ઘાસ – અજય સરવૈયા

.

૧.

તમે ઘાસને શું આપશો ?

કાપેલા નખ ?

પ્લાસ્ટિકની કોથળીઓ ?

ફાટેલા જોડા ?

કે દાટેલાં સપનાં ?

આ બધાંનું ઘાસ શું કરશે ?

એને વધવું નથી

કશું વધારવું નથી

સપનાની ઈંટો નથી બનાવવી

જોડા નથી રાંધવા

સમય નથી કાપવો

 .

એને કદાચ વાઘની આંખમાં ઝબકવું હશે

દરજીડાના માળામાં ખૂણો બનવું હશે

સપનાંની ડાળ બનવું હશે

માત્ર ફેલાવું હશે

 .

૨.

તમારે કશું પાછું નથી આપવાનું

ઘાસને

આમેય

આપણે ક્યાં કશું પાછું આપી શકીએ છીએ

 .

ઘણી વાર નખમાં ઊગી નીકળે છે ઘાસ

ને અજાણતાં, આદતવશ

આપણે એને કાપી નાખીએ છીએ

જોડાની નીચે ઊગતા ઘાસની તો

ભનક પણ નથી આવતી

સપનાં ઘાસથી જ સિવાયેલાં હોય છે

ક્યારેક તમે બે સપનાંની વચ્ચે જાગી જાવ

તો ઘાસ ફરફરતું સંભળાશે

પણ એનો અવાજ એટલો ધીમો હોય છે

ક્ષીણ નદીના વહેણથી ધીમો

કીડીનાં પગલાંની ચાપથીય ધીમો

દરજીડાના ઝીણા શ્વાસથીય ધીમો

 .

૩.

પહેલાં ઘાસ ફૂટ્યું

પછી પવન

પછી વાદળ

પછી સપનાં

પછી જનમોજનમ

 .

ક્યારેક હથેળીની રેખાઓમાં ઘાસ ફૂટે છે

ને પછી છાતીમાં પવન ફૂંકાય છે

પછી આંખોમાં વાદળ ઊતરે છે

ઊંઘ ઘેરાય એમ સપનાં બંધાતાં જ જાય છે

પછી કયા જનમના ખીલા કયા જનમમાં ખોડાય છે

કોણ જાણે ?

 .

ક્યારેક શ્વાસમાં ઘાસ ફૂટે છે

ને પછી પવન પડી જાય છે

આંખોમાં વાદળ નીતરે છે

સપનાથી ઊંઘ ફાટી પડે છે

આમેય અવળસવળ જન્મો

વધુ ગૂંચવાય છે

ક્યાંના ક્યાં

કોણ જાણે ?

 .

૪.

આ પહેલાંય

રાત આમ ઊતરેલી

દિવસને ઊથલાવી

સાંકડી સૂમસામ ગલીઓની શાંતિમાં વેરાયેલી

બરફ ઘાસ પર બેસે એમ

રાત ઊતરેલી

 .

આ પહેલાંય

શબ્દો આમ ગોઠવાયેલા

વાત આમ થયેલી

પાન પરથી ઝાકળ ખરી જાય એમ

 .

તમે કહેશો

બધું જ કંઈ એવું ને એવું નથી હોતું

જેમનું તેમ નથી રહેતું

.

આ પહેલાંય

પ્રેમ આમ થયેલો

ધીરજ આમ ખૂટેલી

આશા આમ બંધાયેલી

પાંદડાં આમ ખરેલાં

બરફ આમ વરસેલો

ઘાસ આમ છવાયેલું

આ પહેલાંય

 .

 

૫.

ઘાસમાં પવન ફૂંકાય એમ

કવિતામાં અર્થ ફૂંકાય છે

પવનમાં ઘાસ ફરફરે એમ

કવિતામાં શબ્દો ફરે છે

પવનમાં ઘાસ ફરફરે એમ

શબ્દોમાં કવિતા ફરફરે છે

પવનમાં ઘાસ ફરફરે એમ

કવિતામાં અર્થ ફરફરે છે

પવનમાં ઘાસ ફરફરે એમ

અર્થમાં અર્થો ફરફરે છે

ઘાસમાં જેમ પવન છે

કવિતામાં તેમ અર્થ છે

 .

( અજય સરવૈયા )

 

કમનસીબ – લક્ષ્મી મણિવનન, અનુ. સુરેશ દલાલ

.

ગલીના થોડાક

કુત્તાઓને હું જાણું છું-

થાક્યા વિના બસની પાછળ

દોડતા હું એમને હંમેશાં જોઉં છું,

છેવટે હાંફતા, લાળ પાડતા

અને લોથપોથ થઈ જતા.

મને પણ અદમ્ય ઈચ્છા થઈ આવે છે

આવું જ કરવાની-

એકાદ વાર

બસની પાછળ પાગલ થઈને દોડું

અને હૃદયને સંતોષ થાય ત્યાં સુધી ભસ્યા

કરું.

