લઘુકાવ્યો – સુરેશ દલાલ

ફૂલના

આસન પર બેસીને

ઝાકળ

સૂર્યની પ્રાર્થના કરે છે.

* * *

મંદિરના ઘંટનાદમાંથી

સવારનું અજવાળું

ટપકવા લાગ્યું.

* * *

રાતની કાળી બિલાડી

સવારના પહોરમાં

સૂરજના અશ્વમાં

પલટાઈ ગઈ.

* * *

જંગલનું ઝાડ

ખુરશીની જેમ

બેઠાડું થઈ ગયું.

* * *

વૃદ્ધાવસ્થા આવે છે

પછી જ ખ્યાલ ફરકી જાય

કે જુવાની તો ગઈ.

* * *

રાતે મને તારા જ વિચાર આવે

અને ઊંઘ ન આવે તો

તું જ કહે મારે શું કરવું ?

* * *

મારી કને

આવવામાં તું આટલો વિલંબ કેમ કરે છે ?

મારી આંખ

તારા આવવાના રસ્તા પર છે

અને મારી નજર

ઘડિયાળના કાંટા પર.

* * *

હું તને ચાહું છું

એ વાત મેં તને

કહ્યા વિના કરી દીધી છે

પણ

તારા અભણ કાનને

કેમ કશું સંભળાતું નથી ?

* * *

તુલસી સહસ્ત્ર પાન

ને વચ્ચે લાલ ગુલાબ

જુઓ, મારા સાહ્યબા

વિષ્ણુનો રુઆબ.

* * *

નાની અમથી થાળી

એમાં દોર્યો સ્વસ્તિક

વચ્ચે ઘીની દીવી

આંખને અજવાળે પંપાળી.

* * *

( સુરેશ દલાલ )

કામ લઉં છું – ભગવતીકુમાર શર્મા

આંખોને શીશે પૂરી અટકળથી કામ લઉં છું;

અંધાર છે ચસોચસ; હું છળથી કામ લઉં છું;

 .

લડવું પડે છે મારે મારા હૃદયની સાથે;

કોમળ પતંગિયું છે, હું કળથી કામ લઉં છું.

 .

આંખો હસી રહી છે, ઝાકળ દડી રહ્યું છે;

મોતીની સાથે સાથે હું જળથી કામ લઉં છું.

 .

આજે પ્રતિક્ષા પોતે મારી રહી ટકોરા;

છે ઈંતજાર આદિમ, હું પળથી કામ લઉં છું.

 .

હડતાળ પર ટપાલી; કાગળ-કલમ છે ગાયબ;

આવું છું તારી પાસે; વાદળથી કામ લઉં છું.

 .

( ભગવતીકુમાર શર્મા )

લઘુકાવ્યો – રાકેશ હાંસલિયા

(૧)

જ્યારથી

સરકારની

નોટિસ આવી છે

ત્યારથી,

કંઈ સમજાતું નથી,

ઘર કપાતમાં ગયું છે

કે

હૃદય ??

 .

(૨)

‘મા’

ને

મગ્ન થઈ

કપડાં ધોતી જોઉં છું

ત્યારે

મનની મલિનતાઓ પણ

ધોવાઈ જાય છે !!

 .

(૩)

ધૂળમાં

ચકલીને

ન્હાતી જોઈને

મારી આંખો

થઈ ગઈ

મેઘધનુષી !!

 .

( રાકેશ હાંસલિયા )

આવ તો ઉત્સવ બને – દિલીપ જોશી

પૃથ્વીનો બિસ્તર બને’ને આ ગગન પાલવ બને !

સાથ જો તારો મળે તો આયખું વૈભવ બને !

.

એટલું તારા વિષે જાહેરમાં હું કહી શકું,

તું નથી તો કૈં નથી, તું આવ તો ઉત્સવ બને !

 .

તું ઉપસ્થિત થા નહીં તો હું કરી લઉં અલવિદા,

બેઉનું હોવું પરસ્પર સૃષ્ટિનો કલરવ બને !

 .

શબ્દથી જે થઈ શકે તે મૌનથી પણ થઈ શકે,

સાંકડી શેરી મજાના મર્મનો ઉદ્દભવ બને !

 .

ક્યાંક છે તારાપણું ને ક્યાંક છે મારાપણું,

બસ અહમ ઓગાળશું તો આપણું ગૌરવ બને !

 .

ભીનું ભીનું સાંજનું એકાન્ત છે ને તુંય છો,

બીજું કૈં ક્યાં જોઈએ મોસમ સ્વયં આસવ બને !

 .

( દિલીપ જોશી )

બે કાવ્યો – પુષ્કરરાય જોષી

(૧)

કાકોક્તિ

 .

હવે કાગડો

છેતરાતો નથી કોયલથી

કે શિયાળથી

તેણે શીખી લીધી છે

ચતુરાઈ માણસની.

હવે કાગડાએ

કોં…. કોં…. કરવાનું કામ

સોંપી દીધું છે કવિઓને.

નેતાઓનાં

ધોળાં બગલાં જેવાં

ખાદીનાં વસ્ત્રો પાછળ

કાળાં કલંકો જોઈને

કાગડાને પોતાના રંગ પર

ઊપજે છે ગર્વ.

હવે કાગડો

શહેરમાં રહેવા નથી માગતો

શહેરની સભ્યતા સામે

કકળાટ કરતો

તે ભોગવી રહ્યો છે નગરવટો.

 .

(૨)

સાંજ

 .

