પાડશો ચીલા –

સાવ કુંવારી લાગણીઓને

નહીં રગદોળો ધૂળે.

 ,

( મિતુલ મહેતા )

રોજ તારા નામનો – મુકેશ જોષી

રોજ તારા નામનો કક્કો ગોખું

તને મળવાનાં ગોખું પલાખાં

મૂળિયાંની જેમ જાય ઊડી ના કેમ

આ લાગણીની વિસ્તરેલી શાખા…

 .

મારી ભૂગોળના દરિયા તુજ આંખમાં ને વાંચતાં આ જાત ડૂબે ગઈ

સૂરજ ઊગે તે દિશા પૂરવ કહેવાય, તો તું ઊગે એ દિશા કઈ:

પડતા વરસાદના કારણમાં એટલું, સ્મરણોનાં ચોમાસાં આખ્ખાં…રોજ

 .

પાણીપત નહીં, પાણીદાર એવી આંખોથી જખ્મી થયાનો ઈતિહાસ

બે હૈયાંઓ વચ્ચેની ત્રિજ્યાઓ માપવામાં પડતો ભૂમિતિમાં ત્રાસ

રોજ તારી યાદનું હું લેશન કૌં ને તોય થાતા ન કોઈ વિષય પાકા…રોજ

 .

તારા ને મારા સરવાળાનો દાખલો, આવડે એક બસ ગણિતમાં

બાકીમાં એટલી તો ભૂલો પડે, હું શોધું જવાબ તારા સ્મિતમાં

મોનાલીસા જેવું મર્માળું સ્મિત, મને પડતાં ઉકેલવાનાં ફાંફાં…રોજ

 .

( મુકેશ જોષી )

નડે છે અમોને – મેઘબિન્દુ

તમારી શરાફત નડે છે અમોને

અમારી શરાફત નડે છે અમોને

 .

હતો ખ્યાલ એવો કે સંધાઈ જાશે

કરી જે મરામત નડે છે અમોને

સહ્યાં દ્વેષ ઈર્ષા ને અન્યાય પળેપળ

હવે તો અનાગત નડે છે અમોને

 .

અહીં પ્રેમ પૂજ્યો પ્રભુના સ્વરૂપે

છતાં જે લખ્યા ખત નડે છે અમોને

 .

અસ્મિતા અહમનો નથી ભેદ ઝાઝો

છતાંયે તફાવત નડે છે અમોને

 .

ધરમના જ નામે ચલાવી રહ્યા છો

તમારી બગાવત નડે છે અમોને

 .

( મેઘબિન્દુ )

જ્યારે મારી સામે – શૈલા પંડિત

૫.

જ્યારે મારી સામે

કોઈ અડીખમ પર્વત ખડો હોય ત્યારે

મને ત્યાંથી વિદાય લેવા દઈશ નહિ.

મને તેની ઉપર ચઢવા જેટલું બળ આપજે.

જેથી શિખરે પહોંચ્યાની હું તૃપ્તિ અનુભવી શકું.

 .

એ પર્વત ચઢતાં ચઢતાં

મને વચ્ચે કેડીઓ સાંપડેલી રહે

એ જ મારી તારી પાસે અરજ છે.

ને જ્યાં કેડી ન દેખાય

ત્યાં મને બેસી પડવા દઈશ નહિ.

બલ્કે,

નવી કેડી ચાતરી લેવાની

સૂઝ ને સામર્થ્ય પૂરાં પાડજે.

 .

અને, શિખરે પહોંચી જવાની

તૃપ્તિ હું માણી શકું તે સારુ

મને તારી પ્રેરણા જોઈએ છે.

ને મને શ્રદ્ધા છે કે,

એ પ્રેરણાનો પ્રવાહ તું કદી સુકાવા નહિ દે.

 .

૬.

હે ઈશ્વર,

મને ક્યારેક ક્યારેક

–     મારી જાત માટે

–     મારા કાર્યો માટે

–     મારી શક્તિ માટે

–     મારી આવડત માટે

–     મારી સમજશક્તિ માટે

–     મારી દિશાસૂઝ માટે

શંકા સતાવતી રહે છે.

 .

ભલે મને શંકા થાય,

પણ તું એને ગુણાત્મક બળમાં

ફેરવી નાખજે એવી મારી પ્રાર્થના છે.

 .

મને એટલું શાણપણ આપ કે જેથી

મને મારી શંકા પરત્વે શંકા પેદા થાય

અને

મારી શ્રદ્ધા પરત્વે શ્રદ્ધા જાગ્રત થાય.

 .

( શૈલા પંડિત )

શોર થઈ શકે – હેમેન શાહ

પ્રત્યેક ગલી-નગર-મુલકમાં શોર થઈ શકે

કંઈ જાણકારી ના હો છતાં જોર થઈ શકે !

 .

અત્યારે સહેલગાહ પૂરી થઈ ગઈ છતાં,

પરવાનગી આપો તો બીજો દોર થઈ શકે.

.

રસ્તા તરફ જે પૂજ્યભાવ રાખતો હતો,

પગથી કચડવા જેટલો કઠોર થઈ શકે ?

 .

પાનાં કિતાબનાં હવાઓ ફેરવી શકે,

કિન્તુ શરીર ક્યાં ફરી કિશોર થઈ શકે.

 .

અઘરી નથી અહીં ચળકતી લોકપ્રિયતા,

લોકો વિદૂષકોથી યે વિભોર થઈ શકે.

.