પણ

મારા નસીબમાં કૈંક જુદું જ છે;

બસમાં પ્રવાસ કરવાનું

લખાયું છે કમનસીબે.

 .

( લક્ષ્મી મણિવનન, અનુ. સુરેશ દલાલ )

 .

[ મૂળ કૃતિ : તામિલ, ૧૯૬૯ ]

મને જિંદગીનો – મુકેશ જોષી

.

સવારે નિહાળો તો ઝાકળ શી તાજી

બની જાય સાંજે ગુલાબી ગુલાબી

ભરે રાતરાણી મહેકદાર પહેરો

મને જિંદગીનો ગમે ખૂબ ચહેરો

 .

કદી ઉલઝનોથી દુણાયેલી રાતો

કદી જિસ્મ સળગી ઊઠે એવી વાતો

કદી તો હવાના ફૂંફાડાઓ ધરખમ

કદી તાલ તૂટે ડૂબી જાય સરગમ

છતાં સૂર ગમતો ઊઠે ક્યાંક ગહેરો

મને જિંદગીનો ગમે ખૂબ ચહેરો

 .

ધધકતી જવાની અને ગર્મજોશી

ઉલાળા ઠરે આંખના નિત્ય દોષી

કદી છેડવાની કદી છોડવાની

રહે આંખ ખાલી એ પરીઓ વિનાની

છતાં કો પરીએ કહ્યું સ્હેજ ઠહેરો

મને જિંદગીનો ગમે ખૂબ ચહેરો

 .

અંતે ઉદાસી જીતી જાય મારી

અને યાદ કરપીણ મારે કટારી

અંતે તરસનું તીણું તીર વાગે

બદન હોય બેહોશ ને જીવ માગે

કોઈ સ્મિતની તોય મોકલતું લ્હેરો

મને જિંદગીનો ગમે ખૂબ ચહેરો

 .

( મુકેશ જોષી )

તને પીડશે સતત – દિનેશ ડોંગરે “નાદાન”

.

સમજણનો છે અભાવ તને પીડશે સતત,

એકાદ અણબનાવ તને પીડશે સતત.

 .

સંબંધમાં તનાવ તને પીડશે સતત,

એકલપણાનો ભાવ તને પીડશે સતત.

 .

નાહકનું ઝૂરવાનું હવે છોડજે ઓ દિલ,

એનો છે એ સ્વભાવ તને પીડશે સતત.

 .

હો હારવાનો રંજ કે ખુશીનો કેફ હો,

તારા રમેલ દાવ તને પીડશે સતત.

 .

ઘનધોર અંધકાર ને દરિયાની આ સફર,

નાવિક-હલેસું-નાવ તને પીડશે સતત.

 ,

એને સમયનું વ્હેણ મિટાવી નહીં શકે,

આ લાગણીના ઘાવ તને પીડશે સતત.

 .

( દિનેશ ડોંગરે “નાદાન” )

વરસાદમાં – ધીરુબહેન પટેલ

વરસાદમાં

મકોડાને પાંખ ફૂટે છે

શા માટે ?

તેઓ જાણતા નથી

પણ નવા ગાંભીર્યથી

ગોળ ગોળ ફરે છે

તેમની ગતિ થાય છે

ભૂતલથી આકાશ ભણી

તેજથી તિમિર ભણી

નથી પ્રાપ્તવ્ય નથી સ્પર્ધા

નથી સાથનીયે પરવા

તેમના જીવનમાં આવ્યો છે

એક નવો ઉન્મેષ

નવો આનંદ

જે આકાશ ભણી જોયુંયે નહોતું

તે હવે તેમનું છે

તેમનું પોતાનું

સ્વેચ્છાએ વિહરવું

ના કોઈ બંધન ન ડર

બસ આહલાદક આકાશી સફર

 .

પાંખો ચોવીસ કલાકથી વધુ

ટકતી નથી

એ તેઓ જાણતા નથી

જાણવાની શી જરૂર એમને

આપણને કે કોઈને પણ ?

પરમ સત્ય એ છે

કે પાંખો ઊગી છે

વરસાદનાં પહેલાં છાંટણાં સાથે

એમને-અને આપણને

ઓહ, જો આપણને એનું ભાન હોત !

 .

( ધીરુબહેન પટેલ )

તાપણી – મણિલાલ હ. પટેલ

.

આપણે નહીં કરેલા ગુન્હાઓની શિક્ષા

આપણને જ શા માટે થાય છે ?

વસંત બેસે છે તોય

આપણને તો ઉઝરડા જ મળે છે

મૉલ બનેલાં આપણાં ખેતરોમાં પછી

આપણે ઉગાડી શકતા નથી મનગમતાં શમણાં

આંગણાના ઝાડની ડાળે-માળે

બેસીને આપણે ગાઈ શકતા નથી લીલાશને

ખાઈ શકતા નથી હક્કનો રોટલોય નિરાંતે !

 .

જે હાથે બાંધ્યા મોલ ને ચણ્યા મિનારા

એ તો પામ્યા છે ગામવટો-ઘરવટો

આપણે તો હતા પતંગિયાં રમાડતી

કેસીઓના જીવ

સડકોની સુંવાળી સોબત સૉળ બની ગઈ

આપણ તો ‘વળતાં પાણી’ના વારસદાર છીએ

નિ:સહાય દેખવું ને દાઝ્યા પર દાઝવું

એ જ આપણી નિયતિ !

 .

તો ય ક્યારેક પુછાઈ જાય છે –

કોના ગુન્હાઓની શિક્ષા થાય છે આપણને

કિયો ઘાંચી

અવળી ઘાણીએ પૂરીને તેલ કાઢે છે આપણું ?

આપણું હોવું તો કાયમનું

ધગધગતું તાપણું…

 .

( મણિલાલ હ. પટેલ )

ગાડું ગબડે – ભગવતીકુમાર શર્મા

.

શ્વાસ પડે કે ઊપડે, એમ જ ગાડું ગબડે;

દ્વાર બિડાય કે ઊઘડે, એમ જ ગાડું ગબડે.

 .

પડછાયો માણસને માણસ પડછાયાને

છોડી દે કે પકડે, એમ જ ગાડું ગબડે.

 .

પ્રભાત ઊગે, સાંજ ઢળે ને ખીલે ચાંદની,

માણસ ખુદમાં સબડે, એમ જ ગાડું ગબડે.

  .

સ્વપ્નો, ઈચ્છા, આશા-સઘળું વીખરાયેલું,

જીવું ટુકડે ટુકડે, એમ જ ગાડું ગબડે.

 .

મિથ્યા દોષારોપણનો શો મહિમા કરવો ?

માણસ છે તો લથડે, એમ જ ગાડું ગબડે.

.

દીવાલોની વચ્ચે માણસ ઘેરાયો છે,

બારીઓ પણ કચડે, એમ જ ગાડું ગબડે.

 .

નથી રણકતા હવે ઘૂઘરા સીમાડાએ,

ખેતરશેઢે વગડે, એમ જ ગાડું ગબડે.

  .

( ભગવતીકુમાર શર્મા )

આકાશ, અપના અપના ! – ધીરુ મોદી

.

વિશાળ વટવૃક્ષને છાંયડે …

દરમાં સતત આવ-જા કરતી કીડીએ

આકાશ વિશે ઘણું સાંભળ્યું હતું

પણ એણે કદી આકાશ જોયું નહોતું.

 .

એકવાર આકાશ જોવાને બહાને

તક મળતા આ કીડી

ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ એક ઊંટ પર ચઢી ગઈ

 .

…લાંબી ચરણયાત્રા…પૂરી થઈ

ને છેક ઊંચે ગોળાકાર ગાદી સરખા પોચા ઢેકા પર બેઠી.

 .

પછી શ્વાસ હેઠે બેસતાં

ઊંચે જોઈને

એણે આકાશને પૂછ્યું:

-અરે ઓ આકાશ!

બોલ, હજીય તું કેટલું ઊંચું ?

 .

( ધીરુ મોદી )

પરીકથા – અવિનાશ પારેખ

.

બધાંને

હંમેશા એ જ જોઈતું હોય

જે

આપણી પાસે ન હોય

એવામાં

આપણી પાસે શું છે

એ વાત કરવાનો કોઈ અર્થ ખરો

 .

આપણે વાત કરીએ

કોઈક

અજાણ્યા અદ્દભુત વિશ્વની.

 .

પરીકથાનો

આમ જ તો થાય

આરંભ…

 .

( અવિનાશ પારેખ )

કોને ખબર – પરાજિત ડાભી

.

ટાઢ, તડકા, સૂર્યનું કારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર,

આંખમાં જે સ્વપ્નનું ભારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

શબ્દ સઘળા સોળ આની આ ગઝલમાં અવતરેલા તે છતાં,

દર્દનું અકસીર મારણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

સાંજ ઢળવા નીડમાં પાછા ફરી શકતા નથી એ ખગ વિશે,

વૃક્ષ સાથે એક જે સગપણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

ઝાંઝવાનાં અર્થની પોઠો બધી રઝળ્યા કરે ગઝલો મહીં,

ધોમધખતું શબ્દનું જે રણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

 .

આજ ઓળખ એટલે તો કોઈને પણ કોઈની મળતી નથી,

કાલ સૌની આંખમાં દર્પણ હતું તે ક્યાં ગયું – કોને ખબર.

.

( પરાજિત ડાભી )