સૂઝ્યું નહીં – સુરેશ દલાલ

.

.

.

મોરલી ને મોરપીંચ્છને વાંકું પડ્યું

ને શ્યામને તે કંઈ કશું સૂઝ્યું નહીં

સૂરથી ઘવાયેલું રાધાનું હૈયું

મોરપીંચ્છના સ્પર્શે પણ રૂઝ્યું નહીં.

 .

યમુનાના વ્હેણમાં ખાલી ઘડાને

તરતો મૂકીને રાધા જોયા કરે.

વરસ્યા વિનાનાં શ્યામ શ્યામ વાદળાંઓ

આંસુ વિના પણ રોયા કરે.

રાસમાં રૂમઝૂમવું માંડી વાળ્યું

ને ગોપીએ કોઈને કાંઈ પૂછ્યું નહીં.

 .

કેવી આ રીસ કે વૃંદાવન કરમાયું :

ગોકુળિયા ગામની સૂની ગલી.

ઝાંઝરને કાઢીને રાધા તો એકલી

એકલી પોતાને મારગ ચલી.

પોતાનાં આંસુને પોતાના પાલવથી

રાધાએ કેમે કરી લૂછ્યું નહીં.

 .

( સુરેશ દલાલ )

તડકો – કૈલાસ અંતાણી

.

શિયાળાની સવારનો

આ કૂણો કૂણો તડકો

કેટકેટલા રંગો લઈ રેલાય

તડકો સોનેરી, રૂપેરી

તડકો નાચે ઝાંઝર પહેરી

તડકો અડકો દડકો રમતો –

શૈશવની શેરીમાં ભમતો

નાચે કૂદે ગાય.

તડકો રોજ સવારે

ફૂલો સાથે ગેલ કરે ને

પંપાળે છે પાન

કે તડકો ધીમે રહીને

રેલાતું પંખીને કંઠે ગાન

તડકો વહી ગયેલા

સમય તણો

સચવાઈ રહેલો થડકો

ગમતો અમને એવું ગમતો

શિયાળાની સવારનો આ….

 .

( કૈલાસ અંતાણી )

પ્રાર્થના – સુરેશ દલાલ

રાતરાણીની મહેકથી હું ચીતરું તારો ચહેરો મારા કાગળ પર. મારા કાગળ પર તારો ચહેરો આપોઆપ ઊપસતો આવે છે. કારણ કે મારો કાગળ કોરો છે. રાતની નીરવ શાંતિ તારા ચહેરા પર છવાયેલી છે. તારા ચહેરાની શાંત મુદ્રા મને રહીરહીને સ્પર્શે છે અને મારામાં રહેલા સંવાદને ઝંકૃત કરે છે. તારી શાંત ઝંકૃતિમાં મારી આંખ ક્યારે મીંચાઈ જય છે એની પણ મને ખબર નથી.

 .

સવારે જાગું છું અને જોઉં છું તો પંખીના ટહુકામાં તારું અજવાળું મને સંભળાયા કરે છે. તું અઅમ ને આમ જ અઅકાર અને નિરાકારની લીલા રમ્યા કરે છે. મારો આકાર તારી લગોલગ પહોંચવા ઝંખ્યા કરે છે અને તું પ્રતીતિ આપે છે કે તું અમારાથી અલગ નથી.

 .

*

એક ગલીમાંથી બીજી ગલીમાં, બીજી ગલીમંથી ત્રીજી ગલીમાં જઈએ છીએ એવું ઘણીય વાર વિચારોનું પણ હોય છે. વિચાર પાસે પૂર્ણવિરામ મૂકતાં આવડવું જોઈએ. વિચારના વા-વંટોળિયા બધું ખેદાનમેદાન કરી મૂકે છે. વિચારો શાંત મનને ડહોળી નાખે છે. વિચારોની ભીસમાં ભીંસાવાને બદલે વિચારમાંથી નિર્વિચાર તરફ જવું એ જ યાત્રા, એ જ સાચી પ્રાર્થના. પ્રાર્થના અનેક રીતે થતી હોય છે. કર્મની એકાગ્રતા એ પ્રાર્થના. ધ્યાનના મંદિરમાં પ્રવેશ કરવો એ પ્રાર્થના છે. કોઈનાં આંસુ લૂછવાં એ પ્રાર્થના છે. કોઈકના ઉદાસ હોઠ પર સ્મિતની ધજા ફરકાવવી એ પ્રાર્થના છે. મુક્ત મને હસવું એ પણ પ્રાર્થનાનો જ પ્રકાર. પ્રાર્થનાની એક જ પૂર્વશરત : એ સહજ હોય. જીવનમાં જે કંઈ સહજ હોય એ પ્રાર્થના.

( સુરેશ દલાલ )

તમારી નજરમાં – ચિનુ મોદી

ઘણાં કારણોસર પીડાયો છું હું

તમારી નજરમાં પરાયો છું હું.

 .

અરીસા બધા એકસરખા નથી;

ફક્ત એક-બેમાં જણાયો છું હું.

 .

બિછાવી હતી જાળ જળમાં તમે

ગગનગામી છું, પણ, ફસાયો છું હું.

 .

બધાં પુષ્પ જ્યારે સુગંધિત થયાં

વસીને બગીચે, દબાયો છું હું.

 .

ફરે ચાકડો આપમેળે અને

રમતવાતમાં આ રચાયો છું હું.

 .

