એક હતું ધંગલ – કમલ વોરા

.

એક હતું ધંગલ

ધંગલનો રાજા એક ત્સિંહ હતો

ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય…

એટલું બોલતાં બોલતાંમાં તો

વૃદ્ધ હાંફી જાય છે

ફરી શ્વાસ ભેગો કરી બોલે છે

ધંગલના બધ્ધા પ્લાનીઓએ

એક સભા કલી

ત્સિંહનો હુકમ રોજ એક પ્લાની દોઈએ

એક સત્સલું કેય કે

હું રાજાને છેતલું

બધ્ધા પ્લાનીઓએ એને લોયકો

પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે

અહીં

વારતા અટકી ગઈ કારણ

વૃદ્ધ ભૂલી જાય છે કે

સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું

એ ખૂબ યાદ કરવા મથે છે

આંખો ચકળવકળ ઘુમાવે છે

અકળાય છે

પણ એને

આગળનું કંઈ જ યાદ નથી આવતું

અધૂરી રહી ગયલી વારતામાં

જંગલનું સિંહનું

અને સસલાનું

અને વૃદ્ધનું હવે શું થશે…

એની તોઈને ખબલ નથી

 .

( કમલ વોરા )

મીરાંબાઈ છે – મહેશ શાહ

મોળું નહિ માપે મીરાંબાઈ છે

પંથ એનો પરમ વિનાનો નહિ કાપે, મીરાંબાઈ છે.

 .

ડગલે ને પગલે એનો સાંવરિયો દીસે

જે કંઈ કરે તે એના મોહનને મિષે:

સંગ એનો શરણ વિનાનો નહિ રાખે, મીરાંબાઈ છે.

 .

મૂક્યું મેવાડ કર્યું વૃંદાવન વ્હાલું

ગોવિંદને ગાતું એવું મંજીરું ઝાલ્યું:

રંગ એનો ભગવા વિનાનો નહિ રાખે, મીરાંબાઈ છે.

 .

શામળે સમાવ્યાં એને હૈયામાં સ્થાપી

આનંદે ઓળઘોળ ગ્રંથિઓ ઉથાપી:

છંદ એનો ભજન વિનાનો નહિ રાખે, મીરાંબાઈ છે.

 .

( મહેશ શાહ )

લાગણીના પૂરને – કૈલાસ અંતાણી

લાગણીના પૂરને ખાળી શકો

એમ દુર્ઘટના તમે ટાળી શકો.

.

છેક ઊંડે જળ સતત વહેતાં રહે,

જો સપાટી શાંત સંભાળી શકો.

.

આમ ચાલ્યા ઊંચકી વહેતી નદી,

વહેણ પાછાં કઈ રીતે વાળી શકો ?

 .

કંઈક અંદરથી જ ભીનાં થઈ જવું,

આંખની ભીતર જરા ભાળી શકો.

 .

શક્ય છે કે પૂરને ખાળી શકો,

પાંપણો નીચે બધું ઢાળી શકો.

.

( કૈલાસ અંતાણી )

દુનિયાદારી છે – ખલીલ ધનતેજવી

દોડાવી હંફાવી મારે એવી દુનિયાદારી છે,

દુનિયા પાસે હું શું માગું દુનિયા ખુદ દુ:ખ્યારી છે.

 .

ચાહો તો અજમાવી જોજો તાકત ને મજબૂરી પણ,

એની પાસે પાવર છે પણ એ માણસ સરકારી છે !

 .

ધીમે ધીમે ઈચ્છઓને ઓછી કરવા બેઠો છું,

બે-ત્રણને તો મારી નાખી, ચોથીની તૈયારી છે !

 .

મારી પાંપણ પલળે ત્યારે ત્યાં કોઈ આંખો લૂછે,

મોતી જેવાં આંસુ મારાં શું ચેપી બીમારી છે !

 .

બંને કાને પૂમડાં ખોસી બેઠા છે ચોકીદારો,

ચારેબાજુ બૂમો ચીસો હાકોટા કિલકારી છે !

 .

તારા ગામે રોકાવાની ઈચ્છા છે પણ શું કરવું,

રસ્તાઓ પગને વળગે છે, આદત પણ વણજારી છે !

 .

આજે તો આ મોસમ નક્કી હાંફી જાશે યાર ખલીલ

ફૂલોની રગરગને આજે ખુશ્બૂએ લલકારી છે !

 .

( ખલીલ ધનતેજવી )

…અસદુલાહ! (મિર્ઝા ગાલિબ) – લલિત ત્રિવેદી

.

કલમ કાગળ લઈ બોલું છું બિસ્મિલ્લાહ, અસદુલ્લાહ !

