ૐ સ્વાહા – જગદીપ ઉપાધ્યાય

છાતીની વેદીમાં કરવાને બેઠા પીડાઓનો હોમ; ૐ સ્વાહા

તરવરતી જોવનાઈ, ઊછળતા શ્વાસો ને થનગનતાં રોમ; ૐ સ્વાહા

.

ઘરબાર બાળીને કીધાં કંઈ ખાખ અને ચોળી છે ભસ્મ એ લલાટે,

જીવતાં જ માંડ્યાં જગતિયાંઓ, પુણ્યદાન કરીએ દીવાનગીને ઘાટે,

સ્વાહા ૐ દુનિયાના ડહાપણ ને ઊંચા રિવાજોનું વ્યોમ; ૐ સ્વાહા

.

વેઠીએ ચાલ દંખ; ફૂલોનો લીધો છે પથ તો શું ઉઝરડા ગણવા ?

આતમને મારીને લાખ મળે સુંવાળાં એવાં શું સુખોને કરવાં ?

આપો હે પ્રેમદેવ ! દર્દો, ને દર્દો સહેવાનું જોમ; ૐ સ્વાહા

.

( જગદીપ ઉપાધ્યાય )

સાદ કરો ના અમને – ઉષા ઉપાધ્યાય

મૂળથી જઈએ ઉખડી એવો

સાદ કરો ના અમને…

.

તમે પવનનું રૂપ બાવરું

પળમાં આવી ઘેરો,

અમે ન લાવ્યાં પાંખ અમોને

ફોગટ લાગે ફેરો,

ઊડવાની રઢ જાગે એવો

સાદ કરો ના અમને…

.

જળના છાંટે જલી જવાનું

પથ્થરને ક્યાં સ્હેલ ?

રણ વચ્ચે અટવાતાં પાને

અમથી સઘળી રેલ,

જાશું કરવત-કાશી હરપળ એવો

સાદ કરો ના અમને…

.

( ઉષા ઉપાધ્યાય )

તૈયાર છું – દિનેશ કાનાણી

ભાર વધતો જાય તારા ભારથી

એટલું રમતો નહીં સંસારથી !

.

એ હદે કિસ્મત સતાવે છે મને

આગ લગે છે હવે ઝબકારથી.

.

એક સાથે તાલીઓ પડતી રહી,

ફૂલ દોર્યું એમણે તલવારથી.

.

કેટલા દુ:ખ દૂર ચાલ્યા જાય છે,

જોગ ને સંજોગના સ્વીકારથી.

.

તું કહે ત્યાં આવવા તૈયાર છું,

તું મને બોલાવજે પડકરથી !

.

.( દિનેશ કાનાણી )

સિવાય શું છે ? – ભગવતીકુમાર શર્મા

હોવું-ન હોવું મારું પિંજર સિવાય શું છે ?

પંખીને પીંછે પીંછે કળતર સિવાય શું છે ?

.

માનો તો આ હયતી ઈશ્વર સિવાય શું છે ?

મનો નહીં તો કેવળ સિવાય શું છે ?

.

મોતીની સાથે એને સરખાવી પણ શકો છો,

ને આમ અશ્રુબિન્દુ ઝરમર સિવાય શું છે ?

.

સૂરજની સાથે ઊગે, સૂરજની સાથે ડૂબે !

પડછાયાની આ દુનિયા હરફર સિવાય શું છે ?

.

ફૂલોનું આ મહેકવું બે-ચાર પળની ઘટના;

એની સુગંધ આખર અત્તર સિવાય શું છે ?

.

ખંખેરતા રહો જો ઊજળી એ ચાંદનીશી;

આ જિન્દગી કબીરી ચાદર સિવાય શું છે ?

.

એ વાત છે જુદી કે રસ્તો કપાતો રહે છે:

બાકી સફર આ આખી ઠોકર સિવાય શું છે ?

.

( ભગવતીકુમાર શર્મા )

ખતરનાક છે – ભાવેશ ભટ્ટ

હોય કાયમની રાહત, ખતરનાક છે !

