ખમ્મા ખમ્મા-સંજુ વાળા

સડેડાટ ને છાનું-માનું : ખમ્મા ખમ્મા
ઘઉં ભેળા કંકર દળવાનું : ખમ્મા ખમ્મા

વહી ગયા તે સહુ દસકાનું : ખમ્મા ખમ્મા
ભોળા ભાઈઓનું ભયખાનું : ખમ્મા ખમ્મા

જેને છબછબિયાં કરવાની ટેવ પડી છે
એનું ઊંડા જળનું બહાનું : ખમ્મા ખમ્મા

લાદેલા અર્થોના ઉત્પાદન કરે જે
ના થઈએ કોઈ કારખાનું : ખમ્મા ખમ્મા

જર્જર થાવું, ફાટી પડવું લખ્યું હોય જ્યાં
છું એવા પુસ્તકનું પાનું : ખમ્મા ખમ્મા

કહો પ્રલય ‘ને ધરતીકંપને રહે પ્રામાણિક
છે મારું ઘર છેવાડાનું : ખમ્મા ખમ્મા

( સંજુ વાળા )

ત્યાં ચૂપ થઈ જવાનું-સંજુ વાળા

સેલ્ફીથી ધૂમ મચાવે ત્યાં ચૂપ થઈ જવાનું
પોતાનાં ગીત ગાવે ત્યાં ચૂપ થઈ જવાનું

નાચીને મન મનાવે ત્યાં ચૂપ થઈ જવાનું
નખનેય ના જલાવે ત્યાં ચૂપ થઈ જવાનું

શાસ્ત્રાર્થ કે પ્રમાણો લિજ્જતથી પડતાં મૂકી
પંડિતજી પાન ચાવે ત્યાં ચૂપ થઈ જવાનું

વરસાદ વીજળીનો સંબંધ પૂછીએ તો
તું આંખ ઝિલમિલાવે ત્યાં ચૂપ થઈ જવાનું

એ રોજ-રોજ મળવા આવે અચૂક કિન્તુ
બહાનાં નવાં જ લાવે ત્યાં ચૂપ થઈ જવાનું

ચંદન તળાવ પાળે, રૂમઝૂમતી ચાંદનીમાં
જો યાદ એ ના આવે ત્યાં ચૂપ થઈ જવાનું

ખુશ્બૂની બ્રાન્ડ બે-ત્રણ, રંગોની બે’ક વક્કલ
લઈ જાત ઝગમઘાવે ત્યાં ચૂપ થઈ જવાનું

એકાદ મધનું ટીપું જો મિત્રતા સ્વીકારે-
તો મોતીથી મઢાવે ત્યાં ચૂપ થઈ જવાનું

કલશોર, કેકા, ટહુકા લયમાં લસોટી પીવા
ઉપચાર એ બતાવે ત્યાં ચૂપ થઈ જવાનું

( સંજુ વાળા )

છલકાઈ ગઈ-સંજુ વાળા

સમજ પણ વિસ્તરીને છેવટે છલકાઈ ગઈ
ઘણીએ ધારણા તૂટી, જરા વળ ખાઈ ગઈ

કદી ઓવાળ શ્રીફળ-ચૂંદડી કાંઠે મૂક્યાં
નદી, દરિયાનો વૈભવ ભાળીને ભરમાઈ ગઈ

હજારો હાથ જેને ઝીલવા ઊંચે ઊઠ્યા
એ ઉલ્કા અધવચાળે આવીને વીખરાઈ ગઈ

અચંબો આપવાની ટેવ તારી આગવી
જ્યાં મળવાનું કહ્યું’તું એ જગા ભુલાઈ ગઈ

નવાનક્કોર તમને તોર ચડતા જોઈને
બિચારી કાચી-કૂણી લાગણી શરમાઈ ગઈ

ઊઘડવું જાદુપેટી જેવું એની વાતનું
કર્યું અરધું નિવેદન ને તરત બિડાઈ ગઈ

પ્રવાહી એકદમ થીજી ગયું તો આંખ થઈ
કદી આંખો પ્રવાહીમાં ફરી પલટાઈ ગઈ

( સંજુ વાળા )