જનમ જેમ વ્હાલા મરણ ! જાણ તું

સ્વજના છું, સગો છું, માડી જાયો છું હું.

 .

નથી યાદ ‘ઈર્શાદ’ કરવું કશું

બરફ પણ અડે તો દઝાયોછું હું.

 .

( ચિનુ મોદી )

ગોરજટાણું-(૨) – ભગવતીકુમાર શર્મા

.

હરિ, તમારાં ચરણકમળ પર હું ઝાકળનું બિંદુ,

તમે કરો દ્રષ્ટિ તો બનું હું શરદ પૂનમનો ઈન્દુ.

 .

ક્યારે રાત પડે-ની મારે કરવી પડી પ્રતીક્ષા,

સૂર્ય ઊગે તે પહેલાં મેં પણ પૂરી કરી પરીક્ષા

ઝમ્યું કમળદળ પર હું-જાણે મોતી મઢેલો સિંધુ…

હરિ, તમારા…

 .

મુજથી ભીનાં કમળપુષ્પને મળ્યાં તમારાં ચરણ,

ધન્ય થયો અવતાર ને મારું પલળ્યું અંત:કરણ.

પળ બે પળનું આયખું મારું-જાણે ઊડ્યું પરિન્દુ !

હરિ, તમારા…

 .

( ભગવતીકુમાર શર્મા )

ગોરજટાણું – ભગવતીકુમાર શર્મા

હરિ, મન ઝંખે ગોરજટાણું;

ગાયોની ઘંટડીઓ સાથે મોકલશો ને આણું ? હરિ.

 .

સૂર્ય ઢળે તો થાય તમારા અસલ તેજની ઝાંખી;

જૂઠા ઝબકારા સામે મેં આંખ ઉઘાડી રાખી;

બળબળતી બપોરનું મારે શું લેવું ઉપરાણું ?

હરિ, મન ઝંખે ગોરજટાણું…

 .

શિંગડીઓના ઉજાસમાં રજકણને આછી ડમરી;

ખરીઓના ભણકારામાં હું તમને લઉં છું સમરી;

ઘરને ખૂણે ધૂંધવાય છે ધીમું છેલ્લું છાણું;

હરિ, મન ઝંખે ગોરજટાણું…

 .

( ભગવતીકુમાર શર્મા )

સાબદો રહેજે – નીતિન વડગામા

ઉગામે છે બધા પથ્થર, હવે તું સાબદો રહેજે.

મથે છે ડહોળવા અવસર, હવે તું સાબદો રહેજે.

 .

ભલે મરજાદ એની જાળવે તું જિંદગી આખી,

છતાં અટકાવશે ઉંબર, હવે તું સાબદો રહેજે.

 .

સજાવે છે સવારે રોજ તું જે ફૂલનો ગજરો,

થઈ જશે સાંજના ખંજર, હવે તું સાબદો રહેજે.

 .

અહીં સઘળી દિશાઓમાં સ્વજનના સ્વાંગમાં આજે,

ઊછરતું જાય છે લશ્કર, હવે તું સાબદો રહેજે.

 .

નરી આંખે નહીં દેખાય એ તલવાર કે ભાલા,

નહીં રોકી શકે બખ્તર, હવે તું સાબદો રહેજે.

 .

ફરે છે મોજથી તું જિંદગીના ગાઢ જંગલમાં,

અચાનક ભેટશે અજગર, હવે તું સાબદો રહેજે.

.

હકીકતમાં અહીં ‘જે પોષતું તે મારતું’ અંતે,

મળે છે બહુ તને આદર, હવે તું સાબદો રહેજે.

 .

( નીતિન વડગામા )

હરિ, હું રટું – ભગવતીકુમાર શર્મા

હરિ, હું રટું તમારા શ્લોક

આજ લગી જે જાણ્યું સઘળું

અગડમ બગડમ ફોક ! – હરિ, હું…

 .

શબ્દ-સાધનાનો વરવો શો

મને ચઢ્યો’તો કેફ !

હ્સ્વ ઇ દીર્ઘ ઈ કાંઈ ન સમજું

અનુસ્વાર કે રેફ !

નામ તમારું ચઢ્યું અધર પે

પૂર્યા મંગલ ચોક ! – હરિ, હું…

 .

નામ રટણના દીવા ઝળહળ

ઉજાસ બત્રીસ કોઠે;

રહી કશી ના અવઢવ અબ તો

જે હૈયે તે હોઠે !

ઓચ્છવ આઠે પ્રહર મંત્રના

નહીં સંતાપ કે શોક ! – હરિ, હું…

 .

( ભગવતીકુમાર શર્મા )

ધ્યાન ખેંચે છે – નીતિન વડગામા

.

ભરેલું પાત્ર ઢોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

સરોવર સાવ ડહોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

ધરીને ધ્યાન ઊભો એ જ બગલો શાંત પાણીમાં,

અચાનક ચાંચ બોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

નથી વાવ્યું-ઉછેર્યું ઝાડ એણે તોય એ પાછો-

અકારણ પાન તોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

હતું ખંડેર જેવું ઘર હજી છે એમનું એમ જ,

ફક્ત દીવાલ ધોળીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

નથી કૈં પંથ નક્કી કે પ્રયોજન પણ નથી નક્કી,

અમસ્તો સાવ દોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

.

પ્રથમ સૌ મારતા ભેગા મલીને હાથમાં ખીલા,

પછી બે હાથ જોડીને બધાનું ધ્યાન ખેંચે છે.

 .

( નીતિન વડગામા )