આ તમારી મુસીબત ખતરનાક છે !

.

ગાલ બીજો ધરે વાત પતતી નથી,

એક તરફી શરાફત ખતરનાક છે !

.

આમ ઈશ્વરમાં કંઈ ખાસ વાંધો નથી,

ફક્ત બેચાર બાબત ખતરનાક છે !

.

પ્રેમથી આ તિરાડોનો સ્વીકર કર,

દર્પણોની મરમ્મત ખતરનાક છે !

.

ક્યાંકની ચિઠ્ઠિ દે ક્યાંક, હાથે કરી !

એ કબૂતર તો સખ્ખત ખતરનાક છે !

.

( ભાવેશ ભટ્ટ )

ચાલતા રહીએ સતત – કિરણસિંહ ચૌહાણ

માણવા જેવી સફર છે, ચાલતા રહીએ સતત,

આપણી ગમતી ડગર છે, ચાલતા રહીએ સતત.

.

રાહ જોતી એક નજર છે, ચાલતા રહીએ સતત,

એની આ સઘળી અસર છે, ચાલતા રહીએ સતત.

.

પગલે પગલે થાકને બદલે મળે આરામ જ્યાં,

જાણે આખો રસ્તો ઘર છે, ચાલતા રહીએ સતત.

.

આટલે ઊંચે જવાનો અર્થ સમજ્યા કે નહીં ?

આપણું બહુ ઊંચું સ્તર છે, ચાલતા રહીએ સતત.

.

શ્વાસનો એક જ વિસામો કેટલો ભારે પડે,

જિંદગી બહુ માપસર છે, ચાલતા રહીએ સતત.

.

( કિરણસિંહ ચૌહાણ )

લાગે છે – ચિન્મય શાસ્ત્રી

તમારા સ્વપ્નનો ચહેરો નવું કિરદાર લાગે છે,

નજર-અંદાઝ કરવામાં નજરને વાર લાગે છે.

.

અનાયાસે તમારું કોઈ અણધાર્યા સ્થળે મળવું,

ક્ષણોનો ગુપ્ત કમરામાં થતો શણગાર લાગે છે.

.

સમયસર મુખ્ય બાબતની કબૂલતો કરી બેઠો,

હવે અંજામની ચિંતા ઘણી બેકાર લાગે છે.

.

અહો ! શું ખુબસૂરત છે અદા રજૂઆત કરવાની,

તમારો આગવો ઈનકાર પણ વહેવાર લાગે છે.

.

હશે વ્યક્તિત્વની તાસીર કે મહેફિલની રંગતમાં,

તવાયફને બધાની આંખમાં સૂનકાર લાગે છે.

.

( ચિન્મય શાસ્ત્રી )

મન – કિરીટ ગોસ્વામી

સાવ ખાલી બાંકડા જેવું જ મન,

ભીડ વચ્ચે રાંકડા જેવું જ મન…

.

આમ સૂકું તોય લીલપ સાચવે :

કોઈ એવાં લાકડા જેવું જ મન…

.

ઘાટ તારી લાગણીના બસ, ઘડે :

નિત્ય ફરતા ચાકડા જેવું જ મન…

.

સાવ સીધા છે બધાયે માર્ગ તો;

બસ, મળ્યું છે વાંકડા જેવું જ મન…

.

કેમ જીતવો જિંદગી નામે જુગાર ?

છે અધૂરા આંકદા જેવું જ મન…

.

( કિરીટ ગોસ્વામી )

સમજાતું નથી મને – પ્રાણજીવન મહેતા

કેમેય સમજાતું નથી મને,

જીવવાના વાંકે ને પછી

મરવાના કારણે-

શું છે આ લડાઈ.

 .

