
(23/08/1938 – 25/12/2012)
અને હવે સાંજ પડી.
ત્યારે સાધ્વી મિત્રાએ કહ્યું,
ધન્ય હો આજના દિનને અને સ્થળને અને આપના આત્માને જેણે અમને વચનામૃત સંભળાવ્યાં.
ત્યારે તે બોલ્યા, શું હું બોલતો હતો કે ?
શું હું સાંભળનારોયે નહોતો કે ?
તે પછી તે મંદિરની પગથીઓ ઊતર્યા, અને સર્વ લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. અને તે વહાણ પર જઈ પહોંચ્યા, અને તેની તૂતક પર ઊભા રહ્યા.
અને લોકો ભણી જોઈ, તે પોતાનો સાદ મોટો કરી બોલ્યા :
ઑરફાલીઝના લોકો, તમારી વિદાય લેવા પવન સૂચવી રહ્યો છે.
પવન કરતાં મારી ઉતાવળ ઓછી છે, છતાં મારે હવે જવું જોઈએ જ.
અમે ભટકનારા, હમેશાં એકાંતનો માર્ગ શોધનારા, જ્યાં એક દિવસ પૂરો કર્યો ત્યાં જ બીજો દિવસ ઊગવા દઈએ નહીં; અને જ્યાં અસ્ત પામતો સૂર્ય અમને છોડી જાય ત્યાં ઉદય પામતો સૂર્ય અમને જોઈ શકે નહીં.
પૃથ્વી ઊંઘતી હોય ત્યારેયે અમે તો ફરતા જ હોઈએ.
અમે છીએ દ્રઢ વૃક્ષનાં બીજો; અમારી પક્વતાની અને અમારા અંતરની પૂર્ણતાની દશામાં અમને પવનને હવાલે કરી સર્વત્ર ઉડાડવામાં આવે છે.
થોડો જ કાળ હું તમારામાં રહ્યો, અને તેથીયે થોડા શબ્દો મેં તમને કહ્યા છે,
પણ મારો અવાજ તમારા કાનમાં જીર્ણ થઈ જશે, અને મારો પ્રેમ તમારી સ્મૃતિમાંથી ભૂંસાઈ જશે, તો વળી હું તમારી વચ્ચે આવીશ.
અને વધારે ભાવથી અને આત્માને વધારે આધીન રહેનારી વાણીથી હું તમારી જોડે બોલીશ.
જરૂર, વળતી ભરતીએ હું પાચો આવીશ,
અને મરણ મને સંતાડી દે, અને વિશેષ મૌન મને ઢાંકી દે, તોયે વળી હું તમારી બુદ્ધિને શોધીશ.
અમે મારી શોધ મિથ્યા નહીં જાય.
અને મેં કહ્યું તેમાં જો કંઈ સત્ય હોય, તો સત્ય વધારે સ્પષ્ટ અવાજમાં, અને તમારી બુદ્ધિને વધારે અનુકૂળ વાણીમાં પ્રગટ થશે.
હું પવન સાથે જાઉં છું, ઑરફાલીઝના લોકો, પણ હું શૂન્યમાં ડૂબી જતો નથી.
અને જો આજનો દિવસ તમારી ભૂખને અને મારા પ્રેમને તૃપ્ત કરનારો ન નીવડ્યો હોય, તો તે બીજે દિવસે પાછા આવવાના કરારરૂપે થાઓ.
મનુષ્યના વિષયો બદલાય છે, પણ તેનો પ્રેમ બદલાતો નથી; તેમ જ નથી બદાલતી ઈચ્છા કે એના પ્રેમથી એના વિષયો તૃપ્ત થાય.
ત્યારે જાણો કે વધારે મોટા મૌનમાંથી હું પાછો આવીશ.
ખેતરોમાં ઝાકળનાં ટીપાં વેરી પ્રભાતમાં ઊડી જનારું ધુમ્મસ, ઊંચે ચડી વાદળામાં બંધાઈ, પાછું વરસાદરૂપે નીચે પડે છે.
અને એ ધુમ્મસથી હું જુદા પ્રકારનો નથી.
રાત્રિની શાંતિમાં હું તમારી શેરીઓમાં ફર્યો છું, અને અમરો આત્મા તમારાં ઘરોમાં પેઠો છે,
અને તમારા હૃદયના ધબકારા મારા હૃદયમાં થતા, અને તમારો ઉચ્છવાસ મારા મોં પર અઅવતો, અને હું તમને બધાને ઓળખતો.
