ફરિયાદ – લક્ષ્મી ડોબરિયા

પાંપણ ઉપર થીજી ગઈ છે જે ક્ષણો એ યાદ છે

જોયાં હતાં જે સોણલાં અકબંધ ને આબાદ છે.

 .

એના કદમને રોકવા બેડી બનાવી યાદની

આંખો મહીં એ કેદ થૈ કેવા ફરે આઝાદ છે ?

 .

આકાશને બાંધ્યું જરી સંબંધના મેં તાંતણે

ભીની થઈ આંખો અહીં ને ત્યાં થયો વરસાદ છે !

 .

કાચા હશે જો કાન તો પડઘો નહીં પાડે કદી

પાછું ફરીને જોઈ લે કોને કર્યો તેં સાદ છે.

 .

વાતો કરી આંબી જતા આકાશની ઊંચાઈને

એ લોકને પૃથ્વીતણાં પેટાળની ફરિયાદ છે.

 .

( લક્ષ્મી ડોબરિયા )

માલામાલ – કૃષ્ણ દવે

તારી એક એક વાતમાં કમાલ રે,

અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.

તું નીરખે ત્યાં ઊડે ગુલાલ રે,

અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.

.

ઝાકળની પાંદડીમાં હૈયું ગૂંથીને પછી ઝળહળતો દીધો આ દેહ રે !

પાંપણ ખોલીને જરા મધમીઠી જનનીની નજરેથી પીવડાવે નેહ રે !

તારી કીકીમાં ટહુકે છે વ્હાલ રે,

અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.

.

મ્હેંદી મુકાય એમ ધૂળની હથેળીમાં મૂકી દે પગલીની ભાત રે !

લીલાંછમ ગીતોનાં લીલાંછમ સપનામાં ઊઘડે છે લીલીછમ વાત રે !

તારી કેવી આ મ્હેક ભરી ચાલ રે,

અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.

.

ઝરણાંઓ આવીને નવડાવી જાય પછી સૂરજ પણ આંજી દે તેજ રે !

  દરિયાનાં મોજાંઓ હાલરડાં ગાઈ ગાઈ હીંચકો નાખીને જાય સહેજ રે !

આખો અવસર થઈ જાય માલામાલ રે,

અમે પળભરમાં થઈ જઈએ ન્યાલ રે.

.

( કૃષ્ણ દવે )

શું કરું ? – પન્ના નાયક

શું કરું ?

શું કરવું સમજાયું નહીં એટલે

ગણું ગણું ને ભૂલી જાઉં

એવું કામ કર્યા કર્યું.

પૂનમની રાતે (અમાસે તો સહેલા !) આંખ-મીચકારતા

તારા ગણ્યા.

પારિજાતની ખુલ્લી-અર્ધખુલ્લી

કળીઓ ગણી.

બારી બહાર ટપ ટપ ટપકતાં

વર્ષાનાં ફોરાં ગણ્યાં.

ઘડિયાળના કાંટા ખસે એ ક્ષણ

પકડવા પ્રયત્ન કર્યો.

મિનિટમાં મારી આંખો

કેટલી વાર પલકારે છે

એની અરીસામાં ગણતરી કરી.

પણ કશું બદલાયું નહીં.

 .

ત્યાં અચાનક

શું સૂઝ્યું

મારી લાલ પેનથી

પ્રિયનું નામ લખ્યું

એક વાર નહીં

અનેક વાર

એણે જ ચૂમેલી આ હથેળી પર-

ને

ક્ષણભર માટે

વ્યાપેલી એકલતા

પરપોટો થઈ ફૂટી ગઈ.

 .

( પન્ના નાયક )

થઈ ગયા તાર – જતીન મારુ

થઈ ગયા તાર-તાર રમવામાં,

લાગણીનો જુગાર રમવામાં.

.

મન પડ્યું તેમ મોજ માણી છે,

જોઈ ના જીત-હાર રમવામાં.

 .

એક-બે દાવમાં જ ક્યાં થાક્યો ?

લઉં અનુભવ હજાર રમવામાં.

 .

દોસ્ત ! તું ય ઝંપલાવ દિલ ખોલી,

જો મજા છે ધરાર રમવામાં.

 .

જિંદગી ક્યાં વિષય છે ચર્ચાનો,

છે ‘જતીન’ ફક્ત સાર રમવામાં.

 .

( જતીન મારુ )

શોધી લે – તથાગત પટેલ

એ પાને પાને ઊભેલો છે શોધી લે,

એણે રસ્તો પણ આપેલો છે શોધી લે.

 .

એકલવાયો બે ડગ આગળ માંડી તો જો,

સામે મળવા જાતે ઘેલો છે શોધી લે.

 .

ભ્રમણા ને શંકાના જાળામાંથી નીકળ,

આખો દરવાજો ખોલેલો છે શોધી લે.

 .

અંધારાની સાથે નડતર ઓળંગી જા,

કાયમ દીપક ત્યાંપ્રગટેલો છે શોધી લે.

 .

વાંચી જો, પૂછી જો, જોઈ જો, સમજી જો,

અંદર એ પોતે બેઠેલો છે શોધી લે.

 .

( તથાગત પટેલ )

મને થોડો સમય આપો – આહમદ મકરાણી

કથા વિસ્તારથી કહેવા મને થોડો સમય આપો

ઊઠેલા દર્દને સહેવા મને થોડો સમય આપો.

 .

બની તોફાન, ઝંઝાવાત કીધી કૈં રઝળપાટો,

ઠરીને ઠામ તો થાવા મને થોડો સમય આપો.

 .

થપાટો રણતણી ખાધી, ઊઠી જીવનમહીં આંધી,

હવે ગંગાજળે ન્હાવા મને થોડો સમય આપો.

 .

હજારો ઊર્મિઓ ઊઠી જીવનનો રાગ છેડે છે,

જીવનમાં ગીત કૈં ગાવા મને થોડો સમય આપો.

 .

દિશાઓ હાથ લંબાવી મને મંઝિલ તરફ દોરે,

કદમ બેચાર ત્યાં જાવા મને થોડો સમય આપો.

 .

( આહમદ મકરાણી )

એક આંખમાં – સુરેશ દલાલ

એક આંખમાં ધરતી અને એક આંખમાં આભ

આપણી એવી દ્રષ્ટિ  કે અહીં વસતા શુભ ને લાભ

 .

ફૂલને કેવળ જોયા કરે

વાદળ ઉપર મોહ્યા કરે

કોઈકના સુખમાં હરખ હરખ

ને કોઈના દુ:ખથી રોયા કરે.

 .

આટલું સહજ સહજ થતું હોય તો હૃદય સાફ

આપણી એવી દ્રષ્ટિ  કે અહીં વસતા શુભ ને લાભ

 .

કોરી કોરી ભાવનાઓથી

કોઈનું કદી ચાલશે નહીં

ધન ઊછીનું ચાલશે

પણ અહીં મન ઊછીનું ચાલશે નહીં.

 .

મન-ટૂંકા આ માનવીઓને કરજો પ્રભુ માફ

આપણી એવી દ્રષ્ટિ  કે અહીં વસતા શુભ ને લાભ

 .

( સુરેશ દલાલ )

લઈને ઊભો છું – ‘પ્રણય’ જામનગરી

 કેટલાં કામ લઈને ઊભો છું

હાથ સૂમસામ લઈને ઊભો છું.

 .

રાત વીતે પછી વિચારીશું

ધૂંધળી શામ લઈને ઊભો છું.

 .

ખાલીપો જે મહીં ભરેલો છે

હું એવો જામ લઈને ઊભો છું.

.

આ હકીકત મને ડરાવે છે

સ્વપ્નનું ગામ લઈને ઊભો છું.

 .