તો હા પાડું-સંજુ વાળા

આ પથ્થરોમાંથી પણ કૈં જડે તો હા પાડું
તું ભીંત ભેદીને આવી મળે તો હા પાડું

હૂં ઢાળું એવા જ ઢાળે ઢળે તો હા પાડું
કાં અનુભવાય સતત તાળવે તો હા પાડું

નવાણ સાવ વસૂકી ગયાંછે આંખોનાં
ફરીથી તેજ એમાં તરવરે તો હા પાડું

અરજ, વિનંતી છતાં ના માને તે ઈશ્વરને
પ્રગટ થવું પડે હસ્તાક્ષરે તો હા પાડું

છે જન્મજાત જે આવાગમનની અવઢવમાં
એ આવે દોડતા ઉતાવળે તો હા પાડું

કહે છે સૌ કે તું મનમોજી જેવું મ્હાલે છે
મળી જવાય જો એ માળવે તો હા પાડું

બધી કળાઓ છે અકબંધ ચુપકીદીમાં
જરા તું ધ્યાન ધરી સાંભળે તો હા પાડું

( સંજુ વાળા )

કાવડ !-રિષભ મહેતા

એમ જુઓ તો બધું બરાબર; એમ જુઓ તો ગરબડ
એમ જુઓ તો બજાર ખુલ્લી; એમ બંધ છે સજ્જડ !

મને એક દિ’ ખૂણામાં લઈ જઈ ગઝલ કાનમાં બોલી-
‘ભલે ચાહતો હોય મને તું; મને ગમે ત્યાં ના અડ !’

સહેજ વિચાર્યું લાવ જરા હું ચિત્ર ભૂખનું દોરું
એ પહેલાં તો બળવા લાગ્યો કાગળ મારો ભડભડ !

હવે શ્રાપ દેવો તો કોને ? વાંક કાઢવો કોનો ?
શ્રવણ ખુદ છોડીને ભાગ્યો વસ્તી વચ્ચે કાવડ !

મને થાય કે હું દુનિયાને; તને જ કેવળ શીખવું…
કિન્તુ એ પહેલાં મને આ પ્રેમ ! જરા તું આવડ…!

( રિષભ મહેતા )

મૌનના ભડકા-અનંત રાઠોડ ‘અનંત’

વરસો વરસથી ભીતરે ચાલી રહ્યા ઝગડા વિશે મારે કશું કહેવું નથી
દરરોજ ચાલે જીવ સટોસટ યુદ્ધ એ ઘટના વિશે મારે કશું કહેવું નથી

તૈયાર થઈને હોંશથી, સામાન લઈને સૌ સમયસર નીકળ્યા’તા ઘેરથી,
ને સહેજ માટે બસ ચૂકી ગયા એ બધા સપનાં વિશે મારે કશું કહેવું નથી

શરણાઈ લઈને એક માણસ કોઈ પણ અવસર કે આમંત્રણ વગર આવ્યો હતો
ને ગામમાં મૂકતો ગયો એ મૌનના ભડકા વિશે મારે કશું કહેવું નથી

મોટાં ઘરોની દીકરીની જેમ એ આવે અને એકાદ ક્ષણ જોવા મળે
એકાદ ક્ષણનાં એ ખુશીનાં ઠાઠ ને ભપકા વિશે મારે કશું કહેવું નથી

( અનંત રાઠોડ ‘અનંત’ )

હવે ?-સોનલ પરીખ

કોઈ રસ્તો
જેના પર અનંત ચાલ્યા કરવાનું ગમે
તે ડેડ એન્ડ નીકળે
ને પાછા વળવું પડે તેમ બને
પણ હવે ક્યાં જવું ?
કેટલું ચાલવું ?
ક્યાં ઊભા રહેવું ?
જેને વટાવી ચૂકી છું તે પથ્થરો પર
બપોરનો તડકો આંખ મીંચીને પડ્યો છે
કયા પથ્થર પર મારો અજંપ પડછાયો પાડું ?
કોઈ વળાંક કે કોઈ મુસાફર
પસાર થઈ જવાની ક્ષણ પછી
એ ના એ નથી રહેતા
ખબર નથી ઊભી છું કે ચાલું છું
ખભા પર એક કાળો પડછાયો ઊંચકીને…

( સોનલ પરીખ)

ચીંધાય ગૈ-અંજુમ ઉઝયાન્વી

વાંસની મૂડી બધી ખર્ચાય ગૈ,
ધૂળ અંતે ધૂળમાં વેરાય ગૈ !