આ તો  ખટપટોનો છે

આ ખેલ-તમાશો

જોયા કરું છું નિતનિત

અહીં બેસી દેખું રોજબરોજ

આ તત્વ-તમાશો

જોઈ રહું અનલ-અનિલ

પેલું આકાશ ને અવકાશ પણ

આમ ધરા ફરતે ફરતો રહું

જાણ્યે-અ-જાણ્યે.

 .

અહીં જિહ્વા, મન, બુદ્ધિ

ચિત્ત ચોમેરે આંટા-ફેરા

કરતા જોઈ રહું.

 .

હું જ મને પૂછવા બેસું-

સમ-વિસમ

શું છે આ મારી અકથ

અર્થ-કહાની ?

 .

( પ્રાણજીવન મહેતા )

બપોર અને વંટોળ – ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

ધોમ ધખ્યો મધ્યાહ્ન તણો ને સ્થંભ્યા રણવગડાના વા,

સ્થંભ્યો શિર પર સૂરજ આવી લૂક લાગી તન સળગાવા,

ગરમીના સંધાયા દોર, બળબળતા જામ્યા બપ્પોર.

 .

સૂમસામ સૌ દુનિયા દીસે વગડો તો સુનકાર પડ્યો,

ઉજ્જડમાં વેતાલ સમો ત્યાં ચકર ચકર વંટોળ ચડ્યો;

એ તો ભારે મસ્તીખોર  બળબળતા જામ્યા બપ્પોર.

 .

ફરફરફર ફુદડી ફરતો મેદાનેથી ભ્રમણ ચડ્યો,

વન-વસ્તીમાં ધૂમ મચવતો વૃક્ષ સાથે જાય લડ્યો;

ઉન્મત સરખો એનો તોર,  બળબળતા જામ્યા બપ્પોર.

 .

ધૂળ જુએ ત્યાં ધમાલ કરતો ગાંડો થઈ આળોટી પડે,

ઉડાડી આકાશે ગોટા ઊંચો ઊંચો ખૂબ ચડે;

વધતું વધતું કરતો જોર,  બળબળતા જામ્યા બપ્પોર.

 .

સૂકાં પર્ણો, કૂચો, કચરો ઉછાળી ઊંચા લઈ જાય,

જ્યાં જ્યાં આગ ઝરે ત્યાં ત્યાં એ જરાકમાંથી જબરો થાય;

ઘરરરર ફર છર કરતો શોર, બળબળતા જામ્યા બપ્પોર.

 .

માંકડાંનાં માથાં ફાટે એવો તીખો તાપ તપ્યો,

અકળાયો તરસ્યો મુસાફર રડ્યો ખડ્યો કો જાય ધપ્યો;

જોતો એ વિશ્રાંતિ ઠોર,  બળબળતા જામ્યા બપ્પોર.

 .

મહેલ બગીચા કુંજભવનમાં શ્રીમંત દુનિયા થાતી ગેબ,

નિર્ધનનાં તન કરે મજૂરી પરસેવે તો ઝેબેઝેબ;

કેવા જીવનવિગ્રહ ઘોર,  બળબળતા જામ્યા બપ્પોર.

 .

ચાર ઘડીના વૈભવ જેવાં ઝાંઝવાં ઝળ ઝળ ઝળ ઝળ બળે,

તેની સામે દોડી દોડી હરણાંઓ તરસે ટળવળે;

તોય અજબ આશાની દૌર,  બળબળતા જામ્યા બપ્પોર.

 .

ગીધ ને સમડી ગગન ચડ્યાં જો કપોત બેઠો ઘૂઘૂ કરે,

તેતર ચકલાં ગુપચુપ છૂપ્યાં બાજ શિકારી ફેરા ફરે;

જંપ્યાં મધુરાં કોયલ મોર,  બળબળતા જામ્યા બપ્પોર.

 .

ધગધગતી ધરતીની ઝાળે ખેડૂતો શેકાતા અંગ,

બળદિયાનાં પૂંછ મરડતા આવે સાંતીડાં લઈ સંગ,

ધીંગા ધડબા સાવ નકોર, બળબળતા જામ્યા બપ્પોર.

 .

( ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ )