રિક્તતા – હનિફ સાહિલ

.

રિક્તતા સાંજ ને સહરની છે

યાદ વેરાન સૂના ઘરની છે

 .

ઢળતા પડછાયા સારા લાગે છે

ને ઋતુ ગમતી પાનખરની છે

 .

ઝીણી ઝરમરા સી યાદ વરસે છે

લાગણી લીલી આ પ્રહરની છે

 .

કૈફ આ જામની સૂરાનો નથી

મેં જે પીધી છે એ અધરની છે

 .

કોઈ ઘરથી કશું મળે ન મળે

આ ફકીરી તો દરબદરની છે

 .

શૈર કહેવાય તો આંખો મીંચુ

એ જ ઈચ્છા આ સુખનવરની છે

 .

રાત પણ થઈ જશે પસાર હનીફ

રાતનું શું ? એ રાતભરની છે

 .

( હનિફ સાહિલ )

તમે કહો તો રાધાજી – અવિનાશ પારેખ

.

પરવાળા શી પાનીને હું પાંપણથી પસવારું જી,

આંખમાં અજવાળાં આંજી હું ઝાંખપને સંવારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

બંસીમાં તો છેદ સાત ને સાવ ખાલી ખાલી જી,

કરે શ્વાસને કેદ પલકમાં તોય વા’લી વા’લી જી,

ખાલીપામાં સૂર સજી હું વાલપને અવતારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

આવનજાવન શ્વાસ તણા શણગારે કોનાં શમણાં જી,

ઉત્તરદક્ષિણ કોણ સમજાવે એ તો એની ભ્રમણા જી,

બંસી સાથે સાનમાં સમજી લેજો તમે પરબારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

કુંજનવનમાં રચું તમારી સંગે નિતનિત લીલા જી,

હૃદય ભવનમાં વસી રહ્યાં છો સદા તમે ગમતીલાં જી,

વાદવિવાદની વાત મૂકો ને છોડો મારુંતારું જી,

તમે કહો તો રાધાજી હું જનમ જનમ ઓવરું જી.

 .

( અવિનાશ પારેખ )

નદી દોડતી રહી – પરાજિત ડાભી

.

રણની જ આસપાસ નદી દોડતી રહી

છોડી બધી ભીનાશ નદી દોડતી રહી.

 .

એની તરસનું માપ કદી નીકળે નહીં;

લઈ કાળઝાળ પ્યાસ નદી દોડતી રહી.

 .

પાલવને ઝાલવાનાં પ્રયત્નો ફળ્યા નહીં,

કાંઠા થયા ઉદાસ નદી દોડતી રહી.

 .

જંપીને એક પળમાં નથી બેસતી કદી,

જળમાં કરી પ્રવાસ નદી દોડતી રહી.

 .

તળિયાનો સળવળાટ બની પૂર ત્રાટકે,

વેરી ઘણો વિનાશ નદી દોડતી રહી.

 .

( પરાજિત ડાભી )

આવડે છે – દિનેશ કાનાણી

.

બેઉ હાથે દાન કરતા આવડે છે

ને વ્યથાઓ મ્યાન કરતા આવડે છે

 .

સાંજ પડતા ઘર તરફ પાછો વળું છું

એટલી ઉડાન કરતા આવડે છે

 .

હું નદીની જેમ વ્હેતો રાત-દિવસ

એ જ રીતે ધ્યાન કરતા આવડે છે

 .

એટલે તો પાંદડા ગણતો નથી હું

વૃક્ષનું સન્માન કરતા આવડે છે

 .

એટલો તો મનમાં છે વૈભવ મળ્યો કે

જીવ જાજરમાન કરતા આવડે છે

 .

( દિનેશ કાનાણી )

વૃક્ષ શી લીલાશ જ્યારે…- જિતેન્દ્ર પ્રજાપતિ

.

વૃક્ષ શી લીલાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે;

પાન શી નરમાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

બે ઘડી વાતો કરી છૂટા પડ્યાની વાત વીતે આજે કૈં વર્ષો થયા હોવા છતાંયે ક્યાંક; એ

વાતની ભીનાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

જિંદગીમાં આમ તો કૈં કેટલા ચહેરા વિશેની જાણકારી આપણે રાખી હશે કૈં તે છતાં,

એ બધાનો ભાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

લાગણી નતમસ્તકે દરવાજે ઊભી હો અને મન સાવ… અદકું થૈ કરે જ્યાં આંખ આડા કાન કૈં;

ને પછી કંકાસ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

આખરી મુકામ પર કેવળ અને કેવળ હશે સારપ બધી સંગાથમાં કૈં એમ વિચારો અને;

બે ઘડી નવરાશ જ્યારે રક્તમાં વર્તાય ત્યારે માનવું કે આપણું હોવાપણું જીવંત છે.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

હે માધવ – અવિનાશ પારેખ

.

મારા માથેથી ન ખેસવો આકાશ પરબારા હે માધવ

ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.

 .

નજરુંને સીમાડે ત્રોફેલી યમુના ભીંજવે લહેરાતો પાલવ,

ગોધુલિ પાર ઊડે ઓધાજીનો રથ બાલાપણાનો લઈ વૈભવ,

ફરકંતી આંખ કરે દૂરના પ્રવાસ વરતારા હે માધવ,

  ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.

 .

બંસીના સૂર સાવ સૂનમૂન ને મોરલાના ટહુકા અરવ,

રોમરોમે ભણકારા ગુંજે કે ખાલીપાના થાક હવે ભવોભવ,

જીવનની ફૂંક સમા સોગંદ મને ઉદાસ કરનારા હે માધવ,

ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.

 .

રાસની રમઝટમાં એવા ચકરાવે ચડે પ્રીતમના પગરવ,

કુંજગલીમાં અંધારે ભૂલા પડે કેવા ગીતોના કલરવ,

અમાસ જેવા ગ્રહણમાં રાધાને ઉજાસ ધરનારા હે માધવ,

ગોકુળ મૂકીને ન જાઓ કરી શ્વાસ નોધારા હે માધવ.

 .

( અવિનાશ પારેખ )

હવે બધુંયે વ્યર્થ છે – લાલજી કાનપરિયા

.

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે

કદાચ તું બોલાવે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

જળમાં મારો ડૂબકી ને જગત થૈ જાય ગુમ

કોણ પછી સાંભળશે પાડો તળિયે જઈને બૂમ ?

 .

મનને શીદ ભરમાવે ? હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

અમે મૂરખ કે ફૂલને બદલે સુગંધ ચૂંટવા બેઠાં

રામ નહીં આરોગે હવે શબરીનાં બોર એઠાં !

 .

નાહક ફૂલ બિછાવે, હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

તું ઊભી છે તારે ખેતર, હુંય મારે ખેત

ધરતી પર વરસાવે ગગન લીલું હેત !

 .

તું રૂમાલ છો ફરકાવે, હવે બધુંયે વ્યર્થ છે

તું આવે કે ના’વે, હવે બધુંયે વ્યર્થ છે.

 .

( લાલજી કાનપરિયા )

ખાલીખમ – ગૌરવ વટાવવાળા

.

શ્વાસ ને ઉચ્છવાસની વચ્ચેનો ગાળો ખાલીખમ,

આવ-જા કરતો હવાનો એક થેલો ખાલીખમ.

 .

ને વ્યથાઓ પ્યાસની હું શું જણાવું આપને?

હાથમાં આવ્યો હતો એકાદ પ્યાલો ખાલીખમ.

 .

થાય છે આભાસ ત્યાં કોઈ ચહેરાનો હજી,

જો ઉં છું હું જ્યારે જ્યારે એ ઝરૂખો ખાલીખમ.

 .

સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું,

કોઈ પણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ.

 .

ડર છે કે મારી તરસ છીપાવતા છીપાવતા

ક્યાંક થઈ ના જાય આખે આખો દરિયો ખાલીખમ.

 .

કોઈની તસવીર હોવી જોઈતી’તી ભીતરે,

નાખે છે ઊંડા નિસાસા દિલની ભીંતો ખાલીખમ.

 .

જળને મુઠ્ઠીમાં પકડવા હાથ મેં બોળ્યો પ્રથમ,

ને પછી આ હાથ જળની બહાર આવ્યો ખાલીખમ.

 .

( ગૌરવ વટાવવાળા )

સત્વ બોલે – સુધીર પટેલ

.

સમસ્ત સૂણે ખરેખરું કોઈ સત્વ બોલે,

અણુ અણુ સાંભળે, કદી જો અસ્તિત્વ બોલે !

.

કસર કરે ક્યાં જરાય જ્યારે મમત્વ બોલે ?

મગર અનુભવ અલગ થશે જ્યાં જ્યાં સમત્વ બોલે !

 .

નથી ઈજારો અહીં અભિવ્યક્તિ પર કોઈનો,

કમાલ જો કુદરત કરે તો જડત્વ બોલે !

 .

ઘણીય વેળા થઈ જતો શબ્દ સાવ સૂનમૂન,

ઘડી જ એ ધન્ય, મૌનનું જ્યાં મહત્વ બોલે !

 .

સધાય તાદાત્મ્ય હરતરફ કૈં અનેરું ‘સુધીર’,

અહીં પરમ તત્વ સંગ જ્યાં મારું તત્વ બોલે !

 .

