ગઝલ ગુચ્છ-૧૦ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

જન્મજન્માંતરની અવઢવ મોકલું છું,

એ જ છે મારો પરાભવ મોકલું છું.

.

છે અહર્નિશ એક ઉત્સવ મોકલું છું,

લે, અઢી અક્ષરનો વૈભવ મોકલું છું.

.

એક ટીપું થઈ અને જાશે સમાઈ,

ઊછળ્યો ભીતર જે અર્ણવ મોકલું છું.

.

…ને, જમીનનો ટુકડો થઈ જાય આંગણ,

એ જ હા હા એ જ પગરવ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૯ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

જેટલું જે કાંઈ અણકથ મોકલું છું;

પહોંચતો મારા લગી પથ મોકલું છું.

.

શું વળી ઈતિ અને અથ, મોકલું છું

મૂળિયા સોતા મનોરથ મોકલું છું.

.

ઓળખાતાં કૈં જ ઓળખવું રહે ના,

પામવા જેવો પદારથ મોકલું છું.

.

એક પળનું પણ હવે છેટું ખપે ના,

મંત્ર ફૂંક્યા અશ્વનો રથ મોકલું છું.

.

કોણ જાણે શુંય ખેડાઈ ગયું છે,

ખેપ છે ખૂશ્બુથી લથબથ મોકલું છું.

.

એક એવી ધૂન છે “મિસ્કીન” મનને,

બસ, બધું લગે જથારથ મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )



ગઝલ ગુચ્છ-૮ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

એ ભલે લાગે છે અક્ષર મોકલું છું,

ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.

.

તું સ્વયમ ઝળહળ છે જાણું છું છતાંયે,

કોડિયું મારું આ થરથર મોકલું છું.

.

થઈ ગયું મોડું પડ્યું જન્મોનું છેટું,

તો ય લાગે છે સમયસર મોકલું છું.

.

હાંસિયામાં ક્યાં લગી ઊભું રહે એ,

તેં કદી દોર્યું’તું એ ઘર મોકલું છું.

.

નામ, જાતિ, ધર્મ તો આ દેહને છે,

છે બધાથી પર એ ભીતર મોકલું છું.

.

તેં સતત ઝંખ્યો ને હું ઊજવી શક્યો ના,

એ જ હા, હા એ જ અવસર મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૭ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે ગજબની ધૂન, લાગટ મોકલું છું,

યાદ જે આવી રહ્યું ઝટ મોકલું છું.

.

હરપળે એની જ એ રટ મોકલું છું,

આગ જે લાગી છે ઘટઘટ મોકલું છું.

.

જળ સુકાતાં જાય છે એને નિહાળી,

છે અતિ વિહ્વળ એ પનઘટ મોકલું છું.

.

બોલતાં ફૂલો જ સાંભળવાં હતાં ને ?

લે તને તારી જ આહટ મોકલું છું.

.

આખરે “મિસ્કીન” થઈ ચાલ્યું સમંદર,

એ જ એ ટીપું ઉપરવટ, મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૬ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

એ જ છે મિસ્કીનનું નાણું મોકલું છું,

બુલબુલે ગાયેલ ગાણું મોકલું છું.

.

આપ લે ઉત્તર ઉખાણું મોકલું છું,

એક ટપકું નભસમાણું મોકલું છું.

.

લાગણીનું છે લહાણું મોકલું છું,

નિતનવું લાગે એ ટાણું મોકલું છું.

.

એ પછી તો સાંજ લંબાઈ ગઈ છે,

આખરી ઊગ્યું એ વ્હાણું મોકલું છું.

.

શહેર અમદાવાદમાં સપનાની ફેરી,

એ જ “મિસ્કીન”નું હટાણું મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ – ૫ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

થઈ ગયું આંગણ સમજણું મોકલું છું,

બહાવરું બેચેન હરણું મોકલું છું.

.

લાગતું છો સાવ તરણું, મોકલું છું,

આખરી પળનું છે શરણું મોકલું છું.

.

