વાયરો વસંતનો – ઉશનસ

આઘેથી અનંતથી આયો

કે કાનજી વાયરો વસંતનો;

વનરા તે વનમાં વાયો

કે કાનજી વાયરો વસંતનો.

..

લહરલહરીથી ગઈ ડાળીયે ઝૂકી,

કોકે વળી હૈયે ગડી વાળીયે મૂકી.

એક રાધીએ કીધ કાન-ફાયો.

કે કાનજી વાયરો વસંતનો.

.

જે વેદમાં ન માયો, ભેદ કોઈએ ન પાયો;

ઝંઝાશો આવ્યો તોયે જસદાનો જાયો,

એક રાધાના શ્વાસમાં સમાયો.

કે કાનજી વાયરો વસંતનો.

.

કેટલુંક વેઠે વીંધી વનરાની વાંસળી ?

કેટલુંક ઝીલે છેદી મુનિવરની પાંસળી ?

જેવો રાધામાં રૂં રૂં ફૂંકાયો ?

કે કાનજી વાયરો વસંતનો.

.

( ઉશનસ )

અમે કાગળ લખ્યો’તો – મુકેશ જોશી

અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો

છાનો છપનો કાગળ લખ્યો’તો પહેલવહેલો

કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યાતા

ફાગણિયો મલક્યો જ્યાં પહેલો

.

સંબોધન જાણે કે દરિયાનાં મોજાંઓ

આવી આવીને જાય તૂટી

સંબોધન છોડીને કાગળ લખ્યો

ભલે કાગળમાં એક ચીજ ખૂટી

નામજાપની માળા લઈ બેઠા ને

પહેલો મણકો જ ના ફરેલો

.

પહેલા ફકરાની એ પહેલી લીટી તો

અમે જાણીબૂઝીને લખી ખાલી

બીજામાં પગરણ જ્યાં માંડ્યા તો

લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી

.

ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ

અહીંયા મઝામાં સહુ ઠીક છે

અંદરથી ચૂંટી ખણીને કોઈ બોલ્યું :

સાચું લખવામાં શું બીક છે

હોઠ ઉપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની

એ એક ચોકિયાત ત્યાં ઊભેલો

.

લિખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતુ

આંખેથી ટપક્યું રે બિંદુ

પળમાં તો કાગળ પર માય નહીં એમ

જાણે છલકેલો લાગણીનો સિંધુ

મોગરાનું ફૂલ એક મૂકીને

મહેંકતા શ્વાસ સાથ કાગળ બીડેલો

.

( મુકેશ જોશી )

પ્રેમ કરવો – નિમેષ ચોકસી

પ્રેમ કરવો એ એક ઘટના છે

પણ ઘટનામાં પણ ઘટના છે

તમને તો અવ કાંઈ કશું નહીં

ને અમને તમારી રટના છે.

.

તમે બુદ્ધિથી બધુંય માપો

અમને લાગણીઓનો છાક

અમને જોઈએ ધોધમાર

ને તમને ઝંખના હોય જરાક

પાગલ અમે ભટકીએ

તમારા પંથ બધા વહીવટના છે.

.

તમે શાંત સરોવર

એમાં અમે ઊછળતી નૌકા

તમને વ્હાલું મૌન ને અમને

જોઈએ ટહુકેટહુકા

તમે વેદ પુરાણ

અમારા સ્કંધ બધા ભાગવતના છે.

.

( નિમેષ ચોકસી )

અમને મળ્યો છે – ઉર્વીશ વસાવડા

ફરી એ જ પડકાર અમને મળ્યો છે

નવો એક અવતાર અમને મળ્યો છે

.

ફક્ત એક પળ જ્યાં કરી બંધ આંખો

અજબ તેજ ઝબકાર અમને મળ્યો છે

.

સતત ચાલવાનું, ઘડીભર વિસામો

તસુ કે ન તલભાર, અમને મળ્યો છે

.

અરીસાની ઓકાત શું કે બતાવે

અદીઠો જે શણગાર અમને મળ્યો છે

.

ન સમજાયું શાને અમારા જ ઘરમાં

અતિથિનો સત્કાર અમને મળ્યો છે

.

પછી એ લખાયું ગઝલના સ્વરૂપે

અગમનો જે અણસાર અમને મળ્યો છે

.

( ઉર્વીશ વસાવડા )

મૃત્યુનું બીજું નામ – મુઝાફર હન્ફી

તેમને મારું આલ્બમ બતાવતાં

મેં એક તસવીર તરફ ધ્યાન ખેંચ્યું.

