ત્રણ લઘુકાવ્યો-વી. પી. સિંહ

.

(૧)

ગુમનામ

.

એક દિવસ મારું નામ

મારાથી અલગ જઈને ઊભું રહ્યું

દુનિયાએ પૂછ્યું

‘આ બંનેમાં

તું કોણ છે ?’

મારા નામને જ

સાચું બતાવી

હું ખુદને નકારી ગયો

ત્યારથી

આ જગતમાં

હું એક અપરિચિત

ગુમનામ છું

.

.

(૨)

ગ્રામોફોન રેકર્ડ

 .

કોતરી કાઢેલી અનુભૂતિઓનો

ચક્રવ્યુહ છું

એટલે જ

પીનની અણીથી વાગું છું

વેચાઉં છું

જે ચાહે મને નચાવી લે

વગાડી લે

પણ

ગીત એક જ ગાઉં છું

એ જ

જે મારી છાતી પર કોતરેલું છે

.

(૩)

મારી છબી

 .

જ્યારે પણ જુઓ

મારી છબી

મારા પર

હસે છે

છેવટે તો

મારો જ એક પોઝ છે

મારા દરેક પોઝને એ

બરાબર ઓળખે છે

મારા અંતિમ પોઝ પર પણ

એ હસવાની

કારણ હું તો જતો રહીશ

એ રહી જવાની

 .

( વી. પી. સિંહ, અનુ. હિતેન આનંદપરા )

કહાણી – હેમાંગ જોશી

.

પોતપોતાની કહાણી હોય છે,

એક સરખું ક્યાંય પાણી હોય છે ?

 .

સાવ અમથું મન ઊડાઊડ ના કરે,

સ્વપ્નની ચકલી ભરાણી હોય છે.

.

વૃક્ષને મેં એમ કહેતાં સાંભળ્યાં

મૌન સૌથી શ્રેષ્ઠ વાણી હોય છે.

 .

મ્હેક ના પરખાય ઘરમાં ક્યાંય, પણ –

આંગણામાં રાતરાણી હોય છે !

.

છેતરાઈને હસે છે જાત પર,

સજ્જનોની એ કમાણી હોય છે.

 .

( હેમાંગ જોશી )

આંખોમાં દરિયો – દુર્ગેશ ઉપાધ્યાય

.

મેં એક દરિયાને

આંખોમાં સમાવી લીધો છે એટલે,

સતત રોમાંચ અનુભવે છે મારી આંખો;

પણ એમાં દરિયો છે કે તું,

એ હું નક્કી નથી કરી શકતો.

એ દરિયાના ફેનિલ-ફેનિલ મોજાં

મને સ્પર્શે છે, અને-

મારા રોમેરોમ ફૂટી નીકળે છે એ દરિયો.

એ સતત ઘૂઘવે છે મારી ભીતર,

પણ બહાર છવાયેલું રહે છે મૌન…!

હવે આ દરિયો લઈને આવું છું તારી પાસે,

અને એને ઢોળી દઈશ તારી ઉપર,

પછી, પછી તુંયે થઈ જઈશ દરિયામય;

અને હું ફરી એકવાર ખાલીખમ્મ…

અને ત્યારે,

મારી ભીતર હશે દરિયાનું મૌન;

અને તારામાં હશે એનો ઘૂઘવાટ….

 .

( દુર્ગેશ ઉપાધ્યાય )

જાગ્યા ત્યાંથી સવાર સમજી – નીતિન વડગામા

.

ભીના ભીના ઊજવો અવસર, જાગ્યા ત્યાંથી સવાર સમજી,

બાંધો ઝીણાં ઝીણાં ઝાંઝર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.

 .

રડતાં રડતાં કોલાહલની રાવ હજીયે ક્યાં લગ કરશો ?

જીવનને સમજોને જંતર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.

 .

પાળ ન તૂટે એની લઈ સંભાળ જતન પણ કરતા રહેજો,

શ્વાસોનું સાચવજો સરવર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.

 .

કોઈ અજાણી આંખોના ખૂણે ઊગેલાં આંસુમાંયે,

દેખો આખેઆખો ઈશ્વર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.

 .