કોણ સમજી શકે ખુલાસાને !

તે છતાં હામ લઈને ઊભો છું.

 .

કામ કોઈ નથી દેતું એમ જ

એટલે દામ લઈને ઊભો છું.

.

એમ આઘો નહીં હઠી જાઉં

એમનું નામ લઈને ઊભો છું.

 .

ચાલ, ચિંતા બધી મૂકી દીધી

ક્યાં, કોઈ કામ લઈને ઊભો છું !

 .

‘પ્રણય’ કોઈ નથી ગતિ જાણે !

પૂર્ણવિરામ લઈને ઊભો છું.

 .

( ‘પ્રણય’  જામનગરી )

लगते हैं – राजेश रेड्डी

मिलते ही हमको समझाने लगते हैं

दीवानों को हम दीवाने लगते हैं

 .

किस पर तीर चलाऊँ किसको छोडूँ मैं

दुश्मन सब जाने-पहेचाने लगते हैं

 .

दिन भर जो ढोते हैं बोझ खामोशी का

नींदों में अकसर चिल्लाने लगते हैं

 .

झूठ को फैलने में लगते हैं बस कुछ पल

लेकिन सच को कई जमाने लगते हैं

 .

हम भी कितने नादाँ हैं, इक वादे पर

कैसे-कैसे ख्वाब सजाने लगते हैं

 .

तौबा तो करते हैं रोज गुनाहों से

रोज मगर उनको दोहराने लगते हैं

हाल अजब होता है दिल का गुरबत में

सीधे-सादे बोल भी ताने लगते हैं

 .

( राजेश रेड्डी )

बैरन हुयी बाँसुरी – गुलज़ार

કૃષ્ણવિયોગમાં રાધારાનીજી

.

કૃષ્ણ જન્મની વધાઈ તો કાલે આપીશું. પણ તે પહેલા આજે કૃષ્ણ વિરહની ઠુમરી સાંભળીને માણીએ. શાયદ આ વિરહ વેદનાનો સાદ સાંભળીને સાચેસાચ કૃષ્ણ અવતરે….

.

[audio:https://heenaparekh.com/wp-content/uploads/2011/08/005-Kanha-Thumri.mp3|titles=005 – Kanha (Thumri)]

.

पवन उडावे बतियाँ हो बतियाँ, पवन उडावे बतियाँ

टीपो पे न लिखो चिठिया हो चिठिया, टीपो पे न लिखो चिठिया

चिट्ठियों के संदेसे विदेसे जावेंगे जलेंगी छतियाँ

 .

कान्हा आ.. बैरन हुयी बाँसुरी

 .

हो कान्हा आ आ.. तेरे अधर क्यूँ लगी

अंग से लगे तो बोल सुनावे, भाये न मुँहलगी कान्हा

दिन तो कटा, साँझ कटे, कैसे कटे रतियाँ

 .

पवन उडावे बतियाँ हो बतियाँ, पवन उडावे बतियाँ..

रोको कोई रोको दिन का डोला रोको, कोई डूबे, कोई तो बचावे रे

माथे लिखे मारे, कारे अंधियारे, कोई आवे, कोई तो मिटावे रे

सारे बंद है किवाड़े, कोई आरे है न पारे

मेरे पैरों में पड़ी रसियाँ

 .

कान्हा आ.. तेरे ही रंग में रँगी

हो कान्हा आ आ… हाए साँझ की छब साँवरी

साँझ समय जब साँझ लिपटावे, लज्जा करे बावरी

कुछ ना कहे अपने आप से आपी करें बतियाँ

 .

दिन तेरा ले गया सूरज, छोड़ गया आकाश रे

कान्हा कान्हा कान्हा…..

 .

फिल्म : वीर

संगीत : साज़िद वाज़िद

शब्द    : गुलज़ार

राग     : नंद

स्वर    : रेखा भारद्वाज

कोरस : शरीब तोशी और शबाब साबरी