હું હરિનો આંગળિયાત – ભગવતીકુમાર શર્મા

હું હરિનો આંગળિયાત;

હું ઝાંખો પડછાયો,હરિ તો સકળ અને સાક્ષાત !

હું હરિનો આંગળિયાત…

.

હરિવરની ગ્રહી આંગળી આવ્યો જગમોઝાર;

હરિ દોરે ત્યાં હું દોરાતો, ઉજાસ કે અંધાર;

પગલાં થોડાં ઠેબાં ઝાંઝાં હાથ હરિને હાથ !

હું હરિનો આંગળિયાત…

.

હરિએ મારા હાથમાં દીધી રૂડી તુલસીમાળા,

હું મણકાને બદલે ગણતો વગડાના ગરમાળા,

હરિએ કેવળ સ્મિત કર્યું, ઠપકાની તે શી વાત ?

હું હરિનો આંગળિયાત…

.

હરિએ દીધાં કલમ-પાટી ને કહ્યું: ઘૂંટ તું ઓમ,

ધૂળ ઉપર મારે તો લીંપણ, શું ધરતી શું વ્યોમ ?

હરિએ સ્પર્શ કર્યો પાટી પર વરસ્યાં પારિજાત…

હું હરિનો આંગળિયાત…

.

( ભગવતીકુમાર શર્મા )

કાળિયા કુંભારનું ગધેડું – બાબુ સુથાર

index

.

આજે અચાનક કાળિયા કુંભારનું ગધેડું

મારા આંગણામાં આવ્યું.

એને જોતાંજ હું બોલી ઊઠ્યો :

અરે ! તું ક્યાંથી અહીં ?

પછી હું એની કોટે વળગી પડ્યો

પછી મેં એના કાન ઝાલી લીધા

પછી મેં એનું માથું હળવેથી ઊંચું કરી

એની આંખમાં આંખ પરોવી જોયું

એમાં એ જે રસ્તા પર થઈને ચાલતું હતું

એ વીરપુરનો રસ્તો દેખાયો

એ રસ્તા પરની આંબાવાડી દેખાઈ

એમાં હડમતિયા હનુમાન પણ દેખાયા

એ પર્વતને ખભે બેસાડીને જઈ રહ્યા હતા

એમણે મને હાથ ઊંચો કર્યો,

મેં પણ.

એમાં નવ ગજા પીર દેખાયા

એ આરામખુરશીમાં

હોકો લઈને બેઠા હતા

મેં એમને પૂછ્યું:

ચલમ ભરી આપું કે ?

એમણે મરકતાં ના પાડેલી.

એમાં મને પેલું ગરનાળું દેખાયું

એની નીચે થઈને જતો એક વાઘ જોયેલો મેં

એ વાઘ પણ મને ફરી એક વાર દેખાયો.

મને થયું :અરે આ ગધેડું કેટલું બધું લઈને આવ્યું છે મારી પાસે.

મારે એને પૂજવું જોઈએ.

હું દોડતોક ઘરમાં ગયો

અને પૂજાની થાળી લઈને બહાર આવ્યો.

જોઉં છું મારા ગધેડાનું માથું એક બાજુ અને ધડ બીજી બાજુ

હું કશુંક બબડ્યો ને એ સાથે જ

મારી આંખ ઊઘડી ગઈ

હું દોડતોજ ગયો મારા આંગણામાં

ત્યાં એક સસલું કૂદાકૂદ કરી રહ્યું હતું

એના કાન પેલા ગધેડના કાનની જેમ ઊભા હતા.

હું એની સામે જોઈ મલકતો ઘરમાં પાછો આવ્યો.

 .

( બાબુ સુથાર )

વહેતા સમય સાથે – કિસન સોસા

વહેતા સમય સાથે હૃદય સંધાણ સંધાયું નહીં

ઓઝલ રહ્યું એવું નજરથી પાન વંચાયું નહીં


એ કાંગરા એ કોઢ એ બારેય દરવાજા ગયા

ભૂગોળ બદલાઈ ગઈ ને ભાગ્ય બદલાયું નહીં

.

એ કાવ્યપંક્તિ-શી ગલી શેરી ગઈ, મેળા ગયા

ચિક્કાર ભીડેથી નીકળવું’તું ને નીકળાયું નહીં

.

ખુલ્લું, ઉઘાડે છોગ તડકે માતબર દળદર પડ્યું

કંઈ વાર લૂંટાયું ઘણું પણ એ જ લૂંટાયું નહીં

.

લ્યો, આખરે, ભૂલો પડ્યો, શોધું છું મારામાં મને

માણસ તો શું, એકેય પંખી પડછાયું નહીં

.

( કિસન સોસા )

ઘણી જ જિદ્દી – એસ. એસ. રાહી

ઘણી જ જિદ્દી છે એ આવીને જતી જ નથી

ધીરજ અતિથિ છે પણ સરભરા થતી જ નથી.

.

હું આખી રાત વિચારું છું બારીએ બેસી

સવાર મારા ઘરે કેમ આવતી જ નથી.

.

સંબંધ નામની એ વાનગી મધુર છે પણ

તું એને ચાખીને કે’ છે કે ભાવતી જ નથી.

.

ઘડીમાં ઓરડે, બીજી ક્ષણે એ ફળિયામાં

પવનને કોઈ દિશા કેમ ફાવતી જ નથી.

.

ઊભો છે ‘રાહી’ હજુ દર્દના કઠેરામાં

પરિસ્થિતિ કદી એને ડરાવતી જ નથી.

.

