પાંખ ફફડાવી – કાજલ ઓઝા-વૈદ્ય

પાંખ ફફડાવી જોવા માટે

જરા…ક જેટલા

અવકાશની માગણીના બદલામાં,

આખું આકાશ આપ્યું તેં – સાવ અડોઅડ !

.

ચપટી ભરીને સ્મિત માગ્યું મેં

અને

તેં સુખનો ઢગલો કરી દીધો,

મારા ખોળામાં !

.

તેં મને એટલું બધું

એટલી સહજતાથી આપ્યું છે

કે હવે,

તારી પાસે કશુંયે માગતાં

હું ડરવા લાગી છું…

.

( કાજલ ઓઝા-વૈદ્ય )

આંખ બીડી – સૌમ્ય જોશી

આંખ બીડી હાથ બે ભેગા કરી;

એક ઈચ્છા આવવાને કરગરી.

.

બહાર નીકળીને પ્રવાહી થા હવે,

ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.

.

ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે,

ઓ હકીકત કઈ રીતે તું સંચરી.

.

ચોતરફ રખડ્યો ને ક્યાંયે ના મળી,

એક પણ છાંટા વગરની એક છરી.

.

આઠદસ મહોરાંઓ પહેયાઁ કેમ તેં ?

એ ભલા માણસ તું માણસ કે હરિ

.

( સૌમ્ય જોશી )

કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

નયન આમ ન થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે,

હ્રદય વાગતું કે મંજીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

આરસના મ્હેલોમાં રાણો સ્વયં થતો ખંડેર હશે,

ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે.

હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે.

.

પાંચ પાંચ દીવાઓ તોય અંધારું રોકાયું નહીં,

મનમાં પડતાં ચીરા કોઈ ચંદન થઈ ડોકાયું નહીં.

પહેલાં પૂર્યાં ચીર કે ચીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

પાંજારાના નાદે કોઈ જાત ભૂલી પીંજાઈ ગયું,

ગોકુળિયું તો ઠીક આખું બરસાના ભીંજાઈ ગયું,

કેમ ઊડાડ્યા જાતના લીરા કૃષ્ણ બધુંય જાણે છે.

.

( મુકેશ જોષી )

.

[ બરસાના = રાધાનું ગામ ]

તમારી આંખમાં – હિતેન આનંદપરા

તમારી આંખમાં અમને કદી સન્માન તો મળશે,

નથી જે કોઈ પાસે એક એવું સ્થાન તો મળશે.

.

ગઝલ છે એક બેચેની નિરીક્ષણથી નિરૂપણ લગ,

આ શાહી માર્ગ પર ઝળહળ થતું મધ્યાહ્ન તો મળશે.

.

ઉદાસી ભીંત પર પથરાઈને આદત બની ગઈ છે,

ગઝલના રૂપમાં એનું અનુસંધાન તો મળશે.

.

થીજેલા બર્ફના પહાડો જુએ છે રાહ પગલાંની,

ઉનાળો આવશે ત્યારે નવા મહેમાન તો મળશે.

.

ભલે શામળિયો ના આવે છતાં કીર્તનનો મહિમા છે,

મીરાં, નરસિંહ, છીતસ્વામી કે સૂર, રસખાન તો મળશે..

.

નિરર્થક વાત લાગે એમની તો પણ એ સાંભળજો,

કે બાળકની એ દુનિયામાં અસલ ભગવાન તો મળશે.

.

( હિતેન આનંદપરા )

મિતવા – સંદીપ ભાટિયા

મિતવા

લખવા તો ખત લખવા

હ્રદયથી મોટી બહી ન કોઈ

ઢાઈ અક્ષર પઢવા

.

બળવું તો બિરહામાં ભીંજાવું તો અખિંયન જળમાં

સમજાઈ જવું શિશુને તો મુંઝાવું પરમ અકળમાં

.

મિતવા

સ્વાદ પછી સૌ કડવા

થાળી થઈ પીરસાયા હો

ને ચાખે નહીં સજનવા

.

કહેવું તો મોઘમમાં ને ગાવું તો પાગલપણમાં

રહેવું તો મસ્તીમાં ને જાવું એના આંગણમાં

.

મિતવા

નામ પછી શું જપવાં

સાજન ઊભે ઈંટની ઉપર

ઘરમાં વસવા

.

( સંદીપ ભાટિયા )

રસ્તો – કૈલાસ અંતાણી

સતત ચાલ્યા કરું છું હું અને લંબાય છે રસ્તો,

ખબર પડતી નથી આ ક્યાં મને લઈ જાય છે રસ્તો.

.

વિસામો જોઈ થોભું જ્યાં ઘડીભર થાક ખાવા હું,

ચડું ઝોલે અને ત્યાં આંખમાં ડોકાય છે રસ્તો.

.

ચડે આંધી અને ડમરી ઊઠે વેરાન મારગમાં,

છતાં ચાલ્યા કરો તો સાથમાં થઈ જાય છે રસ્તો.

.

સરી જાતો નદીની જેમ એ ક્યારેક ધીમેથી,

અને ક્યારેક પગની છાપમાં ફંટાય છે રસ્તો.

,

તમે રસ્તા વિશે કંઈ પણ મને પૂછો નહીં આજે,

આ મારી આંખમાં શમણાં બની ઘેરાય છે રસ્તો.

.

કઈ રીતે પગેરું શોધવા જઈએ અમે કહેશો ?

સગડ જ્યાં સહેજ પામો ત્યાં ફરી વેરાય છે રસ્તો.

.