’જુઓ, આ છે મારો મિત્ર,

કેનિયામાં રહે છે.

અને રબ્બરની કંપનીમાં મોટો હોદ્દો ધરાવે છે’.

દુ:ખથી તેનું મોઢું પડી ગયું.

’હા, હું તેને જાણું છું, અને

મેં એની સાથે પીધું પણ છે

તે મને કેનિયામાં છ વર્ષ પહેલાં મળેલો

પણ પછીના વર્ષે જ

ટ્રેન અકસ્માતમાં ખતમ થઈ ગયો.

.

અચાનક વાતાવરણ વેદનાથી ભરાઈ ગયું

મને સમજ ન પડી – તેને સાંત્વન આપું કે મને

આવું પણ ક્યારેક થાય છે.

મારા આલ્બમના કાળા પાના પર સ્મિત રેલાવતો આ માણસ

મારે માટે આજ લગી જીવતો હતો

અને હમણાં જ મરી ગયો.

.

શું એવું છે કે

જાણવું એ મૃત્યુનું બીજું નામ છે ?

.

( મુઝાફર હન્ફી, અનુ. ઉષા ઠક્કર)

.

[મૂળ કૃતિ : ઉર્દૂ ]

આત્મકથા – બકુલ બક્ષી

આપણે ચાલ્યા હતા સાથેસાથે

તને સીડીઓ મળતી ગઈ

મને સાપ ગળતા ગયા.

.

થોડી સમજૂતીથી

ઘણું ભોગવી શક્યો હોત

પણ ક્યારેય ન આવડ્યું

સંબંધોની ત્રિરાશિ માંડતા;

મારા જીવનનો દાખલો

ખોટો પડ્યો.

.

વર્ષોના પ્રવાહમાં

દિશાશૂન્ય તણાયા પછી,

જીવનસંધ્યાની

ગોધૂલી વેળાએ,

યાદોના પડછાયા

બન્યા હમસફર.

.

અને થાકેલી આંખોએ

સપનાની બારીએથી જોયું

સમયના આંગણમાં

રમતું બાળપણ.

.

( બકુલ બક્ષી )

કન્સ્ટ્રકશન – ધીરુ મોદી

જ્યાં લીલાંછમ જંગલ લહેરાતાં હતાં

ત્યાં માણસે

સાફસૂફ કરીને ખેતર કર્યા

અનાજપાણી રોપ્યાં.

.

જ્યાં હરિયાળાં ખેતર લહેરાતાં હતાં

ત્યાં માણસે

ધરમૂળથી સાફ કરીને ઘર બાંધ્યાં.

.

સરવાળે એવું થયું કે

માણસ પોતે

મૂળમાંથી કશુંક રોપવાનું ભૂલી ગયો

બાંધવાનું શીખ્યો.

.

માણસ હવે

પ્રણાલીની મજબૂત પ્લીંથમાં

ઊગતાં બાળકોને બાંધે છે.

.

( ધીરુ મોદી )

એન્ટ્રી અને એક્ઝિટની પાર – સુરેશ દલાલ

પ્રત્યેક નાટકને

એનો પ્રારંભ હોય છે

હોય છે મધ્યાંતર :

હોય છે એનો અંત.

ફરી ફરીને

સ્મરણની રંગભૂમિ પર

એકનાં એક દ્રશ્યો

ભજવવાનો થાક લાગે છે

.

હું મારી જાતને

કેન્દ્રમાંથી ખેસવી લઉં છું

અને જેમ એક વાર

એન્ટ્રી કરી હતી

એમ એક્ઝિટ કરીને

પ્રેક્ષાગૃહમાં ગોઠવાઈ જાઉં છું.

અને જોઉં છું

તો દેખાય છે :

તમાશો

કૃત્રિમ વૈભવની ભવાઈ,

ટ્રેજેડી, કોમેડી, ફારસ..

.

ડાળી પર ઝૂલતા

એક ફૂલનું જીવન હોય છે

અને જીવન હોય છે

ફ્લાવરવાઝમાં ગોઠવાયેલ ફૂલનું પણ

ફ્લાવરવાઝ તોડીને

બહાર આવેલા ફૂલને

હવે કાંટાઓની વચ્ચે

ગોઠવવાનું

રિહર્સલ કરવાનું

માંડી વાળજો.

.

( સુરેશ દલાલ )