સાચે જ, તમારા હર્ષ અને તમારા પ્રેમને હું અજણતો, અને તમારી ઊંઘમાં તમારાં સ્વપ્નો મારાં સ્વપ્ન બનતાં.
અને ઘણીવાર હું તમારી વચ્ચે પર્વતામાળા વચ્ચે આવેલા સરોવર જેવો થતો.
તમારાં શિખરો અને વાંકાચૂકા ચડાવોનાં, અને વળી તામરા વિચારો અને તમારી કામનાઓના ચાલી જતા ગાડરોનાંયે હું પ્રતિબિંબ ઉઠાવતો.
અને મારા શાંત (હૃદ=સરોવર) પ્રત્યે તમારાં બાળકોનું હાસ્ય ઝરણાંઓ થઈને અને તમારા તરુણોની આકાંક્ષાઓથીયે વધારે મોટાં બની તે (ગાનો) મારી પાસે આવતાં.
એ તમારામાં રહેલો અનંત હતો;
તે વિરાટ પુરુષ જેનાં તમે સૌ માત્ર જુદા જુદા કોશો (cells) અને સ્નાયુઓ જ છો,
અને જેના સૂરમાં તમારું સર્વ સંગીત કેવળ અવાજ વિનાના કંપ જેવું જ છે,
એ વિરાટ પુરુષને લઈને તમે વિરાટ છો,
અને તેના દર્શનમાં મેં તમને જોયા અને ચાહ્યા.
કારણ, એ વિશાળ સ્વરૂપમાં ન હોય એવાં કયાં અંતરોને પહોંચવાની પ્રેમની શક્તિ છે ?
કયાં સ્વપ્નાં, કઈ આશાઓ અને કઈ ધારણાઓ ને ઊંડાણને (ઊંડાણ=આકશમાં ઊંચી ઊડ, flight) ઓળંગી શકે ?
લાખનાં ફૂલથી ઢંકાઈ ગયેલા મહાન વનવૃક્ષના જેવો તે વિરાટ પુરુષ તમારામાં વસે છે. (વનવૃક્ષ=દેવદાર Oak. એમાંથી ઝરીને ફૂલની જેમ બંધાતો ગંધવાળો રસ તેને અહીં લાખ કહ્યો છે.-oakapple)
એની શક્તિ તમને પૃથ્વી સાથે જકડી રાખે છે, એની સુવાસ તમને આકાશમાં ચડાવે છે, અને ચિરંજીવિતામાં તમે અમર છો.
તમને એમ શીખવવામાં આવે છે કે સાંકળની જેમ તમેયે તમારી નબળામાં નબળી કડી જેટલા નબળા હો છો.
આ અર્ધું જ સત્ય છે. તમે તમારી જબરામાં જબરી કડી જેટાલા બળવાન પણ છો.
તમારા સૌથી અલ્પ કાર્ય પરથી તમારું માપ કાઢવું, એ સમુદ્રની શક્તિનો એની ફીણની ક્ષુદ્રતા પરથી ખ્યાલ કરવા બરાબર છે.
તમારી નિષ્ફળતા પરથી તમારે વિશે મત બાંધવો એ ઋતુઓને તેમની અસ્થિરતા માટે દોષ દેવા બરાબર છે.
સાચે જ તમે સમુદ્ર સરખા છો,
અને ભારથી લાદેલાં વહાણો તમારા કિનારાઓ પર ભરતીની વાટ જોતાં ઊભાં હોય તોયે, સમુદ્રની જેમ જ, તમેયે તમારી ભરતીને ઉતાવળ આણી ન શકો.
અને તમે ઋતુઓ સરખાયે છો;
અને જોકે તમારા શિયાળામાં તમે તમારા વસંતનો ઈનકાર કરો છો, (એટલે જાણે વસંત આવનાર જ ન હોય એવું દર્શાવો છો. શિયાળો=નિરાશા, વસંત=આશા).
છતાં વસંત તમારામાં જ સૂતેલો હોઈ, પોતાના ઘેનમાં હસે છે અને ખોટું લગાડતો નથી.
એમ ન માનશો કે આ બધું હું તમને કહું છું તે એટલા માટે કે પછીથી તમે એકબીજાને કહો કે, “એણે આપણં સારાં વખાણ કર્યાં. એણે આપણી સારી બાજુ જ જોઈ.”