અકળ આતિશ ઊઠે છે ને વધે છે દાહ, અસદુલ્લાહ !

 .

કરું છું તરજુમો તો થાઉં છું ગુમરાહ, અસદુલ્લાહ !

તમારી બઝમમાં નહિતર તો છે ઈદગાહ, અસદુલ્લાહ !

 .

કહી દો અપ્સરાને કે ન પકડે બાંહ, અસદુલ્લાહ !

ઝીણેરી કન્યકા સાથે થયા છે બ્યાહ, અસદુલ્લાહ !

 .

ફરક પડતો નથી રેલાય ઝાલરમાં કે કાગળમાં

રૂહાની ફાકામસ્તીને નથી પરવાહ, અસદુલ્લાહ !

 .

જરા શબનમ.. જરા કળીઓ… ને પાંદડીઓ-શો એક કાગજ

ભલે ને પરતવેખૂર છે… ભીતર છે છાંહ, અસદુલ્લાહ !

 .

શબદ પ્રગટે એ ઘટના તો ઈબાદત જેવી છે, વલ્લાહ !

ઝૂકે છે મસ્તક એ જગ્યા છે ઈબાદતગાહ, અસદુલ્લાહ !

 .

ફરક શું કાગઝી પ્હેરણ ને ચીંથરેખાલ-બે વચ્ચે !

નહિતર બેય પર વરસે છે એક જ ચાહ, અસદુલ્લાહ !

 .

ગઝલ ટીકાની બોલીમાં હું સંભળાવું છું બગીચાને

સભામાં એક ધ્યાને સાંભળે અલ્લાહ, અસદુલ્લાહ !

 .

( લલિત ત્રિવેદી )

લઘુકાવ્યો

(૧)

નવોઢા

 .

મધદરિયે

મોટાં મોટાં

વહાણોય ડૂબી જાય છે

એ જાણવા છતાંય

દરિયાની છાતી પર

નવોઢાની જેમ

માથું મૂકવાનું

અદમ્ય આકર્ષણ

કેમ નહીં રોકી શકતી હોય

સઢવાળી નાનકડી હોડી ?

 .

( પન્ના નાયક )

 .

(૨)

મારી

પ્રતીક્ષા

વિસામો ચૂકી ગઈ છે

એટલે તો

હવે

એને

તોરણ અને સાંકળ

વચ્ચેનો

ફર્ક સમજાતો નથી !!

 .

( દિનેશ કાનાણી )

 .

(૩)

તડકો

 .

અડધી રાતે

તડકો

ભૂલો પડ્યો હતો

મને

સૂરજનું

સરનામું

પૂછતો હતો !

 .

( રજનીકાન્ત ઓઝા )

 .

(૪)

કેટલાક માણસોનાં દિલ

પથ્થર બની ગયાં છે,

ને કેટલાક પથ્થર

ઈશ્વર બની ગયા છે.

 .

( હરેશ સોંદરવા )

 .

(૫)

મન તો થાય…

ક્યાંક, મનભર વરસું…

પણ…

પ્રતીક્ષાનો, ખોબો ક્યાં ?

 .

( પ્રજ્ઞા વશી )

 .

(૬)

દીવાલ ચિતરેલા

પતંગિયાને

ફૂલ અડી ગયું

થોડીવારમાં તો

પતંગિયું ઉડી

ફૂલ ઉપર બેસી ગયું;

 .

( જનક વ્યાસ )

 .

(૭)

ફરક

 .

બે જણ

એકમેકને ગમે

તે લાગણી છે,

અને

બે જણને

એકમેક વગર ન ગમે,

તે પ્રેમ છે.

 .

( મદનકુમાર અંજારિયા )

 

 

વાદળ થઈ હું આવ્યો છું – અનિલ ચાવડા

વાદળ થઈ હું આવ્યો છું ને તું કે’ છે ‘હું ઘેર નથી’,

આ વખતે જો ના પલળ્યો તો તારી સ્હેજે ખેર નથી.

 .

હશે દીવાલો જૂની ઝર્ઝર, પણ ફળિયાનાં ફૂલ જુઓને !

મારું ઘર છે મારા જેવું, મ્હેલ નથી ખંડેર નથી.

 .

તારી દીધેલ ઉદાસીઓ પણ દીકરી જેવી વ્હાલી છે,

સ્મિત અને આંસુની વચ્ચે મારે સ્હેજે ફેર નથી.

 .

સૌના ખિસ્સા ભરેલ છે, પણ હૃદય બધાના ખાલી છે,

અહીંયા સૌને ખુદની સાથે બીજું તો કંઈ વેર નથી.

 .