કે દિવસ ફરશે એ આશે કૈંક રાતો,

જાગતું બેઠેલ શમણું મોકલું છું.

.

નામ પડતાં પહાડ તોડી નીકળ્યું છે,

શબ્દનું આ એ જ ઝરણું મોકલું છું.

.

સાચવ્યું “મિસ્કીન” તરસી આંખ લઈને,

નભ અષાઢી નીલવર્ણું મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૪ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે હજુ અકબંધ શ્રાવણ મોકલું છું,

એક મળવા જેવું કારણ મોકલું છું.

.

ઝાડ મોતીના ઉગ્યા એકેક પગલે,

એ જ શુકનિયાળ આંગણ મોકલું છું.

.

કેટલી આશાઓ, સપનાંઓ, ખુશીઓ,

તું મળી’તી એ પ્રથમ ક્ષણ મોકલું છું.

.

હરપળે મનમાં થયું આ કોઈ આવ્યું,

હરપળે ગૂંથ્યા એ તોરણ મોકલું છું.

.

ક્યાં હવે એ કામની છે કૈં જ “મિસ્કીન”,

છે અટૂલી સાવ સમજણ મોકલું છું

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ -૩ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

સર્વકાલીન એક વિસ્મય મોકલું છું,

હું તને તારો જ પરિચય મોકલું છું.

.

ઝંખના લે ! એક જળમય મોકલું છું,

મન કનેનું પાત્ર અક્ષય મોકલું છું.

.

તું જ હોંકારો છે આ હોવાપણાનો,

હરપળે ડંખેલ સંશય મોકલું છું.

.

આજ આ વરસાદ તારા નામનો છે,

જે કંઈ દેખાય તન્મય મોકલું છું.

.

આંખ જ્યાં મીચીશ ત્યાં “મિસ્કીન” મળશે,

એક-બે સપનાંનો અન્વય મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૨ – રાજેશ વ્યાસ “મિસ્કીન”

છે અઢી અક્ષર એ અક્ષર મોકલું છું,

સાત ઊછળતા સમંદર મોકલું છું.

.

રાતભર વાગે એ જંતર મોકલું છું,

પાંપણે પોંખેલ ઝરમર મોકલું છું.

.

આપણી વચ્ચેનું અંતર મોકલું છું,

બે’ક છે પ્રશ્નો અનુત્તર મોકલું છું.

.

સેંકડો સૂરજ કમળની જેમ ઊગે,

એ જ સ્મરણોનું સરોવર મોકલું છું.

.

કોણ સમજાવી શકે તારા વિશે કૈં ?

વાટ જોતાં આંખ, ઉંબર મોકલું છું.

.

આ વળી કેવી ઊલટ મિસ્કીન મનને,

જે કંઈ સુંદર-અસુંદર મોકલું છું.

.

( રાજેશ વ્યાસ “મિસ્કીન” )

ગઝલ ગુચ્છ-૧

એક વૈકલ્પિક અંજળ મોકલું છું,

સાચવેલી આખરી પળ મોકલું છું.

.

હાથની સાથે ઘણું ધ્રુજી રહ્યું છે,

છેવટે કોરો જ કાગળ મોકલું છું.

.

કૈંક રાતોનાં ભર્યાં છે સ્વપ્ન તેમાં,

ઓ સૂરજના દેશ ! ઝાકળ મોકલું છું.

.

કીમતી બીજું તે શું લાગે તરસને,

ઓણનું પ્રત્યેક વાદળ મોકલું છું.

.

કોડિયું તો જાય બુઝાઈ ઘડીમાં,

એક કેવળ પ્રાણ ઝળહળ, મોકલું છું.

.

એ જ જાણે છે બધું કહેશે નિરાંતે,

મૌન જે શબ્દોની પાછળ મોકલું છું.

.

એક મિસ્કીનના થયા છે લાખ ટુકડા,

ખુશનસીબી છે, પળેપળ મોકલું છું.

.

(રાજેશ વ્યાસ “મિસ્કીન”)