મનના કાગળમાં માંડેલા નાના મોટા – સાચા ખોટા,

હિસાબ કરજો સઘળા સરભર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.

 .

બહારના રંગો ને રાગોમાં તો બહુ અટવાયા બંધુ,

એક નજર પણ નાખો ભીતર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.

 .

સાવ સલામત રહેતું હોય તો આસ્થાનું ઓજાર ધરીને,

પ્હેરી લો માળાનું બખ્તર, જાગ્યા ત્યાંથી સવાર સમજી.

 .

( નીતિન વડગામા )

સંગોપી મનમાં – અવિનાશ પારેખ

.

સંગોપી મનમાં મીરાંએ માધવની સુગંધ છે,

મરુથલના પવન સંગ એને ક્યાં કોઈ સંબંધ છે,

પાંદડીમાં પાંગરતી પ્રીત આઠે પ્હોર અકબંધ છે.

 .

આછેરા આંજ્યાં છે આંખોમાં શ્યામના ઘેન રે,

નિતનવા ફૂટ્યા છે કંઠમાં વાંસળીના વેણ રે,

શ્વાસેશ્વાસે વહ્યા જે નિશદિન એ નેહ નિર્બંધ છે,

પાંદડીમાં પાંગરતી પ્રીત આઠે પ્હોર અકબંધ છે.

 .

જીરવ્યા ઝુરાપાના ઝેર ધર્યા વેશ જોગનના,

ખીલવ્યા ખાલીપાના રણમાં પ્રદેશ વૃંદાવનના,

અંકાયા રોમેરોમ સ્મરણના વિજોગી અનુબંધ છે,

પાંદડીમાં પાંગરતી પ્રીત આઠે પ્હોર અકબંધ છે.

 .

( અવિનાશ પારેખ )

પ્રેમ – ઓશો

.

જીવનથી એ જ મળે છે,

જે તમે જીવનને આપો છો,

તમે જે આપો છો, એ જ પામો છો.

તમે પ્રેમ આપો અને ભૂલી જાઓ.

તમે પ્રેમ આપો અને બદલામાં માંગો નહીં,

તમે પ્રેમ આપો અને ધન્યવાદ આપો કે

કોઈએ તમારા પ્રેમનો સ્વીકાર કર્યો ;

ત્યારે તમે ધીરે-ધીરે જોશો

પ્રેમ ઉપર ઊઠવા લાગ્યો

ત્યારે એક નવા જ આયામમાં

તમારી ગતિ થાય છે.

તમારી ચેતના એક નવા લોકમાં

પ્રવેશ કરે છે.

 .

 .

જ્યારે પણ પ્રેમ જાગે છે તો ભય પેદા થાય છે.

કારણ કે જ્યાં પ્રેમ પેદા થાય છે,

ત્યાં અહંકાર વિસર્જિત કરવો પડે છે,

અને ત્યાં જ ભય લાગે છે.

આપણે અહંકારને પકડી રાખીએ છીએ,

ચાહે પ્રેમ મરે તો મરી જાય.

પ્રેમને પકડો, અહંકારને મરી જવા દો.

પ્રેમ સંપદા છે. પ્રેમ સમાધિ છે.

પ્રેમ સર્વસ્વ છે.

પ્રેમની નૌકા જ તમને

પાર લઈ જઈ શકે છે.

 .

( ઓશો )

પ્રેમ – ઓશો

.

પ્રેમથી વધારે સરળ અને સ્વાભાવિક

બીજો કોઈ અનુભવ નથી.

અહંકાર તમે છોડ્યો,

તો પ્રેમ જ સંભવ નથી થતો

પ્રેમની સાથે-સાથે બીજી પણ

અસંભવ વાતો સંભવ થઈ જાય છે.

ધ્યાન સંભવ થઈ જાય છે.

સ્વતંત્રતા સંભવ થઈ જાય છે.

શાશ્વતતા સંભવ થઈ જાય છે.

અમૃત સંભવ થઈ જાય છે.

પ્રેમનું દ્વાર શું ખૂલે છે…

મંદિર ખૂલી જાય છે.

મંદિર, જેના અનંત આયામ છે.