કોઈ કરગરતું ઈશ્વરને તો કોઈ કરગરતું કિસ્મતને,

કોણ અહીંયા એવું છે કે જે સ્હેજે ઘૂંટણભેર નથી ?

 .

( અનિલ ચાવડા )

ઘર – રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’

હું આવું છું…,

ને ઘર બારણાના બે બાહુ લંબાવીને

મને બાઝી પડે છે.

નેવાંનો નેહ (જાણે શ્રાવણી મેહ)

મારા પર છલકાઈ જાય છે.

ખીંટીએ ખીંટીએ બેઠેલી હવા

દોડી આવીને…,

આ શરીરને લીલા લસરક ખેતરની જેમ

લહેરાતું કરી દે છે.

ઘર ઢોલિયો દે છે ઢાળી,

હું બેસું પલાંઠી વાળી,

ત્યાં તો…,

ઘર બની જાયે ઠંડા જળનો લોટો

લોટે લોટે પીવું છે ઘર…

ઘર ભર્યા તળાવનો કાંઠો,

ઘર તો શેરડીનો સાંઠો,

ઘર લીંપણમાંથી બેઠું થાય,

મોભે જ્યાં અડવા જાય,

પાછું એ,

શિશુનું લઈને રૂપ

મને પાછળથી વળગી પડે છે.

હું વાળીને સોડે બેસાડું ઘર…,

હું ઝાલીને ખોળે પોઢાળું ઘર…,

ઘર કોયલ-ટહુકો

ઘર ગડાકુ-હુક્કો

બે ઘડી હું ઘરમાં ફરું છું…

ઘર સાથે રહીને મને ફેરવે છે.

બાજરાનો રોટલો ને તાંસળીમાં છાસ

ડુંગળી હોય જો પાસ,

હાશ…!

ઘૂંટડે ઘૂંટડે ઉતારું ઘર…

ઘર તો દહીંવડું

ઘર તો ભોટંગડું.

-દા’ડે પીસવો બનીને વાગ્યા કરે છે ઘર…

-રાતે દીવો બનીને જાગ્યા કરે છે ઘર…

ઘર વીંજણાનો પવન થઈ વાય;

ઘર છીંદરાનું ગવન થઈ છાય;

વહેલા પરોઢે મને જગાડે છે ઘર

હું હસતો હસતો જાગું છું.

ઘર બાંધે પછેડીને છેડે ભાતું

કરી લઈ મનમાની વાતું.

ઘર ફળિયા સુધી વળાવવા આવે છે.

પ્રાણમાં પ્રોવું ઘર…

વાણમાં સોવું ઘર…

ઘર તુલસી બનીને ડોલ્યા કરે છે

ઘર પરબડી બનીને ઝૂલ્યા કરે છે.

રોજ હૈયાની કાવડીમાં રમતું ઘર…

રોજ આંખની વાવડીમાં ઝમતું ઘર…

 .

( રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’ )

આકાશ – સુરેશ દલાલ

હું તારી સાથે નથી

એટલે જ કદાચ હું તારી ખૂબ ખૂબ પાસે છું.

વિરહને ઓઢીને હવે ચાલતો નથી.

વિરહ તો આકાશ થઈને વ્યાપ્યો છે.

એમાં તારી સ્મૃતિના વાદળ બંધાય છે, વીખરાય છે

ને ક્યારેક હોય છે વાદળ વિનાનું આકાશ.

સ્મૃતિ વિનાનો વિરહ

એટલે આકાશ.

અનંત આકાશની છાયામાં

હું બેઠો છું.

દર્પણ થઈને ફેલાયેલો સમય

પ્રતિબિંબ જોવાની મન ફરજ પાડ્યા કરે છે.

હું કશું જ જોતો હોઉં એમ જોયા કરું છું.

મને, આકાશને, વાદળને, હવાને, સમયને, તને !

 .

( સુરેશ દલાલ)

હરિ કરે સો હોય – સુરેશ દલાલ

હરિ કરે સો હોય

એ જ આપે છે દોરો

ને એ જ આપે છે સોય

હરિ કરે સો હોય.

 .

એની ઈચ્છા વિના

હલે નહીં ઝાડ ઉપરનું પાંદ,

એની એક અણસારે ફરતા

આભે સૂરજ-ચાંદ;

એ જ આપે છે સ્મિત

ને એ જ આંસુને લ્હોય,

હરિ કરે સો હોય.

 .

આંખ અને વળી દ્રષ્ટિ આપે,

દ્રષ્ટિ હોય તો સૃષ્ટિ;

પાંચ ભલે આંગળીઓ,

પણ એ વાળી આપે મુષ્ટિ

હરિ આપણું આભ

ને હરિ આપણી ભોંય

હરિ કરે સો હોય.

 .

( સુરેશ દલાલ )