( સુધીર પટેલ )

શ્રદ્ધા અને ધીરજ – સ્વામી વિવેકાનંદ

[ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મજયંતી નિમિત્તે સ્વામીજીના શબ્દોમાં એક પ્રેરણાદાયક બાળવાર્તા મૂકું છું. આ અગાઉ આ સાઈટ પર અન્ય એક બાળવાર્તા “ગોપાળનો મિત્ર” પોસ્ટ થઈ હતી. જેના રચનાકાર પણ સ્વામી વિવેકાનંદ જ હતા. જે વાચકો એ વાર્તા વાંચવાનું ચૂકી ગયા છે એમના માટે આ સાથે લીંક મૂકું છું.

https://heenaparekh.com/2009/07/20/gopal-no-mitra-1/

https://heenaparekh.com/2009/07/21/gopal-no-mitra-2/

આશા રાખું છું વાચકોને ગમશે. ]

.

નારદ એક દેવર્ષિ હતા. નારદ મહાન યોગી હતા અને એ બધે સ્થળે વિહરતા.

એક દિવસ નારદ મુનિ વનમાંથી પસાર થતા હતા. ત્યારે એમણે એક માણસ જોયો તે ધ્યાન કરી રહ્યો હતો. એટલા બધા સમયથી એક જ સ્થિતિમાં એ ધ્યાન ધરી રહ્યો હતો કે એના શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો થઈ ગયેલો.

એ માણસે નારદ મુનિને પૂછ્યું : “હે નારદ ઋષિ, આપ ક્યાં જાઓ છો ?”

નારદે કહ્યું : “વૈકુંઠમાં જાઉં છું.”

પેલો માણસ કહે : “તો ભગવાનને પૂછજો કે તેઓ મારા પર ક્યારે કૃપા કરશે ? મને ક્યારે મુક્તિ મળશે ?”

આગળ જતાં નારદે બીજા માણસને જોયો.એ મસ્તીમાં નાચતોકૂદતો ગાતો હતો.

એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, તમારી સવારી ક્યાં ઊપડી છે ?”

એ માણસનો અવાજ અને બોલવા-ચાલવાની એની રીત ઉન્માદભરી હતી.

નારદે કહ્યું : “ભાઈ, હું વૈકુંઠ જાઉં છું.”

પેલો માણસ કહે : “તો જરા પૂછતા આવશો કે મને મુક્તિ ક્યારે મળશે ?”

નારદ ચાલ્યા ગયા.

ઘણા સમયા પછી નારદ મુનિ પાછા એ જ રસ્તે થઈને નીકળ્યા અને જુએ તો શરીરની આસપાસ ઊધઈના રાફડાવાળો માણસ ત્યાંજ બેઠો બેઠો ધ્યાન ધરતો હતો.

નારદ મુનિને જોઈને એ માણસે પૂછ્યું : “હે નારદ ઋષિ, ભગવાનને મારા વિશે આપે પૂછ્યું હતું ?”

નારદ કહે : “જરૂર.”

માણસે આતુરતાથી પૂછ્યું : “ભગવાને શું કહ્યું ?”

નારદ બોલ્યા : “ભગવાને કહ્યું કે ‘ચાર જન્મ પછી તમારીમુક્તિ થશે’.”

આ સાંભળીને પેલો માણસ રડવા લાગ્યો અને ગદગદ કંઠે બોલ્યો : “મારા શરીરની આસપાસ ઊધઈનો મોટો રાફડો જામ્યો ત્યાં સુધી મેં ભગવાનનું ધ્યાન ધર્યું, છતાં હજુ મારે ચાર જન્મમાંથી પસાર થવાનું છે ?”

નરદ મુનિ આગળ ચાલ્યા, તો પેલો પાગલ જેવો માણસ મળ્યો. તેણે હસતાં હસતાં પૂછ્યું : “નારદ ઋષિ, તમે ભગવાનને મારા વિશે પૂછ્યું હતું કે પછી રામ તારી માયા ?”

નારદ કહે : “અરે, એ તે કંઈ ભુલાય !”

માણસે પૂછ્ય્તું : “ભગવાને કશું કહ્યું કે ?”

નારદ કહે : “આ સામે આંબલીનું ઝાડ દેખાય છે ને એની ઉપર જેટલાં પાંદડાં છે એટલા જન્મમાંથી તમારે પસાર થવાનું છે ! ત્યારબાદ તમને મુક્તિ મળશે.”

એ સાંભળીને પેલો પાગલ આનંદથી નાચવા લાગ્યો. તે બોલ્યો : “મને આટલા ટૂંકા વખતમાં મુક્તિ મળશે ? વાહ ! ભાઈ, વાહ !”

ત્યાં તો એ જ વખતે આકાશવાણી સંભળાઈ : “હે વત્સ ! તું આ ઘડીથી મુક્ત છો !”

એની અખૂટ ધીરજનું એ ફળ હતું. ગમે તેટલા જન્મ સુધી એ સાધના કરવા તૈયાર હતો, કશાથી એ નિરાશ ન થયો. પહેલા માણસને માત્ર ચાર જન્મનો સમય પણ બહુ લાંબો લાગ્યો. યુગો સુધી રાહ જોવાને તત્પર પેલા બીજા માણસના જેવી શ્રદ્ધાથી જ પરમપદને પામી શકાય છે.

( સ્વામી વિવેકાનંદ)