જે મંદિરમાં પ્રવિષ્ટ થયો,

તેણે જ જીવનના અર્થ જાણ્યા,

જીવનની ગરિમાને ઓળખી.

 .

.

પ્રેમ મળી જાય,

તો પરમાત્મા મળી જાય છે.

પ્રેમ વગર પરમાત્મા નથી મળતો.

પ્રેમ સર્વાધિક મૂલ્યવાન છે,

પ્રાર્થના પણ એટલી મૂલ્યવાન નથી.

જેણે પ્રેમ નથી જાણ્યો,

તે પ્રાર્થનાથી પરિચિત જ નહીં થઈ શકે.

પ્રેમ જ શુદ્ધ થઈને પ્રાર્થના બને છે.

પ્રેમ જ નિખરીને પ્રાર્થના બને છે.

પ્રેમ સમજો કે કાચી પ્રાર્થના છે,

પ્રાર્થના પાક્કો પ્રેમ.

.

( ઓશો )

તમે આવો તો – મકરંદ મુસળે

.

તમે આવો તો વાર્તાય માંડીયે,

મ્હોરાને હળવેથી સરકાવી દઈએ ને ચહેરાનો ફોટો પાડીએ.

 .

ભાષાની ભાગોળે શબ્દોના વાડા, ને અર્થોના છીંડા પણ છીંડાને રસ્તે જવાય નહીં,

ઊર્મિઓ ઉર્ફે દરિયાના મોજા, મોજામાં મસ્તી, પણ મસ્તી કંઈ મુઠ્ઠીમાં માય નહીં.

પગની ભીનાશથી પલળેલા રસ્તા પર ટહુકાનો વરઘોડો કાઢીએ.

તમે આવો તો વાર્તાય માંડીયે.

 .

મારાથી તારી ને તારાથી આપણી ને આપણાથી સૃષ્ટિ ને સૃષ્ટિની આગળની જાતરા,

સમજણના મેળામાં ઈચ્છાના ટોળાં ને ટોળાંનું વળગણ ને વળગણને કાનો નહીં માતરા.

વિસ્મયના ખુલ્લા ઝરૂખાઓ જેવી આ આંખોમાં ઢોલિયાઓ ઢાળીએ.

તમે આવો તો વાર્તાય માંડીયે

 .

( મકરંદ મુસળે )

પંખી અને સીમ વચ્ચેના સંવાદનું એક ગીત – યોગેશ પંડ્યા

.

સખી ક્યારેક તો હોંકારો દે !

વિરહણ નારીની જેમ કેમ છો ઉદાસ

તારા હૈયામાં શું છે ઈ કે !

સખી, ક્યારેક તો હોંકારો દે !

 .

કાળા ઉનાળાના દિવસો તો ચાર દી’

એમાં મૂંઝાવાનું હોય ના,

એવો ગોરંભાશે ધીંગો અષાઢ, સુખી-

આપણાં જેવું તો હશે કોઈ ના

 .

રમઝટ બોલાવશે રાસે રમાડશે

છમ્મલીલા કરી દેશે મે’ !

 .

આપણ તો કાયમના સંગાથી, આપણને

આપણાંનો હોયે સહવાસ

ખોળિયાં જુદાં છે બાકી આતમા તો એક,

મારો ધબકારો એ જ તારો શ્વાસ !

 .

દુ:ખને પીવાની મજા ઔર છે સૈયર.

છે દુ:ખમાં પણ સુખ : ખબર છે ?

 .

( યોગેશ પંડ્યા )

સાવ સુક્કા શહેરમાં – દત્તાત્રય ભટ્ટ

.

ભીનાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં,

લીલાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.

 .

આબોહવા સંબંધની જ્યાં તંગ કાયમ હોય છે,

ઢીલાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.

 .

જ્યાં ધર્મ જેવા ધર્મ નામે રોજ ઘર્ષણ થાય છે,

ચીકાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.

 .

અંધાર જ્યાં વરસે સતત ત્યાં આગિયાની હામથી,

દીવાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.

 .

નિષ્પ્રાણ થઈને મૂલ્યનિષ્ઠો હોઠ સીવી જાય છે,

તીખાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં.

 .

( દત્તાત્રય ભટ્ટ )