( એસ. એસ. રાહી )

મધુમાસમાં આવો – કુમાર જૈમિની શાસ્ત્રી

કદી અણસારમાં આવો, કદી આભાસમાં આવો

સુગંધીના ગુણાકારો કરીશું, શ્વાસમાં આવો.

.

તમારી દિવ્યતા આખા જગતમાં સર્વવિદિત છે,

શુકનવંતા સિતારા છો કદી આકાશમાં આવો.

.

.અમારી બેકરારી બારમાસી ફૂલ જેવી છે,

તમે છો શક્યતાઓ પુષ્પની, મધુમાસમાં આવો.

.

તમારું આવવું, ચાલ્યા જવું પડઘાય છે એમાં,

‘દિવાને-આમ’માં આવો ‘દિવાને-ખાસ’માં આવો.

.

ખબર ક્યાં કોઈને, શું છો તમે, તડાકા છો ? છાયા છો ?

કહીને ના બતવો, માત્ર ખુલ્લા ઘાસમાં આવો.

.

( કુમાર જૈમિની શાસ્ત્રી )

હોય છે – મનીષ પરમાર

પત્રમાં આંધી ફૂંકાતી હોય છે,

વેલ અક્ષરની સુકાતી હોય છે.

.

કેટલું અંદર વલોવાતું હૃદય-

એ પછી પંક્તિ લકહતી હોય છે.

.

શબ્દ સાચવવા પડ્યા છે કાળજે-

હું અને મારી હયાતી હોય છે.

.

છાતી અંદર કૈંક તો સળગ્યા કરે,

જાત એમાં ધૂંધવાતી હોય છે.

.

એક ટીપું ફેરવાતું વ્હેણમાં-

ક્યાં નદી કોરી તરાતી હોય છે.

.

( મનીષ પરમાર )

દે હથેળી ઉપર – નઈમ શેખ ‘મસીહા’

દે હથેળી ઉપર ડામ દે,

ભાગ્યરેખાને આરામ દે.

.

સ્પર્શનો અર્થ સમજાવ તું,

સુપ્ત તૃષ્ણાને વ્યાયામ દે.

.

રાત-દિન હું તને જોતો રહું,

તું મને એટલું કામ દે.

.

દઈ શકે જો અગર તો મને,

એક સગપણ તું નિષ્કામ દે.

.

આવનારો સમય સખ્ત છે,

સૌની ભીતર તું એક રામ દે.

.

છાનો-છપનો જીવનરસ નહીં,

મોત દે પણ સરેઆમ દે.

.

( નઈમ શેખ ‘મસીહા’)

માણીએ…- સિકંદર મુલતાની

ચાલ…એકાન્તવાસ માણીએ,

બસ, સ્મરણની સુવાસ માણીએ !

.

છત ઉપર અઅવ…હોલવી ફાનસ,

ચન્દ્રમાનો ઉજાસ માણીએ !

.

ઝાંઝવા સાથ સાથ ભીડીએ,

રણ વચાળે જ પ્યાસ માણીએ !

.

ઓગળી જાય જાત જ્યાં તુજ-મુજ,

એક એવો પ્રવાસ માણીએ !

.

કંઈ નવું ને અનોખું જોઈએ,

ક્યાં સુધી ઈતિહાસ માણીએ ?

.

જેનો મત્લા કે કોઈનો મક્તા,

એ ગઝલને જ ખાસ માણીએ !

.

પીરસે ભાવથી ‘સિકંદર’તો-

રોટલો-મરચું-છાસ માણીએ !

.

( સિકંદર મુલતાની )

કેમ કરી સહેવાય ? – વિસ્મય લુહાર

કોરેકોરી આંખોમાંથી ભર ઉનાળે આખેઆખું ચોમાસું ઠલવાય !

રે સાજણ કેમ કરી રહેવાય?

કે સાજણ કેમ કરી સહેવાય !?

.

લયલીલા ટહુકાના ટોળાં ઊડતા આવી કમખે મારે ચાંચો ઘસતા જાય,

કે સાજણ કેમ કરી સહેવાય !?

રે સાજણ કેમ કરી રહેવાય?

 .

રણની છાતી જેવી સૂની સેજલડીમાં સળગી ઊઠે ભીની ભીની આગ,

તારા પગરવનો પરપોટો ક્યાંય નહિ ને દિવસ આખો નેવે બોલે કાગ !

લોહીને કરડે છે કાળો ખાલીપો ને ઝેર ગળચટ્ટું રૂંવે રૂંવે એવું તો રેલાય !

કે સાજણ કેમ કરી સહેવાય !?

રે સાજણ કેમ કરી રહેવાય?

 .

આંગણ ઊગી કરેણ હવે તો સાવ સૂકાઈ થઈ ગઈ છે કાળો કાળો સોટો,

ઝળહળ ઝળહળ સપનાં મારાં ઘેઘૂર અંધારું પી પીને વળી ગયા છે ગોટો !

ભીતર તડકા, આંખે વાદળ પંડ્ય ઉપર શિયાળુ પવનો પ્હાણા થૈ ઝીંકાય,

કે સાજણ કેમ કરી સહેવાય !?

રે સાજણ કેમ કરી રહેવાય?

 .

( વિસ્મય લુહાર )

હજીયે – યોગેશ જોષી

પેલી તરફ જવા

હું

દાખલ થયો

અરીસાની અંદર

ને

મારું પ્રતિબંબ

આ તરફ

નીકળ્યું બહાર…

.

અમે બંને

એકમેકમાંથી

પસાર થયા

આરપાર…

.

તોય

કેમ

હજીયે

સાવ

અજાણ્યા ?!

.

( યોગેશ જોષી )