ખેલ છે કે વેર છે, કોને ખબર,
શાંત જળમાં કાંકરી ફેકાય ગૈ !

જિંદગીભર સાચવી રાખી હતી,
એ કિતાબો પસ્તીમાં વેચાય ગૈ !

ટાઢ તડકો ભાગ્ય ના ભેરુ થયા,
વેદના શું ચીજ છે ભૂલાય ગૈ !

ક્યાં જવું નક્કી કરી શક્યો નહીં,
વાટ, તારા ગામની પુછાય ગૈ !

દોષ આંખોનો હતો હું શું કરું,
એ, તને જોયા વિના મીંચાય ગૈ !

રાતભર વાત્પ કરી મેં દર્દથી,
એક બે પ્યાલી બધુ પીવાય ગૈ !

કોણ આપે છે ગઝલ અંજુમ ને,
આંગળી તારા તરફ ચીંધાય ગૈ !

( અંજુમ ઉઝયાન્વી )

છું હું શૂન્ય-સાહિલ

છું હું શૂન્ય-શૂન્યની ન્યાતમાં-ન તમારી કોઈ મિસાલ છે,
રૂંવેરૂંવે લોહી-લુહાણ હું-ને તમારું હોવું ગુલાલ છે.

હું અને વીતેલા સમયની વચ્ચે ફરક લગારે નથી મળ્યો,
હુંય પણ અધૂરો ખયાલ છું-એય પણ અધૂરો ખયાલ છે.

રહ્યા જીવજીને પરમ મુકામે લઈ જવામાં રચ્યા-પચ્યા,
તમે જેને શ્વાસ કહો છો એ તો સ્વયં હરિના હમાલ છે.

મેં દિવસ ને રાત જે જિંદગીને ગળે લગાવી ફર્યા કર્યું,
એ તો રણની રેતે લૂંટી લીધેલી જળવિહોણી પખાલ છે.

મને જીવવા સમી જિંદગીની લગારે લાગી નથી કદી,
હું ખુશીથી જીવું છું એ બધો-તમારી કૃપાનો કમાલ છે.

જે તમારે દ્વાર પહોંચીને ન તમારા હાથમાં આવી હો,
આ તમારો ‘સાહિલ’ ખુદ પ્રભુએ લખેલી એ જ ટપાલ છે.

( સાહિલ )

ફૂલની ખુશ્બૂ તમે-ખલીલ ધનતેજવી

ફૂલની ખુશ્બૂ તમે, કોયલનો ટહુકો પણ તમે,
મખમલી ઝાકળ તમે, સૂરજનો તડકો પણ તમે.

સ્મિતની માફક તમે મરકો છો સૌના હોઠ પર,
બ્હાવરી આંખોમાં સળવળતો અચંબો પણ તમે.

એટલે તો ચાલવાનો થાક વરતાતો નથી,
મારી મંજિલ પણ તમે છો, મારો રસ્તો પણ તમે !

કાં તરીને પણ ઊતરું, ક્યાંક હું ડૂબી મરું,
મારી હોડી પણ તમે, તોફાની દરિયો પણ તમે !

ધીકતો સૂરજ કદી ઊગે તમારી આંખમાં,
વાદળી માફક કદી ધારો તો વરસો પણ તમે !

કેટલાં ફરમાન પર ફરમાન છૂટે છે સતત,
જાવ, કહીને પાછા અંતરિયાળ રોકો પણ તમે !

બસ ખલીલ એથી વધુ શું જોઈએ તમને હવે,
નામના સિક્કા પડે ને ચલણી સિક્કો પણ તમે !

( ખલીલ ધનતેજવી )