ઢોળાઈ ગયો

ખડિયો સૂરજનો

અવનિ પર

દીવાં લૈને આગિયાં

બન્યાં છે રાહબર.

 .

( પુષ્કરરાય જોષી )

કૃષ્ણગીત – મેઘબિન્દુ

વર્ષો પછી રે કહાન જોયા ફરી

આજ મારી આંખડી ઠરી

ખોવાયેલ નથ મારા હાથમાં ધરી

કહાન આજ મલક્યા જરી

 .

એ જ એનું નટખટતું રૂપ

ને એ જ એનાં મસ્તી તોફાન

વાંસળીનાં સૂર એણે એવા છેડ્યા

હું તો ભૂલી ગઈ રે ભાનસાન

આમ તેમ દોડ્યા કરું હું તો બ્હાવરી

વર્ષો પછી રે કહાન જોયા ફરી…

 .

એ જ વૃંદાવન વાટ ને જમુનાનો ઘાટ

એ જ એ તો માખણનો ચોર

કરવા ન દે કોઈ ઘરના રે કામ

વસે મનડામાં આઠે પહેર

સપનામાં કહાન આ જ આવ્યા ફરી…

ખોવાયેલ નથ મારા હાથમાં ધરી…

ને કહાન આજ મલક્યા જરી

આજ મારી આંખડી ઠરી.

 .

( મેઘબિન્દુ )

જીવી તો જવાનું – હરીશ પંડ્યા

ઉછીનાં શ્વાસને આધાર જીવી તો જવાનું છે,

મળે આ પાર, સામો પાર જીવી તો જવાનું છે.

 .

મળે છે ક્યાં કદી ચાહ્યું હતું એ જિંદગીમાં તો,

પરોઢી સ્વપ્નને અણસાર જીવી તો જવાનું છે.

 .

કરે છે કલ્પના એનાં વિશે પણ કોઈ ફાવ્યું છે ?

ભલે ને હોય જે આકાર જીવી તો જવાનું છે.

.

વને ફરતાં મળે પંખી અને ટૌકાય મધમીઠાં,

કદી હો રણ, કદી હો ખાર જીવી તો જવાનું છે.

 .

રચાતાં છળકપટ ને વળગણો પણ સામટાં પજવે,

ઉપાડી જિંદગીનો ભાર જીવી તો જવાનું છે.

 .

( હરીશ પંડ્યા )

જળજળ કરી હતી – શ્યામ ઠાકોર

એકાન્તની એકે’ક ક્ષણ ઝળહળ કરી હતી

તારા વિશે મેં સેંકડો અટકળ કરી હતી.

 .

ભીની હવાની લ્હેરખી આવી નહીં ફરી;

દ્વારે પ્રતિક્ષા વાંઝણી પળપળ કરી હતી.

 .

દરિયા તણી વ્યાકુળતા જોયા પછી તરત;

આ માર્ગમાં થીજી નદી ખળખળ કરી હતી.

 .

ઓઢી ઉદાસી ઉંબરે એ રાતભર રડી;

કોણે ક્ષણોને આટલી વિહવળ કરી હતી.

 .

આવ્યું અચાનક ‘શ્યામ’ વાદળ ક્યાંકથી ચડી;

સુક્કી ધરા પળવારમાં જળજળ કરી હતી.

 .

( શ્યામ ઠાકોર )

આ માણસને શું કહેવું ? – દિનેશ ડોંગરે

કારણ વિના તડપે છે, આ માણસને શું કહેવું ?

ચાતક જેવું તરસે છે, આ માણસને શું કહેવું ?

 .

ઘરગૃહસ્થી, દુનિયાદારી સઘળું નેવે મૂકીને,

અમથો અમથો ભટકે છે, આ માણસને શું કહેવું ?

 .

હોઠોં પર છે પ્યાસ ગજબની, કંઠ હજી વ્યાકુળ તો પણ-

વાદળ માફક વરસે છે, આ માણસને શું કહેવું ?

 .

કોઈ આવે ના આવે, એને ક્યાં છે ફેર કશો !

બન્ને આંખો ફરકે છે, આ માણસને શું કહેવું ?

 .

સાવ લગોલગ રહીને પણ, સ્પર્શ્યો ના અમને સહેજે,

આઘે જઈને અડકે છે, આ માણસને શું કહેવું ?

 .

રોજ નવી ઈચ્છાને, વેતાળ સરીખું વળગીને,

ઊંધે માથે લટકે છે, આ માણસને શું કહેવું ?

 .

ઊંડા ઝખ્મો, ઘેરી પીડા, મનમાં ધરબીને ‘નાદાન’,

જો, મૂછોમાં મલકે છે, આ માણસને શું કહેવું ?

 .

( દિનેશ ડોંગરે )

મોર ક્યાં ગયો ? – પ્રીતમ લખલાણી

ગામ પાદર છોડી મોર ક્યાં ગયો ?

થોર વાડ તોડી મોર ક્યાં ગયો ?

 .

ટહુકામાં ડૂબવા આવી’તી દરિયેથી

કાંઠે મૂકી હોડી મોર ક્યાં ગયો ?

.

ઝાંઝર તાલે અરમાની ઓઢણીના

શમણાં આંખે ખોડી મોર ક્યાં ગયો ?

 .

આભ ધરા વચ્ચે રૂપાળો રેશમી

ગુંજતો નાતો જોડી મોર ક્યાં ગયો ?

 .

‘પ્રીતમ’ ઊછળતા લાગણીના દરિયાને

પરપોટે પરપોટે ફોડી મોર ક્યાં ગયો ?

 .

( પ્રીતમ લખલાણી )