હું માત્ર વાચામાં જ તે કહું છું, જે તમે તમારા અંતરમાં જાણો છો જ.
અને વાચામય જ્ઞાન એટલે વાતચીત જ્ઞાનની છાયા સિવાય બીજું શું ?
તમારા વિચારો અને મારી વાચા સીલબંધ કરી રાખેલી આપણી સ્મૃતિના તરંગો માત્ર છે;
એ (સ્મૃતિ એટલે) એક દફતરખાતું જેમાં આપણી ગઈ તિથિઓની,
અને જ્યારે પૃથ્વી આપણને કે પોતાનેયે જાણતી નહોતી તે પ્રાચીન કાળની,
અને જ્યારે તે પ્રલયાવસ્થામાંથી પ્રગટ થતી હતી તે ગરબડવાળી રાત્રિઓની નોંધો રખાયેલી છે.
ઘણા જ્ઞાની પુરુષો પોતાનું જ્ઞાન તમને આપવાને અહીં આવી ગયા છે. હું તમારી પાસેથી કંઈક જ્ઞાન મેળવવા આવ્યો હતો :
અને, ખરે જ, જ્ઞાન કરતાંયે કાંઈક વિશેષમને મળ્યું છે.
એ તમારી અંદર રહેલી, અને સદાયે વધતી જતી, ચૈતન્યની જ્યોતિ;
જો કે તમે તો, એની વૃદ્ધિ તરફ દુર્લક્ષ કરી, તમારા દિવસો વહી ગયાનો શોક કરો છો.
જે જીવન શરીરની અંદરના જ જીવનને શોધે છે, તે જ કબરથી ડરે છે.
અહીં કબરો છે જ નહીં.
આ પર્વતો અને મેદાનો પાળણું અને ચડવાનું પગથિયું છે.
જ્યાં તમે તમારા પૂર્વજોને દાટ્યા હોય તે ખેતર પાસેથી જ્યારે જ્યારે તમે જાઓ, ત્યારે તેને સારી પેઠે તાપસી જુઓ; તો તેમાં તમે તમને પોતાને અને તમારાં બાળકોને હાથમાં હાથ મેળવી નાચતાં જોશો.
ખેર, કેટલીયે વાર તમે ન જાણતાંયે આનંદ કરો છો. (એટલે તમારો આનંદ યોગ્ય કારણસર હોય છે, પણ તેના કારણની તમને ખબર નથી હોતી. તમારા પૂર્વજો તમને મૂકીને કબરમાં ન ગયા હોત, તો તમે આજે નાચી શકત નહીં, અને તમે જો મરો નહીં તો ઊંચેયે ચડી શકો નહીં, અને તમારા વંશજો માટે સ્થાન ખાલી પણ કરી શકો નહીં. તમારા રૂપમાં તમારા પૂર્વજો જ વસે છે, અને તમારા વંશજોમાં તમે જ અવતાર લો છો. એ દ્રષ્ટિએ મરણ તપાસો તો એમાં ડરવા જેવું કશું નહીં જણાય.)
વળી કેટલાક તમારી પાસે આવી ગયા છે જેઓ તમારી શ્રદ્ધાને સુવર્ણમય આશાઓ આપી ગયા છે; તેના બદલામાં તમે તેમને માત્ર ધન અને સત્તા અને કીર્તિ જ આપ્યાં છે.
મેં તમને આશાથીયે ઓછું આપ્યું છે, છતાં તમે મારા પ્રત્યે વધારે ઉદારતા બતાવી છે.
તમે મને ચૈતન્ય માટેની વધારે તીવ્ર તૃષા આપી છે.
સાચે જ, જે વડે માણસના સર્વે ઉદ્દેશો સુકાઈ જનાર હોઠ બની જાય, અને સર્વ જીવન એક ઝરણું બની જાય તે કરતાં કોઈ વધારે મોટી ભેટ હોઈ શકે નહીં.
અને મારું માન અને મારો બદલો આ જ વાતમાં રહ્યો છે કે-
જ્યારે જ્યારે હું એ ઝરણા પાસે પીવા આવું છું, ત્યારે તેનું ચૈતન્ય-નીર પોતે જ મને તરસ્યું માલૂમ પડે છે;
અને હું એને પીઉં છું ત્યારે તેયે મને પીએ છે.
(ખલીલ જીબ્રાન, અનુ. કિશોરલાલ મશરૂવાળા)