( કૈલાસ અંતાણી )

થાતો જાઉં છું – વેણીભાઈ પુરોહિત

આશકોની આહની અંગૂર ખાતો જાઉં છું,

પ્યારમાં ને પ્યારમાં મન્સૂર થાતો જાઉં છું.

.

એ હથેળીમાં હિનાની મુશ્કરાહટ લાલ-લાલ !

મનનો હું મજબૂત પણ મજબૂર થાતો જાઉં છું.

.

આફતોના આફતાબી દોરમાં દાઝી મરું,

લૂ ઝરે છે તો ય હું લેલૂર થાતો જાઉં છું.

.

તું નથી કહેતી કે, ‘મારા પ્યારનું તું ગીત ગા-‘

તેથી હું બદનામ ને બેસૂર થાતો જાઉં છું.

.

તારા ઈન્કારોથી મારા જખ્મ દૂઝે છે ડબલ !

પ્યાર કહે છે : ‘પોશમાંથી પૂર થાતો જાઉં છું.’

.

એક પાછળ એક અરમાનોની હિજરત થાય છે

જિન્દગીનો શેઠ હું મઝદૂર થાતો જાઉં છું.

.

ભાંગની બરફીની માફક બોલ કેફી બોલ મા-

ચાખું છું લગરીક, ચકનાચૂર થાતો જાઉં છું.

.

રાગ સાંભળવો નથી, ને આગ ઓલવવી નથી,

વેદનાની વાંસળીનો સૂર થાતો જાઉં છું.

.

આપણી આ અલવિદાનાં આંસુઓ લે સાચવી,

કોકના સેંથાનું હું સિન્દૂર થાતો જાઉં છું.

.

દર્દ મર્દોમાં વસે છે, કાયરો ને શી ખબર ?

ખુદકુશી કરતો નથી, ખુદ ક્રુર થાતો જાઉં છું.

.

ઈલ્મી આંગળીઓની વચ્ચે ઠોઠ અંગૂઠા સમો-

દિલરુબાની પાસ આવી દૂર થાતો જાઉં છું.

.

બૂરી નજર તો ભલી બેચેનની બળતી નજર,

તારી સામું જોઈને મશહૂર થાતો જાઉં છું.

.

( વેણીભાઈ પુરોહિત )

સમય કહેશે – હિમાંશુ પ્રેમ

સફરમાં કોણ કોના પર મૂકે પ્રત્યય ? સમય કહેશે

ને મળશે ક્યાં સુધી, ને કેટલા વ્યત્યય ? સમય કહેશે

.

તમે મદમસ્ત થઈને હાંકતા રહેશો જીવન નૈયા

સમય વિણ કોઈ અહીંયા છે નહીં અક્ષય, સમય કહેશે

.

વિચારોમાં ગરકવાનો કરે છે ડોળ અહીં લોકો

ખરેખર કોણ અહીંયા કેટલું તન્મય, સમય કહેશે

.

સમસ્યાનું નિવારણ ભીતરે શક્ય છે મળવું

તમારી વર્તણૂકનો ક્યાં તૂટે છે લય,  સમય કહેશે

.

નજરના વ્યાપને ઘેરી વળ્યા છે કંઈક કૂંડાળાં

પ્રલય થાશે કે મળશે આ ભવે સંજય, સમય કહેશે

.

હ્રદય વિહ્વળ, સ્વજન વિહ્વળ, નગર વિહ્વળ, જગત વિહ્વળ

અકારણ ક્યાં સુધી તોળાઈ રહેશે ભય ? સમય કહેશે

.

( હિમાંશુ પ્રેમ )

શ્વાસ છોડ્યા – મુકેશ જોષી

શ્વાસ છોડ્યા જિંદગી ચોમેર ચર્ચાતી થઈ

હું ‘બહુ સારો હતો’ એ વાત કહેવાતી થઈ

.

કોઈએ પૂછ્યું ઉનાળો કેમ છે એના વિના

ત્યારથી ગુલમ્હોરની આંખો બહુ રાતી થઈ

.

એય મારા પ્રેમમાં છે વાત આ પાકી થઈ

એમની અંગત સખી મારી ગઝલ ગાતી થઈ

.

રામ જેવો છું મને સુખદ પ્રતીતિ થાય છે

છોકરી મારા જ એંઠા બોર જ્યાં ખાતી થઈ

.

મધ કે મધથીય સુંદર સ્વાદ છે આ કાવ્યનો

શું તમે પણ ના સમજતાં ! આમ ગુજરાતી થઈ

.

( મુકેશ જોષી )

ફાનસ – કિશોર શાહ

એક સાંજે

ઘરે પાછા ફરતાં

સ્ટેશનની ફૂટપાથ પર નજર ઠરી

.

એક ફેરિયાએ

ફાનસમાં દીવો સળગાવી પાથર્યો હતો

તે વેચતો હતો કાચનું ફાનસ

જ્યોતનું રક્ષણ કરવા માટે.

ફાનસ વેચાતું ત્યારે દીવો

બીજા ફાનસમાં પોતાની જગ્યા શોધી લેતો

અને ફાનસ

અંધારું ભરી કશેક આઘે નીકળી જતું

ત્યાં અચાનક

પુલની નીચે શોરબકોર વધ્યો

નમીને નીચે જોયું તો

રામનામનો મહિમા પોકારતી

એક શબયાત્રા પસાર થઈ રહી હતી

હું એક ક્ષણ શબને

અને

બીજી ક્ષણે ફાનસને

જોઈ રહ્યો.

.

( કિશોર શાહ )