કહેવું પડે કે મિત્રોનાં હૃદય છે ફૂલનાં,

એકાદ પણ ન ખેલદિલ ટકોર થઈ શકે.

 .

( હેમેન શાહ )

બેઠા છીએ – આહમદ મકરાણી

હાથમાંઆ જામ લૈ બેઠા છીએ;

લ્યો, મજાનું કામ લૈ બેઠા છીએ.

 .

મિત્ર અંતે ક્યાં ગયા કોને ખબર ?

દુશ્મનોનું નામ લૈ બેઠા છીએ.

.

કોઈપણ અમને ઉઠાડો ના હવે;

આ જગાના દામ લૈ બેઠા છીએ.

 .

રાફડા છોને પછી ઘેરી વળે;

કેટલો આરામ લૈ બેઠા છીએ.

 .

સૂર્ય ઊગે તો અહીં દેજો ખબર;

જિંદગીની શામ લૈ બેઠા છીએ.

 .

આ ગઝલ અમથી લખાતી હોય ના-

વેદનાના ડામ લૈ બેઠા છીએ.

 .

( આહમદ મકરાણી )

મારા ફળિયામાં આવ્યા હરિ – રમેશ પારેખ

૨.

મારા ફળિયામાં આવ્યા હરિ

મને અણથક આંખોથી દેખતી કરી.

.

મારી ધૂળભરી ઓસરીમાં બેઠા

મારે કાજ અસખ કેવાં વેઠ્યાં !

હું તો નઘરોળ લાજી મરી…

 .

હરિને જોયા આંસુની સોંસરા

હરિ બોલ્યા : ‘ના થઈએ અણોસરા

કદી ખોઈએ નહીં ખાતરી…’

 .

૩.

મારા ઓરડામાં આવ્યા હરિ

મને આંખોથી ચાખીને એંઠી કરી

 .

મારાં કુંવારકા વ્રત બટક્યાં

હરિ રુંવે રુંવે એવું ચટક્યા

એની સોડે અવશ હું સરી…

.

હું તો આંસુની ખારી તલાવડી

ઓહો, તરસ્યું હરિવરને આવડી !

એણે હોઠ ઝપ્પ દીધા ધરી…

 .

( રમેશ પારેખ )

.

[આ ઝુમખાનું “મારા સપનામાં આવ્યા હરિ” અને “મારા રુદિયામાં આવ્યા હરિ” અન્ય બ્લોગ પર પોસ્ટ થઈ ગયેલ હોવાથી અહીં ફરી મૂકતી નથી.]

શ્યામની પાસે – મુકેશ જોષી

શ્યામની પાસે તો દરિયામાં દ્વારિકા

રાધાની પાસે ગોકુળિયું

શ્યામની ઝગમગતી ઝળહળતી નગરી ને

રાધાનું ગામ સાવ ધૂળિયું

 .

શ્યામના તડકાના સોનલ ઉઘાડથી

દ્વારિકા સોનાની લાગે

આ બાજુ ઝાંખી ને ઝાંખી રાધિકા

આવી ગોકુળિયાને ભાગે

શ્યામનાં પાન અને ફૂલો દ્વારિકાને :

ગોકુળની ધરતીને મૂળિયું….

 .

આખી વસંત એના ઠાઠમાઠ સાથે

જઈ દ્વારિકે કરતી વસવાટ

રાધાની આંખમાં ચોમાસે ચોમાસાં

ગોકુળિયા ગામમાં ઉચાટ

તાંબાના કળશો મુકાય મહેલટોચે

ને, રાધાનું તૂટતું રે નળિયું….

 .

રાજાના મહેલમાં ઓછપ શી હોય ?

છતાં ઓછપ એક ગોકુળિયા ગામથી

ગોકુળિયું ગામ સાવ ખાલી ને તોય

હતી રાધિકા ભરચક ઘનશ્યામથી

શ્યામની આંખે ના ક્યારેય ભૂંસાયું

ના ક્યારેક સુકાયું ઝળઝળિયું….

 .

( મુકેશ જોષી )

એક ઉંબરા પર – કાજલ ઓઝા વૈદ્ય

એક ઉંબરા પર ઝાટકા સાથે તોડીને જે ફેંકી દીધું તેં,

એ તારે માટે બંધન હતું…

અને, મારે માટે અવલંબન.

ભૂલો હોય છે –થાય છે, સૌની,

પ્રમણભાન તો હોય ને, સજા આપતી વખતે ? !

 .

પહેલી વાર પોતાના પગ પર ચાલતાં શિખેલું બાળક

કદાચ, પડી જાય..પડી પણ જાય !

એક કે એકથી વધુ વખત,

તોય,

પગ કાપીને ફેંકી શકાય ? માત્ર સજારૂપે ?

 .

પંખીને પાંજરાની સલામતીનો અહેસાસ થયા પછી

મુક્તિની સજા ફટકારવાનો અધિકાર છે, કોઈને ?

 .

માગણીઓ નકારી શકાય…

અધિકારો અવગણી શકાય…

પણ લાગણીઓને – સંવેદનાઓને

આમ સાવ ખંખેરીને સ્વસ્થતાપૂર્વક

કેમ ચાલી જઈ શકે, કોઈ પણ ?

 .

એક વ્યક્તિ પાસે એનો અર્થ – એનું અસ્તિત્વ

એનું અવલંબન ખૂંચવી લેવાની સજા…..

…શું આટલો મોટો કોઈ પણ ગુનો છે ખરો?

 .

( કાજલ ઓઝા વૈદ્ય )